આઇટમ અંકલ હવે આટલે થી અટકો….


આજકાલ ટી.વી. ચેનલ્સ પર આતશબાજીનો માહોલ છે! એક બાજુ પર બીગ-બી ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ના હાકોટા પડી રહ્યો છે તો બીજી બાજુ આમિર ખાન એની હોમ પ્રોડકશનની ફિલ્મ ‘દિલ્હી બેલી’ને હીટ કરાવવા માટે પોતાને ‘આઇટમ બોય’ તરીકે રજુ કરી ને એના સ્ટાન્ડર્ડ નખરા પર ઉતરી આવ્યો છે! બન્નેની ફિલ્મો ૧લી જુલાઈ એ થીયેટરોમાં ટકરાશે એટલે એમના દમ-ખમ મપાઈ જશે. પણ આ આખી ઘટનામાં અમને ૪૫ વર્ષના આમિર અંકલના આઇટમ ‘બોય’ તરીકેના દાવામાં વધારે રસ પડ્યો છે!

     તમે કહેશો કે ૬૮ વર્ષના ‘બુઢ્ઢા’ બિગ-બીના દાવામાં અમને કેમ રસ ન પડ્યો? તો જવાબ અમિતાભને બુઢ્ઢો કહેનારને એ પોતે આપે છે એ જ છે – ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’! નજર ના લગે બચ્ચે કો, અભી ઉંમર હી ક્યા હૈ? અને વધારે પૂછશો તો આપણી વચ્ચે ઝઘડો થઇ જશે બોસ! વાત આમિરની ચાલે છે તો એની જ કરો.

     તમને એ કયા એન્ગલ થી ‘બોય’ જેવો લાગ્યો એ કહો પહેલા. ગજિની વખતે ૨૩ વર્ષની અસીન સામે યુવાન દેખાવા માટે એણે ફેસ લીફ્ટ કરાવ્યું, પાઉં-ભાજીના બનનું આખું પેકેટ ગળી ગયો હોય એવા સિક્સ પેક બનાવ્યા, બોટોક્સ પણ લીધું હશે અને તો પણ પનો ટૂંકો પડતો હતો તે ટકલું કરાવીને દુનિયામાં ફર્યો. લોકોના વાળ કાપ્યા. આ બધું ઉંમર ગુપચાવવા જ ને? પણ શું ફેર પડ્યો? કોકે ટકલું કરાવ્યું હોય તો એ જોઈ ને લોકો એના વિલન ‘ગજિની’ ને યાદ કરતાં હતા પણ  ‘સંજય સિંઘાનીયા’ ના રોલમાં આમીર ને નહિ! લો, શું કમાયો એમાં?

     અને હવે તો એને પોતાની આગામી ફિલ્મના ગેટ-અપમં ફરવાની ટેવ પડી ગઈ છે. દિલ ચાહતા હૈ વખતે દાઢી પર વંદો ચોંટ્યો હોય એવી દાઢી રાખી ને ફર્યો, મંગલ પાંડે વખતે મોટ્ટી મૂછો અને લાંબા વાળ રાખ્યા, ગજિની વખતે ટકલું કરાવ્યું અને અત્યારે પણ ડાચાની બખોલ પર તોરણ બાંધ્યું હોય એવી બે બાજુ લબડતી મૂછો લઇ ને ફરે છે! ફરે છે તો ભલે ફરતો પણ અમને તો એની પાછળ સંતાયેલા આમિર કાકા દેખાઈ જ જાય છે! અને આ બધું એ પરફેકશનના નામે કરે છે એટલે અમને વધુ ચિંતા પેઠી છે!

     અમારી ચિંતા વ્યાજબી છે અને એટલેજ અમે તો એને વિનંતી કરીએ છીએ કે બધા રોલ કરજે પણ ટારઝન નો રોલ કવાનો વિચાર ના કરતો બાપલા! જરા વિચરી જુઓ તો ચિત્તાના ચામડાની અન્ડરવિયર પહેરેલો સાડા પાંચ ફૂટીયો ટારઝન મોટા મોટા એવોર્ડ સમારંભોમાં, જાહેર સ્થોળોએ, હોટલોમાં, કોઈની સ્મશાન યાત્રામાં કે લગનમાં ફરતો હોય એ કેવું લાગે? અને એ તો આદત વશ એની ચડ્ડી ચિત્તાના ચામડાની છે એવી ખબર મેનકા ગાંધી સુધી પહોચાડ્યા વગર રહેવનો? પછી તો ચેનલવાળા ‘ક્યા યે આમીર હૈ યા ચિતે કી ખાલ મેં ભેડિયા?’, ‘ક્યા હૈ આમીર કી ચડ્ડીકા રાઝ?’, ‘મેનકા ટારઝન કો જંગલ ભેજેગી યા જેલ દેખીયે આજ રાત નૌ બજે’ એવી લાવારીઓ કરી ને આપણો ટાઈમ બગાડે એ જુદું! યાર આપણે ત્રણ કલાક અને ૫૦૦ રૂપિયા ખર્ચીને ને એની ફિલ્મ જોવા જવું કે નહિ એ વિચારતા હોઈએ અને એ છ-છ મહિના સુધી ટી.વી. પર અને છાપામાં આપણ ને એની એ જ ફિલમ બતાવ્યા કરે! આમિરનો તો આ ધંધો છે પણ આપણે નવરા થોડા છીએ?

     બિગ-બીની વાત જુદી છે. એમણે અમુક ઉંમર પછી પડદા પર યુવાન દેખાવાના ધખારા કર્યા નથી બલ્કે યોગ્ય સમયે પોતાની અસલ કાબરચીતરી દાઢી રાખી ને પોતાના ચાહકો ને સંદેશ આપી દીધો હતો કે હવે એ ઉંમર ને અનુરૂપ રોલ જ કરશે. પછી એમ જ કર્યું અને સફળ પણ થયા. એ પછી અત્યારે એ કહે કે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ તો એ વધુ પડતું નથી લાગતું. પણ મિ. પરફેક્શનિસ્ટ આ બાબતમાં થાપ ખાઈ જાય છે. ૩ ઇડીયટસ્ માં યુવાન દેખાવામાં કેવા ફાંફા પડી ગયા હતા* એ દેખાઈ આવતું હતું!  

    આમ જુઓ તો આમિર આપણા ગુજરાતીઓમાં પ્રચલિત અર્થમાં ‘આઇટમ’ છે જ એ વાતની ના નહિ પણ ‘બોય’? એ થોડુ વધારે પડતું લાગે છે.  ખબર નથી પડતી કે આમિરને ‘બોય’ બનવાની પ્રેરણા ક્યાંથી મળી હશે. એનાથી થોડાક વર્ષે નાના દેશના પનોતિ પુત્ર રાહુલ ‘બાબા’ પરથી મળી હોય એ શક્ય છે. પણ મને લાગે છે કે હવે આપણે જ આમિર ને રોકવો પડશે નહીતર આજે એ ‘આઇટમ બોય’ બની ને આવ્યો છે તો કાલે ઉઠી ને એ ‘આઇટમ કીડ’ બની ને પણ આવશે અને બાળોતિયા પહેરીને ગામમાં ફરવા માંડશે એ નક્કી!


‘બધિર’ અમદાવાદી
૨૮-૦૬-૨૦૧૧
* Many friends have commented about Aamir’s look in 3 Idiots.
Check this Link:
http://www.pinkvilla.com/entertainmenttags/aamir-khan/aamir-khan-botox-and-after
(Courtsey: Pink Villa)

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in હાસ્ય લેખ. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s