કરુ-ભક્તો


માનવ સ્વભાવ જ એવો છે કે એ જાણતો હોય કે ધાબુ કો’કનું છે, પતંગ કો’કનો છે છતાં પણ કોઈનો ઝોલ હાથમાં આવે તો બેચાર ઠુમકા મારી લે કે પછી બે મીનીટ સહેલ ખાઈ લે. આવું પતંગમાં ચાલે, કારણ કે એમાં બહુ બહુ તો પાછળના ધાબાવાળાની ગાળો ખાવી પડે. પણ અમુક વ્યક્તિઓના હાથમાં લોકોના પૈસા આવે ત્યારે આવું કરી બેસતા હોય છે અને એ લોકો મોટે ભાગે પતંગ ઉંચો કરી, હવામાં લાવીને ચગાવનારના હાથમાં આપવાને બદલે પતંગ તોડીને દોરીનો લચ્છોવાળીને ગાયબ થઇ જતા હોય છે. પછી એમના કામમાં પોલીસને રસ ઉત્પન્ન થાય છે! આવા કરુ ભગતો જો પકડાય તો પછી એમના પૈસે પોલીસ સહેલ ખાતી હોય છે.

Karu-Bhakto

Click on this image to read this article and other content of Feelings Gujarati Fortnightly Magazine online.

આના મૂળમાં પૈસાનો અભાવ છે. કેટલાકની આવક ચકલીમાંથી ટપકતા ટીપા જેટલી હોય છે અને એમને ધોધના ધધૂડામાં નહાવાની ઈચ્છા થતી હોય છે. આવા જ્ઞાન પિપાસુઓ ઘણીવાર અમને સત્સંગ દરમ્યાન કે પછી કોઈ સાધકના ઘરે પધરામણી હોય ત્યારે પૂછતા હોય છે કે “આવા કરુબાજોને ઓળખવા શી રીતે?” ત્યારે ક્ષણિક મહાભારતના ગીતોપદેશ જેવો સીન ખડો થઈ જાય છે. જેમાં અર્જુન બે હાથ જોડીને પ્રભુને કરુ-ભક્તોના લક્ષણો પૂછતો હોય કે,

કરુભક્તસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય બધીર:|
કરુભક્ત: કીમ પ્રભાષેત, કીમાસિત વ્રજેત કીમ||

અર્થાત, કે ‘હે બધિર બાબા, પબ્લિકનું કરી નાખનારા કરુબાજોના લક્ષણો શું છે? તેઓ કેવી રીતે બોલતા હોય છે, બેસતા હોય છે અને ચાલતા હોય છે?’ ત્યારે અમારે તો જવાબમાં ફક્ત ‘અલા તડબૂચ, મને જોઈ લે!’ એટલું જ કહેવાનું હોય છે. પણ અમે એવું કહેતા નથી, કારણ એટલું જ કે દુનિયા નાની છે, જમાનો ફાસ્ટ છે અને પ્રજા એટલી સ્માર્ટ થઇ ગઈ છે. એટલે જો આજે હું એકને ‘સફળતા’ની ચાવી બતાવું તો કાલે એ મને ભદ્રકાળી આગળ કટોરો લઈને બેસાડી દે. અને આજકાલ તો ચેલા પગે લાગવા નીચા નમે તો ગુરુઓ આશીર્વાદ આપવા હાથ ઉંચા કરવાને બદલે ખુરશીનો હાથો, બારસાખ કે થાંભલો પકડી રાખતા હોય છે જેથી ચેલો એમને ઉલાળી ન મુકે! જોકે આવા જિજ્ઞાસુ અને આગળ વધવાની તમન્નાવાળા ઝૂઝારુ ચેલા મળતા હોય તો ધીરુભાઈ અંબાણીના ‘Think Big’ના સિધ્ધાંતમાં માનનારા અમુક બાબા લોકો એમને પોતાની ટીમમાં ભરતી કરી લેતા હોય છે.

જોકે પબ્લિકનું મોટા પાયે કરી નાખનારને ઓળખવા ખરેખર મુશ્કેલ છે. કારણમાં એક તો એમનામાં ડ્રેસ કોડ જેવું કંઈ હોતું નથી. આપણે ત્યાં ચડ્ડી બનિયાન પહેરનારાથી લઇને સૂટ-બુટવાળા શેર બજારીયા અને ખાદીના ધોતીયા-ઝબ્ભાવાળા પણ પબ્લિકનું પ્રેમથી કરી જતાં હોય છે. એમાં હવે સુતરાઉ સાડી અને સલવાર કમીઝવાળા પણ ઉમેરાયા છે. અને કોઈ એવો ડફોળ તો ન હોય ને કે જે ચડ્ડી-બનિયાન પહેરી અને હાથમાં ડંડો લઈને તમારી પાસે આવે અને કહે કે ‘મુ ગોમ રીંછોલ તા. બેચરાજીનો મંગાજી જેણાજી સુ, અ’ન તમારું કરી નોખવા આયો સુ. જે હોય એ આલી દો’!!!! એ બેટો તો તમારા ડેબા પર ડંડો મારીને જે હાથમાં આવે એ લઇને હાલતો જ થાય. પણ કમનસીબે પબ્લિકનું મોટા પાયે કરી નાખનારા લોકો તમારા મારા જેવા જ દેખાતા હોય છે. માન્યામાં ન આવતું હોય તો જોઈ લેજો એક-કા-ડબલ અને એક-કા-તીન કરનારા કે પછી અને બેન્કોને નવડાવનારા લોકોને. એમાં શેર બજારમાં અનેક લોકોને નરસિંહ મહેતા બનાવનારા હર્ષદ મહેતા પણ આવી જાય.

જોકે નરસિંહ મેહતા જે કહ્યું કે ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા…’ એનું આ કરુ-ભક્તો ખરા અર્થમાં પાલન કરતા હોય છે. ભલે એમણે કરોડોનું ફૂલેકું ફેરવ્યું હોય, પણ એમનામાં જશ લેવાની ભાવના જરાય નહિ! ઉલટાનું એમની પાસે કબુલાત કરાવતા પોલીસની આંખમાં પાણી આવી જતા હોય છે.

આવા કરુ-ભક્તો વિષે હું ગહન ચિંતન કરતો બેઠો હતો ત્યાં જ પ્રિયાએ મને હાથમાં પેંડો પકડાવીને કહ્યું કે ‘લો, આ આપણી બાજુ વાળી લજ્જાનું નક્કી થયું એનો પેંડો’. મેં પેંડો મ્હોમાં ઓરતાં પૂછ્યું ‘ક્યાં કર્યું?’ તો કહે કે ‘એ તો બધી ખબર નથી પણ એટલું કીધું કે છોકરો અમેરિકામાં છે અને કોમ્પ્યુટરનું કરે છે’. આ સાંભળીને મારા ચિંતનના તાવડામાં નવું ભજિયું પડ્યું! સાલું, માણસ માણસનું કરી નાખે એ સાંભળ્યું છે પણ આ કોમ્પ્યુટરનું કરનારા કેવા હશે? કુછ સોચના પડેગા …

 सुन भाई साधो…

વાસણો હોય તો ખખડે પણ ખરા,
એને દામ્પત્યનો રણકાર કહેવાય!
1596

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , . Bookmark the permalink.

3 Responses to કરુ-ભક્તો

  1. kavyendu કહે છે:

    કરુભક્તો ખરેખર સ્થિતપ્રજ્ઞ છે, એમની પ્રજ્ઞા બધાનું કરીનાખવામાં જ સ્થિર થયેલી છે, મત હે બધીરકૃષ્ણ આખી ગીતા કહો તો પણ ઓછી પડે, સુંદર લેખ,

    Like

  2. Ketan કહે છે:

    Superb article. Congrats. I am impressed with Badhiranand. Jai Ho Swami Badhira.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s