Hot શહેરના Cool અમદાવાદીઓ


 

Ahmedabadટી.વી. પર જ્યારે હું સિંગિંગ કે ડાન્સિંગના રિયાલીટી શોના જજને કોઈ સ્પર્ધકને પોરસ ચડાવતા જોઉં છું ત્યારે મને પંચરની દુકાને ટાયરમાં હવા ભરી આપતો ટેણીયો યાદ આવે છે! એ તમારા નરમ ટાયરમાં હવા ભરીને તમારી ગાડી ને દોડતી કરી દે બરોબર એમ જ રિયાલીટી શોના જજીસ પેલા સિંગર કે ડાન્સરને હવા પૂરે એટલે પેલો ઘૂઘરા જેવો થઇ જાય અને બમણા ઉત્સાહથી મંડી પડે. તહેવારો આવે એટલે આમ જ અમારા વ્હાલા અમદાવાદ શહેરને કોક હવા પૂરે છે અને ઉપરાછાપરી આવતા રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારોની ઉજવણીના માહોલ વચ્ચે શહેર જાણે આળસ મરડીને બેઠું થઇ જાય છે. ઉભરાતી ગટરો, ખાડા-ખૈયા અને ભૂવાવાળા રસ્તા માટે છાપાવાળા, વિરોધપક્ષ અને પ્રજા મ્યુનીસિપલ  કોર્પોરેશનની ધૂળ કાઢે એટલે એ લોકો પણ નદીની રેત ઉપર ડામરનું લીંપણ કરીને શહેરને યથાશક્તિ રૂપાળું બનાવવાની કોશિશમાં લાગી જાય છે. આમ ચોમાસા દરમ્યાન બેહાલ થયેલું આ શહેર દિવાળીના તહેવારોમાં રસ્તાની બન્ને તરફ લાગેલા ‘સેલ’ના રંગબેરંગી પાટીયા અને શણગારેલી દુકાનોથી શોભી ઉઠે છે! પણ, આ ઉજવણીમાં ખરેખર ચાર ચાંદ લગાવે છે આ Hot  શહેરનો Cool અમદાવાદી!!!

ફેસબુક, ઈમેઈલ અને SMSમાં પ્રચલિત એવા આ શબ્દ ‘Cool’ ની વ્યાખ્યામાં અમદાવાદી બિલકુલ ફીટ બેસે છે. એને અણ્ણા હજારે વિષે પૂછશો તો એની આગવી શૈલીમાં કહેશે ‘ટોપી સારું કામ કરે છે’ અને પાછો કામમાં પરોવાઈ જશે. લેણિયાતને એ ‘કોને આપ્યા ને તમે રહી ગયા’ એવું કહે, એ પણ હસતા હસતા. સસ્તું, સારું, નમતું અને ઉધાર મેળવવું એ એનો જન્મસિદ્ધ હક્ક ગણે એ અમદાવાદી! ડિસ્કો થેકમાં એ કુંડાળે પડીને ગરબા પણ ગાઈ લે! તો તોફાનોમાં જે કોન્સ્ટેબલના દંડા ખાધા હોય એજ કોન્સ્ટેબલ પાસેથી કરફ્યુ વખતે એ બીડી માંગીને પી શકે અને એને પોતાના ઘરની ચા પણ પીવડાવે! ‘આપણે કેટલા ટકા’ એમ કહી ને કોઈ પણ મોટી સમસ્યાથી પોતાની જાતને એ સિફતથી અળગી કરી શકે છે. કોઈ સંશોધન કરે તો સુલતાનના જમાનાના ચલણી સિક્કામાં રાજમુદ્રાની નીચે એ વખતની લિપીમાં ‘આપણે કેટલા ટકા’ એવું લખાણ મળી પણ આવે! આતો આડ વાત થઇ, પણ આ સ્વાભાવ જ અમદાવાદીઓને તોફાનો અને કરફ્યુ વચ્ચે પણ ખંતથી પોતાનો રોટલો કમાવાનો ઉદ્યમ જારી રાખવા પ્રેરતો હતો તો આજે પણ એ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કૌભાંડો જેવી સમસ્યાઓને નર્મદા મિશ્રિત સાબરમતીના પાણીથી પચાવીને ઠંડા પેટે પ્રગતિના પંથે આગળ ધપતો રહે છે!

ઝભલા થેલી, ચાના ડીસ્પોઝેબલ ગ્લાસ તથા ગુટકા-પાન મસાલાના કાગળ ગમે ત્યાં નાખવાની કુટેવ બાદ કરો તો આમ અમદાવાદી પર્યાવરણને પ્રેમ કરનારો છે. પોળની ‘ઇકોલોજી’ જુઓ તો આશ્ચર્યચકિત થઇ જાય એટલું ત્યાંના રહીશોનું જીવન અરસ પરસ ગુંથાયેલું દેખાય. એજ કુટુંબ જ્યારે પોળમાંથી ફ્લેટમાં જાય ત્યારે ત્યાંના વાતાવરણમાં સહેલાઈથી એડજસ્ટ થઇ જાય! હળીમળીને રહેવું એ અમદાવાદીના લોહીમાં છે. અમદાવાદ વિશેની પ્રસિદ્ધ કિંવદંતિમાં કૂતરા પર હુમલો કરનાર સસલું મૂળ અમદાવાદનુ નહિ હોય પણ બહારગામથી આવ્યું હશે, નહીતર એણે દિલ્હીથી બાદશાહ સાથે આવેલા કૂતરા સાથે એમ.ઓ.યુ. કર્યું હોત અને ત્રણ દરવાજા પાસે બાદશાહના જ પૈસે શરુ કરેલા ચડ્ડી-બનિયાન અને પ્લાસ્ટીકના ડોલ-ડબલા વેચવાના ધંધાને આજે બન્નેના વંશજો સી.જી. રોડ પરના શો રૂમ સુધી લઇ ગયાં હોત!

અનેક આસમાની- સુલતાની જોઈ ચુકેલા આ શહેરની પ્રજાના ખમીર ને જો કોઈ પારખી ન શક્યું હોય તો એ છે આ શહેરના બિલ્ડરો! આ શહેરનો રહેવાસી ભવિષ્યમાં કદી એક નહિ પણ બબ્બે કાર વસાવી શકશે એ બાબત એમના ધ્યાન બહાર રહી અને એના લીધે શહેર ને મળ્યા ‘રીવર્સના રાજાઓ’! બિલ્ડરોએ મોટી સંખ્યામાં એવી સોસાયટીઓ બનાવી નાખી જેમાં કાર માટે ‘યુ ટર્ન’ લેવાની જગ્યા જ નથી રાખી. પરિણામે આ શહેરના નાગરિકો કારને સીધી ચલાવવા કરતા રીવર્સમાં વધુ કુશળતા પૂર્વક ચલાવી શકે છે! અમારો તો દાવો છે કે એમને ‘ફોર્મ્યુલા વન રેસિંગ’માં રિવર્સમાં કાર ચલાવવાની છૂટ આપવામાં આવે તો એમાંના ઘણા લોકો ટ્રોફીઓ જીતી લાવે એમાં કોઈ શંકા ને સ્થાન નથી!

કોઈ પણ સામાન્ય અમદાવાદી ને પૂછશો તો એની પાસે રાતોરાત કરોડપતિ થવાનો પ્લાન મળશે. પણ રાતોરાત કરોડપતિ બનેલા અમદાવાદીઓ પહેલેથી જ લઘુમતિમાં! મૂળભૂત રીતે મોટાભાગના અમદાવાદીઓ મહેનત કરીને આગળ આવેલા છે. કોઈ વડીલને પૂછશો તો એમના મોઢે રણછોડલાલ છોટાલાલનું નામ સાંભળવા મળશે. ગાંધીજીનો કરકસરનો સિધ્ધાંત પોતાની આગવી રીતે અમલમાં મુકનાર અમદાવાદીઓએ એક જમાનામાં ‘રૂપિયાની ત્રણ અધેલીઓ શોધનાર’ અને ‘કંજૂસ’નું બિરુદ હસતે મોઢે સ્વીકારી લીધું હતું. એટલીજ સહજતાથી અત્યારનું મોલ અને મલ્ટીપ્લેક્સનું કલ્ચર પણ સ્વીકારી લીધું છે. છતાં પણ ખરો અમદાવાદી કાર ખરીદવાના મામલે, ક્રિકેટની ભાષામાં કહીએ તો રાહુલ દ્રવિડની જેમ ‘ધીમી પણ સંભાળ ભરી રમત’ બતાવી, ‘પીચ પ્રમાણે રમી’ અને બાઈકથી  શરુ કરીને મારુતિ અને પછી ઓડી સુધી પહોચે છે!

એવું પણ નથી કે અમદાવાદીઓને ઝડપથી માલદાર થઇ જવાની કદી તમન્ના જ નહોતી. ભૂતકાળમાં  બજારની તેજી વખતે શાકવાળા, રીક્ષાવાળા અને પાનવાળાથી માંડીને સ્કૂલ ટીચર્સ સુધીના લોકોએ શેર બજારના ‘ઈશ્યુ’ ભરી ભરીને બે પાંદડે થવાની કોશિશ કરી હતી અને એમાંના ઘણા બે પાંદડે નહિ પણ આખા ઝાડ જેટલું કમાયા પણ હતા! પણ પછી મહેતા, પારેખ વિ.  નામની પાનખર એક પછી એક આવી અને બધા જ પાંદડા ખેરવીને એમને પાછા નરસિંહ મહેતા બનાવી ગઈ!

શેર બજારમાં ચૂનો લાગ્યા પછી અમારો પાનવાળો ‘પરભુ’ પાન પર ચૂનો લગાડવાના સેઈફ બિઝનેસ તરફ પાછો વળી ગયો છે. કહેવતમાં તો ‘તેજી ને ટકોરો’ એવો પ્રયોગ થાય છે પણ અમારા ‘પરભુ’ને મંદી એ મારેલા ટકોરા એ જાણે એનામાં બ્રહ્મજ્ઞાનનો સંચાર કર્યો હોય એમ પછી એણે પાછું વળી ને જોયું નથી! દબાણવાળાની દંડાબાજી અને જપ્તીના ઝંઝાવાત સામે ઝીંક ઝીલવા સાથે એણે પોતાના પૈડાવાળા તૂટેલા-ફૂટેલા ગલ્લા પર બેસીને પાન-પડીકી વેચતા વેચતા પોતાના બન્ને છોકરા ઉપરાંત પોતાના ભાણીયાને ‘દેશ’માંથી બોલાવીને વૈભવી વિસ્તારના ‘પાન પાર્લરો’માં સેટ કરી દીધા છે! આવા મંદીના ટકોરાથી દોડવા માંડેલા કંઇક ઘોડાઓ અમદાવાદમાં મળી આવશે. નક્કી આ શહેરની હવામાં જ કોઈ એન્ટી ઓક્સીડન્ટ તત્વ છે જે અમદાવાદીઓના દિમાગને સતત ચાર્જ કર્યા કરે છે!

આ શહેરની બદલાતી હવાએ શહેરની ગૃહિણીઓનું પણ મેઇક ઓવર કરી દીધું છે! આમ છતાં પણ જેમણે પવન પ્રમાણે શઢ નહોતો ફેરવ્યો એમનું મેઇક ઓવર એમના કોલેજીયન સંતાનોએ કરી નાખ્યું છે! અને એટલે જ સામાન્ય રીતે ઘરમાં સાડી કે ગાઉન પહેરીને ફરનાર મમ્મીઓ, જાહેરમાં સંતાનોના આગ્રહવશ અને ખાનગીમાં એમના માટીડાઓના દબાણ નીચે જીન્સ અને કુર્તીમાં સજ્જ થઇ ને પોતાના સલવાર કમીઝમાં સજ્જ સાસુમાને કારમાં કે સ્કૂટી પર  શોપિંગ મોલની સહેલ કરાવતી થઇ છે. એટલું જ નહિ પણ હવે શોપિંગ મોલને ઉનાળામાં હવા ખાવાનું સ્થળ ગણવાને બદલે હવે તેમાંથી નિયમિત રીતે ખરીદી કરતી પણ થઇ છે! તમે નહિ માનો પણ હવે એ સુપરમાર્કેટના ભાવને સોસાયટીના નાકે આવેલા કરીયાણાવાળાના ભાવ સાથે ‘કમ્પેર’ પણ નથી કરતી! સાચ્ચેન!

તમે એ પણ નહિ માનો કે આ શહેરમાં એક જમાનામાં દસ પૈસાની દસ પાણીપુરી મળતી હતી અને શહેરની નારીઓ મોમાંથી પાણીના ફુવારા ઉડાડતા ઉડાડતા પુરીની ગણતરીમાં ગોલમાલ કરતા ભૈયા સાથે ઝઘડતી હતી! એજ નારીઓની વારસદારો હવે શાક સાથે મફતના ધાણા-મરચા કઢાવવાનું તો બાજુએ રહ્યું પણ હિસાબમાં વધેલા  રૂપિયા-બે રૂપિયા લેવા પણ ઉભી રહેતી નથી! હવે તો દસ પૈસા તો ઠીક પણ અમદાવાદની પ્રખ્યાત ‘પાયલી’ પણ ચલણમાં થી રદ થઇ ગઈ છે છતાં પણ શહેરની નારીઓ શાક લેતા વધેલા પૈસાની ભૈયા પાસેથી પાણીપુરી ખાવાની પરંપરા ને ચુસ્ત રીતે વળગી રહી છે! એટલું જ નહિ પણ એમના પછીની પેઢી પણ મમ્મીને બજારનું કામ કરી આપવાના બદલામાં પાણીપુરીના પૈસાનું સેટિંગ કરી ને પરંપરાને આગળ ધપાવી રાહી છે! આશ્ચર્યની વાત એ છે કે પાણીપુરી માટે અખબારોમાં ચીતરી ચડે એવા લેખો અને ‘યુ ટ્યુબ’ પર જુગુપ્સા પ્રેરક વિડીયો પણ આવી ગયા છતાં શહેરમાં પાણીપુરીના ધંધામાં મંદી આવી નથી! સંશોધન કરે તો અમેરિકાને પણ એની મંદીનો ઉકેલ કદાચ ભૈયાની પવાલીમાં ભરેલા પાણીમાં મળી આવે એવું બને!

આજકાલ મંદી, પ્રેટ્રોલનો ભાવ વધારો અને મોઘવારીના માર વચ્ચે મન મૂકી ને તહેવાર ઉજવવો એ ચમચીથી પાપડ ખાવા જેવું અઘરું કામ બની ગયુ છે. પણ અમદાવાદીઓ કપાળની કરચલીઓ પર આત્મવિશ્વાસની ઈસ્ત્રી ફેરવી, ફિકરની ફાકીને મક્કમ મનોબળના મધમાં ઘોળીને ચાટી જશે અને હસતા મોઢે ઉત્સવની ઉજવણીમાં લાગી જશે એ નક્કી.

Click here to read Latest issue of Feelings Magazine online:

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , . Bookmark the permalink.

1 Response to Hot શહેરના Cool અમદાવાદીઓ

  1. Vimala Gohil કહે છે:

    આને જ સાચા અમદાવાદી માનીએ છીએ અમે . આવા અમદાવાદીઓ પર અમને ગર્વ છે એવું અમારું કહેવું “બધિર” અમદાવાદીને
    સંભળાતું હશે જ.

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s