વરસાદી વાતોના વડા અને અમદાવાદના દાળવડા


Image

Click on image to read the article on DivyaBhaskar.com.

વરસાદી રાત્રે કવિઓને મોરના ટહુકા અને દેડકાઓનું ગાન સંભળાય છે! એ માટે ‘દાદૂર ડકારમ્ મયુર પોકારમ્…’ જેવી પંક્તિઓ પણ લોક સાહિત્યમાં લખાઈ છે. જેમાં મોરનો પોકાર એટલે કે ટહુકાઓ તો જાણે સમજ્યા કે વરસાદ આવે એટલે ટહુકવું એ મોરનો સીઝનલ ધંધો છે. પણ આ દાદૂર નું ‘ડકાર’ એ અમારી સમજમાં ન આવ્યું! વરસાદ આવે એટલે અમદાવાદીઓની જેમ દેડકાઓ પણ દાળવડા જેવું કંઈ  ઝાપટતા હશે જેનો ઓડકાર કવિઓ ને સંભળાતો હશે? અને અમે તો રહ્યા અમદાવાદી એટલે અમને તો પહેલો વિચાર એ પણ આવે કે દાળવડા એ પ્રકૃતિનું વાદળ, વીજળી અને વરસાદ જેટલું જ વિસ્મયકારક તત્વ હોવા છતાં કવિઓને દેડકાનું ડ્રાઉં ડ્રાઉં જ કેમ સંભળાય છે? એમને વરસાદની બુંદાબાંદીમાં સંગીત સંભળાય છે તો ઉકળતા તેલમાં પડતા દાળવડાના ડબકા સાથે ઉઠતી કડકડાટીમાં સંગીત કેમ નથી સંભળાતું? કડકડતા તેલમાં તળાતા લીલા કચ્ચ મરચાંના છમકારા પરથી એમને છંદ બદ્ધ કાવ્ય લખવાનું કેમ મન નથી થતું?

જેમ મેનકાએ વિશ્વામિત્રનો તપોભંગ કાર્યો હતો એમજ ઝારા વતી થાળમાં ઠલવાતા ગરમા ગરમ દાળવડા ઉપવાસીઓને ઉપવાસ ભુલાવી ને દાળવડા પર તૂટી પાડવા મજબુર કરી દે છે! આ વાનગી માટેનો અમદાવાદીઓનો પ્રેમ જોઈ ને વિશ્વ પ્રસિદ્ધ ફાસ્ટ ફૂડ જોઇન્ટસ્ ની શૃંખલાના માલિકો આંચકો ખાઈ ગયા છે! હમણાં ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાની વિદેશમંત્રી હીના રબ્બાનીની સુંદરતા પર ઓવારી ગયેલા કેટલાક બાબુચકો એમના બદલામાં કાશ્મીર આપી દેવા તૈયાર થયા હતા! પણ હીના રબ્બાનીના બદલામાં કોઈ અમદાવાદી પાસેથી માત્ર એક દાળવડુ માગ્યું હોત તો એ દાળવડુ તો શું અડધું કરડેલું મરચું પણ ન આપત! દાળવડા ચીઝ હી ઐસી હૈ ન છોડી જાયે, ચાહે હીના રબ્બાની ભાડ મેં જાયે…

અમદાવાદીઓ માટે ચોમાસું એ વરસાદના બહાને દાળવડા ઝાપટવાની ઋતુ છે. વરસાદ પડે અને દાળવડા ખાવા ન નીકળે એવા અમદાવાદીઓને તો એલ.આઈ.સી.એ જીવન વિમાની રકમ જીવતે જીવ  ચૂકવી આપવી જોઈએ. બેભાન થયેલા અમદાવાદીને ભાનમાં લાવવા માટે પ્રાથમિક ઉપચાર તરીકે ચંપલ કે ડુંગળી સુંઘાડવાની જરૂર નથી! એને ફક્ત દાળવડા સુંઘાડો તો એ તરત બેઠો થઇ જશે. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પણ જો ગરમ દાળવડાની સગવડ રાખવામાં આવે તો ૫૦% પેશન્ટ તો દાળવડાની સોડમથી સ્થળ પર જ હસતા હસતા બેઠા થઇ જાય તો નવાઈ નહિ!

દાળવડાનો ઘાણ ઉતરતો હોય એ વખતે સામે લાઈનમાં ઉભેલા લોકોના ચહેરા પરની તાલાવેલી મંદિરમાં દર્શન માટે લાગેલી લાઈનમાં ઉભેલા લોકોના ચહેરા પર પણ નહિ જોવા મળે! ભગવાન પણ જો અમદાવાદી હોત તો કમ સે કમ અમદાવાદ પર વરસાદની હેલી વખતે વીજળીના ઝબકારા સાથે દાળવડા અને કડાકા સાથે કાંદા-મરચા વરસાવવાનો ઉપક્રમ રાખ્યો હોત.

જોકે અત્યારના રાજા, દિગ્ગીરાજા અને કલમાડીથી લઇ ને ‘જય માડી’ અને રાખી સાવંતથી લઇ ને વલ્ડ કપ ફેમ પૂનમ પાંડેનું તાજેતરનું ટ્વીટર પરનું પરાક્રમ જોતા યુગોથી માણસોનો ઘાણ ઉતારી ઉતારીને હવે ભગવાન પણ થાક્યા હોય એમ લાગે છે. નકરી વેઠ ઉતારતા હોય એમ લાગે છે. અમારા મતે તો એમણે વચ્ચે થોડો સમય રજા રાખીને સુભાષ બ્રિજ પાસેના ‘જેલના ગોટા’ના કારીગર નારણ પાસેથી ગોટાનો ઘાણ કેવી રીતે ઉતારાય એ શીખી આવવા જેવું છે! એની જેમ જો રસ લઇ ને માણસોનો ઘાણ ઉતારે તો પૃથ્વી પર આવા લોચાના થાય! પતિ પત્નીઓની જોડીઓ પણ સ્વર્ગમાં જ નક્કી થતી હોઈ એ પણ દાળવડા સાથે તળેલા મરચાંની જેમ જ હીટ જશે!

હવે દાળવડાની સાથે ભજીયા, ગોટા અને કાંદાવડાનો પણ ભાવ પૂછાવા માંડ્યો છે. પણ આ વખતે તો દાળવડાના શોખીનોને સતત પડેલા વરસાદે જલસા કરાવી દીધા છે! ઘણાને તો દાળવડાની લારીવાળા સાથે ઘર જેવા સંબંધ થઇ ગયા છે તો ઘણા મહિને હિસાબ કરી શકાય એ માટે ચાની જેમ દાળવડા માટે પણ ડાયરી રાખવાનું સૂચન કરી રહ્યા છે. વરસાદના કારણે વારંવાર દાળવડાની લારીએ ધક્કા ન ખાવા પડે એ માટે અમુક રસિયાઓતો દૂધવાળા અને છાપાવાળાની જેમ દાળવડાવાળો બંધાવવાનું પણ વિચારવા માંડ્યા હોય તો નવાઈ નહિ!

—–X—–X—–1094

(સૌજન્ય: divyabhaskar.co.in)

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में ... and tagged , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s