હવે બુકાનીઓ પર અદાલતો ભરાશે…


જ કાલ દેશના નાગરિકો જાગી ગયા હોય એમ લાગે છે. અન્નાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત આપવા માટે લોકોને આગળ આવવા માટે હાકલ કરી અને લોકો આગળ આવવા પણ માડ્યા! અમુક ઉત્સાહીઓ તો એટલા બધા આગળ આવી ગયા છે કે એમને પાછા મોકલવા પડે તેમ છે. તો અમુક આઈટમો એવી પણ રસ્તા પર ઉતરી આવી છે કે અન્નાને અન્ના ડી.એમ.કે.ના ધારાસભ્ય ગણે છે! પણ હઇશો હઇશો કરતાં આવા લોકોય જોડાઈ ગયા છે! મીણબત્તી સરઘImageસ, SMS, ઈમેઈલ ફોરવર્ડઝ, પ્રતિક ઉપવાસ, બેનરો, ટોપી અને બીજું જે હાથમાં આવ્યું એ લઇ ને પબ્લિક નીકળી પડી છે! ટૂંકમાં લોકોમાં જાગૃતિ આવી ગઈ છે.

અમે સ્કૂલમાં હતા ત્યારે અમારા ક્લાસમાં જાગૃતિ સૌથી પહેલાં આવતી. એને એની મમ્મી સ્કૂટી પર મુકવા આવતા અને અમે બધા સાઈકલ પર કે બસમાં તૂટતા તૂટતા આવતા એટલે મોડા પડતા. જાગૃતિ સૌ પહેલી  આવતી એટલે એ ચિબાવલી ટીચર્સની ચમચી બની ગઈ હતી. અમે પાછલી બેંચ વાળાઓએ એની મમ્મીને વહેલા આવવાનું દોઢ ડહાપણ ન કરવા કહેવાનું નક્કી કર્યું પણ છૂટતી વખતે સ્કૂટી પર બેઠેલી મોઢે બુકાનીધારી મમ્મીઓના ટોળાની વચ્ચે એની મમ્મીને શોધીએ તે પહેલાં તો જાગૃતિ એની મમ્મી પાછળ બેસીને અમારી આગળથી નીકળતી! બસ ત્યારથી અમને આ ‘બુકાની પ્રથા’ પ્રત્યે રોષ પેદા થયો તે આજ સુધી ચાલુ છે.

જેમ અન્નાના સમર્થનમાં અમુક લોકો સમજ્યા કર્યા વગર હઇશો હઇશો કરતાં કુદી પડ્યા છે બરોબર એમ જ અમુક લોકો એ વખતે વગર લેવાદેવાએ બુકાની બાંધી ને ફરતા થઇ ગયા હતા. જેમકે તડકો, ધૂળ અને  ધુમાડો જેમનું કંઈ જ બગાડી શકવાના ન હતા એવા અમારા કાલિંદી ટીચર! બીજા સિંગલ હડ્ડી, સફેદ સાડી, મોટ્ટો લાલ ચાંદલો અને કાબરચીતરાવાળમાં રાખ ખંખેર્યા વગરની સિગરેટ જેવા લાગતા અમારા ભદ્રા ટીચર! જાણે એમના વાળ તડકામાં ધોળા થયા હોય એમ ભદ્રા ટીચર મોઢા ઉપરાંત બુકાની નો છેડો માથે પણ લપેટતા! એમનું જોઈ ને સ્કૂલની છોકરીઓ પણ વાદેવાદે બુકાની બાંધવા માંડી હતી.

આ જ બુકાની પ્રથાએ અમારો કોલેજ જીવન દરમ્યાન મળતો આંખોનું તેજ વધારવાનો લહાવો ખૂંચવી લીધો હતો. કોલેજની બહાર બાઈક કે દોસ્તની ગાડી પર બેસીને અમે ગાડી લુછવાના ફટકાથી માંડી ને રેશમી, સુતરાઉ કે બાંધણીના કપડાની બુકાનીઓની આરપાર અમારી સપનાની પરીઓને શોધતા. નજર મેળવવાનો તો સવાલ જ પેદા નહોતો થતો કારણ કે બુકાની ઓછી હોય એમ અમારી પરીઓ આંખે ગોગલ્સ પણ ચડાવતી!

પણ સૌથી ખરાબ હાલત અમારી કોલેજના મંજાયેલા મજનુઓની હતી. એ લોકો કેટલીય જુલિયટ, શીરી અને સોહનીઓનો માર ખાતા ત્યારે એકાદ બુકાનીમાંથી એમની લયલા નીકળતી! અમુકને બુકાની પાછળથી ઘરના દાગીના નીકળ્યાના દાખલા બન્યા હતા! ઘણા ને તો મલ્લિકા સમજીને આકરી ફિલ્ડીંગ ભર્યા પછી જ્યારે બુકાની નીચેથી માયાવતી નીકળતી ત્યારે હાલત જોવા જેવી થઇ જતી! માજીઓના હાથનો માર ખાધા પછી કેટલાકે તો સરકાર ને બુકાનીધારી સ્કૂટી/ કાઈનેટીક સવારોમાં ઉંમર પ્રમાણે બુકાનીનું કલર કોડીંગ દાખલ કરવાની રજૂઆત કરવાનું પણ નક્કી કરી લીધું હતું જેથી કરી ને કયા મજનુ એ ક્યાં અરજી કરવી એ ખબર પડે!

સરવાળે કોલેજમાં માહોલ નિરાશાજનક બની ગયો હતો. ક્યારેક તો એવું લાગતું હતું કે કવિઓએ ‘પહેલી નજરના પ્રેમ’ ને બદલે ‘બુકાની છોડ્યા પછીના પ્રેમ’ (કે ઝાટકા) પર કવિતાઓ લખવાની શરુ કરવી પડશે કે શું? અમને ‘હવે બુકાનીઓ પર અદાલતો ભરાશે, મેં મજનુઓને ઝૂડવાના પાપ કર્યા છે’ જેવી કવિતાઓ સુઝવા માંડી હતી! ટ્રાફિક પોલીસોનો પણ અમને ટેકો મળે એમ હતો કારણ કે એમાંના કેટલાક તો પોતાની બેન દીકરીઓ પાસેથી lલાંચ માંગી ચુક્યા હતા! એ લોકો તો રાહ જ જોતા હતા અને બગાસું ખાતા મોઢામાં પેંડો પડે એમ સરકારે હેલ્મેટ પહેરવી ફરજીયાત કરી! અને અમે પણ અમારા સાયલન્સરમાં પાણી ભરવાથી બંધ પડેલા સ્કૂટર જેવા મન ને કીકો મારી મારી ને જગાડવાનું ચાલુ કરી દીધું!

(સૌજન્ય: divyabhaskar.com)

http://www.divyabhaskar.co.in/article/GUJ-now-start-fight-against-fashion-of-bukani-2383831.html

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में ... and tagged , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s