રૂપિયા પાંત્રીસ લાખનો ‘શૌચમહલ’!


દિવ્ય ભાસ્કર ડોટ કોમ પર લેખ પ્રકાશિત થયા તારીખ: ૦૯ જુન, ૨૦૧૨

          વારે ટોઈલેટમાં અખબાર વાંચતા વાંચતા ૩૫ લાખ રૂપિયાના ટોઈલેટનાં સમાચાર વાંચીને હું તો ટોઈલેટની સીટ પરથી ઉભો જ થઇ ગયો! પાંત્રીસ લાખનું ટોઇલેટ? ના હોય બોસ! પહેલાં તો મારા માન્યામાં જ ન આવ્યું. પછી થયું હશે કોઈ શહેનશાહ જેણે પોતાની પોતું મારતી પ્રિયતમાની યાદમાં આરસપહાણનો ‘શૌચમહલ’ બનાવ્યો હશે. પણ ના, આ તો એ પણ નહિ કે દુબઈના કોઈ તરંગી શેખનું ગુસલખાનું પણ નહિ! તો કોના માટે બનાવવામાં આવ્યો હશે આ શૌચમહલ? જવાબ છે – ઉચ્ચ અધિકારીઓ માટે! હવે ભાનમાં આવો ત્યારે આગળનું વાંચજો…

ભાન આવી ગયું? તો આગળ વાંચો…

આ ટોઇલેટ કોઈ ઉડાઉ અબજપતિ માટે નહિ પણ હાઈ-ફાઈ અધિકારીઓ માટે છે એટલે એમાં

Shauch Mahal

Thitech Toilet

સોનાના નળ, ચાંદીના હેન્ડલ અને હીરા જડિત કમોડ તો ન જ હોય એ દેખીતું છે અને એટલે જ અમને કુતુહલ થયું કે એમાં એવી તે કઈ વિશિષ્ઠ સગવડો હોઈ શકે જેના માટે રૂ. ૩૫ લાખનો ખર્ચો થાય? આપણને તો એ શૌચમહલનો ઉપયોગ કરવા મળવાનો જ નથી કારણ કે એના માટે ખાસ ક્વોલિફિકેશનની જરૂર પડે છે જે ફક્ત ૬૦ લોકો પાસે જ છે અને એમને ખાસ સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે જેની મદદથી એ લોકો આ સુવિધાનો ‘લાભ’ લઇ શકશે. પણ એક એન્જીનીયર તરીકે અમે કલ્પના કરી શકીએ છીએ કે એમાં શું હોઈ શકે! જેમ કે…

  • રૂ. ૩૫ લાખ ખર્ચાયા છે. એટલે એમાં જો કોમનવેલ્થવાળી ન થઇ હોય તો પછી આ આખો શૌચમહલ હાઈ-ટેક હશે એ નક્કી છે.

  • એ પણ નક્કી જ છે કે સ્વ-બળે કરવી પડતી ક્રિયાઓ સિવાયની તમામ ક્રિયાઓ માટે ઓટોમેટિક ઉપકરણો બેસાડેલા હશે.

  • હળવા થતી વખતે પણ કામ અટકે નહિ એ માટે ટોઈલેટની અંદર કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની સુવિધા તો આપવામાં આવી જ હશે પણ દેખીતા કારણો સર વેબ-કેમની સુવિધા રદ કરવામાં આવી હશે.

  • ટોઇલેટ એરકન્ડીશન્ડ હશે, એટલે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમ રહેશે. ઉપરાંત મોંઘા સુગંધિત દ્રવ્યોના છંટકાવથી ટોઇલેટ ‘મઘમઘતું’ હશે.

  • આ ટોઇલેટમાં બીજી સામાન્ય અને ચાલુ ટાઈપની ટોઇલેટના પ્રમાણમાં ૫૦% થી વધુ વીજળીની બચત થતી હશે.

  • પાણીના ટીપેટીપાનો વૈજ્ઞાનિક પદ્ધતિએ ઉપયોગ થતો હશે. એટલે ફ્લશિંગ પણ અંદર ગાળેલા સમયના પ્રમાણમાં કોમ્પ્યુટરથી પાણીની માત્રાની ગણતરી કરી ને જ થતું હશે.

  • પ્રક્ષાલન અર્થે ચોક્કસ સમય માટે આયોનાઈઝ્ડ સ્પ્રે થતો હશે જેના સમયની ગણતરી પણ સુપર કોમ્પ્યુટર દ્વારા થતી હશે.

  • અધિકારી દીઠ પાણીના વપરાશની નોંધ કોમ્પ્યુટર પર થતી હશે અને ‘ઉડાઉ’ અધિકારીને સર્વર પરથી ઈમેઈલથી જ ‘શો કોઝ’ નોટીસ ફટકારવામાં આવતી હશે.

  • રૂ. ૩૫ લાખનો શૌચમહલ છે, એટલે અધિકારીઓ પર ટોઇલેટના મોભા મુજબનું પરફોર્મન્સ અને ઉચ્ચ ક્વોલીટીના આઉટ્પુટનું પ્રેશર રહેશે એ સ્વાભાવિક છે! શક્ય છે ટોઇલેટ પેપરના રોલની સાથે સોના-ચાંદીના વરખના રોલ પણ રાખ્યા હોય.

  • જેમને પ્રેશર ન આવતું હોય છતાં પણ આઉટપુટ આપવો પડતો હોય એવા અધિકારીઓ અંદર લાંબો સમય બેસી ન રહે એ માટે અંદર 3D LCD ટી.વી. પર હોરર ફિલ્મો બતાવવાની ‘સુવિધા’ પણ હશે. ટી.વી. જોવા માટેના ચશ્માં પણ અંદર જ હશે. વિકલ્પ તરીકે તિહાર જેલ અને સી.બી.આઈ. હેડક્વાર્ટરના દ્રશ્યો પણ હશે.

  • ઉચ્ચ અધિકારીઓની એક એક મીનીટ કિંમતી ગણાય અને કામ પણ ‘ઉતાવળ’નું ગણાય એટલે શૌચમહલ સુધી ઝડપથી પહોચી શકાય એ માટે ‘ચોક્કસ ઉપડે છે’ના ધોરણે બિલ્ડીંગમાં ખાસ ટોઇલેટ શટલ ગાડીઓ દોડતી હશે!

  • વીવીઆઈપીઓ માટે એરપોર્ટ પર હોય એવાં કન્વેયર બેલ્ટ પણ હશે જે ટોઇલેટનાં એક દરવાજેથી અંદર જઈ બીજાં દરવાજેથી અધિકારીને બહાર ફેંકી દે, અને વચગાળામાં કામ પતાવી દેવાનું.

  • ટોઇલેટ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ એડવાન્સ બુકિંગની સિસ્ટમ પણ રાખવામાં આવી હશે. શૌચમહલ જવા નીકળતા પહેલા ‘સાહેબ’નો પી.એ. ઓનલાઈન ‘સીટ’ બુક કરાવશે જેથી સાહેબ જાય કે તરત ‘બેસવા’ની જગ્યા મળી જાય.

  • આ શૌચમહલનો ઉપયોગ ૬૦ જણા કરવાના છે એટલે ત્યાં લાઈન ન થાય એ માટે બુકિંગ કરાવતી વખતે અધિકારીના હોદ્દા મુજબ અગ્રતાક્રમ આપીને નિયમ મુજબ વેઇટિંગ લીસ્ટ પણ બનાવવામાં આવતું હશે. અને વારો આવે એ પ્રમાણે એસ.એમ.એસ.થી ‘કોલ’ આપવામાં આવતો હશે.

  • અતિ-ઉચ્ચ કે વી.વી.વી.વી.વી.આઈ.પી. કક્ષાના અધિકારીઓ માટે સ્પેશિયલ ક્વોટા પણ રાખવામાં આવતો હશે. મતલબ કે એમના માટે એક અલાયદો ‘વિશેષ શૌચ કક્ષ’ રાખવામાં આવ્યો હશે.

  • પોતાનો વારો આવે ત્યાં સુધી સમય પસાર કરવો એ કપરું કામ હોઈ સાહેબો માટે વેઇટિંગ રૂમમાં મસલ્સ મજબુત થાય એવા હળવી કસરતના સાધનો રાખ્યા હશે.

આવી તો અનેક સગવડો ઉભી કરી હશે, પણ એ તો જે ‘જઇ’ આવ્યું હોય એને ‘અનુભવ’ પૂછીએ તો ખબર પડે. અમે તો સાંભળ્યું છે કે પ્રજાના સેવકોએ પણ આ સુવિધાનો લાભ લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી છે પણ એમને વેઇટિંગ લીસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ સમાચાર જાણ્યા પછી અમને દેશનું ભવિષ્ય ઉજ્જવળ જણાય છે કારણ કે આ દેશના વી.વી.આઈ.પી. કક્ષાના મહાનુભાવો ટોઇલેટ માટેના વેઇટિંગ લીસ્ટમાં હોય એ શુક્રના સુર્ય પર અતિક્રમણ જેવી જ વિરલ અને અનન્ય ઘટના છે.

बधिर खड़ा बाज़ार में
શાક માર્કેટમાં સાંભળેલો સંવાદ…
જીગ્નેસ, સૈલેસ બોલું.
હોભર, મને લગન માટે લેડીસ મલી જઈ છ.
કાલ હવારે એન્ગેજ છે આઈ જજે.
બેલેન્સ નહિ.
મેલુ સુ.

—–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in बधिर खड़ा बाज़ार में .... Bookmark the permalink.

2 Responses to રૂપિયા પાંત્રીસ લાખનો ‘શૌચમહલ’!

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s