પરવાનાઓ, શમા સાથે એમ.ઓ.યુ. કરો….


….પ્રણય સંબંધની શરૂઆત ‘નયન ને બંધ રાખી ને…’ કરશો તો પસ્તાશો! બોસ, આંખો ખોલો, મગજ ને પણ બે ટપલા મારો અને તમારા હક્કો માટે જાગૃત થઇ જાવ. અત્યારે જો નયનને બંધ રાખ્યા તો પછી આખી જીંદગી મગજ અને મોઢું બંધ રાખવાનો વારો આવશે! માટે પાણી પહેલા પાળ બાંધી દો…

     પુરાણકાળથી સ્ત્રીઓ નાજુક, અબળા, લાગણીશીલ વગેરે વગેરે ગણાતી આવી છે. પણ એ માસુમ ચહેરાઓ પાછળની તાસીર કંઈક જુદી જ હોય છે. પૌરાણિક કથાઓથી લઇ ને એકતા કપૂરની  કથાઓ સુધી આ રમણીઓએ ખરા સમયે કહાનીમાં ટ્વિસ્ટ લાવી  આપણા રમણભાઈઓની લાઈફ રમણ-ભમણ કરી નાખી હોય એવા ઉલ્લેખો જોવા મળે છે. આમાં વાટ લાગે છે બિચારા કોમળ હૃદયના પુરુષોની! એમાં એમનો કોઈ દોષ નથી કારણ કે એય બિચારા દારૂખનાના કારખાનામાં બીડી પીવે એવા હૈયાફૂટા હોય છે!

     આમાં પણ પાછું ‘ઘર જલાયા ઘર કે ચિરાગ ને’ જેવું થયું છે! આ વર્ગના જ કેટલાક કવિઓએ પોતાની કવિતાઓ અને શાયરીઓમાં રમણીઓની નાજુક અદાઓ, શરાબી આંખો, તીરછી નજર, પરવાળા જેવા હોઠ, મદમાતી ચાલ, મોહક સ્મિતો અને હંસલી જેવી ડોકોના વર્ણનો કરી કરી ને આખાય વર્ગ ને ફટવી મુક્યો છે અને સદીઓથી નાસમજ પરવાનાઓ આ જલતી શમાઓ પર કુરબાન થતા આવ્યા છે. એક રીતે જુઓ તો સદીઓથી આ બધી ‘ફૂલો કી રાની, બહારોકી માલકા’ઓ દ્વારા આ ભોળા અને ગભરુ પરવાનાઓ પર ઈમોશનલ અત્યાચાર થતો આવ્યો છે, થઇ રહ્યો છે અને અમારા જેવા જાગૃત લોકો જો નિષ્ક્રિય રહેશે તો આગળ ઉપર પણ થતો જ રહેશે એમ અમને ચોક્કસ લાગે છે.

Shama & Parvana

         પણ હે પરવાનાઓ આનંદો! તમારી ચિંતા કરવાવાળું કોઈ બેઠું છે. સાડા પાંચ કરોડ… સોરી એ અહીં ના આવે નહિ? હા, તો તમારા હિતોનું રક્ષણ કરવા માટે અમે જાગતા બેઠા છીએ. પણ પહેલા તમારે સ્વપ્નોની દુનિયામાંથી નક્કર વાસ્તવિકતાની ધરતી પર ઉતરી આવવું પડશે. બીજું શેર, શાયરી, ગઝલ અને કવિતાઓથી ગેરમાર્ગે દોરવાવાનું છોડી દેવુ પડશે. કારણ કે ગઝલો અને કવિતાઓ એ જાહેરખબર જેવી હોય છે. એમાં પ્રણયિની , પ્રોષિતભર્તૃકા, રૂપગર્વિતા અને માશુકાઓના લડાવી લડાવીને જે વર્ણનો કરવામાં આવે છે એવું એમાં કંઈ હોતું નથી છે. ઉલટાની જાહેરાતો તો એક રીતે સારી કે એમાં ફૂદડી (‘*’) કરીને Conditions apply લખી ને કે પછી Statutory warning દ્વારા ગ્રાહકોને ચેતવણી આપેલી હોય છે. પણ કવિતાઓ તો ભાવક પાસે વાસ્તવિકતાનું મો-વગું ઘાસ પડતું મુકાવી ને દીવાસ્વપ્નો સમા લટકતા ગાજર પાછળ ગધેડાની જેમ દોડતો કરી દે છે! માટે પ્રથમ પગલા રૂપે કવિતાની અસરમાંથી બહાર આવી જવું એ તાકીદની જરૂરીયાત ગણાય.

     જેમ ફક્ત આકર્ષક પેકિંગ, મોમાં પાણી લાવી દે તેવી સોડમ કે જંગી ડિસ્કાઉન્ટ જેવી બાબતથી અંજાઈ ને તમે કોઈ વસ્તુ ખરીદશો ત્યારે શરૂઆતમાં એ સારી લાગે પણ પછી હકીકત પોત પ્રકાશે છે એમ તમે પણ જો પ્રણય સંબંધની શરૂઆત ‘નયન ને બંધ રાખી ને…’ કરશો તો પસ્તાશો! બોસ, આંખો ખોલો, મગજ ને પણ બે ટપલા મારો અને તમારા હક્કો માટે જાગૃત થઇ જાવ. અત્યારે જો નયનને બંધ રાખ્યા તો પછી આખી જીંદગી મગજ અને મોઢું બંધ રાખવાનો વારો આવશે! માટે પાણી પહેલા પાળ બાંધી દો અને લાગણીમાં જરા પણ તણાયા વગર અમે જે  ‘મોડેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ’ એટલે કે ‘મોડેલ એમ.ઓ.યું.’ બનાવ્યું છે તેની ઉપર તમારાવાળી પાસે સહી કરાવી ને ‘જરા સી સાવધાની, જીંદગી ભર આસાની’ વાળી જાહેરાત યથાર્થ ઠેરવો. તો એક નજર નાખી લો આ વાઈબ્રન્ટ એમ.ઓ.યુ. ઉપર…..          

 1. છોકરી તરીકેનો કોઈ ખાસ બેનીફીટ નહિ મળે. જે વાત મારા ભાઈબંધો ની નહિ ચલાવી લેતો હોઉં એ તારી પણ નહિ જ ચલાવી લઉં.
 2. આપણી લગ્ન તિથી, મારી અને તારી વર્ષગાંઠ કે તારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, ટોમી-લાલિયા કોઈની પણ વર્ષગાંઠના દિવસો ને બેસતા વર્ષ અને દિવાળી વચ્ચે આવતા ‘ખાડા’ ના દિવસો જેવા પડતર દિવસો ગણવાના રહેશે. અમારા તરફથી ઉજવણી અંગે નું કોઈ વચન આપવામાં આવતું નથી. માટે ભરોસો હોય તો જ આગળ વધવું. નહિ તો મારી પાસે બીજી ૬ છોકરીઓએ સાઈન કરેલા આવા એમ.ઓ.યુ. પડ્યા છે.
 3. છતાં પણ ક્યારેક હું તારા માટે કોઈ ગીફ્ટ લાવું તો એમાંથી ડીઝાઈન, કલર, શેડ, મટીરીયલ, પેટર્ન, વજન વગેરે કોઈ પણ બાબતની ખોડ કાઢવી નહિ. જો કાઢી, તો પછી કાયમ માટે ગીફ્ટ બંધ!
 4. ડ્રેસ કે સાડી ‘કેવી લાગે છે?’ એમ પૂછવામાં આવશે ત્યારે તે જેવી લાગતી હશે તે સ્પષ્ટ જણાવવામાં આવશે. એ તારા મમ્મી એ, બનેવીએ કે પછી ભાઈ કે બીજા કોઈ સગલાએ આપેલી હશે તોય અભિપ્રાય બદલવામાં નહી આવે.
 5. તારે જો બનેવી હોય તો એને ‘साली तो आधी….’ વગેરે સાળી વિષયક કહેવતો બોલવા પર પ્રતિબંધ ફરમાવવો પડશે. અમને એવો કોઈ પ્રતિબંધ લાગુ પડશે નહી.
 6. તારા ભાઈને (જો હોય તો)  મારા મિત્રો ની બેઠક થી દૂર રહેવા સ્પષ્ટ સૂચના આપવી.
 7. તારો ભાઈ તારા વતી કે તારી મમ્મી વતી જાસુસી કરતો પકડાશે તો એની ઈતર પ્રવૃત્તિઓનું લીસ્ટ તારા પપ્પા ને પહોચી જશે એની એને જાણ કરી દેવી.
 8. આપણું નક્કી થઇ જાય પછી તારા ભાઈએ પોકેટમની તારા પપ્પા પાસેથી જ લેવાનું રહેશે.
 9. હું તારા ઘરે આવું ત્યારે તારા પપ્પા મારી સાથે મુકેશ કે તલત મહેમુદના ગીતોની વાતો કરી ને બોર ન કરે એનું ધ્યાન રાખવાનું રહેશે.
 10. મારી આગતા સ્વાગતા ફ્રીઝમાં પડી રહેલી સામગ્રીથી નહી પણ મને પસંદ હોય તેવી તાજી વાનગી/ પીણાથી કરવા તારી મમ્મીને સ્પષ્ટ સૂચના આપવી. ગેસ વગરની કોલા કે પેપ્સીની મને સખ્ત નફરત છે અને તારી સોસાયટીના કૂતરાંને ‘રસના’ ચાખવા મળે એવી શક્યતા ઉભી ન થાય એનું ધ્યાન રાખજે.
 11. તારો અભિપ્રાય પૂછવામાં આવે ત્યારે તારે તારા મમ્મી ને પૂછ્યા વગર તાત્કાલિક આપવાનો રહેશે.
 12. નવરાત્રી અને ધૂળેટી જેવા તહેવારોમાં તારી સોસાયટીના છોકરાંઓ ને મારાથી દૂર રાખવા. તારે પોતે પણ એમને તારાથી દૂર રાખવા.  
 13. તારા ગૃપની અને સોસાયટીની બધી જ બહેનપણીઓની મારી સાથે ઓળખાણ કરાવવાની રહેશે.
 14. બપોરે ટીવી પર રસોઈ શોમા જોયેલી વાનગીનો બનાવવાનો પહેલો પ્રયોગ તારા ઘરે જાય ત્યારે ત્યાં જ કરી લેવો પડશે. એ લોકો ટકી  જાય ત્યાર પછી જ આપણા ઘરે એ વાનગી બનાવવી.
 15. તેં બનાવેલી વાનગી સરસ હશે તો એના હું વગર પૂછ્યે વખાણ કરીશ પણ તને ગમતો જ અભિપ્રાય આપું તેવો આગ્રહ રાખવો નહી. હું તારા પ્રેમમાં હોઈ શકું, મારું પેટ નહી. 
 16. તારા માટે જાન હાજર છે પણ રસોઈમાં લાલીયાવાડી નહી ચાલે. 
 17. શોપિંગ મોલ કે શાક માર્કેટમાં તને ખરીદી કરવામાં તકલીફ ન પડે તે માટે આપણા ટેણીયાને હું તેડીશ પણ એના બાળોતિયા ભરેલી તારી હેન્ડબેગ મારા ખભે લટકાવવાનો આગ્રહ રાખવો નહી.
 18. શાક માર્કેટમાં શાક લેતી વખતે નજર મારી પર નહિ, શાક પર રાખવાની રહેશે.
 19. ખરીદવાની વસ્તુઓનું લીસ્ટ શોપિંગ મોલમા પ્રવેશતા પહેલા મને આપવાનું રહેશે અને લીસ્ટ બહારની વસ્તુ ખરીદવા દેવામાં નહી આવે.
 20. મોઢા પર ખાલી પાવડર કે લીપસ્ટિક લગાવવાને મેક-અપ ગણવામાં નહી આવે.
 21. તારી તબિયત વિષેનો ડેઈલી રીપોર્ટ, અડોશી-પડોશીની દિનચર્યાની વિગતો, કરીયાણાવાળાની ઘાલમેલ, ધોબી અને કામવાળા વિશેની ફરિયાદો, વજન ઘટાડવાના નવા સરળ નુસખા વગેરે એક કાગળ પર લખી ને સાંજે મને આપી દેવાના રહેશે, જે હું સુતા પહેલા વાંચી લઈશ. આ બાબતો પર કોઈ ચર્ચા આપવામાં નહિ આવે.
 22. ‘હા’ કે ‘ના’ નો જવાબ માથું હલાવી ને પણ આપી શકાય છે માટે પ્રશ્ન પૂછતી વખતે નજર મારી તરફ રાખવાની રહેશે. જવાબ તરત મળશે અને જવાબ મળી જાય પછી તરત બન્ને એ પોત પોતાના કામે લાગી જવાનું રહેશે.
 23. ‘ડાયટીંગ’ એટલે પાંચ માંથી એક રોટલી પર ઘી નહી ચોપડવાનું’ એ ખ્યાલ ખોટ્ટો છે.
 24. તારા વજન વિષે અભિપ્રાય પૂછે ત્યારે તું જાડી દેખાતી હોય તો પણ હું ‘તારું વજન ઘણું ઉતર્યું છે’ એમ કહું એવી અપેક્ષા રાખવી નહી. ‘આપસે પ્યાર કાફી, પર જૂઠ સે માફી!
 25. છોકરાંઓ ઉપર તારો પણ કાબુ હોવો જરૂરી છે. ગમે ત્યારે મને ‘લાલિયા છૂ’ કહી ને છોકરાઓ પર છોડી મૂકવાની પ્રવૃત્તિ નહી ચાલે.

     આ ‘અન્ડરસ્ટેન્ડીંગ’ એટલે કે સમજુતી પહેલેથી કરવી એટલા માટે જરૂરી છે કારણ કે પાછળથી સમજવાનું કામ ફક્ત તમારે એકલા એ કરવાનું આવશે છે એવે વખતે લખેલું હશે તો બોલશે. ખરું પૂછો તો આ એમ.ઓ.યું. કરી ને પણ તમે એમનું કઈ બગાડી નથી લેવાના! જ્યાં રાજાઓના રાજ જતા રહ્યા, શુરાઓ ખપી ગયા, અરે, અંતર્યામી ભગવાન જેવા ભગવાન શ્રી રામ પણ સ્ત્રી હઠ સામે નમતું જોખી ને ધનુષ-બાણ લઇ ને હરણ પાછળ દોડ્યા હતા અને પછી મોટ્ટી બબાલ વહોરી બેઠા હતા ત્યાં તમે શું ભડાકા કરી લેવાના હતા! છતાં પણ અત્યારે આટલુતો કરી જુઓ પછી તકલીફ હોય તો બીજું વિચારીએ….

નોંધ:-

 1. આ એગ્રીમેન્ટમાં અમારા અનુભવ કરતા અમારા અભ્યાસનો ફાળો વધુ છે.
 2. પરિણામો માટે અમને જવાબદાર ગણવા નહી.  
 3. આ કરારનામું અમલમાં મુક્યા પછી અમને રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો નહી. 

માસૂમ ચહેરો, કામણગારી અદાઓ અને મધ ઝરતી વાણી  તમારા મક્કમ ઈરાદા અને આ એમ.ઓ.યુ.ની કલમોનો કુચ્ચો ન ઉડાડી દે એ જ શુભેચ્છા…

‘બધિર’ અમદાવાદી
૨૮-૦૭-૨૦૧૧
Photo Courtesy: Ravi Upadhyay’s blog.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in હાસ્ય લેખ. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s