IPLમાં ગુજરાતની ટીમ! ભાઈ વાહ!


રિયાના મોજાઓમાં જેમ દરેક શ્રુંગ પછી ગર્ત આવે જ છે એમ ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય પતાકા લહેરાવ્યા પછી આપણી ટીમ ઇંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે પરાજયની ગર્તામાં ધકેલાઈ ગઈ. એ પછી એશિયા કપમાં પણ છેલ્લે એવો સીન કર્યો કે શોપિંગ મોલ જેવી આપણી ટીમ સામે જે લારી-ગલ્લો ગણાય એવું બંગલાદેશ જો શ્રી લંકાને હરાવે તો આપણે ફાઈનલમાં આવીએ! જબરું કહેવાય ને? આપણી રસાકસીઓ આવી હોય બોસ! ઔર ફિર વોહી હુઆ જિસ બાત કા હમે ડર થા. ડોબો સ્ટુડન્ટ ફુલ્લી પાસ થયો એમાં આપણે ફેઈલ થઇ ગયા! બાંગ્લાદેશ શ્રી લંકાને હરાવીને ફાઈનલમાં આવી ગયું અને આપણા ભાગે સચિનની સોમી સદી સિવાય કંઈ હરખાવા જેવું આવ્યું નહિ.

To read the article online on DivyaBhaskar.com, click on the image.

પણ અહીં એની વાત નથી કરવી. અત્યારે તો ટી.વી., એફ.એમ. રેડિયો, છાપાની જેમ અમારા મગજ પર પણ આઈ.પી.એલ. છવાયેલું છે! લોકો ખોટું નથી કહેતા કે જે કંઈ પણ ક્રિકેટમાં છે એ બધું જ આઈ.પી.એલ.માં છે. બોલિંગ, બેટિંગ, ચોગ્ગા, છગ્ગા, રસાકસી, ઝઘડા, અંચઈ, થ્રીલ ઉપરાંત જે ક્રિકેટમાં નથી એ પણ અહીં છે, સેલીબ્રીટીઝ, ગ્લેમર, પાર્ટીઓ, નાચ-ગાન બધું જ છે! નથી ફક્ત આપણા અમદાવાદની ટીમ અને એનો અમને સખ્ત અફસોસ છે! આપણા પાર્થિવ અને યુસુફની સિક્સરો પર ચિયર લીડર્સના રાસ- ગરબા અને ઈરફાન- સિદ્ધાર્થની વિકેટો પર દોઢિયા પોપટીયાની રમઝટ બોલાવવાના અમારા તો અભરખા અધૂરા રહી ગયા!

પાર્થિવ છગ્ગો મારે કે તરત ‘હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું…’ ચાલુ થાય …

અહીં એક વાત કહી દઉં. અમે પરંપરામાં માનનારા છીએ એટલે અમે તો પહેલેથી જ ચડ્ડી-બનિયાનધારી ચીયર લીડર્સના વિરોધી છીએ! પણ આપણું કોણ સાંભળે? છેલ્લે જયારે I.P.L.માં અમદાવાદની ટીમ ઉતારવાની શક્યતા ઉભી થઇ ત્યારે અમને આશા બંધાઈ હતી કે આપણી ચીયર લીડર્સને પણ આપણી પરંપરાને ઉજાગર કરવાની તક મળશે! ખેર, પછી તો જે થયું એ તમારી સામે જ છે, પણ જરા કલ્પના તો કરો આપણી ટીમ બની હોત તો સ્ટેડિયમોમાં આપણા ચણીયા-ચોળી અને ચોયણી-કેડિયાધારી ચીયર લીડર્સ કેવી ધૂમ મચાવતા હોત? હાસ્તો વળી! ગુજરાત હોય એટલે ડાયરો, દુહા- છંદ, રાસ, ગરબા, ભવાઈ અને ઢોલ- શરણાઈ તો હોય જ ને! આ હા…હા… હા..

મેચ શરુ થાય એ પહેલા તો બાઉન્ડ્રી પરના એક મંચ પરથી ભુંગળના સૂર સાથે બુલંદ અવાજે ભવાઈ મંડળી ‘પ્રથમ તમે ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, માનો મુજરો કરીને ચાચર રમજો રે…’ સાથે ગણપતિનો વેશ શરુ કરે અને સાથે નરઘાની ‘તા થૈયા થૈયા તા થૈ…’ એવી પ્રચંડ થાપ થાપ પડે કે સામેની ટીમના બોલરો હલબલી જાય!

આપણો પાર્થિવ પટેલ ખેંચી ને છગ્ગો મારે કે તરત બાઉન્ડ્રી પાસેના મંચ પરથી ‘હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું…’ ચાલુ થાય અને સાથે જ કેડિયાધારી જવાનો પાંચ પાંચ ફૂટ ઉંચે કુદીને રાસડા ચાલુ કરે તો ખેલાડીઓ પણ પાંચ મીનીટ રમવાનું પડતું મૂકી ને રાસ જોવા ભેગા થઇ જાય હો બાપલા!

જ્યારે સામા છેડે રમતો યુસુફ પઠાણ ચોગ્ગા- છગ્ગા રમઝટ બોલાવે ત્યારે સામે ‘રાધા-કૃષ્ણ સત્સંગ મંડળ’ની બહેનો નૃત્ય સાથે ‘વિઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા…’ની ધૂમ મચાવે તો કેવું વિરલ દ્રશ્ય સર્જાય! આ હા…હા…

આપણો સિદ્ધાર્થ ત્રિવેદી કે ઈરફાન પઠાણ કોઈના દાંડિયા ઉડાડે ત્યારે તો કાયદેસર ‘સ્ટ્રેટેજિક બ્રેક’ રાખીને પણ ‘એક દાંડીયા રાસ તો બનતા હૈ’ કરીને મચી પડવાનું! અને તમે જાણો છો એમ આપણી પબ્લિક તો ડિસ્કો થેકમાં પણ દોઢિયું અને પોપટિયું કરે એવી છે એટલે બાકીનું એ લોકો ઉપાડી લે! હમ્બો!

એવું બને કે જ્યારે સામેની ટીમનો બેટ્સમેન ઉં…..ચો કેચ ચડાવે ત્યારે એની સાથે જ મંચસ્થ ડાયરાના કલાકાર ‘હે જી રે……’ની તાન વહેતી મુકે. સાથે હંમેશની જેમ મંજીરાવાળા અને તબલાવાળા હમણવા મંડી પડે! અને જો કેચ થઇ જાય તો ‘… ગોકુળ આવો ગિરધારી’ સુધી નો દૂહો પુરો કરવાનો, નહીતર ‘તાક ધીન તા ધીન તા ધીન તા ધા…’ એમ તિહાઈ મારી અને તબલા-પેટી સમેટીને મંચ પરથી ઉતરી જવાનું!

જ્યારે સામેવાળા આપણી વિકેટ લે ત્યારે બીજા મંચ પરથી ખાદીની સાડીમાં સજ્જ નારી સંરક્ષણ ગૃહની બહેનો મંજીરાના તાલે ‘જાગીને જોયું તો દાંડીયા દીસે નહિ, મલિંગા અટપટા બોલ નાખે…’ કે પછી ‘ક્રિકેટવીર તો તેને કહીએ જે રન બનાવી જાણે રે…’નું ભજન ઉપાડે તો વિકેટ ગયાનો વસવસો ભક્તિરસના પુરમાં વહી જાય જાય!

પીચ તૂટી ગઈ હોય અને આપણી વિકેટો ટપોટપ પડતી હોય ત્યારે મંચ પરથી ‘કામદાર કલ્યાણ મંડળ’ની બહેનો કાછોટોવાળી ને ‘ટીપ્પણી’ નૃત્ય કરી શકે! થોડુ ઇનોવેશન કરવું હોય તો એમને પીચ પર આંટો મારવાનું પણ કહી શકાય!

‘યે તો અભી ઝાંખી હૈ મુંબઈ કે કોરિયોગ્રાફર ઔર ડ્રેસ ડીઝાઈનર અભી બાકી હૈ’! ઉંચી ફી આપીને ગુજરાતનું નામ રોશન કરવા બહારથી બોલાવેલા આ ખાં સાહેબો આપણી ગુજરાતની થીમ પર કામ કરે તો જરા વિચારી જુઓ કેવી ધૂમ મચી જાય? અને આ બધાનું પાછું લાઈવ ટેલીકાસ્ટ થાય, એટલે આખી દુનિયામાં ગુજરાત નો ડંકો પણ વાગી જાય! સાચું કે નહિ? આવું તો ઘણું બધું થઇ શકે એમ હતું પણ અમદાવાદની ટીમ ઉતારવાનો ખયાલી પુલાવ ચૂલે ચડ્યો નહિ અને આપણે ભાગે વાંઢો જણ ફૂલેકું જોતો હોય એમ જોઈ રહેવાનું આવ્યું! પાછી અમદાવાદમાં એક પણ મેચ રમાતી નથી એટલે આપણે ‘ઘર ઘર મેં દિવાલી હૈ મેરે ઘર મેં અંધેરા…’ ગાવાનું એ જુદું!

હશે, નસીબ એમના. બાકી ગુજરાત એમ કઈ સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે આવી મેચોનું મોહતાજ હતું નહિ અને રહેશે પણ નહિ! આ બધું કરવા માટે આપણી પાસે શૌચાલયના લોકાર્પણથી માંડી ને બ્રિજના ખાત મુહુર્ત સુધીના ઘણા કાર્યક્રમો છે અમે ત્યાં આપણી સંસ્કૃતિને શો-કેસ કરીશું! જય જય ગરવી ગુજરાત!

बधिर खड़ा बाज़ार में…
તમારી પાસે પુરતો સમય ન હોય તો…
કાનમાં રૂ નાખ્યું હોય કે માથે સ્કાર્ફ બાંધ્યો હોય એવી વ્યક્તિને તબિયત વિષે પૂછવું નહિ!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में ..., હાસ્ય લેખ and tagged , , , . Bookmark the permalink.

1 Response to IPLમાં ગુજરાતની ટીમ! ભાઈ વાહ!

  1. Anonymous કહે છે:

    ey ne jaaaaami

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s