પાણીપૂરી પર પ્રતિબંધ નથી …

Pani Puri

પાણીપૂરી પર પ્રતિબંધ નથી! આ વાક્ય ‘ઈશ્ક પર જોર નહિ’ જેવું ભલે લાગે પણ તાત્વિક રીતે બંને પાછળનો ભાવ એક જ છે. માણસને અને એમાં પણ મહિલાઓને પાણી પૂરી ખાતા કોઈ રોકી શકે એમ નથી. દેન છે કોઈની કે એના હાથમાંની પૂરીને કોઈ હાથ અડાડે? ચાહે આંધી આયે, તૂફાન આયે, ભૂચાલ આયે … પૂરી સે એક બૂંદ ન છલકે અગર છલકે તો કાયદે સે ઉન કે મુંહ મેં છલકે. સોરી, એકદમ બચ્ચન સાહેબ યાદ આવી ગયા.

હા, તો વડોદરામાં કમળો, કોલેરા અને અન્ય રોગચાળા માટે કારણભૂત હોવાની શંકાથી પાણીપૂરીના વેચાણ ઉપર પર હંગામી ધોરણે પ્રતિબંધ મુકાયો હતો. કાયમી પ્રતિબંધ મુકાય તો દારૂબંધી અને ઇન્ટરનેટબંધી પછી ગુજરાતનો આ ત્રીજો મોટો પ્રતિબંધ ગણાશે. કેટલાય મહિલા સંગઠનો આને મહિલા વિરોધી નિર્ણય ગણાવે છે અને નારીઓના આ કુદરતી અધિકારની રક્ષા માટે મહિલા આયોગ દરમ્યાનગીરી કરે એ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે. તો પુરુષ સંગઠનો અને વોટ્સેપ સેના દારૂબંધી પછી પાણીપુરી બંધીને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં અગત્યનું પગલું ગણાવે છે. જોકે ૧૦ રૂપિયાનો સવાલ એ થાય છે કે પાણીપુરી બંધ થવાથી પુરુષોનો હરખ કેમ સમાતો નથી?

કોઈપણ પ્રકારે સ્ત્રીઓના આકર્ષણનું કેન્દ્ર બનવું એ પુરુષસહજ વૃત્તિ છે. આ એક કારણ છે કે જેને લીધે પુરુષો પાણીપુરીવાળા ભૈયાથી બળે છે. અહીં ભૈયો એ હરીફ છે. ભૈયા અને પાણીપુરીની લારીની આસપાસ ટોળે વળતી સ્ત્રીઓનું દ્રશ્ય કોઈ પણ પુરુષ માટે ઈર્ષાકારક છે. મોટા ભાગના પુરુષો આવા ભૈયા, ટેલર્સ, અને મહિલાઓને કોસ્મેટીક્સ અને હોઝિયરી વેચતા વેપારીઓની છુપી ઈર્ષ્યા કરતા હોય છે. ઘરમાં પતિને આંખને ઇશારે નચાવતી માનુની હાથમાં પ્લેટ પકડીને ધીરજપૂર્વક પોતાના વારાની રાહ જોતી ચુપચાપ ઉભી હોય એવો પ્રભાવ ઉભો કરવો પતિવર્ગ માટે સ્વપ્નવત છે.

ઘણી સ્ત્રીઓ પાણીપુરીની ક્વોલીટીથી, ખાસ કરીને પાણી અને ચણા-બટાટાની લુગદીથી, સંતૃષ્ટ ન હોઈ ઘેર જાતે પાણીપુરી બનાવે છે. એમાં પૂરી બહારથી લાવે અને બાકીનું ઘેર બનાવે છે. પણ ભોગેજોગે પૂરી લાવવાના અંદાજમાં જો ગડબડ થાય, તો ઘરમાં પાણીપુરી સપ્તાહ ઉજવાઈ જાય છે. મહદઅંશે તો પાણી વધે અને પુરીઓ ખલાસ થઇ જાય એટલે બીજા દિવસે ફક્ત પૂરીઓ લાવવામાં આવે છે. બીજી બેઠક પછી વધેલી પૂરીઓના પ્રમાણમાં પાણી ન વધે એટલે ત્રીજા દિવસે પાણી, ફુદીનો અને તૈયાર મસાલો નાખીને મહેફિલ જમાવવામાં આવતી હોય છે. આશ્ચર્યજનક રીતે ત્રીજા દિવસની પાણીપૂરીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવે છે, કારણ કે એના સ્વાદનું ફાઈન-ટ્યુનીંગ થયેલું હોય છે.

પૂરીઓ ઘણી વધારે આવી ગઈ હોય તેવા કિસ્સામાં પહેલા દિવસે પાણીપુરી, બીજા દિવસે સેવપૂરી, ત્રીજા દિવસે દહીપુરીની લહેજત માણવામાં આવે છે. ચોથા દિવસે ભાઈ ઘેર ફોન કરીને પૂછી લે છે કે ‘ઘેર પાણીપૂરી પૂરી થઈ કે નહીં?’ અને જવાબ જો ‘ના’ આવે તો ‘આજે મારે પાર્ટી સાથે એકાએક બહાર ડીનરનું નક્કી થયું એટલે ચેક કરવા ફોન કર્યો કે ઘેર બગડે એમ તો નથી ને’, કહી બહાર જમીને ઘેર આવે છે. બીજી સવારે ઓફિસ જતા પહેલા પાછો ફ્રીજ અને ડબ્બા ચેક કરીને જાય છે કે ‘પૂરી પૂરી થઈ કે નહીં’. આવું છેલ્લી પૂરી સુધી ચાલતું હોય છે. મનુષ્યની આ વૃત્તિને લઈને જ રાત્રે વાળુ માગવા આવનારને કદી પાણીપૂરી ખાવા મળતી નથી.

કોઈપણ સ્ત્રી ઘેરથી પાણીપુરી ખાવા જાઉં છું એમ કહીને નીકળતી નથી. પોતાના વ્હાલા સ્વજનોને મુકીને એકલા એકલા પાણીપૂરી ખાવાનો એનો ઈરાદો પણ હોતો નથી. છતાં સોલો શોપિંગ ટ્રીપ, શાકમાર્કેટ કે બ્યુટીપાર્લર તરફ ઉદ્ભવેલી ટ્રીપ ફંટાઈને પાણીપુરીની લારી તરફ કેમ વળી જાય છે એનું કારણ મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો આજ દિન સુધી શોધી શક્યા નથી. પતિને તડ અને ફડ મોઢા પર કહી દેવામાં વાર ના લગાડતી સ્ત્રી પાણીપુરી ખાવાની વાત પતિથી શું કામ છુપાવે છે તે સમાજશાસ્ત્રીઓ માટે પણ મોટો કોયડો છે.

શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો શાકમાર્કેટ આસપાસ ફરતી ગાયો અને પાણીપુરીવાળાની આસપાસ એકત્ર થતી સ્ત્રીઓના ટુ વ્હીલર્સને કારણે થાય છે. રાત્રે ધંધો વધાવ્યા પછી લારીની નજીકમાં જ ઢોળવામાં આવતું ડીશો ધોયેલું પાણી આમ તો ગંદકી જ કરે છે પરંતુ કદાચ એમાંથી ઉઠતી પાણીપૂરીની વિશિષ્ઠ ગંધ બીજા દિવસે પણ ગ્રાહકોને આકર્ષતી હશે.

એક જમાનામાં કુવે કે નદીએ પાણી ભરવા જવાને બહાને સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા મળતું. એટલે જ જયારે ઘેર-ઘેર નળ દ્વારા પાણી આપવામાં આવ્યું ત્યારે અમુક ઠેકાણે એનો વિરોધ પણ થયો હતો. હવે નર્મદા યોજના જેવી યોજનાઓને કારણે જયારે પાણી ઘેર ઘેર પહોંચી ગયું છે ત્યારે સ્ત્રીઓ, ખાસ કરીને ગૃહિણીઓ, માટે ઘરની બહાર જવા માટે પાણીપુરી એ એક મજબૂત કારણ છે. આમાં પાણી લેવા જવાની પરમ્પરાનું સાતત્ય પણ જળવાઈ રહે છે. આમાં પાણી ભરેલી પૂરી માથે મુકીને મલપતી ચાલે ઘરે આવવાનું હોતું નથી એટલો જ ફેર. પાછું દસ રૂપિયા જેવી સામાન્ય રકમ કોઈને પણ પોસાય છે. સૌથી અગત્યનું જીભનો ચટાકો પૂરો થાય એ છે.

હજુ પણ મોટેભાગે રસોઈનું કાર્ય સ્ત્રીઓ જ સંભાળે છે. ક્યાંક સસરાના પાઈલ્સ ને ક્યાંક સાસુના અલ્સરને કારણે સકારણ અથવા અકારણ સ્વાદ વગર બનતી રસોઈ પાણીપુરીની જરૂરિયાત ઉભી કરે છે. અવારનવાર શાકમાર્કેટ કે ખરીદી કરવા જતી સ્ત્રીઓને પાણીપૂરી ખાવાનો મોકો આસાનીથી મળી રહે છે. આમ એમની લાલસા સમયાંતરે સંતોષાતી રહેતી હોઈ ઘેર પાણીપૂરી બનાવવાનો કાર્યક્રમ પાછો ઠેલાતો રહે છે, જેને લીધે પુરુષવર્ગ પાણીપૂરીથી વંચિત રહી જાય છે. પરંતુ અમારું અનુમાન છે કે સંપૂર્ણ પ્રતિબંધ ન મુકાય તો પણ સ્વચ્છતાના દુરાગ્રહના કારણે લારીની પાણીપુરી એનો અસલ સ્વાદ ગુમાવશે અને ઘેર પાણીપૂરી બનાવવાનું ચલણ વધશે. એટલે જ આ પ્રતિબંધને લઈને પુરુષવર્ગ ખુબ જ ઉત્સાહિત જણાય છે. તથાસ્તુ.

મસ્કા ફન
ખુમચાવાળા ભૈયાનો મોભો સાકીથી કમ ન આંકવો કારણ કે
શરાબના તલબગારો સાકી પર આટલી હદે ફિદા નથી હોતા!

Advertisements
Posted in નવગુજરાત સમય | Tagged , , , | 3 ટિપ્પણીઓ

સાંવલી બગલ

Saanvli Bagalજ્યારે જયારે હું અવકાશ તરફ મંડાયેલી ડીશ એન્ટેના જોઉં છું ત્યારે ત્યારે મને સેલ્ફી લેતી વખતે અફાટ આકાશ તરફ તકાયેલી બગલ યાદ આવે છે. ડીશ એન્ટેના તો અવકાશી સેટેલાઈટ તરફથી આવતા સિગ્નલ ઝીલવા માટે ગોઠવવામાં આવે છે. જયારે બગલથી કોઈ સિગ્નલ ઝીલવાના હોતા નથી. એ માત્ર સેલ્ફી ઝડપવાની ક્રિયાની આડ પેદાશ છે. પણ એના લીધે આજ દિન સુધી જે બગલો ગુમનામીના અંધકારમાં ગરક હતી એ હવે મુક્ત હવામાં શ્વાસ લઇ રહી છે. એ હકીકત છે.

સામાન્ય રીતે વસ્ત્રોના આવરણ નીચે રહેનારો આ વિસ્તાર ખુલ્લામાં આવ્યો એના મૂળ કારણો તો ભૂગોળમાં આપેલા જ છે. પરીક્ષામાં પાંચ માર્કની ટૂંકનોંધ પૂછાય તો તમે લખી શકો કે ભારત સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો પ્રદેશ છે. આપણે ત્યાં લગભગ આઠ નવ મહિના ગરમીનું સામ્રાજ્ય રહે છે. ઉપરાંત આજકાલ ડુડ ગણાતા લોકો બાયસેપ્સ બતાવવા માટે અને કન્યાઓ બોલ્ડ દેખાવા માટે બાંય વગરના કપડા પહેરે છે. કન્યાઓમાં બાંય વગરની કુર્તી, ટોપ અને બ્લાઉઝ પ્રચલિત છે. જયારે બાંય વગરના લેંઘા, પેન્ટ કે શર્ટની ફેશન હજી આવી નથી એટલે છોકરાઓ પણ બાંય વગરના ટીઝ કે પછી કેવળ ગંજી પહેરીને ફરી રહ્યા છે. એમાં ફ્રન્ટ કેમેરા સાથેના મોબાઈલનું આગમન થયું પછી તો બગલોએ આકાશ ભણી મીટ માંડી છે. વગેરે વગેરે …

Feelings August 2018

To read this article and other columns, news, discussion on current topic online, click on this link: https://www.feelingsmultimedia.com/august-2018/

આમ તો કોઈની પણ બગલ એ જે તે વ્યક્તિનો અંગત વિસ્તાર છે. ખુલ્લા પ્લોટના માલિકની જેમ એ વિસ્તારના માલિકને પણ એની સાથે મેઇન્ટેનન્સ સિવાય બીજી કોઈ લેવાદેવા હોતી નથી. પણ જેમ કોઈ વ્યક્તિ નેતા કે અભિનેતા બની જાય પછી એ જાહેર જીવનનો એક ભાગ બની જાય છે; એમ સેલ્ફી લેવા માટે હાથ ઉંચો કર્યા પછી બગલ એ જાહેર સ્થળનો ભાગ બની જાય છે. એટલે જ હવે વ્યક્તિએ પોતાની બગલ બાબતે ગંભીર થવાનો સમય આવ્યો છે. આજ દિવસ સુધી જ્યાં માત્ર સાબુ અને હાથ જ પહોંચી શકતા હતા એ વિસ્તાર હવે સમાજની નજર નીચે આવ્યો છે. અમારી તો માગણી છે કે સ્વચ્છ ભારત અભિયાનને આ સેલ્ફીબાજોની બગલ સુધી લંબાવવું જોઈએ. જાહેર સુખાકારી માટે પણ એ એટલું જ જરૂરી છે. સીધી વાત છે તમે મોલમાં મહાલવા ગયા હોવ તો આસપાસના લોકો પણ કંઈ ‘આપકી મહેકી હુઈ બગલ કી ખુશબુ’ લેવા નથી આવ્યા હોતા.

અત્યાર સુધી તો આ શરીરના આ ભાગની દરકાર લેવા માટે ડીઓડરન્ટ સ્પ્રે અને લેસર ટ્રીટમેન્ટ સિવાય બીજી કોઈ પ્રોડક્ટ કે પ્રોસીજરનો વિકાસ થયો નથી. પણ હવે આ વિસ્તાર કોસ્મેટીક ઇન્ડસ્ટ્રીના દાયરામાં આવી જ ગયો સમજો. બગલ સ્વરૂપે કોસ્મેટિક પ્રોડકટસ માટે એક આખું નવું ક્ષેત્ર ખુલ્યું છે. શક્ય છે કે ટૂંક સમયમાં જ આપણને ટીવી ઉપર ‘બગલ કી ત્વચા કી નમી’, ‘કાંખ કે ગોરેપન કા રાઝ’ અને ‘અન્ડર આર્મ કી ત્વચાકી દેખભાલ’ને લગતા કાર્યક્રમો અને ટીવી કોમર્શીયલ્સ જોવા મળી શકે. બગલના કીટાણું માટે તો અત્યારે એ લોકો આપણી મેથી મારી જ રહ્યા છે પણ પછી ‘બદબુદાર  બગલ’ને લઈને ડીપ્રેસનમાં આવી ગયેલા કોઈ જાડિયાને કહેતા સાંભળશો કે “મૈ બહોત પરેશાન થા. મેરી હર સેલ્ફી મેં મૈ અકેલા હી હુઆ કરતા થા. જબ ભી મેં સેલ્ફી કે લિયે હાથ ઉપર કરતા થા તબ મેરે સબ દોસ્ત ભાગ જાતે થે. અબ મૈ ખુશ હું. ક્યોં કી અબ મેરે પાસ હૈ બગલ બહાર લોશન. સિર્ફ સાત દિન મેં બાગલીસ્તાન મેં બહાર!’ ‘ધૂપ સે બગલ કી સુરક્ષા’ બાબતે પણ આપણને સજાગ કરવામાં આવશે. સફેદ એપ્રન પહેરેલી મોડેલ આપણને તતડાવશે કે ‘ઉત્તરાયણના દિવસે આખો દિવસ તડકામાં સેલ્ફીઓ લઇ લઈને તમે તમારી બગલની શું હાલત કરો છો! તાપથી બચવા માટે માથા ઉપર કેપ અને આંખ ઉપર ગોગલ્સ પહેરો છો અને બગલ માટે કંઈ નહિ? અમારું બગલ વિલાસ ક્રીમ એક માની જેમ આપની બગલની સંભાળ લેશે અને એને બચાવશે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી.’ એ લોકો સેલ્ફી સ્ટીક મેન્યુ ફેકચરર સાથે કોલાબોરેશન કરશે પછી તો સેલ્ફી સ્ટીક વડે ફોટો ક્લિક કરતી વખતે સ્ટીકના બીજા છેડેથી બગલ તરફ પરફ્યુમનો ફુવારો છૂટે એવા મોડેલ પણ બજારમાં આવશે.

બસ, હવે કલ્પનાનું ગધેડું આટલે જ અટકાવીએ. આ બધું પુરાણ કરવાનું કારણ એટલું જ કે અત્યાર સુધી અગોચર રહેલા આ વિસ્તારોની જમીની હકીકત જોઇને અમે ચોંકી ઉઠ્યા છીએ. એટલે અમારી આજીજી ભરી વિનંતી છે કે શરીરના આ અગત્યના વિસ્તારને જો તમે સરકારી ખરાબાની જમીનની જેમ ટ્રીટ કરતા હોવ તો પ્લીઝ આખી બાંયના કપડા પહેરવાનું રાખજો. કમસે કમ સેલ્ફી લેતી વખતે તો ખાસ. સમાજ માટે તમે આટલું તો કરી જ શકો.

सुन भाई साधो …

“પાંચસો ગ્રામ દાળવડા આપો ને”
“ખાવાના છે?”
“ના. સોસાયટીવાળા ભેગા થઈને દાળવડાથી મારદડી રમવાના છીએ”

—–X—–X—–

Posted in कहत बधिरा... | Tagged , , , | 2 ટિપ્પણીઓ

અમદાવાદનું ભજીયા-દાળવડા કલ્ચર

દાળવડા લારીથી આગળ વધી નથી શક્યા જયારે ભજીયાવાળા પાછળ આખું ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ લાગેલું છે

વરસાદ વિના અઠંગ દાળવડાબાજો દાળવડાને સુંઘે પણ નહિ. આર્દ્રા નક્ષત્ર બેસે,
કેરી ખાવાનું બંધ થાય અને ખાસ તો વરસાદ પડે પછી જ દાળવડાની મહેફીલો મંડાય

Dalvada Cultureમદાવાદમાં દશેરાએ ફાફડા જલેબી અને ચોમાસું આવે એટલે ભજીયા-દાળવડાની દુકાનો પર લાઈનો લાગે છે. સામાન્ય રીતે જયારે સપ્લાય કરતા ડિમાંડ વધે ત્યારે લાઈન લાગે. મફત ન મળતું હોય છતાં લાઈન લાગતી હોય એવું સુરતમાં તો બને, હવે અમદાવાદમાં પણ બનવા માંડ્યું છે એની નવાઈ છે.

અમદાવાદની દાળવડા સંસ્કૃતિના પ્રસારમાં પશ્ચિમ અમદાવાદનો ફાળો વિશેષ રહ્યો છે. અમદાવાદમાં દાળવડાની પહેલી લારી ક્યારે શરુ થઈ અને કોણે કરી, એ જાણવું હોય તો તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. અમે ગુગલ કે બીજેથી ઉઠાવેલી વાસી વાતોને ફરી તળીને પીરસવામાં નથી માનતા. અમે પેલ્લા ઘાણના લેખક છીએ. ચોખવટ પૂરી. જેમ મનુષ્ય યોનિમાં કરોડો લોકો જન્મ લે છે પરંતુ એમાંથી સો-બસો જ પોતાનું નામ કરી જાય છે, એમ દાળવડા બનાવનારા ઘણા હશે, પણ દાળવડા તો ખાડાના જ – આવી માન્યતા અમદાવાદીઓ રાખે છે, ખાસ કરીને પશ્ચિમ અમદાવાદવાસીઓ. જેમ સારા અને ખરાબ માણસો એમના વર્તનથી આપોઆપ ઓળખાઈ આવે છે, એમ સારા દાળવડા અને ખરાબ દાળવડા દુકાન પર લાઈન લાગે છે કે નહીં તે જોવાથી આપોઆપ ઓળખાઈ આવે છે. નેતાના ભાષણમાં દમ ના હોય છતાં એની સભામાં ભીડ થતી હોય એવું બને, પણ દાળવડામાં દમ ના હોય તો એની દુકાન પર લાઈનો નથી લાગતી.

મનુષ્યો માટે એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે પણ દાળવડા અને ભજીયાના કારીગરો આ બાબતે ભગવાનથી જુદા પડે છે. દાળવડાને કોની સાથે પેર કરવા અને ભજીયાને કોની સાથે પરણાવવા એ કારીગર નક્કી કરે છે. સામાન્ય રીતે દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી આપવાનો રીવાજ છે. કઢી, આમલીની ચટણી કે પપૈયાના સંભારા સાથે દાળવડા પીરસનાર કારીગર કુંભીપાક નામના નરકને પામે છે જેમાં યમના દૂતો નારકીઓને પકડીને તપાવેલા વાસી-ખોરા તેલમાં નાખે છે. ટૂંકમાં મફતમાં મળતું હોય તો દીવેલ પણ પી જાય એવા અમદાવાદની તાસિર દાળવડાના કારીગરને ખબર હશે અને એથી જ એ લોકો મરચાં અને ડુંગળી જેવા તામસી અને એકલા ન ખવાય એવા તત્વોનું દાળવડા સાથે પેકેજીંગ કર્યું છે. બાકી ફાફડા સાથે કઢી મફત મળતી હોવાથી વાડકીમાં કાઢી કાઢીને લોકો પી જાય છે. પપૈયાનું છીણ હોય તો એનો પણ બુકડો ભરી જાય. પણ તળેલા મરચાં તો એક દાળવડા સાથે એકથી વધારે ન જાય, નહીતર બીજા દિવસે પસ્તાવો થાય!

ભજીયા સાથે શું આપવું એ ચણાના લોટના આવરણ નીચે શું છે એના પરથી નક્કી થાય છે. મરચાના ભજીયા સાથે મરચા અને કાંદાના ભજીયા સાથે સમારેલી ડુંગળી આપવી એ ખાતર ઉપર દીવેલ જેવું ગણાય. મરચાની તીખાશ ન લાગે એ માટે મરચાના ભજીયા સાથે આમલીની ચટણી આપવાનો રીવાજ છે. બટાકાની પતરીના ભજીયા કોઈની કંપનીના મોહતાજ નથી. એટલે જ બટાકાના ભજીયા અને બટાટાવડા ભોજનની થાળીમાં સ્થાન પામે છે. તમને ભોજન સમારંભના મેનુમાં ભજીયા મળી આવશે પણ દાળવડા શોધ્યા નહિ જડે. દાળવડાના પાછા ટાઈમિંગ હોય છે. આર્દ્રા નક્ષત્ર બેસે, કેરી ખાવાનું બંધ થાય અને ખાસ તો વરસાદ પડે પછી જ દાળવડાની મહેફીલો જામે છે. વરસાદ વિના અઠંગ દાળવડાબાજો દાળવડાને સુંઘે પણ નહિ. આ જ કારણથી અકડુ પ્રકૃતિના દાળવડા લારીથી આગળ નથી વધી શક્યા, જયારે ભજીયાવાળા પાછળ આખું ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ લાગેલું છે. પન ઈન્ટેન્ડેડ.

દાળવડાતુર વ્યક્તિએ લાઈનમાં ઉભા રહી દાળવડા તળાતાં, જોખાતા અને પડીકે બંધાતા જોવા સિવાય બીજું કંઈ કરવાનું હોતું નથી. બાકી હોય એમ લાઈનમાં પણ મોટે ભાગે પુરુષો જ હોવાથી બીજી કોઈ રીતે ટાઈમપાસ થઈ શકતો નથી. આ સંજોગોમાં બળેલા તેલના રગડાથી મઢેલી તેલની કઢાઈ અને સદ્યતલિત (નવો શબ્દ જન્મ્યો છે) એટલે કે તાજા તળેલા દાળવડા તરફ જ બધાની નજર હોય છે. કઢાઈની પાછળ કરડા મોંવાળા, લાઈનથી કદી ન કંટાળતા રવજીભાઈ, ધનજીભાઈ, કે રમણભાઈ બેઠેલા હોય છે જે ભાગ્યે જ વાચાળ હોય છે. બીજા કેટલાય ધંધામાં ધંધાર્થી ચાલુ કામકાજે તમારી સાથે વાતો કરે, હસી-મજાક કરે. પરંતુ દાળવડા વેચનાર માટે બીઝનેસ મીન્સ બિઝનેસ. દાળવડા વેચનાર ફર્સ્ટ-ઇન-ફર્સ્ટ આઉટ (ફીફો) અથવા ટોકન સિસ્ટમ પ્રમાણે રૂપિયા પહેલા આપનારનું પડીકું પહેલું બાંધે છે. આ બતાવે છે કે દાળવડાનો ધંધો કરનાર મેનેજમેન્ટના સિદ્ધાંતો બરોબર જાણે છે.

જેમ દારૂના પીઠામાં દૂધ ન મળે, એમ દાળવડા વેચનારા જવલ્લે જ ભજીયા વેચતા હોય છે. માર્કેટિંગમાં ભલે ‘રાઈટ પ્રોડક્ટ મિક્સ’ શીખવાડવામાં આવતું હોય, પણ આ લોકોને દાળવડા પર એટલી શ્રધ્ધા હોય છે કે એક જ પ્રોડક્ટ પર સાત પેઢીઓ ચાલી જાય છે. એ રીતે દાળવડાએ ‘એકલા ચાલો એકલા ચાલો એકલા ચાલો રે …’ ને સાર્થક કર્યું છે. બર્ગર, સેન્ડવીચ, કે આઈસ્ક્રીમની દુકાનમાં પ્રોડક્ટના જાતજાતના કલરફૂલ ફોટા લાગેલા હોય છે. પરંતુ દાળવડાની દુકાનમાં હનુમાનજી કે મહાદેવજી જેવા કોક એકાદ દિવાલ પર મરકતા બેઠા હોય કાં કાળી ટોપી પહેરેલા લારીના સ્થાપકનો ફોટો હોય. બાકી દાળવડા વેચવા તમારે પ્રોડક્ટ ફોટોગ્રાફી નથી કરાવવી પડતી. આથી વિશેષ દુકાનમાં કોઈ સાજસજાવટ પણ નથી હોતી. એક લારી મુકાય એટલી જગ્યામાં દાળવડાનો ધંધો શરુ કરી શકાય છે. આઈઆઈએમ સંસ્થાન દ્વારા આ દાળવડા માર્કેટિંગ કે બિઝનેસ સ્ટ્રેટેજી અંગે કોઈ સંશોધન પત્ર હજુ સુધી બહાર નથી પડ્યું, જે ગુજરાત અને દેશના અન્ય પ્રદેશમાં વસતા લોકોનું દુર્ભાગ્ય છે.

મસ્કા ફન

“તારે કપાલભાતિ પ્રાણાયામ કરવો હોય તો દૂર જઈને કર, મારા મમરા ઉડી જાય છે” – વિશ્વ યોગ દિવસે સાંભળેલું

Posted in નવગુજરાત સમય | Leave a comment

તમે ઓલું લાવજો પેલું લાવજો …

Tame Olu Lavjo Pelu Lavjo

પ્રસ્તુત લેખ અને બીજા રસપ્રદ સમાચાર, લેખો અને વાર્તા ઓનલાઈન વાંચવા માટે આ લિંક ઉપર ક્લિક કરો: https://www.feelingsmultimedia.com/1st-july-2018/

‘તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા …’ એ આપણું એક પ્રચલિત લોકગીત છે જે નવરાત્રીમાં પણ ગવાય છે. એ ગીતમાં આમ તો મારવાડીને મારવાડ જવાનું કહેવામાં આવ્યું છે. આપણો કેરાલીયન પંચરવાળો કે ટાઈપીસ્ટ કેરાલા જાય એટલી જ સાહજિક વાત છે, છતાં પણ કેરાલીયનને કેરાલા જવાનો આદેશ કરતું કે આજીજી કરતું લોકગીત સાંભળવામાં આવ્યું નથી. કદાચ રાજસ્થાન નજીક છે એટલે જાય તો જલ્દી પાછો આવે એ જ ઈરાદો હોઈ શકે. બાકી કેરાલીયન સાથે સંબંધ સારા હોય તો લોકગીતમાં મારવાડી પાસે જે જે વસ્તુઓ મંગાવવામાં આવી છે એ – ઓલું, પેલું, પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા, કચકડાની દાબડી – ઉપરાંત લુંગી અને લીલા નારિયેળ પણ લેતો આવે એમાં બે મત નથી. ગીતમાં મારવાડ જવાનું ભાડું કોણ આપશે એની પણ ચોખવટ નથી અને મારવાડી સ્વખર્ચે મારવાડ જઈને આ બધું લઇ આવશે એની સ્પષ્ટતા પણ નથી. છતાં આ બધું જ મંગાવવામાં આવે છે. અમને આખા કાવતરા પાછળ કોઈ બહારગામ જાય તો પાછા આવતી વખતે આપણા માટે કૈંક લેતું આવે એવો પ્રજાનો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે.

આજની પેઢીને નવાઈ લાગશે પણ એક જમાનામાં બહારગામથી આવતા લોકો કુટુંબીઓ તો ઠીક પણ અડોશી પડોશીઓ માટે પણ ચીજવસ્તુઓ લાવતા. રિવાજ એટલો રૂઢ હતો કે મોટા ભાગના કિસ્સાઓમાં આવનારે પોતાના ગામ-શહેરની ખાસ ગણાતી ચીજ વસ્તુઓ લાવવી પડતી. લોકો હક કરીને મંગાવતા પણ ખરા. એ જમાનાના દેશી નાટક સમાજના એક પ્રચલિત નાટ્યગીતમાં નાયિકા એના પિયુને પેરિસનું હારમોનિયમ લઈને પહેલી પેસેન્જરમાં નીકળી જવાનું કહેતી હોય એવો ઉલ્લેખ* મળે છે. એ પ્રથા જ એવી હતી કે પેલી મંગાવે પણ ખરી અને પેલો પેસેન્જર ટ્રેનની ભીડમાં હડસેલા ખાઈને પણ હાર્મોનિયમની પેટી ઉઠાવી લાવે એવું શક્ય પણ હતું. પછી ભલે લોકો એને ગાવા-બજાવવાવાળો સમજીને એના વાજા ઉપર પાવલી-આઠ આની મુકે! પેલી માટે બધું મંજૂર.

આટલેથી પતતું હોત તો ઠીક હતું, પણ આમાં બીજી પણ ઘણી બબાલ હતી. લાવનારને ખર્ચો તો થતો જ ઉપરાંત સગાંમાં મને સસ્તી વસ્તુ આપી અને પેલીને મોંઘી વસ્તુ આપી એવા વાંધા પણ પડતા અને મહેણાં પણ સંભાળવા પડતા. અમુક સગાઓને ખાસ સાચવવા પડતા. પછી તો એક્સપ્રેસ ટ્રેનો અને હવાઈ સેવા આવી ગઈ જેથી લોકો ફરતા થયા અને જોઈતું કરતુ જાતે જ લાવતા થયા. છતાં વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે વિદેશથી આવતા લોકો પોતાના પરિવારજનો માટે ‘ઈમ્પોર્ટેડ’ ગણાતી પણ ત્યાંના માટે દેશી એવી ચીજવસ્તુઓ લાવતા અને દેશી લોકો એ ફોરેનનો માલ પોતાના ઓળખીતા પારખીતાને બતાવીને પોરસાતા.

એ જમાનામાં ઈલેક્ટ્રોનિક ગુડ્ઝ પર ભારે ઈમ્પોર્ટ ડ્યુટી લાગતી. લોકલ માર્કેટમાં માત્ર કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરાયેલી ઈમ્પોર્ટેડ ચીજ વસ્તુઓ મળતી જેની ઉપર કોઈ વોરંટી-ગેરંટી નહિ! ચલે તો ચાંદ તક નહિ તો શામ તક! હોવ. અમુક વિરલાઓ એરપોર્ટના કસ્ટમવાળાને પત્રમ-પુષ્પમ કરીને ડ્યુટી ચૂકવ્યા વગર માલ કાઢી લાવતા.

ઓનલાઈન રીટેલરોની વેબ પોર્ટલ પર અવનવી ઓફરો અને કેશબેકની ચાવીઓ લગાડીને પોતાને ગમતી બ્રાંડનો મોબાઈલ કે મ્યુઝીક પ્લેયર ‘પાડી’ લેતી અત્યારની પેઢીને અચરજ થશે કે એક જમાનામાં ઈમ્પોર્ટેડ કેમેરા કે કેસેટ પ્લેયરો જૂજ ઘરોમાં જોવા મળતા. જેના ઘરે આવો ફોરેનનો માલ જોવા મળે એમને લોકો પૂછતાં કે ‘કોઈ સગું ફોરેનમાં રહે છે?’ આવી ઈમ્પોર્ટેડ ગીફટની લોકો એટલી દરકાર કરતા કે કેસેટ પ્લેયરો પર લોકો ચામડાના કવરો ચઢાવતા. એટલું જ નહિ પણ અહી ચામડાના કવરો બનાવવાનો આખો ઉદ્યોગ ચાલતો.

પરદેશથી આવનારા લોકો ખાસ મોટી બેગો વસાવતા. અમુક બેગો એટલી મોટી રહેતી કે એમાં ફર્નીચર સાથે આખું ખાનદાન સમાઈ શકે! એક અલગ જ સમાજ વ્યવસ્થા હતી. ડોલર/ પાઉન્ડમાં કમાનારના દિલ પણ એટલા મોટા કે બેગો ચિક્કાર ભરાઈને આવતી અને વળતી મુસાફરીમાં ત્યાં ન મળતો દેશી માલ એમાં ભરાઈને જતો.

એ સમયે કોઈ એન.આર.આઈ.ના કેમેરા માટે રીચાર્જેબલ સેલની જરૂર પડતી તો એ તાત્કાલિક હાજર કરીને ‘અહી હવે બધું જ મળે છે’ એવું દર્શાવવામાં લોકો ગૌરવ અનુભવતા. જયારે અત્યારે એન.આર.આઈ. મહેમાન iPhone 8 Plus વાપરતો હોય અને ઘરધણી iPhone X વાપરતો હોય એવું પણ ક્યારેક બનતું હોય છે. ગ્લોબલાઈઝેશનના ફળ સ્વરૂપ તમે ઓલું લાવજો પેલું લાવજો … કહીને હક કરવાની નાની બકુડી ખુશીઓ પણ છીનવાઈ ગઈ છે! તો સામે ભૌતિક સુખ-સગવડ અને સાધનો બંને તરફ સરખા થતાં માનસિકતામાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઉદારીકરણની સાથે મોં મચકોડતી મામી અને વાંધા પાડતી કાકી નામની સંસ્થાઓ નામશેષ થવા આવી છે, સાથે સાથે એનઆરઆઈ કુટુંબો પરનું ‘ત્યાં જઈને બદલાઈ ગયા’નું લેબલ પણ ઘણે અંશે દૂર થઇ ગયું છે.

सुन भाई साधो …

દીકરાનું નામ ‘વૈશાખ’ પાડશો તો

એનો દીકરો ‘વૈશાખનંદન’ કહેવાશે.


* પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

Published December 28, 2010 by કૃતેશ

જેનો પ્રિયતમ પરદેશ ગયો છે અને હવે થોડા જ દિવસોમાં પરત આવી રહ્યો છે એવી મિલન ઉત્સુક નાયિકાનું હ્રદય હંમેશા ઇચ્છે કે મારો પિયુ વહેલો પાછો આવે અને સાથે ઘણિબધી ભેટ પણ લાવે. આ પ્રેમના પરમાટનું ગીત માણિયે.
નાટક – અરુણોદય
કવિ – પ્રભુલાલ દ્વિવેદી
ગાયક – દિપ્તી દેસાઈ
તમે જો જો ના વાયદા વિતાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
એક હારમોનિયમ,એક હારમોનિયમ,
એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
આવવાનો તાર મને આગળ મોકલાવજો,
તમે સામા સ્ટેશન પર સીધાવજો

—–X—–X—–

Posted in कहत बधिरा... | Tagged , , , | Leave a comment

ડાન્સ લાઈક કાકા!

મનથી માઈકલ જેક્સન પણ તનથી તૂટી ગયેલા કાકાઓ … મચી પડો!

ચાસ વર્ષના થવું એ કોઈ મોટી વાત નથી અને છે પણ ખરી. મોટી વાત નથી એટલા માટે કે જે લોકો એકાવન વર્ષથી લઈને ૧૦૨ સુધી નોટ આઉટ રહેતા હોય છે એ લોકો જીવનમાં એકવાર તો પચાસના થાય જ છે અને આજીવન ફિફ્ટી પ્લસ રહે છે. પણ જીવન ૨૦-૨૦ મેચ જેવું છે; એમાં ઘણા ૭૦ બોલમાં ૫૦ રન જેવું જીવતા હોય છે. આવા સ્ટ્રાઈક રેટથી અડધી સદી કરી ગણાય પણ એનાથી મેચ ના જીતી શકાય. પચાસ વર્ષની ઉંમરમાં છોકરા-છોકરી બેઉના લગ્ન કરી નાખ્યા હોય, ત્રણ વિદેશ યાત્રા (દુબઈ, સિંગાપોર અને નેપાળ), અને ચાર ધામ પણ કરી આવ્યા હોય. એ મોટેભાગે પેન્શન સ્કીમો વાંચવામાં દહાડા કાઢતા હોય છે. ફટ છે આવી જીંદગીને. અરે, જુઓ પેલા પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવનો વિડીયો જેમાં એણે ગોવિંદા જેવો અદ્દલ ડાન્સ કરીને આખા દેશને હલાવી નાખ્યો છે. કમસેકમ પ્રિયા પ્રકાશના આંખ મારતા વિડીયો કરતા ગોવિંદા ડાન્સ કરતા કાકા પાછળ પ્રજા ઘેલી થાય તે વધુ ઇચ્છવા યોગ્ય છે. કારણ કે પેલી તો હિરોઈન છે, કરે એ એવું બધું. કાકા કરે તે નવાઈનું છે.

એટલે જ અમારે કહેવાનું છે કે ક્યાં સુધી કાકાઓ તમે પ્રેશર-ડાયાબિટીશ-કોલેસ્ટોરોલથી ડરીને ગાર્ડનમાં ચાલવા જશો? એક વાત સમજો. માત્ર ચડ્ડી પહેરવાથી જુવાન નથી થઈ જવાતું વડીલ. અમે કંઈ તમને રણવીર કપૂરની જેમ સ્કર્ટ પહેરીને ફરવાનું નથી કહેતા. જો પ્રોફેસર શ્રીવાસ્તવે ‘લોકો શું કહેશે?’ વિચાર્યું હોત તો એ આટલા ફેમસ ના થયા હોત. હવે તમે એમ કહેશો કે ફેમસ થવું એ કોઈ માપદંડ છે? ના, ફેમસતા એ માપદંડ નથી, પરંતુ એક મિનીટ છત્રીસ સેકન્ડના વિડીયોથી કરોડો લોકોને મોજ કરાવી દેવી એ જેવી તેવી ઉપલબ્ધિ નથી. પૂછવું હોય તો પૂછી જુઓ કોઈ એવા યુથ આઇકોન નેતાને કે ત્રણસો રૂપિયા કેશ, ફૂડ પેકેટ, બે ટાઈમ ચા, અને જવા આવવાની વ્યવસ્થા કર્યા પછી પણ જેમની સભામાં ખુરશીઓ ખાલી રહેતી હોય છે.

જોકે આપણે ત્યાં ગાડરિયો પ્રવાહ છે. બાવો નાચ્યો એટલે બગલુય નાચ્યું એ ઉક્તિ સાચી ઠેરવવા એક વિડીયો વાઈરલ થયો એટલે હવે બીજા કેટલાયે કાકાઓના વિડીયો તમારા વોટ્સેપમાં ટપકશે. જરા હિંમત રાખજો. ફેસબુક ઉપર દીકરીઓ ‘માય પાપા, માય રોકસ્ટાર’ના સ્ટેટસ નીચે એમના પૂજ્ય પિતાશ્રીનો ઢંગધડા વગરનો વિડીયો મુકીને લાઈક્સ ઉઘરાવશે. આવી કન્યાઓનું બોયફ્રેન્ડપદ પામવા ઈચ્છુક નબીરાઓ ડાન્સના નામે કસરતના દાવ કરતા એ કાકાના વિડીયો પર કોમેન્ટમાં ‘વાઉ, અંકલ રોક્સ…’ લખીને હવા પણ ભરશે. ઘરમાં નવરા બેઠા બેઠા ચા-નાસ્તાના ઓર્ડરો છોડનારા રીટાયર્ડ કાકાઓને કાકીઓ ગોદા મારી મારીને ડાન્સ ક્લાસમાં મોકલશે. પરંતુ મનથી માઈકલ જેક્સન પણ તનથી તૂટી ગયેલા કાકાઓ આજકાલના એક્રોબેટિક ડાન્સ મુવ બતાવી શકે એ શક્યતા ઓછી છે. ફાંદ અને ‘વા’ની તકલીફવાળા કાકાઓને તો ભગવાન દાદા, રાજેશ ખન્ના અને બચ્ચનની ડાન્સ સ્ટાઇલ સુગમ પડે, જેમાં માત્ર ડગુમગુ ચાલતા ચાલતા ટ્રાફિક પોલીસની જેમ હાથ ઊંચા નીચા કરવાના હોય છે. આવો વિડીયો વાઈરલ થશે કે નહીં એ તો ખબર નથી, પણ લાફેબલ તો હશે જ એ લખી રાખજો.

ડાન્સ કરવામાં સૌથી પહેલા સ્ફૂર્તિ જોઈએ. ડાન્સના સ્ટેપ કરતાં કરતાં ગમે ત્યારે ૯૦ ડીગ્રીનો ટર્ન મારવો પડે કે અચાનક ચાર ડગલા દોડીને બ્રેક મારવાની પણ આવે ત્યારે આપણી આ બે પગવાળી ઓવર-લોડેડ ટ્રકો ઢસડાય એવી પૂરી શક્યતા છે કારણ કે, ભગવાને આપણા પગમાં એબીએસ, એબીડી, ઈપીએસ કે એવી બીજી કોઈ એબીસીડી અક્ષરો ભેગા કરીને બનતી હોય એવી ટેકનોલોજીવાળી બ્રેક નથી મૂકી. એટલે અકસ્માતમાં થાય એવું બને. માનસિક રીતે તમે બ્રેક મારી દીધી હોય પણ શારીરિક રીતે બ્રેક ન વાગે એવું બને. અમે બેડમિન્ટન રમતી વખતે આવું અનુભવ્યું છે. કે માનસિક રીતે અમે શટલ સુધી પહોંચી ગયા હોઈએ પણ શારીરિક રીતે પહોંચીએ એ પહેલા શટલ ત્રણેક ફૂટ દૂર જમીન પર જઈને ઠર્યું હોય! આમાં મનથી ઓછું અને તનથી વધુ કામ લેવાનું હોય છે. પ્રભુ પ્રાપ્તિમાં જેમ તન અને મન બધું પ્રભુમાં લીન કરવું પડે, તેમ ડાન્સ એકલા મનથી નથી થઈ શકતો. એવું થતું હોત તો સની દેવલ આટલો બદનામ ના હોત.

​​આપણે નસીબદાર છીએ કે આપણી પાસે અભિવ્યક્તિના અનેક માધ્યમો છે. આપણે બોલીને, લખીને કે ઇશારાથી પણ વાત કહી શકીએ છીએ. ડાન્સ પણ અભિવ્યક્તિનું માધ્યમ છે. પેલા કાકાએ ડાન્સ કરીને સાબિત કર્યું કે કાકા ડાન્સ અને ઉંમરને સંબંધ નથી! એક કાકા તરીકે તમે ઘણું બધું કરી શકો એમ છો. અમે એમ નથી કહેતા કે આ સહેલું છે. પ્રેમીઓને જેમ જાલિમ જમાનો રોકે છે એમ અમારા કાકી અને તમારા પગ, ફાંદ અને ફિટનેસ તમારા દરેક પગલાનો વિરોધ કરશે, પણ મોળા ન પડશો. તમે જો ઘરમાં પીપડા ખસેડ્યા હશે તો કાકીને પણ ડાન્સમાં શામેલ કરી શકશો. નાનપણમાં પતંગો ચગાવ્યા હશે, યુવાનીમાં ગરબા કર્યા હશે, પી.ટી. પીરીયડમાં કદમતાલ અને ગણતંત્ર દિવસે માર્ચપાસ્ટ કર્યા હશે તો તમારા માટે કંઈ અઘરું નથી. સની દેઓલ અને અક્ષય કુમાર આવું કરીને જ ચાલી ગયા છે.

તો બેસી શું રહ્યા છો?

ઉભા થાવ કાકા, તમારી અંદરના જેક્સનને જગાડો અને મંડી પડો! લેટ ધ હોલ વર્લ્ડ નો.

વન, ટુ, થ્રી, ફોર ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર !

મસ્કા ફન

‘ક્યાં ચાલ્યા રાજા?’

‘પેટ્રોલમાં એક પૈસાનો ભાવ ઘટાડો ઉજવવા આબુ જઈએ છીએ’.

 

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | 2 ટિપ્પણીઓ

સ્ત્રી સમોવડિયા બનો!

રકારે છોકરીઓ, કન્યાઓ, સ્ત્રીઓ, મહિલાઓ, માતાઓ, બહેનો, યુવતીઓ, ભાભીઓ, કાકીઓ, માસીઓ, બધા માટે કોઈની કોઈ સ્કીમ કાઢી છે. મહિલાઓને સિલાઈના સંચાથી માંડીને મફતના ભાવે લોન આપવામાં આવે છે. એમને મફત ભણાવવામાં આવે છે. પરંતુ પુરુષો, ભાઈઓ, કાકાઓ, બંધુઓ, યુવાનો માટે ખાસ સ્કીમ નથી કાઢી. એકલી સરકાર જ નહિ પણ હવે તો જાણે આખું વિશ્વ નારીમય બની ગયું હોય એવું લાગે છે.

Man in Skirtબીજા બધાની વાત તો જવા દો, જયારે ગરમી પડે ત્યારે છાપામાં ફોટા પણ દુપટ્ટા ઓઢેલી છોકરીઓના જ છપાય છે. મોઢે રૂમાલ બાંધીને ગરમીમાં હડીઓ કાઢતા ઝુઝારું નવજવાનોના ફોટા કોઈ દિવસ નથી છપાતા. વરસાદ પડે ત્યારે છત્રી લઈને જતી સ્ત્રી કે વરસાદમાં ઢીંચણ સમા પાણીમાં સાડી ઉંચી કરીને જતી સ્ત્રીઓના ફોટા જ આર્ટના નામે છપાય છે. પરંતુ પણ એવા જ પાણીમાં બાઈકના હેન્ડલ સુધી પગ અદ્ધર કરી જીવના જોખમે બાઈક ચલાવતા ગભરુ યુવાનોને જાણી જોઇને અવગણવામાં આવે છે. અરે, પુરુષોના અન્ડરવેરની જાહેરાતમાં પણ એક પુરુષની સામે ચાર સ્ત્રીઓને મોડલિંગની તક મળે છે! જાહેરાતમાં યુવતીઓના વાળ લહેરાતા બતાવે ત્યારે જાહેરાત પંખાની  છે કે શેમ્પુની એ સમજાતું નથી. અને હવે તો દેશના સર્વોચ્ચ એવા ડિફેન્સ અને વિદેશ મંત્રાલયથી માંડીને રીક્ષા અને બસ ચલાવવા જેવા પુરુષોના અધિકારક્ષેત્રમાં પણ સ્ત્રીઓ પેસી ગઈ છે. ટૂંકમાં કવિ કહેવા એ માંગે છે કે તમે સ્ત્રીઓને વિશેષાધિકાર આપો એનો વાંધો નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું– વધુ નહીં તો ચપટી, પાશેર-અચ્છેર – માનપાન પુરુષોને પણ આપવાનું રાખો. નહીતર પુરુષો અને યુવાનોને અમારે હાકલ કરવી પડશે કે – ઉઠો, જાગો, સ્ત્રીઓનાં અધિકારક્ષેત્રમાં ઘૂસ મારો અને તમારા ગૌરવનું પુન:સ્થાપન કરો!

હિન્દીમાં ‘પાપડ બેલના’ રૂઢીપ્રયોગ છે. મતલબ કે બહુ મહેનત કરવી. પાપડ વણવામાં બહુ મહેનતનું કામ હશે એટલે મોટે ભાગે સ્ત્રીઓ કરે છે. ભાઈઓ, આપણે જરૂર છે પાપડ વણવામાં ઝંપલાવવાની. પણ પરિસ્થિતિ એ છે કે આપણામાંના મોટાભાગના ભાઈઓને પાપડ શેકતા પણ આવડતું નથી. જે શેકે છે એ એવા શેકે છે કે ખાનાર શેક્યો પાપડ પણ ભાંગી નથી શકતા. વણવાની તો વાત જ ના કરશો. આપણે સ્ત્રી સમોવડિયા થવું હશે તો આ લાયકાત પણ કેળવવી પડશે. આપણે પાપડ ક્ષેત્રે પ્રવેશ કરીને સ્ત્રીઓના એકાધિકાર હેઠળના આ ક્ષેત્રમાં આપણે આગવી ઓળખ બનાવવાની છે. પાપડ ના દરેક પડ પર આપણે આપણી છાપ છોડવાની છે. જેમ કે અત્યારે પાપડ એક સરખા ગોળ આવે છે. એકદમ બોરિંગ. આપણે આપણી કલાસૂઝને કામે લગાડીને પાપડ વણાટને નવી દિશા આપવાની છે. આપણું વેલણ જે દિશામાં આગળ વધે એ દિશામાં પાપડને લંબાવીને લંબચોરસ ગોળ, ચોરસ ગોળ, અષ્ટકોણ ગોળ, ત્રિકોણ ગોળ, કાણાવાળા, બાખાવાળા, ચપટીવાળાઅને એવા બધા વિવિધ પ્રકારના પાપડ વણીને દુનિયાને ચકિત કરી દેવાના છેપછી તો આપણી પાંખ છે અને વિહરવા માટે આકાશ છે! આમાં આપણા ભાઈઓને પણ કંઈ કહેવું પડે એમ નથી. એમને જરૂર છે માત્ર તકની. ભાઈઓ જાગશે તો પાપડની વરાઈટીમાં પણ વધારો થશે અને વ્હીસ્કી પાપડ, વોડકા પાપડ, બીઅર પાપડ પણ મળવા લાગે એ દિવસ દૂર નથી. પાપડમાં હથોટી આવે એટલે ખાખરાનો વારો કાઢો જેથી લોકોને રમેશભાઈ કે શૈલેષભાઈ ખાખરાવાળા (અમારી કોઈ બીજી કોઈ બ્રાંચ નથી) પ્રકારના બોર્ડ જોવા મળે.

પુરુષો માટે સર્જાયેલા અને વર્ષો સુધી પહેરાયેલા પેન્ટ શર્ટ, ટી શર્ટ, ઝભ્ભામાં સ્ત્રીઓએ પગપેસારો એટલે કે પેન્ટમાં પગપેસારો અને શર્ટ ટી-શર્ટમાં હાથપેસારો કર્યો છે. પરંતુ પુરુષોમાં હજુ સ્કર્ટ પહેરવાનું સ્કોટલેન્ડ સિવાય ખાસ પ્રચલિત નથી. ન્યુઝીલેન્ડની ડ્યુનેડીન નોર્થ ઇન્ટરમિડીયેટ સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં છોકરાઓને છોકરીઓ પહેરે છે એવા સ્કર્ટ પહેવાની આઝાદી આપી છે. ભારતમાં રણવીર સિંહ ફ્રોક અને લોંગ સ્કર્ટ પહેરીને ફરે છે, પરંતુ આવા રડ્યાખડ્યા અપવાદને બાદ કરતા સ્ત્રીઓના સાડી, બ્લાઉઝ, ચણીયા, ચણીયા-ચોળી, સ્કર્ટ, ગાઉન અને બિકીનીમાં પુરુષોએ હાથ-પગ કે માથું-પેસારો નથી કર્યો. ભાઈઓ, સમય છે ટાઈગર શ્રોફની જેમ વેક્સિંગ કરાવી સ્કર્ટમાં પગપેસારો કરવાનો. ક્યાં સુધી લુંગી ઝાટકીને ગરમીમાં પગને હવા ખવડાવશો? આવો, સમય આવી ગ્યો છે દીપિકા પાદુકોણે અને પ્રિયંકા ચોપરા જેવા ગાઉન ઘસડતાં ફિલ્મ ફેસ્ટીવલમાં અને ચણીયા ચોળી પહેરીને ગરબે ઘુમવાનો. ભાઈઓ હવે સમય આવી ગયો છે બોરિંગ શેરવાની-ઝભ્ભામાંથી બહાર આવવાનો અને લાખ રૂપિયાના ઘાઘરા કે લહેંગા સિવડાવવાનો. આવો કબ્જા પર કબ્જો કરીએ અને પેટની ચામડીને વિટામીન ડી મળે તેની ગોઠવણ કરીએ. ફગાવીએ ચડ્ડી બર્મુડાને અને અપનાવીએ શોર્ટ સ્કર્ટને. ભલેને પછી પગ અનિલ કપૂર જેવા દેખાય!

ભાઈઓ ચેલેન્જ ઉપાડો. એવું શું છે જે સ્ત્રીઓ કરી શકે છે અને તમે નથી કરી શકતા? રડવાનું? તો લાફીંગ ક્લબો બંધ કરો અને ક્રાઈંગ ક્લબો બનાવો. બધા ભાયડાઓ સવારે બગીચામાં ભેગા થઈને પોકે ને પોકે રડો. જો રડવું ન આવે તો તમારા સાસુને યાદ કરો. રીસેપ્શનીસ્ટની નોકરીમાં આપણને થતાં અન્યાયને યાદ કરો પણ ધ્રુસકે ને ધ્રુસકે રડો. ઓફિસમાં કુથલી ક્લબ શરુ કરો. એકતા કપૂરની સીરીયલોના જુના એપિસોડ જુઓ. જરૂર પડે તો સ્ત્રીઓનું અનુસરણ કરો પણ સ્ત્રીસમોવડિયા બનો. લોકોને લડાવો. પોતે પણ લડો. બેસી શું રહ્યા છો, ઉભા થાવ અને પાણીપુરીની લારીઓ પર લાઈન લગાડો. સફળતામાં એમનો પીછો કરો​. માઉન્ટ એવરેસ્ટ, ધ્રુવપ્રદેશ, અવકાશ … ​જ્યાં જ્યાં સ્ત્રીઓ ગઈ છે ત્યાં હિંમતપૂર્વક જાવ -​ સિવાય કે લેડીઝ ટોઇલેટ.​

મસ્કા ફન

મેં રોટલીનું ચિત્ર દોર્યું.
એક ગરીબ ભૂખ્યો આવીને રોટલી લઈ ગયો.
બદલામાં દુવાઓ દઈ ગયો.
હવે હું બીએમડબ્લ્યુના ચિત્ર દોરું છું.

 

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment

બરફ ગોળો

Baraf Goloજકાલ છોકરીઓ સેલ્ફી લેતી વખતે હોઠથી પાઉટ બનાવતી હોય છે. નાયિકાની આ અદાને કવિઓએ હજી સુધી એમની કવિતાઓમાં વણી નથી એટલે સર્ટિફાઈડ અદા તો ન ગણાય પણ ફેસબુક ઉપર આવા ફોટાને હજાર દોઢ હજાર લાઈક્સ તો આસાનીથી મળી જતા હોય છે. અહીં વાત પાઉટની છે. પાઊટ એટલે સામે કોઈ હોય નહિ પણ નાના બચ્ચાને બકી ભરવા જતા હોવ એમ હોઠ લંબાવી અને એ અવસ્થામાં જ સેલ્ફી લેવાનો. મૂળભૂત રીતે આ ક્રિયા ગોળાચૂસ મુદ્રા કહેવાય. જેમને બરફના ગોળા ખાવાનો શોખ હશે એમને ખબર જ હશે. મોલ્ડના બે ફાડિયા વચ્ચે રૂના પોલ જેવું બરફનું છીણ દાબી અને એમાં સળી ખોસીને નાની ગદા કે ઘૂઘરા જેવો આકાર આપ્યો હોય; ઉપર ઓરેન્જ, કાલાખટ્ટા કે રોઝનું શરબત રેડીને રસ નીતરતો ગોળો પેશ કરવામાં આવે અને એને ચૂસવાની તલબમાં હોઠ લાંબા થાય એને પાઊટ કહેવાય.

જોકે બરફ ગોળો ખાતી વખતે સેલ્ફીની જેમ આંખો ત્રાંસી કરીને કેડ પર હાથ મુકીને વળવાનું હોતું નથી. બીજું, ગોળો ખાવામાં બંને હાથને ધંધે લગાડવાના હોય છે. એક હાથે સળી પકડીને ગોળો ચૂસતી વખતે બીજો હાથ શાયર લોકો ‘આદાબ’ કહેતા હોય એ મુદ્રામાં ગોળાની બરોબર નીચે રાખવો ફરજીયાત છે. સાથે નજર પણ આડી અવળી કર્યા વગર ગોળા ઉપર સ્થિર હોવી જોઇશે નહિ તો ચૂસતા પહેલા ગોળો ડફ્ફ દઈને નીચે પડશે અને સળીને બકી ભરવાનો વારો આવશે.

ગોળો ખાતી વખતે સળી હાથમાં રહી જાય અને ગોળો ડફાક દઈને નીચે પડી જાય એ અધૂરી કેળવણીની નિશાની છે. આ ગાંધી બાપુએ નહિ પણ બધિરદાસ બાપુએ કહ્યું છે. આપણે ત્યાં ગોળા ખાવા બાબતે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવતી નથી એટલે જેમ પડતા આખડતા સાયકલ ચલાવતા શીખી જવાય છે એમ જ બે ચાર વાર અડધા કાર્યક્રમે ગોળા ડફકી જાય અને બાકીના લોકોને ગોળા ચૂસવાનો લ્હાવો લેતા જોઈ રહેવાનો વારો આવે એટલે નીચે હાથ રાખવાનું આપોઆપ આવડી જાય છે. હવે તો ગોળા સાથે ડીશ પણ આપવામાં આવે છે અને પબ્લિક બેશરમ થઈને પાણી પુરીના પાણીની જેમ ડીશ મોઢે માંડીને ગોળામાંથી ટપકેલુ શરબત પણ પી જાય છે. એટલું જ નહિ પણ મોબાઈલની જેમ ગોળાને શરબતથી ટોપ-અપ પણ કરાવે છે.

ગોળા ખાવામાં કોઈ સ્ટાઈલ પ્રચલિત નથી. હઉ હઉના ઊજમ પ્રમાણે મચી પડતા હોય છે. કવિ લોકો ફૂલમાંથી રસ ચૂસતા ભમરાની જેમ ગોળાનો આસ્વાદ લેતા હોય છે. ભમરાની જેમ જરીક અમથો રસ ચૂસીને ફૂલની આસપાસ મંડરાવાની સ્ટાઈલ મારવા જતા ઘણા કવિઓ એમનો ગોળો ગુમાવી ચુક્યા છે પણ દેશી પદ્ધતિ એમને મંજૂર નથી. ગોળાનો માલિક સળી સુધીનો બરફ ખાવાનો અઘાટ હક ભોગવવતો હોઈ ભમરાની જેમ એક ફૂલથી બીજા ફૂલ એટલે કે એક ગોળાથી બીજા ગોળા ભ્રમણ કરવાના કવિના અભરખા પણ અધૂરા રહે છે. શાયર લોકો ગોળાને હોઠે લગાડતા પહેલા માશુકાની પરવાનગી માંગતા હોય એમ ‘છુ લેને દો નાજુક હોંઠો કો …’ કહીને પરવાનગી માંગતા હોય તો નવાઈ નહિ. અઠંગ ગોળા ચૂસકો ચલમનો કશ ખેંચતા ગિરનારી બાવાની જેમ આંખો મીંચીને એક જ ખેંચમાં ગોળામાંનું બધું જ શરબત ખેંચી લેતા હોય છે. એ લોકો ખેંચવાનું ચાલુ કરે એ સાથે જ ગોળાવાળો બાટલો ઉઠાવીને એમનો ગોળો રીફીલ કરવાની તૈયારી આદરી દેતો હોય છે. જે ગર્લ્સ સૂરસા રાક્ષસીનીની જેમ મોઢું પહોળું કરીને પાણી પૂરી મોંમાં પધરાવતી હોય છે એ જ ગર્લ્સ ગોળો ખાતી વખતે જૂની હિરોઈન પ્રિયા રાજવંશની જેમ માર્યાદિત પ્રમાણમાં હોઠ ખોલીને ગોળાને ન્યાય આપતી હોય છે.

ડીશમાં બરફના છીણનો ઢગલો કરીને એની ઉપર શરબત નાખીને આપવાની શરૂઆત લગભગ તો જેમના હાથ ગોળો પકડવા માટે સ્થિર ન રહેતા હોય એવા બાળકો અને વૃદ્ધો માટે થઇ હોવાનું ‘મિલન ડીસ ગોળા’વાળો અમારો રામસિંગ કહે છે. એ જે હોય તે પણ આ ડીશપ્રથા એ પાછળના વર્ષોમાં ગોળા ક્ષેત્રે કાંતિ આણી છે એમાં બેમત નથી. અગાઉ સળીવાળા ગોળા ઉપર વેરીએશન તરીકે માત્ર સંચળ મિશ્રિત મસાલો જ નાખવામાં આવતો પણ પછી હરીફાઈમાં જે અખતરાઓ શરુ થયા છે એમાં ગોળાવાળાઓએ ટેબલ-ખુરશી અને બાંકડા નાખવાનું જ બાકી રાખ્યું છે! મસાલા પછી કોપરાનું છીણ આવ્યું. કાઠીયાવાડીઓ તકમરિયા (બાવચીના બી) શોધી લાવ્યા. કોકે ટૂટીફ્રૂટી ધબકારવાનું ચાલુ કર્યું. પછી તો સ્કીમ્ડ મિલ્કનો ઉપયોગ શરુ થયો. ટોપિંગમાં ડ્રાય ફ્રુટ  માવા રબડીનો અભિષેક થયો. કેન્ડી સ્ટીકને ખોટું ન લાગે એ માટે એને વિસા મળ્યો. આજે હાલત એ છે કે ગોળાને રજવાડી બનાવવાની લ્હાયમાં ભુરાઓ કોથમીર-મરચા અને ખજૂર-આમલીની ચટણી નાખીને ખવડાવવાનું ચાલુ કરે એનો ડર છે. અમે તો માત્ર બરફ અને શરબતવાળા જેનેરિક ગોળાના આશિક છીએ.

सुन भाई साधो

પત્ની ઊંઘતી હોય એ સમયને શાસ્ત્રોમાં શાંતિકાળ કહ્યો છે

—–X—–X—–

Posted in कहत बधिरा... | Tagged , , , , , | Leave a comment

અમદાવાદના નવા રોડની ફોઈ કોણ?

S G Highway.jpgમદાવાદમાં મુનસીટાપલીની જાણ બહાર અમુક રોડ બની ગયા છે. નવાઈ લાગે એવી વાત છે ને? આ રોડ બનાવ્યા છે બિલ્ડરભાઈઓએ. બબ્બે નવાઈ લાગી? એક તો બિલ્ડરો શું કામ રોડ બનાવે? બીજું, બિલ્ડરભાઈ જેવું સંબોધન અસ્તિત્વમાં જ નથી. બીજીની ચોખવટ પહેલા કરીએ. કોઈના વ્યવસાય કે જાતિની પાછળ ભાઈ લગાડવાનો રીવાજ બાળવાર્તાઓના પાત્રો કે પછી કલાકારો, વ્યવસાયીઓ, શ્રમજીવીઓ કે વંચિતો માટે જ અસ્તિત્વમાં છે. હાથીભાઈ, મગરભાઈ, વાંદરાભાઈ, માંગવાવાળાભાઈ, વાળવાવાળાભાઈ, દુધવાળાભાઈ, પંચરવાળાભાઈ, ફૂલવાળાભાઈ વગેરે વગેરે જેવું બધું જ ચાલે છે. પણ બિલ્ડરભાઈ, નેતાભાઈ, ઇન્સ્પેકટરભાઈ, ડોક્ટરભાઈ, એપીએમસી સેક્રેટરીભાઈ આવું ના જોવા મળે!

હવે પહેલી ચોખવટ કે શું બિલ્ડરોએ રોડ બનાવ્યા છે? ના, પરંતુ રોડના નામ જરૂર પાડ્યા છે. જેવા કે ન્યુ સીજી રોડ, ન્યુ એસજી રોડ, ન્યુ નરોડા રોડ. એસજી રોડથી માત્ર ૨૦ મીનીટના અંતરે ન્યુ એસજી રોડ આવ્યો છે, એવું કોઈ નવી સ્કીમની રવિવારના છાપામાં જાહેરાત વાંચે ત્યારે રિડરભાઈને ખબર પડે. પછી પહેલાનું જોઇને બીજા બિલ્ડરભાઈ પણ એજ રોડ પર સ્કીમ મુકે, પછી ત્રીજા મુકે. બ્રાહ્મણની બકરીને જેમ ત્રણ જણાએ કુતરું કીધું એથી કુતરું બની ગઈ એમ ન્યુ એસજી રોડ પાકા એડ્રેસમાં છપાઈ જાય. પછી ભલે એ રોડ સરખેજ કે ગાંધીનગર ક્યાંય ન જતો હોય! અથવા સોલા-ગોતા રોડ હોય. એવી જ રીતે મૂળ સીજી રોડ નવરંગપુરામાં આવ્યો છે. પણ ન્યુ સીજી રોડ ચાંદખેડામાં આવ્યો છે. સીજી રોડ એટલે શેઠ ચીમનલાલ ગીરધરલાલ રોડ. તો ન્યુ સીજી રોડ એટલે નવા શેઠ ચીમનલાલ ગિરધરલાલ ગણવાનું? અલ્યા તમે કોઈને પૂછ્યું’તુ કે બસ એમ જ? અમે પૂછ્યું તો જાણવા મળ્યું ન્યુ સીજી રોડ એટલે નવો ચાંદખેડા-ગાંધીનગર રોડ! જય હો! જોકે અહીં કવિ બિલ્ડરભાઈ ધરાર ન્યુ સીજી રોડ નામ આપી શું કહેવા માંગે છે એ સ્પષ્ટ થતું નથી. છતાં એટલું તારણ કાઢી શકાય કે સીજી રોડ અને એસજી રોડના નામે સ્કીમ વેચાઈ જશે એ ગણતરીથી બિલ્ડરભાઈઓ આ રોડની ફોઈ બની ગયા હશે. ગામમાં અને મુનસીટાપલીમાં કોઈ જાણે નહિ ને તોયે હું રોડની ફોઈ!!! રોયાઓ એમ ફોઈ ના બનાય!

તમે જોજો કે સાંકડા ગાંધી રોડ, રીલીફ રોડ કે સલાપસ રોડની નકલો નથી બનતી. ન્યુ રીલીફ રોડ, ન્યુ ગાંધી રોડ કે ન્યુ સલાપસ રોડ કેમ નથી? કેમ કોઈ બિલ્ડરભાઈની સ્કીમ ન્યુ રીલીફ રોડ પર આવી છે એવી જાહેરાત આપણને એફએમ રેડિયો પર નથી સાંભળવા મળતી? કારણ કે ન્યુ રીલીફ કે ન્યુ ગાંધી રોડ પર ચાલવાની પણ જગા નહીં મળે એવું ખરીદનારના મગજમાં ઠસી ગયું છે એટલે ત્યાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરે.

એરિયા અને રોડના નામ પાડવાની બાબતમાં આપણી પબ્લિક સદંતર નિષ્ક્રિય છે. જેને કારણે અમુક નામ સ્વયંભુ પડી ગયા છે. સૌ જાણે છે કે સેટેલાઈટ અવકાશમાં પંદરથી વીસ હજાર કિલોમીટર ઉંચે ફરતા હોય પણ દૂરથી દેખાતી ડીશ એન્ટેનાના લીધે સ્પેસ એપ્લીકેશન સેન્ટરની આસપાસનો વિસ્તાર સેટેલાઈટ તરીકે ઓળખાય છે અને નહેરુનગરથી ત્યાં જવા સુધીનો આખો રસ્તો સેટેલાઈટ રોડ તરીકે ઓળખાય છે. એવું જ ડ્રાઈવ-ઇન રોડનું પણ છે. જવાહરચોક-મણીનગરથી ઇસનપુર જતો રસ્તો વેરાન હતો એ સમયે વચ્ચે પહેલી બનેલી સોસાયટીમાં માત્ર ભાડુઆતો રહેતા અને એટલે એ વિસ્તાર ભાડુઆતનગર તરીકે ઓળખાતો થયો, બાકી નામ તો રૂડું વશિષ્ઠનગર કો. ઓ. હા. સો. લિ. છે! એ વિસ્તાર આજે પણ ભાડુઆતનગર તરીકે ઓળખાય છે. એક જમાનામાં અમે આ ભાડુઆતનગર વિસ્તારમાં રહેતા ત્યારે ક્રેડિટકાર્ડ વેચવાવાળાનો ફોન આવતો ત્યારે અમે સરનામામાં “મણિનગરમાં ભાડુઆતનગર સામે” એવું એડ્રેસ લખાવતા. એ પછી એ બેંકમાંથી ફોન આવવાના બંધ થઈ જતા!

અત્યારે તો લાડનું નામ ન પાડવાની ફેશન ચાલે છે પરંતુ એક જમાનામાં બાળકનું વિધિવત રીતે નામ પાડવામાં ન આવે ત્યાં સુધી એને બકો કે લાલો કહીને બોલાવતા. પછી આખી જિંદગી પુરુષોત્તમભાઈ લાલા તરીકે જ ઓળખાય! આવું વિસ્તારના નામમાં પણ થાય છે. ધારો કે ગામથી દૂર એક સોસાયટી બને જેનું નામ બિલ્ડરભાઈના પિતાશ્રીના નામ પરથી ‘શ્રી બાબુલાલ કો. ઓ. હા. સો. લી.’ પાડ્યું હોય. પછી આજુબાજુ બીજી સોસાયટીઓ ઉભી થાય જેમનું સરનામું ‘બાબુલાલ સોસાયટીની બાજુમાં/પાસે/સામે/થી આગળ’ એમ લખાતું થાય. આમ એ વિસ્તારનો વિકાસ થાય અને વર્ષો બાદ મુનસીટાપલી બાબુલાલ સોસાયટી તરફ જતા રસ્તાને કોઈ મહાપુરુષનું  નામ આપવા જાય ત્યાં સુધીમાં તો બાબુલાલ એટલા ફેમસ થઇ ગયા હોય કે એ રસ્તો જ ‘બાબુલાલ રોડ’ તરીકે ઓળખાતો થઇ ગયો હોય! એટલું જ નહિ પણ બાબુલાલ ગુજરી ગયા ત્યારે જે માથાબોળ નહાયા પણ ન હોય એવા બાબુલાલ સોસાયટીના રહીશો નવા નામના વિરોધમાં ઉપવાસ ઉપર પણ ઉતરી આવે!

વિસ્તાર અને રસ્તાના નામો પણ ગમી જાય એવા હોવા જોઈએ. સામાન્ય રીતે આસપાસના ગામડા શહેરમાં ભળે પછી એ જ નામ ચાલુ રહેતા હોય છે. ઠીક છે અત્યારે તો ગામના નામો ચાલી જાય એવા છે પણ ભવિષ્યમાં અમદાવાદનો વિસ્તાર થાય અને અત્યારના બોપલની જેમ બિલ્ડરો કોઈ રમણકાકાની મુવાડી ગામને ઉઠાવે તો શી હાલત થાય? શું તમે કોઈને ‘બોસ, આપણે રમકાકાની મુવાડી રોડ પર સ્વીમીંગ પુલ અને પર્સનલ જીમ સાથેનો 5 BHKનો બંગલો બનાવ્યો છે. આઓ કભી હવેલી પે.” કહી શકવાના છો?

મસ્કા ફન

ખોલકા અને મોટા થઈને અક્કલમઠા નિવડનાર નાનપણમાં તો ક્યુટ જ લાગતા હોય છે.  

 

—–X—–X—–

 

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 2 ટિપ્પણીઓ

બીચ મસ્તી

Beach Masti

Click to read Feelings magazine online: https://www.feelingsmultimedia.com/1st-april-2018/

પણે ત્યાં સહજીવનની શરૂઆત હનીમૂનથી જ થતી હોઈ ટુર પ્લાન કરવામાં જીવનસાથીની રસ-રૂચીનો ખ્યાલ રાખવો ખુબજ જરૂરી છે. અમે હનીમૂન પર કોવાલમ જતા હતા ત્યારે અમારી સાથે ટ્રેનમાં એક નવપરિણીત બેન્કર દંપતી સાથે થઇ ગયું હતું. વાત વાતમાં પેલાએ કહ્યું કે “મને ટ્રેકિંગનો બહુ જ શોખ છે અને લગભગ બધા જ જાણીતા ટ્રેક મેં સર કરેલા છે. એટલે મેં તો આને નીકળતા પહેલા જ સ્પોર્ટ્સ શુઝ અપાવી દીધા છે.” મેં જોયું તો બંને એ મોંઘામાંના સ્પોર્ટ્સ શુઝ પહેર્યા હતા. કોવાલમ પહોંચ્યા પછી અમે લોકો રોજ સવારે સાથે જુદા જુદા બીચ ઉપર જવા નીકળી જતા. હું અને બહેરી પ્રિયા તો બીચ ઉપર નહાતા કે બેસીને અલકમલકની વાતો કરતા, જયારે એ લોકો જ્યાં કોઈ ન ગયું હોય એવી ભેદી જગ્યાઓની શોધમાં નીકળી પડતા અને રાત્રે આવીને ડીનર ટેબલ પર એની વાતો કરતા. હરામ છે જો એમને દરિયાનું પાણી અડ્યું પણ હોય તો! ત્રીજા દિવસે સવારે અમે એ બંને આવે એની રાહ જોતા લોન્જમાં બેઠા હતા ત્યાં પેલો નાઈટ ડ્રેસમાં સ્લીપર ઘસડતો આવ્યો. મેં પૂછ્યું “શું થયું?” તો કહે “ગઈકાલના એના પગ દુ:ખે છે. અત્યારે તો પથારીમાંથી ઉભી પણ થઇ શકતી નથી એટલે દવા લેવા નીકળ્યો છું.”

આવા કારણથી જ હનીમુનની ટુરમાં સહ્પ્રવાસીઓનો પ્રકાર પણ નક્કી કરી લેવો જરૂરી છે. મોટે ભાગે તો પોતાની પત્ની સાથે જ હનીમુન પર નીકળવાનો રીવાજ છે. જો તમારા તાજેતરમાં જ લગ્ન થયા હોય અને તમે હનીમુન માટે નીકળતા હોવ તો બા-બાપુજીને ઘેર રાખશો તો ઠીક પડશે. બીજું, એમાં ‘લોગ આતે ગયે કારવાં બનતા ગયા’ના ધોરણે હાથમાં ધજાનો ડંડો ઝાલીને ડીજેના તાલે નાચતા નાચતા નીકળવાનું પણ હોતું નથી. તમારા જેવા જ એકાદ બે કપલ હોય ત્યાં સુધી ઠીક છે. પૈસા બચાવવાની લ્હાયમાં યાત્રા સ્પેશીયલ ટુરમાં ટિકિટ બુક કરાવવાની ભૂલ કરશો તો આખું હનીમુન જય બોલાવવામાં પૂરું થશે. દરિયા કિનારે વાતાવરણ સમધાત હોય છે એટલે બીચ સૌથી સારું ડેસ્ટીનેશન ગણાય છે.

દરેક ટુરિસ્ટ પ્લેસનો અલગ મૂડ હોય છે અને તમે એ મુજબ કપડા નહિ લીધા હોય તો તમે બીજા ટુરિસ્ટનો પણ મૂડ પણ બગાડશો. ગયા વર્ષે અમે ગોવાના બીચ ઉપર કેટલીક આઈટમોને લુંગી પહેરીને દરિયામાં ધુબાકા મારતી જોયેલી! એ આઈટમો લગભગ તો આપડી બાજુની જ હશે! બાજુમાં સાડી-સલવાર કમીઝમાં સજ્જ કાકીઓ જલપરી બનીને છબછબીયા કરતી બેઠી હતી. બીજા અમુક ટુવાલધારીઓ ગંજી-ચડ્ડીઓ સૂકવવા માટે રેતી પર પાથરીને આસપાસ ફરતી વિદેશી બીકીની બેબ્ઝને નિહાળીને નિસાસા નાખતા હતા. અલા ભ’ઈ, સોમનાથના દરિયા અને ગોવાના દરિયા વચ્ચેનો ભેદ તો સમજો! અને આવી રોમાંટિક જગ્યાએ જઈને પણ તમે પહેરી-ઓઢીને માણી શકવાના ન હોવ તો પછી ગોવા સુધીનો ખોટો ધક્કો ખાશો નહિ. તમારા માટે ડુમસ, ઉભરાટ અને ચોરવાડ જ બરોબર છે. સમજ્યા?

જે લોકો ચના જોરગરમવાળા સાથે ‘ભૈયાજી દસ રૂપિયે મેં સીરીફ દો ડબલી ચને? ઔર જરા ડુંગળી તો જાસ્તી ડાલો ..’ કહીને ભાવતાલ કરવા માટે જ બીચ પર ફરવા જતા હોય એમને એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સિક્યોરીટી ચેકમાં જ રોકી લેવા જોઈએ. જેટલો ડુમસ, ઉભરાટ કે ચોરવાડના દરિયા અને દિવના બીચમાં ફેર છે, એટલો જ ફેર ગોવા અને દિવના બીચ વચ્ચે પણ છે. અહીં ગોવા અને દિવના પ્રતિકથી કવિ કહેવા શું માંગે છે એ રસિયાઓ ખબર જ હશે. ગોવા અને દિવના પ્રવાસીઓમાં પણ તમને દેખીતો ફરક લાગશે. દિવના પ્રવાસીઓને ૨૪ કલાકમાં કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ કે અમદાવાદ પહોંચવાનું હોઈ દરેક જણ ઉતાવળમાં હોય છે. આવા ‘દિવ્ય’ પ્રવાસીઓ ગોવામાં પણ અલગ તરી આવે છે. જયારે ગુજરાતીઓ સિવાયના લોકો ગોવામાં નિરાંતે ફરતા દેખાશે. તમે ‘દિવ્ય’ પ્રવાસી છો એ તમારા જીવન સાથીને ખબર ન હોય તો હનીમુન માટે ગોવા ન જતા. અમથો જીવ બળશે.

કરુણતા એ છે કે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતનો હોવા છતાં યુવા પ્રેમીઓને જઈને બેસવાનું મન થાય એવો એકોય બીચ નથી. અહીં તો તમે તમારાવાળીનો હાથ પકડીને ટહેલવા નીકળો તો પબ્લિક મદારીના ખેલની જેમ કુંડાળે પડીને જોવા ભેગી થઇ જશે. આ પરિસ્થિતિમાં આપણે ત્યાં ઊંટિયાઓના નસીબ ઉઘડે એમાં નવાઈ નથી. યસ, આપણે ત્યાં દરિયા કિનારે સજોડે ઊંટ સવારી કરવાની ફેશન છે.  અમે તો કહીએ છીએ કે ગુજરાતના બીચ ટુરિઝમને પ્રમોટ કરવા માટે મોડેલ તરીકે ઊંટને જ રાખો બોસ કારણ કે આપણા દરિયા કિનારાઓ ઉપર ઊંટ બેસવા અને ચના જોરગરમ ખાવા સિવાય બીજું કઈં કરવાનું હોતું નથી. ઊંટની સવારી અને સાથે બાઈટિંગમાં ચના જોરગરમ! વોટ અ કોમ્બિનેશન! ભ’ઈ વાહ! આમાં કઈં નો ઘટે હોં. અહીં વાંધો હોય તો માત્ર ઊંટને હોઈ શકે કારણ કે ગુજરાતની અસ્મિતાનું રક્ષણ કરવાની જવાબદારી એની છે.

सुन भाई साधो …

જીવન અને કબજિયાતમાં આપબળે સફળતા મેળવવાની હોય છે.

—–X—–X—–

Posted in कहत बधिरा... | Tagged , , , , | Leave a comment

પાણી બચાવવાના આઈડિયા

Overhead-Showerસાઉથ આફ્રિકાના શહેર કેપ ટાઉનમાં દુકાળની પરિસ્થતિ સર્જાતા એના તરંગો દુનિયામાં ફેલાયા છે. તમે કહેશો દુકાળના તરંગો? યસ, દુકાળના તરંગો. ઈલેક્ટ્રોનિક મીડિયામાં શ્રીદેવી બાથટબ એપિસોડ પછી હવે રીપોર્ટીંગની ભાષામાં પ્રયોગો કરવાનું શરુ થાય એ દિવસો દૂર નથી. હા, તો આ દુકાળના તરંગોની સિંગાપોરમાં અસર એ થઈ છે કે ત્યાં સરકારે જુના શાવરને બદલે સ્માર્ટ શાવર નાખવાનું શરુ કર્યું છે જે પાણી તો ઓછું વાપરે જ છે પરંતુ જો તમે નિર્ધારિત કરતા વધુ પાણી વાપરો તો એનું મોનીટરીંગ કરે છે, અને તમને એલર્ટ પણ કરે છે કે, ‘બસ, બહુ થયું બાબુલાલ હવે બહાર નીકળો!’. આમ તો આ કામ આપણે ત્યાં મમ્મીઓ કરતી જ હોય છે છતાં મમ્મીઓને સ્માર્ટ મમ્મી નથી કહેવામાં આવતી એ વિડમ્બના છે. હોસ્ટેલમાં પણ તમે નિરાંતે નહાતા હોવ અને બહારથી કોઈ બારણું એવી રીતે ધબધબાવે કે જાણે ધરતીકંપ આવ્યો હોય! એમાં પાછું ખખડાવનારને નહાવું હોય એવું જરૂરી નથી! તમે ઉતાવળ કરીને બહાર નીકળો ને પેલો તો ખાલી મોજ માટે ખખડાવી ને જતો રહ્યો હોય!

શાવર લેતી વખતે મુંગેરીલાલ પ્રકૃતિના માણસો ઘણી વખત વિચારોમાં ખોવાઈ જતા હોય છે. એમાં પણ કોઈ ફૂમતા પર મનડું મોહી ગયું હોય પછી તો – મુમન લાગી તુમના, ને તુમન લાગી મું – એયને ઉપરથી પાણી પડતું રહે અને જીગો બગલમાં સાબુ ઘસતો રહે! સાબુ ઘસાઈને ચપતરી થઇ જાય અને જીગાની બગલમાં કાપા પડે ત્યારે જીગો ભાનમાં આવે અને ત્યાં સુધીમાં તો ઘણું પાણી ગટરમાં વહી ગયું હોય. આવા સ્નાનમાં ચકલી ચાલુ કરવા અને સાબુ ઘસવા સિવાય જાતક અન્ય કોઈ રીતે ભાગ લેતો નથી. હવે એવા સેન્સર આવે છે જે માણસની હલનચલન જણાય તો પાણી ચાલુ કરે અને હલનચલન બંધ થઈ જાય તો પાણી આવતું ઓટોમેટીક બંધ થઈ જાય. આ ટેકનોલોજી શાવરમાં પણ વાપરવાની જરૂર છે જેથી કરીને માણસ વિચારોમાં ખોવાઈ જાય તો શાવરમાંથી પાણી આવતું આપોઆપ બંધ થઈ જાય. જેને વધુ વિચારો આવતા હોય અને પાણી બંધ થવાથી પણ ન જાગે તેમના માટે ઓડિયો એલર્ટ આપી શકાય. ‘જીગાભ’ઈ, સાબુ ઓગળી ગયો, હવે ક્યા સુધી બગલ ખંજવાળશો?’ આવો અવાજ આવે તો જીગાભ’ઈ ભોંઠા પડે પણ કોઈ જોનાર ના હોય એટલે ઝડપથી શરીર પરનો સાબુ કાઢીને નીકળી જાય.

આજકાલ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ફિંગરબાઉલ (બાઉલ નહીં બોલ બસ!) આપવાની પ્રથા લુપ્ત થવાને આરે છે. એના બદલામાં હવે વેટ ટીસ્યુ આપવામાં આવે છે. અવકાશમાં વજન વિહીન દશામાં પાણી વહી શકતું નથી એટલે ત્યાં પણ શાવર કે ડોલ-ડબલા-સાબુ સીસ્ટમ હોતી નથી. એ લોકો પાણી વગરના ડ્રાય શેમ્પૂથી વાળ ધોતા હોય છે અને ભીનો ટુવાલ ઘસીને નહાતા હોય છે. ટૂંકમાં શરીર પર પોતુ મારવાનું. આના પરથી પ્રેરણા લઈ નહાવા માટે તમે પણ ભીનો રૂમાલ આપી વાપરવા માંડો તો ખાસું પાણી બચે. એમાંય તમે બાથરૂમનું ઇન્ટીરીયર સ્પેસ શટલ જેવું કરાવશો તો અવકાશયાત્રી જેવી ફિલ પણ આવે! આ પધ્ધતિના ટેકનીકલ પાસાને જોઈએ તો તમે જેટલો પાતળો રૂમાલ વાપરશો એટલું વધુ પાણી બચશે. આપણા વડીલો ટુવાલને બદલે પંચિયું વાપરતા એનો હેતુ પાણી બચાવવાનો જ હશે. એડવાન્સ સાધકો હોસ્પીટલમાં પેશન્ટ્સને સ્પંજબાથ કરાવતા નર્સિંગ સ્ટાફ પાસે ટ્રેઈનીંગ પણ મેળવી શકે.

દૂરદર્શન પર આવતા કૃષિદર્શન કાર્યક્રમ વચ્ચે આવતી ટપક સિંચાઈ પદ્ધતિની જાહેરાતો જોઈ જોઈને અમે એટલા એક્સપર્ટ થઇ ગયા છીએ કે પરીક્ષામાં ટપક પદ્ધતિના ફાયદા કે ટૂંકનોંધ પૂછાય તો પાંચ માર્ક રોકડા આવે. શાક-ભાજી ઉગાડવા માટેના ગ્રીન હાઉસમાં મિસ્ટિંગ કે ફોગીંગ માટે અતિ ઝીણા ફુવારા વપરાતા હોય છે. નહાવામાં પણ આ પદ્ધતિ અમલમાં મુકવા જેવી છે. હેરકટિંગ સલુનમાં વપરાતો ફુવારો એ પાણી બચાવવાનો આવો જ એક અન્ય ઊપાય છે. ઘરાકની દાઢી કરી લીધા પછી પછી ફુવારો મારી અને કોરા નેપકીનથી લૂછ્યું એટલે ફીનીઈઈઈશ .. આવું નહાવામાં કેમ ન થઇ શકે?

આપણે ત્યાં તો જોકે શાવર અને શાવરમાં પ્રેશર સાથે પાણી આવતું હોય તો તમે નસીબદાર કહેવાવ. બાથટબ તો લક્ઝરી છે. જોકે ડોલથી નહાવામાં પણ પાણીનો બગાડ થઈ શકે છે અને એ અટકાવવો જોઈએ. ડોલો ઉભરાય નહીં તે માટે ઓટોમેટીક નળ હોવા જોઈએ જે ડોલમાં પાણીનું લેવલ અમુક સુધી પહોંચે એટલે બંધ થઈ જાય. અમે હોસ્ટેલમાં ભણતા ત્યારે હેક્ઝો બ્લેડની પટ્ટીથી બે ડોલ પાણી ગરમ કરી નહાવા જતાં. ઉકળતા પાણીની એક ડોલ તો ફ્લોરને સ્ટરીલાઈઝ કરવામાં વપરાઈ જતી!

​દિલ્હીમાં ટ્રાફિક માટે એકી-બેકી સિસ્ટમ હમણાં હમણાં આવી પણ ઉપરવાળાએ આદિમાનવના જમાનાથી મનુષ્યમાં જે એકી-બેકી સિસ્ટમ ફિટ કરી છે એમાં આપણે ત્યાં પાણી જ વપરાતું હોઈ ઘર દીઠ પાણીની જરૂરિયાત વધુ રહે છે.  હવે સરકારની નજર લોકોના ટોઇલેટ ઉપર છે! ચિંતા ન કરશો. સરકાર તમારા બાથરૂમમાં સીસી ટીવી મુકાવવાની નથી. એક અભ્યાસ કહે છે કે બે નંબર કરતા એક નંબરની ક્રિયા પછી ફ્લશિંગ માટે બહુ ઓછા પાણીની જરૂર હોય છે છતાં ફૂલ ફ્લશ કરવામાં આવતું હોય છે. એટલે જ સરકાર નવા મકાનો, ઓફીસ, દુકાનોમાં ડ્યુઅલ ફ્લશિંગ સીસ્ટમ નખાવવાનું ફરજીયાત કરવાની છે. પછી કાઠીયાવાડી ભોજન જેવું – જેટલું ખાવ એટલું જ ખરચવાનું!

મસ્કા ફન
“આ તમારો રેડિયો ગોળ ગોળ કેમ ફરે છે?”
“કલ્લાકમાં ત્રીજીવાર ‘ઘૂમર’ સોંગ વાગ્યું એટલે”

 

—–X—–X—–

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment