સલામત રહે દોસ્તાના હમારા…


ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનના દીપાવલી-૨૦૧૨ના 'દોસ્તી વિશેષાંક' માટેનો મારો લેખ અને અન્ય લેખો ઓન-લાઈન વાંચવા માટે ઉપરની ઈમેજઉપર ક્લિક કરો.

ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનના દીપાવલી-૨૦૧૨ના ‘દોસ્તી વિશેષાંક’ માટેનો મારો હાસ્ય લેખ અને અન્ય લેખો ઓન-લાઈન વાંચવા માટે ઉપરની ઈમેજ ઉપર ક્લિક કરો.

પણા જીવન સાથે વણાયેલી કેટલીય બાબતો એવી છે જેના વિષે આપણને સ્પષ્ટ રીતે સમજ આપવામાં આવી નથી. એ ઓછું હોય એમ પરસ્પર વિરોધાભાસી વિધાનોથી આપણને કન્ફયુઝ કરી નાખવામાં આવે છે. દાખલા તરીકે કૂતરો મનુષ્યનો મિત્ર ગણાય છે. એની નમકહલાલી અને વફાદારીના ઉદાહરણો ટાંકવામાં આવતા હોય છે. રાજકારણમાં તો આ કક્ષાની વફાદારી શ્રેષ્ઠ ગણાય છે. તો એજ કૂતરા માટે ખીજ્યું કરડે પીંડીએ, રીઝ્યું ચાટે મુખએવું પણ કહેવાય છે. અને મારો અંગત અનુભવ કહું તો મેં મારી સોસાયટીના કૂતરા સાથે હંમેશા મિત્રતાભર્યા સંબંધો રાખ્યા છે. ઉપરાંત ટી.વી. પર આવતા રસોઈ શોને લીધે અમારી સોસાયટીના કૂતરાઓને ખાવા-પીવાની કોઈ તકલીફ ન હોઈ એકદમ તંદુરસ્ત અને હૃષ્ટપુષ્ટ રહે છે. આમ છતાં રાત્રે જયારે હું બાઈક લઈને નીકળું ત્યારે એ લોકો બધું જ ભૂલીને મારી પાછળ દોટ મુકવાનું ચુકતા નથી. પછી હું જ્યારે કાર લઈને નીકળું ત્યારે એમને અડાડું એ એકદમ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં કૂતરાને મિત્ર કેવી રીતે ગણવો?  

 ****

उत्सवे व्यसने प्राप्ते दुर्भिक्षे शत्रुसंकटे।
राजद्वारे श्मशाने च यः तिष्ठति सः बान्धवः।

આ સંસ્કૃત શ્લોક અનુસાર ઉત્સવમાં, વ્યસનમાં, શત્રુ તરફથી કોઈ સંકટ હોય ત્યારે, કોર્ટકચેરીના ચક્કરમાં અને સ્મશાનમાં પણ જે સાથે રહે એને સાચો મિત્ર ગણવો એવું કહ્યું છે. આ સંદર્ભમાં અમુક ગુણવાળા મિત્રો તો સહેલાઈથી મળી રહે. જેમ કે ઉત્સવને ઉજવણીના અર્થમાં લઈએ તો પાર્ટી લેવા માટે તત્પર ન હોય એવો મિત્ર સર્ચલાઈટ લઈને શોધો તો પણ જડવો મુશ્કેલ છે. તમે પાર્ટી આપવા બાબતે જો ઉદાર હોવ તો આવા મિત્રો તમારી સોસાયટીની કૂતરી વિયાય એની ખુશીમાં પણ પાર્ટી ગોઠવી દે એવા હોય છે. તમે ગમે તેટલું સમજાવો કે, એ ઘટના સાથે તમારે જરા પણ લેવાદેવા નથી, તો છેવટે ગલુડિયા મોટા થઇને તમારુ ઘર સચવશે એવી દલીલ કરીને પણ પાર્ટી કઢાવતા હોય છે. જન્માષ્ટમી જેવા ઉત્સવ પર યોજાતી શકુનિઓની બેઠકમાં તો નાસ્તા પાણીનો ઘાણ ઉડાડવા આવી જતા મફતિયા મિત્રો દૂર રાખવા માટે યજમાને અગાઉથી મિત્રનિયોજન કરવું પડતું હોય છે.

એવુંજ વ્યસનમાં પણ થતું હોય છે. ઘણી વાર રસિયાઓએ માંડ માંડ બધું મેનેજકર્યું હોય અને પોગરામની વાત લીક થઇ જાય તો ન હોય ત્યાંથી મિત્રો ઉભા થતા હોય છે અને પછી એક ઉંદર પર બાવન બિલાડાજેવા સીન થતા હોય છે. જોકે એવા કિસ્સામાં દોસ્તીને તડકે મુકવામાં આવતી હોય છે. માવાપડીકી ખાનારનો ‘સ્ટોક’ ખૂટી જાય ત્યારે અડધી રાત્રે સપ્લાયઆપનાર તાત્કાલિક ધોરણે જીગર કા ટુકડાની પદવી પામતો હોય છે. ચાને વ્યસન તો ન કહેવાય પણ દોસ્તોમાં ચા એ કીટલી પર બેઠક જમાવવાનું નિમિત્ત બને છે. તો ટ્રેનમાં સિગારેટ પેટાવવા આપેલી બાકસ કે પછી માવાની પોટલીમાંથી આપેલા સોપારીના બે ટુકડા બે વ્યક્તિઓ વચ્ચેની જયવીરુ જેવી દોસ્તીમાં ફેરવાયાના કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાતા નથી, પણ બનતા તો હોય જ છે.

Jay-Veeru-1

ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનના દીપાવલી-૨૦૧૨ના ‘દોસ્તી વિશેષાંક’ માટેનો મારો હાસ્ય લેખ અને અન્ય લેખો ઓન-લાઈન વાંચવા માટે ઉપરની ઈમેજ ઉપર ક્લિક કરો.

કોલેજકાળમાં કોર્ટકચેરીતો ઠીક પણ જેલમાં પણ સાથે આવે એવા દોસ્તો મળી રહે છે. કારણકે મોટે ભાગે તો એમના કારણે જ તમારે એ ચક્કરમાં પડવું પડતું હોય છે. આમાં જોવા જેવી વાત એ છે કે કોલેજકાળની દોસ્તીમાં એકબીજા પરના ભરોસાનું પ્રમાણ નિમ્નતમ હોય છે. જો ગર્લફ્રેન્ડના કારણે થતાં વિશ્વાસઘાતના મામલાઓ અને એકબીજાનું કરી નાખવાની ઘટનાઓ જો પોલીસના ચોપડે ચઢતી હોત તો દરેક કોલેજમાં માત્ર આવા મામલા જ સોલ્વ કરે એવું એક પોલીસ સ્ટેશન સ્થાપવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય. આથી વિરુદ્ધ ગર્લફ્રેન્ડના ભાઈ રૂપી શત્રુના હાથે માર ખાવાના સમયે કે પછી ગર્લફ્રેન્ડની કોલેજના છોકરાઓ સાથે બબાલ થાય ત્યારે થ્રીઈડિયટ્સની રેન્ચો આણી મંડળીને પણ ભુલાવે એવી દોસ્તીની મીસાલો કાયમ થતી હોય છે. ઉપરાંત ફેઈલ થવામાં, રોડ એક્સીડેન્ટ, નવરાત્રીમાં બનતી હસવામાંથી ખસવાની ઘટનાઓ કે બાઈક કે સ્કૂટર પર ત્રણ સવારીમાં જતા પકડાવા જેવી છુટક ઘટનાઓમાં તો બધા સાથે જ રહેતા હોય છે.

પણ બદમાશી એ દોસ્તીનું અવિભાજ્ય અંગ છે અને એજ દોસ્તીને નમકીન બનાવે છે. આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ગાલીબની કે પછી એવા જ કોઈ ભેજાની એક શાયરી ફરે છે. જેમાં કહ્યું છેदोस्तों से बिछड़ कर ये हकीकत खुली ग़ालिब; बेशक कमीने थे, मगर रौनक उन्ही से थी.એટલે જ કોઈને એકવાર દિલથી મિત્ર તરીકે સ્વીકાર્યા પછી મોટા ભાગના લોકોને એમનામાં કોઈ એબદેખાતી નથી હોતીઅથવા દેખાય તો પણ નજર અંદાજ કરતા હોય છે. શોલેનાં અમિતાભની જેમ. ફિલ્મ શોલેનો એ સીન યાદ કરો જેમાં જય એના દોસ્ત વીરુ માટે બસંતીનું માગું લઈને મૌસી પાસે જાય છે. આખુરામગઢ ગામ વીરુના અપલખણ જાણતું હોય છે પણ ગામના ઉતાર જેવા પોતાના દોસ્તના વખાણ કરવામાં જયલો પાછો પડતોનથી. ખેર, આતો ફિલ્મની વાત થઇ પણ ક્રિકેટમાં વિનોદ કામ્બલી અને સચિનના કિસ્સામાં કામ્બલીને એની લાયકાત કરતા વધુ તકો સચિનને કારણે મળી હોવાના આક્ષેપો થતાં રહ્યા છે.

આમ છતાં આપણા દોસ્તોના અવગુણ એક વ્યક્તિથી છુપા રહી શકતા નથી અને એ છે મમ્મી. આપણી મમ્મીઓ એ.સી.પી. પ્રદ્યુમનથી કંઈ કમ નથી હોતીઅને આ વાતની કદાચ આપણા દોસ્તોને પણ ખબર જ હોય છે. અને એટલે જ એ જ્યારે આપણા ઘરે આવે ત્યારે એટલા શાણા અને શરીફ બની જતા હોય છે કે આપણને ખુદને આશ્ચર્ય થાય. પણ મમ્મીઓ આ બધા નાટકો જાણતી હોય છે અને વખત આવ્યે એ કાન પકડીને કબુલ પણ કરાવતી હોય છે.

ન કરે નારાયણ અને તમારી મમ્મીએ જો તમારા માટે દોસ્તોની રીક્રુટમેન્ટ કરવાની હોય તો તમારે ભાગે થ્રી ઈડિયટ્સવાળા ચતુર રામાલિંગમ જેવા બોચિયા કે પછી‘ચિડીયાઘર’ના ગધા પ્રસાદ જેવા ડમ્બ લોકો જ આવે. અમારી તો તમને સલાહ છે કે એવા પોપટોને મમ્મી પપ્પા પાસે કદી લઇ જવા જ નહિ, જો લઇ ગયા તો પછી તમારી મમ્મી તમને જુની ‘ગોલમાલ’ ફિલ્મના અમોલ પાલેકર ઉર્ફે ‘રામ પ્રસાદ દશરથ પ્રસાદ શર્મા’ બનાવવાના સપના જોતી થઇ જશે. જોકે આવા બોચીયાઓને સાથે રાખવાની શરતે જ તમને અમુક પ્રોગ્રામો કરવાની છૂટ મળતી હોય છે. પણ એ માટે તમારે સદર ગધેડાને પિતાશ્રીની પદવી આપવી પડતી હોય છે અને પાછળથી એ વૈશાખનંદનો મમ્મી આગળ બધું બાફી મારતા હોય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આવા ચંબુઓના પાકીટ પૈસાથી ભરેલા હોય છે.

દોસ્તી રૂપી છોડ ખિસ્સા-ખર્ચીના ખાતર-પાણી વગર મુરઝાઈ જાય છે. હાલત એવી હોય છે કે કોઈ એક સમયે બધાના ખિસ્સાની રકમનો સરવાળો મલ્ટીપ્લેક્સની ત્રણ ટીકીટ જેટલો માંડ થતો હોય છે. એમાં જનારા છ જણ અને દરેકનો સોફ્ટ ડ્રીંક, કોલ્ડકોકો અને પોપકોર્નનો ખર્ચો જ ટીકીટ કરતા વધુ હોય છે. એટલે પપ્પા પાસેથી મળતા ચિંદી જેટલા પોકેટમનીથી મહિનો તો શું અઠવાડિયું કાઢવું મુશ્કેલ હોય છે. આવા સમયે મમ્મી એ.ટી.એમ. ગણાય છે. કોઈ પક્ષ બહારથી ટેકો આપીને સરકાર બચાવી લેતો હોય છે એમ જ મમ્મી દીકરાના પ્રોગ્રામનો પોપટ થતો અટકાવે છે. આથી એને રીઝવવા માટે બજારમાંથી શાક ભાજી લાવવાથી માંડીને એને મામા-માસી ત્યાં મુકવા-લેવા જવાનું કામ કે પછી રસોઈમાં મદદ કરવાનું કામ પણ સહર્ષ સ્વીકારવામાં આવતું હોય છે. ભારે કડકી હોય ત્યારે કમાતા મોટા ભાઈ-બહેનની પગચંપી પણ કરવામાં આવતી હોય છે.    

કેટલાક લોકો આવા સંજોગોમાં ‘ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઈન્ડીડ’ કહેવતનું ટેસ્ટીંગ કરવા ઘણાં લોકો મિત્રો પાસે રૂપિયા ઉછીના લેતાં હોય છે. તમે એકાદ વખત આપ્યા હોય અને પછી એણે પાછાં ન આપ્યા હોય એટલે તમે એકવાર ના પાડી દો તો તમને બ્લેકલીસ્ટ કરવામાં આવે છે. આવા સમયે રૂપિયા લેવા આવનાર સલાહ લઈને જવાના મૂડમાં હરગીઝ નથી હોતો. ‘તારે આપવા હોય તો આપ, નહીંતર ચોખ્ખી ના પાડ’ જેવી દોસ્તીતોડ ધમકી પણ એ તમને મિત્રભાવે આપી દે છે. જોકે મિત્ર સમજદાર હોય તો બધાં મિત્રો પાસેથી વારાફરતી ઉછીના લઇ કોઈ એક પર બોજ બનતા નથી. અને તમે પણ જો સમજીને વરસે પાંચ દસ હજાર ભૂલી જવા તૈયાર હોવ તો આવી દોસ્તી ચોક્કસ લાંબા સમય સુધી ટકે છે.

નાનપણથી આવી મિત્રતા નિભાવનારને લંગોટિયા દોસ્ત પણ કહેવાય છે. હવે લંગોટ જેવા શબ્દોથી નવી પેઢી પરિચિત નથી ત્યારે આ લંગોટિયા દોસ્તને બદલે ડાયપરિયા દોસ્ત શબ્દ પ્રયોગ વધારે ઉચિત છે એવું અમને લાગે છે. જોકે લંગોટિયા કહો કે ડાયપરિયા મૂળ વાત જૂની દોસ્તીની છે. દોસ્તી જેમ જૂની થાય એમ એકબીજાનાં સ્વભાવ, ખૂબીઓ અને ખાસ કરીને ખામીઓની ખબર પડતી હોય છે અને છેવટે જુનાં ખરજવાની જેમ એની આદત પડી જતી હોય છે. પછી તો હર ખુશી હર ગમ અને મોજ-મસ્તીમાં દોસ્ત સામેલ હોય છે. દોસ્તો સાથે કરેલી બેસુમાર મસ્તી અને નાની નાની બદમાશીઓનું મૂડી રોકાણ વર્ષો બાદ સોનેરી સંભારણાની થાપણ રૂપે પાછુ મળે ત્યારે બહુ મીઠું લાગે છે. પણ એમાં ‘મહીં પડ્યા તે મહાસુખ માણે…’નો નિયમ લાગુ પડે છે. કારણ કે આખરે તો તમે કેટલી દિવાળી જોઈ એ નહિ પણ કેટલા ફટાકડા ફોડ્યા એ મહત્વનું ગણાય છે.

 

सुन भाई साधो….

તમે સખત મહેનત કરીને બે પાંદડે થયા હોવ તો…

આખું વર્ષ બકરીઓથી સાચવજો!

હેપ્પી દીપાવલી.
3003


 

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

4 Responses to સલામત રહે દોસ્તાના હમારા…

 1. Desai Ketan કહે છે:

  Superb. Happy friendship day to my family friend. May God bless our friendship and give strong bonding stronger for rest our lives. Friends are forever.. Love you buddy. Ketan

  ________________________________

  Like

 2. અનામિક કહે છે:

  મસ્ત મસ્ત લખો છો …લખ્યું છે 🙂 ખુશ છુ કે ફેસબુક ના માધ્યમ દ્વારા આટલા સરસ મિત્ર મળ્યા …રૂચિક પણ ખુશ છે …આપણી મિત્રતા સલામત રહે અને સ્ટ્રોંગ બને તેવી શુભકામના..love you સખા:)

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s