અમદાવાદના રીક્ષાવાળાઓ વિષેની એક દંતકથા!


    એકવાર એવું બન્યું કે રીક્ષાવાળાઓના બેફામ ડ્રાઇવિંગથી કંટાળીને ભગવાન વિષ્ણુએ રીક્ષાવાળાઓને સ્વર્ગમાંથી તડીપાર કર્યા. હવે રીક્ષાવાળા સ્વર્ગમાં કેવી રીતે ગયા એ પૂછીને અમદાવાદનું નામ બગાડશો નહીં. છતાં વાત નીકળી છે તો કહી દઉં કે યમરાજાને એમના કામમાં મદદ રુપ થવાના પુણ્યપ્રતાપે એમને સ્વર્ગનો વિસા પ્રાપ્ત છે! તડીપાર કરવાનું કારણ પણ એ જ કે તે લોકો જે અમદાવાદમાં કરતા હતા એવું જ બધું જ સ્વર્ગમાં કરતા હતા.

    સાયકલ પણ ન નિકળી શકે એટલી જગ્યામાંથી એ લોકો આખી રીક્ષા કાઢતા! સ્કૂલ-રીક્ષામાં ખીચોખીચ છોકરાં- દફતરો ભરી બેફામ હંકારતા. ઉપરથી કેરોસીનથી રીક્ષા ચલાવીને સ્વર્ગનું વાતાવરણ બગાડતા. ના, ત્યાં સી.એન.જી. નહોતુ પહોંચ્યુ કારણકે સ્વર્ગમાં ઉદ્યોગપતિઓને જમીનો કે બીજી કોઈ ખાસ સવલતો આપવામાં નહોતી આવતી!

    બાકી હોય એમ નારદજી એ સ્વર્ગમાં ‘દેવ લોકપાલ બિલ’ લાવવા માટે અંદોલન શરુ કરવાની ફિરાકમાં હતા અને પોતાની ખાસ વિદ્યા નો ઉપયોગ કરી ને એમણે દેવોમાં ફાટફૂટ પડી ને મોટા ભાગના દેવો ને પોતાના પક્ષે કરી લીધા હતા! આથી ઇન્દ્રદેવ પણ નારદજી ને ચિત કરવા માટેના નવા દાવ શોધવામાં વ્યસ્ત હતા એટલે ટ્રાફીક જેવી ક્ષુલ્લક બાબતો માટે એમને સમય નહોતો.

    એમાં બે દિવસ પહેલાંજ પગથી સાઇડ બતાવીને ઓચિંતો વળીગયેલો રીક્ષાવાળો પાછળ વાઘ પર આવતા માતાજી સાથે ભટકાયો. માતાજી એ કમિશ્નર કાર્તિકેયને ફરીયાદ કરી તો એ પણ કહે કે એક રીક્ષાવાળાએ મારા મોરના પીછા પર રીક્ષા ચડાવીને ભર ચોમાસે એને બાંડીયો કરી દીધો છે એટલે હું પણ એ લોકો ઘામાં આવે એની જ રાહ જોઉં છું.

    જ્યારે મહાદેવજીનો પોઠીયો લંગડો થઇ ગયો અને ગણપતીજીના ઉંદરની પૂંછડી ચગદાઇ ત્યારે તો એક જ ઘરમાં ચાર કેસ થાયા! અને હદતો ત્યારે થઇ કે ખોડીયાર માતાનો મગર અને ભગવાન વિષ્ણુનો ગરુડ પણ હડફેટે ચડ્યા! એમાં ગરુડતો બિચરો સાંકડી ગલીની લારી પર બાંકડે બેસી ગાંઠીયા ખાતો હતો ત્યાં કોક ગઠીયો ટક્કર મારી ગયો! આમ શ્રી હરીને પોતાને જ ટાંટીયા તોડવાનો વારો આવ્યો એટલે એમણે પણ છેવટે કેસ પોતાના હાથમાં લઇને તડીપારના ઓર્ડર પર મત્તુ મારી દીધુ!

    આમ રીક્ષાવાળાઓને તડીપાર કર્યા પછી સ્વર્ગની આજુબાજુ ઉંચો કોટ ચણી દીધો જેથી એ લોકો પાછા સ્વર્ગમાં ના ઘુસી જાય. પછી તો સ્વર્ગમાં રાહતની લાગણી ફેલાઇ. હા, નારદજી જેવાને જે મફતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું મળતું હતું એ બંધ થયુ પણ સરવાળે બધા ખુશ હતા!

    એવામાં એક દિવસ સ્વર્ગમાં ગાજ-વિજ સાથે ભારે વરસાદ થયો. ઠેર ઠેર જળ બંબાકાર! વરસાદ એટલો ભારે કે અટકવાનું નામ ન લે. કાન ફાડી નાખે એવા કડાકા અને આંખો અંજાઇ જાય એવી વિજળી થતી હતી. એવામાં એક મોટો કડાકો થયો અને નબળા બાંધકામવાળા કોટમાં તિરાડ પડી! હા ભાઇ, ત્યાં પણ અ.મ્યુ.કો.નો કોઇ સીટી એંજીનીય્રર ઘુસ્યો હશે ને!

    હા, તો વીજળી પડવાથી સ્વર્ગના કોટમાં તિરાડ પડી….અને બીજા દિવસથી રિક્ષાવાળાઓ પાછા સ્વર્ગમાં ફરતા થઇ ગયા!

 

—–X—–X—–

(સૌજન્ય: divyabhaskar.com)

http://www.divyabhaskar.co.in/article/GUJ-story-of-rickshaw-driver-of-ahmedabad-by-badhir-amdavadi-2401235.html

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में ... and tagged , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s