ચોમાસું ક્યાંય આસપાસ છે?


ચોમાસામાં વરસાદ શરુ થાય એટલે દેડકાઓ ડ્રાઉં… ડ્રાઉં… કરવાનું ચાલુ કરે છે અને કોયલ ટહુકવાનું બંધ કરે છે. આ ઉપરથી એક સંસ્કૃત સુભાષિતમાં બોધ આપ્યો છે કે‘दार्दुरो यत्र वक्तारम् मौनम् खलु भूषणम्’ અર્થાત જ્યાં વક્તા તરીકે દેડકા હોય ત્યાં મૌન રહેવું ઉચિત છે. જોકે કોયલનું કામ પછી કવિઓ ઉપાડી લેતા હોય છે, પણ આ વખતે ચોમાસાની શરૂઆતમાં ‘હાઉક્લી’ કરીને ગાયબ થઇ ગયેલા વરસાદે તો કવિ, કોયલ અને દેડકા સહીત કંઈ કેટલાયને ‘કન્ફુજ’ કરી નાખ્યા છે! શીતનિંદ્રામાંથી બહાર આવેલા દેડકાને તો ઉલ્લુ બન્યા જેવું લાગતું હશે. પણ અમારા જેવા પર્યાવરણ પ્રેમીને તો દિવસે ટહુકા અને રાત્રે ડ્રાઉં… ડ્રાઉં… બેઉ માણવાનો લ્હાવો મળ્યો છે એટલે અમે ખુશ છીએ!

Chomasu Kyany Aaspas Chhe

આ હાસ્ય લેખ સહીત ફિલીગ્ઝ મેગેઝીનનો ૧ ઓગસ્ટ, ૨૦૧૨નો આખો અંક વાંચવા માટે ફોટો પર ક્લિક કરો …

પણ અમારા અમદાવાદના રેડિયો જોકીઝની હાલત દેડકા જેવી જ થઇ છે. અમારે ત્યાં એક નાનું અમથું ઝાપટું પડે ત્યારે એફ.એમ. ચેનલો પર ‘ગાલિબ’ના ઘરની જેમ ‘દો ઘંટા બરસાત જો બરસે, છે ઘંટા છત બરસે’ જેવો માહોલ થતો હોય છે. એમાં પણ સીઝનના પહેલા વરસાદ વખતે તો એ લોકો એમના ઇન્ટર્નસને જુદાજુદા વિસ્તારની ચાની કીટલી કે મકાઈ ડોડા અને દાળવડાની લારીઓ પર ભેગી થયેલી ભીડને ‘આપ કો કૈસા લગતા હૈ?’ પૂછવા મોકલી દેતા હોય છે. તો લારી પર ભેગા થયેલા લોકો પણ ‘હું છેલ્લા દસ વર્ષથી પહેલો વરસાદ પડે ત્યારે અહીં જ દાળવડા ખાવા આવું છું’ કે ‘પહેલા વરસાદમાં પલળતા પલળતા મેના માસીનો મકાઈ ડોડો ન ખાઉં તો હું માંદો પડી જાઉં છું’ એવું બોલીને એમને ખુશ કરી દેતા હોય છે. વળતા વહેવારે એફ.એમ.વાળા એમને મલ્ટીપ્લેક્સની કપલ મુવી ટીકીટો કે સારી રેસ્તરાંના ફૂડ વાઉચર જીતાડીને એમને ખુશ કરી દેતા હોય છે. મફતમાં પબ્લીસીટી મળવાને લીધે લારીવાળો પણ સેલીબ્રીટી બની જાય છે. સરવાળે બધા ખુશ થાય છે. પણ વરસાદે ઈન્ટરવલ પાડીને આ બધાનો મૂડ બગાડી નાખ્યો.

ચોમાસાની શરૂઆત મોડી થાય એનો વાંધો નહિ, પણ એકાદ ઝાપટાની બોણી કરાવીને ગાયબ થઇ જાય ત્યારે પબ્લીકની હાલત દાઢી પર સાબુ લગાડીને રાહ જોતા ઘરાક જેવી થઇ જાય છે. રેઇનકોટ-છત્રી વેચનારા પણ ‘ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે વરસશે’ એવું પોતાની જાતને આશ્વાસન આપતા થઇ જાય છે. તો દાળવડાવાળો વરસાદની આગાહી જોઈને ખીરું પલળતો થઇ જાય છે. બ્રાહ્મણો વરુણ દેવને રીઝવવા પાણી ભરેલા તપેલામાં બેસીને પર્જન્ય યજ્ઞ કરે છે, તો અમુક લોકો એના પરથી પ્રેરણા લઇને ઠંડક માટે તપેલામાં નહિ તો બાથ-ટબમાં બેસવાનું પસંદ કરે છે. મેઘરાજાને મનાવવા દેડકા દેડકીના લગ્ન કરાવવાનો પણ રીવાજ છે. એમાં દેડકાને સલમાન ખાનની એમ છડેછડા ફરવું હોય તોય બિચારો મફતનો કુટાઈ જાય છે!

પ્રેમીજનો તો ચાતકની જેમ વરસાદની રાહ જોતાં હોય છે અને વરસતા વરસાદમાં લોંગ ડ્રાઈવ પર જવાના મનસુબા પણ ઘડતા હોય છે. પણ આ લોંગ ડ્રાઈવના પ્રોગામ પર ક્યારેક ગર્લફ્રેન્ડની મમ્મી કે પેટ્રોલનો ભાવવધારો પાણી ફેરવી દેતો હોય છે, તો આ વખતે વરસાદ દાવ કરી ગયો! પાણીમાં ફસાયેલી ગાડીઓને ધક્કા મારવાવાળા ટેણીયાઓ અને બગડેલા સ્કૂટી-કાઈનેટીકને રીપેર કરીને કમાણી કરનારને પણ ‘ઇન્તહા હો ગઈ, ઇન્તઝારકી…’ ગાવાનો વારો આવ્યો છે. તો જેઠ મહિનાથી સ્ટેટ્સ અપડેટમાં વરસાદી કવિતાઓ ઝૂડવા માંડેલા ફેસબુકના ‘ટહુકા કવિ’ઓની પ્રવૃત્તિમાં પણ ઝોલ પડ્યો છે.

જો કે વરસાદ ખેંચાયો એનાથી કેટલાક લોકો ખુશ પણ થયા છે. અને એ છે કોર્પોરેશનના અધિકારીઓ! કારણ કે પહેલા વરસાદ સાથે જ રસ્તા પર પડેલા ભુવા, પાણીમાં ફસાયેલા વાહનો અને જળબંબાકાર સોસાયટીઓના ફોટા ઉપર ‘પહેલા વરસાદે પ્રી-મોન્સુન પ્લાન ધોવાયો’ એવી હેડલાઈનો મારીને અખબારો એમની મેથી મારવાનું ચાલુ કરી દેતા હોય છે. એમની બીજી કમનસીબી એ કે શહેરના અમુક રસ્તાઓ એવા નાજુક પ્રકૃતિના હોય છે કે વરસાદ તો ઠીક પણ ચાવાળો સવારની ‘જગ-ડખા’ની ચા ઢોળે તો પણ ભૂવો પડી જાય. પણ આ વખતે શહેરના રસ્તાઓએ મૌસમના પહેલા ઝાપટા વખતે એમની લાજ રાખી છે. સાંભળ્યું છે કે આનાથી ખુશ થઇને એવા જ એક નામચીન ભુવાના સ્થળ પર નારિયેળ વધેરવા ગયેલા અધિકારીએ જરા જોરથી નારિયેળ પછાડ્યું એના કારણે જ એ જગ્યાએ ભૂવો પડ્યો હતો અને પછી એમને બહાર કાઢવા ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી! બાકી સાચું ખોટું રજનીકાંતને ખબર.

જો કે આ લખાય છે ત્યારે ક્યાંક ક્યાંક ‘ઘોડે જૈસી ચાલ, હાથી જૈસી દુમ’વાળા સાવન રાજાની સવારીના નગારા સંભળાવા માંડ્યા છે. તો આપ સહુને મોન્સૂન મુબારક…

सुन भाई साधो
હિંસક ટોળામાં પણ હું બિન્ધાસ્ત પેસું છું બકા,
મુશાયરામાં હું પહેલી લાઈનમાં બેસું છું બકા!
2199

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to ચોમાસું ક્યાંય આસપાસ છે?

 1. Ketan કહે છે:

  Superb. Badhir I am glad that I got a chance to read the article. Congratulation. Keep up the good work. Proud of you buddy.

  Like

 2. Desai Ketan કહે છે:

  Very impressive. Congrats. Thank you so much for sharing with me. Love the article. Keep up the good work. Love Ketan

  ________________________________

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s