પરણેલા પુરુષને ‘આઝાદી’ નામની એક સાળી હોય છે!


અભિયાન મેગેઝીનના  ૧ જુન, ૨૦૧૩ના સામાજિક આઝાદી વિશેષાંક માટેનો મારો લેખ 'ઓનલાઈન' વાંચવા માટે ઉપરની ઈમેજ પર ક્લિક કરો ...

અભિયાન મેગેઝીનના ૧ જુન, ૨૦૧૩ના સામાજિક આઝાદી વિશેષાંક માટેનો મારો લેખ ‘ઓનલાઈન’ વાંચવા માટે ઉપરની ઈમેજ પર ક્લિક કરો …

આઈ.પી.એલ.ની સીઝન આવે એટલે બધાને એ જાણવામાં રસ હોય કે ક્યા કયા દેશના કયા કયા ખેલાડીઓ રમવા માટે આવવાના છે. પણ નિરાશા એ વાતે થાય કે ધરખમ કહેવાતા દેશોના ખેલાડીઓ આણુ કરવામાં આડાઈઓ કરતી વહુ જેવા હોય છે. એમાં પણ આપણે જેના ફેન હોઈએ એ ખેલાડીઓ તો અડધી મેચો પૂરી થાય પછી આવે કે પછી ન પણ આવે. જ્યારે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમના ખેલાડીઓ આપણા હરખપદુડા દેશી સગા જેવા છે – તમે આમંત્રણ આપો એટલે છૈયા-છોકરાંથી માંડીને ડોહા-ડગરાને લઈને પ્રસંગના ચાર દા’ડા અગાઉથી આવીને ગોઠવાઈ જાય.

જોકે, આજે તો કોઈ માને નહિ કે એક જમાનામાં લગ્ન અને બીજા શુભ પ્રસંગોએ આમંત્રણ પત્રિકામાં સહ-કુટુંબ – મિત્ર મંડળ સહીત પધરામણી કરવાની વિનંતી કરવામાં આવતી હતી. સ્પષ્ટતા ન કરી હોય તો પણ બધા હેતે હાજર થઇ જતા. હવે તો એ સ્વતંત્રતા પર કાપ મુકાઈ ગયો છે. આજકાલ તો કેટલા લોકોએ પધારવાનું છે એ પણ નિમંત્રક પોતે જ નક્કી કરીને કહી દેતા હોય છે. એટલું સારું છે કે એ લોકો ચોખ્ખું નથી લખતા કે ‘રમણકાકા અને મણીકાકી સિવાય કોઈએ આવવું નહિ’. પણ મોંઘવારીમાં જો પૂનમ બેન પાંડેના નખરાની જેમ ભરતી આવતી રહી તો એ દિવસો પણ ટૂંક સમયમાં જ આવી જશે.

સમાજમાં આવી બાબતોમાં માર્ગદર્શન માટે કોઈ લેખિત બંધારણનું અસ્તિત્વ નથી અને એટલે જ દરેક બાબ્ભ’ઈ અને નરહરિ પ્રસાદ પોત પોતાની રીતે ફાવતી છૂટ લેતા રહ્યા છે અને એમાંથી આપણી જાણ  બહાર વિચિત્ર રીત-રીવાજો બગલના વાળની જેમ ફૂટતા રહ્યા છે. ક્યારેક કોઈ વીરલો આ બગલના વાળ સોરી, વિચિત્ર રીત-રીવાજો ફગાવીને અલગ ચીલો ચાતરે તો તે પછી બધો ગાડરિયો પ્રવાહ એ રસ્તે પડી જાય છે. આમ સદીઓથી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે.

છતાં કેટલીકવાર એવું બને કે આપણને થાય કે આવી બાબતો માટે કોઈ ચૂંટણીના ‘મોડેલ કોડ-ઓફ-કંડકટ’ જેવી વહેવાર-વહીવટ માટેનો કોઈ ગાઈડલાઇન હોવી જોઈએ અને એનો કડક અમલ પણ થવો જોઈએ. જરા વિચારો કે તમે ‘બે વ્યક્તિ’ની મર્યાદામાં કોઈને ત્યાં શિંગોડાનો લોટ ભેળવેલા ગુલાબ જાંબુ અને વેજીટેબલ ઘીમાં બનાવેલી જલેબી ખાઈને પણ રોકડા રૂ ૫૦૧/- નો ચાંલ્લો કરી આવ્યા હોવ અને એ જ પાર્ટી તમારે ત્યાં આખું ધાડું લઈને ઉતરી પડે, એટલું જ નહિ પણ નવરત્ન કચોરી અને મલાઈ ચમચમની કટોરીઓ પર કટોરીઓ ઝાપટી અને ફક્ત રૂ. ૧૫૧/- નો ચાંલ્લો કરીને ચાલતી પકડે તો તમારી કેવી હાલત થાય? આવા સમયે એક જણને ચાંલ્લાની નોટને બદલે લેપટોપ આપીને વાનગીઓનો ‘શીડ્યુલ ઓફ રેટસ’ અને જમનારની સંખ્યા પરથી જંત્રીમાં જોઈને ચાંલ્લાની રકમ નક્કી કરવા બેસાડી દીધો હોય તો કમસેકમ વહેવારમાં એક સૂત્રતા તો આવે! પણ આપણને ખબર છે કે આવું થવાનું નથી.

જોકે ફિલ્મોમાં બતાવવામાં આવે છે એમજ જાલિમ સમાજ રૂઢિઓ, રીત-રીવાજો, પરંપરાઓના નામે મર્યાદા અને નિયંત્રણો લાદીને એના સભ્યોની આઝાદી પર કાપ મુકતો રહ્યો છે અને લોકો એની સામે ઝઝુમતા રહ્યા છે. એક જમાનામાં માણસને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા પણ નહોતી. એ જમાનામાં કાળી નાગણ જેવા ચોટલાવાળી મૃગનયની નાયિકા પર કવિતા ઓ ઘસડનારને કદીક મુથૈયા મુરલીધરન જેવી આંખો અને લસિત મલીંગા જેવા વાળવાળી વનિતા સાથે પરણવાનો વારો આવતો. અને નરબંકાઓ એની સાથે લગ્ન જીવનના ૫૦-૬૦ વર્ષ સુખે દુઃખે ખેંચી કાઢતા. જ્યારે આજકાલ તો લગન-પદુડા લાકડા પોતાને મનગમતા માંકડાને સામે ચાલીને વળગી જતા જોવા મળે છે.

આ લખાય છે ત્યારે ૪૩ ડીગ્રી ગરમી છે અને બહાર રોડ ઉપર કોઈ લગન-પદુડો વરઘોડો કાઢીને નીકળ્યો છે! મારી નજર બેન્ડવાળા પૈકીના પરસેવે રેબઝેબ એવા બેઝ ડ્રમ વગાડનારા પર પડી અને એ જે રીતે ડ્રમ પર કચ્ચી કચ્ચીને મેલેટ (દાંડિયો) ઠોકતો હતો એ પરથી મને એ વાત સમજાઈ ગઈ કે એ જરૂર પરણેલો હશે. વિધિની વક્રતા એ હતી કે સૂટ-બુટ અને શેરવાનીધારી જાનૈયાઓ પરસેવે નહાતા હતા જ્યારે એ દિવસ પછી જેનું લગ્ન નામની ઘાણીમાં તેલ નીકળવાનું હતું એ વરરાજો એ.સી. લાઈમોસીનમાં બલીના બકરાની જેમ હાર પહેરીને મલકાતો બેઠો હતો.

આમ પણ દરેક પરણેલા પુરુષને ‘આઝાદી’ નામની એક સાળી હોય છે જેની બહેન સાથે એ પરણી  બેસે છે. તમે પરણેલા પુરુષ હશો તો તમને અહી પ્રચલિત રૂઢી પ્રયોગ યાદ આવ્યો જ હશે – ના સમજે વો અનાડી હૈ… એટલે લગ્ન પછી આઝાદી બાબતે નહાઈ જ નાખવાનું હોય છે એ સુવિદિત છે. આ રીતે નહાયા પછી બદલવા માટે પોતાનો સ્વભાવ જ બચે છે.

તો નહાવાની બાબતમાં આપણે જન્મથી જ પરતંત્ર હોઈએ છીએ. જન્મીને તરત રડ્યા પછી આપણે પહેલું કામ નહાવાનું કરીએ છીએ. રાધર, આપણને નવડાવવામાં આવે છે. એ પછી મહિનાઓ સુધી કસરત, તેલ-માલીશ અને ચણાનો લોટ ઘસીને નવડાવવાના બહાને આપણને છીણેલા આદુ જેવા બનાવવાના પ્રયત્નો થતા રહે છે. આપણને નવડાવવા માટે જો આલિયા ભટ્ટ કે અનુષ્કા શર્મા જેવી નર્સો આવતી હોય તો આપણે દા’ડામાં ચાર વાર હોંશે હોંશે નહાવા તૈયાર થઈએ. પણ અફસોસ! આપણા ભાગે તાડકા, શુર્પણખા અને હિડિંબાની હડીમદસ્તા જેવી કઝીનો જ આવે છે. અને કદાચ આ ત્રાસમાંથી છૂટવા માટે કરીને જ આપણે નહાવાની બાબતમાં ઝડપથી સ્વતંત્ર થઈએ છીએ.

નહાવા બાબતે સ્વતંત્ર થયા પછી આપણે સ્નાન નામની આપત્તિને ઉત્સવની જેમ ઉજવવાના પ્રયત્નોના ભાગ રૂપે ડોલમાં હોડીઓ તરાવવી, સાબુના પરપોટા કરવા, સાવરણા-સાબુથી આઈસ હોકી રમવી, સાબુ પર સ્કેટિંગ કરવા જેવી પ્રવૃત્તિઓનો ઉમેરો કરતા હોઈએ ત્યારે મમ્મીઓ બાથરૂમના દરવાજા ધમધમાવીને આપણી નાવડીઓ ડુબાડી દેવાનું ચૂકતી નથી. આગળ ઉપર આ જ કામ પત્ની સંભાળી લેતી હોય છે.

અમારા મતે બાથરૂમ એ ઘરનું ‘નો મેન્સ લેન્ડ’ છે. બાથરૂમના ઉમરા આગળ મમ્મી કે પત્નીનું સત્તા ક્ષેત્ર સમાપ્ત થાય છે. બાથરૂમની ચાર દીવાલો વચ્ચે આપણે દોઢિયું-પોપટીયુ, હુડો-ચીચુડો કે હુતુતુ રમવા સ્વતંત્ર છીએ અને એમ કરવા સામે બાથરૂમમાં વસતા વંદા અને ગરોળીઓ સિવાય બીજું કોઈ વાંધો લઇ શકે નહિ. જોકે એકવાર એમના દર્શન થયા પછી આપણે હુડો-ચીચુડો કે હુતુતુ તો બાજુ એ રહ્યું પણ ખુણામાં ભરાઈને ‘છિછ…છિછ…’ જેવા અવાજો કરવા કે સાવરણો પછાડવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી એ જુદી વાત છે. આવા સંજોગોમાં અમુક પાંચમી કતારીયા બહાદુરો તો આ ‘નો મેન્સ લેન્ડ’ છોડીને બહાર નીકળી આવે પછી એમને યાદ આવતું હોય છે કે કપડા તો બાથરૂમમાં રહી ગયા!

કપડાની વાત નીકળી છે તો એક વાત જણાવી દઉં કે કપડાની બાબતમાં આપણો સમાજ બહુ ઉદાર રહ્યો છે. આજે ઘરની દીકરી-વહુઓ યથેચ્છ પરિધાન અપનાવી શકે છે. એક જમાનામાં વડીલોની આમન્યાના ઓઠા નીચે લાજ કાઢવાની પ્રથા હતી જે આજે લુપ્ત થવાના આરે છે. આની અસર ઘૂંઘટ અને એની પાછળ છુપાયેલા સૌન્દર્યની શાનમાં શેરો-શાયરી કરીને મસ્ત રહેનાર કવિઓ અને શાયરો પર પડી છે. એક તો દારૂ-બાંધીને કારણે મય અને મયકશીનો મહિમા ગાતી શેરો શાયરી પર પ્રતિબંધ અને ઉપરથી પ્રેરણા માટે સમાજમાં પૂરતા પ્રમાણમાં ઘૂંઘટની અછતને કારણે કવિઓ એ બીજા વિષયોનું ખેડાણ કરવાનો વારો આવ્યો છે એ આખા ઘટનાક્રમનું દુખદ પાસું છે. અમુક કટ્ટરપંથી કવિઓ માટે એ ધર્મ પરિવર્તનથી કમ નથી.

સ્ત્રીઓમાં કપડા તો પુરુષોમાં વાળ-દાઢી-મૂછ રાખવા બાબતે પણ સમાજે મન મોકળું રાખ્યું છે. આટલેથી ન અટકતા એ યાદીમાં છાતી અને પેડુની વચ્ચે આકાર લેતી ફાંદ જેવી વિરલ ઘટનાને પણ આપણા સમાજે ઉદારતાથી સમાવી દીધી છે. આજે ગુજરાતી પુરુષ પર ફાંદ રાખવા, પાળવા, પંપાળવા, ઉછેરવા, એના પ્રત્યક્ષ નિદર્શન કે પછી પાર્ટી અને શુભ પ્રસંગોએ ઊંચા થઇ ગયેલા શર્ટ કે ગંજીના કાણામાંથી એનું પ્રદર્શન કરવા બાબતે કોઈ બંધન નથી. હા, ફાંદ પર નાડા કે ચામડાના પટ્ટાનું બંધન ખરું, પણ એ બિચારા સત્તા વગરના હોમગાર્ડના જવાન જેવા રાંક હોઈ ફાંદના પ્રભાવ કહેતા દબાવ નીચે આવીને દમ તોડી દે છે. ઘણીવાર તો બક્કલો ગોળીની જેમ છુટતા હોય છે! આમ જુઓ તો સ્ત્રીઓમાં લાજ કાઢવાની પ્રથા ભલે લુપ્ત થઇ પણ એની સામે વારેઘડીએ પેન્ટ કે લેંઘો ઉચો ચઢાવીને ફાંદની લાજ ઢાંકવાની નવી પ્રથા અમલમાં આવી ગઈ છે એમ જરૂર કહી શકાય.

સૌ જાણે છે કે આપણા ગુજરાતી પુરુષોના શરીર પર ફાંદનું સ્થાન નિશ્ચિત છે. અલબત્ત ફાંદ કંઈ બરડામાં કે ઢીંચણેતો ન જ હોય, પણ આ આપણી એક ફરસાણ પ્રેરિત નમકીન વાસ્તવિકતા છે. એવું નથી કે આ વાસ્તવિકતા પ્રત્યે આપણા જીજ્ઞેશો અને ભાવેશો શાહમૃગ વૃત્તિ સેવે છે. ના રે. એ બધા પણ ફિટનેસ માટે ચાલવા-દોડવા માટે તૈયાર છે, સમસ્યા ફક્ત એટલી છે કે દોડતી વખતે ફાંદનું શું કરવું? ઘણા ઉદ્યોગ સાહસિકોએ તો દોડતી વખતે જેમાં ફાંદ મૂકી શકાય એવી હાથ લારી કે ટ્રોલી કોઈ બનાવી આપતું હોય તો એને ફાઈનાન્સ કરવાની તૈયારી પણ બતાવી છે! તમારી પાસે આવી કોઈ ‘ફાંદ વાહિની’ની ડીઝાઈન તૈયાર હોય તો ગુજરાતનું વિશાળ બજાર તમારી પ્રોડક્ટની રાહ જોઈ રહ્યું છે.

આપણો ઈતિહાસ અને નજીકનો ભૂતકાળ તપાસીએ તો જણાશે કે દુનિયામાં વખતો વખત જૂની સંસ્કૃતિઓનો નાશ થયો છે તો સામે નવા સમાજો પણ અસ્તિત્વમાં આવ્યા છે. થોડા દાયકા પહેલા જેની બહુ ચર્ચા હતી એ ‘હરે રામ હરે ક્રિશ્ના’ બ્રાંડ હિપ્પીઓ અને ન્યુડીસ્ટ સમુદાયો તથા નજીકના ભૂતકાળમાં જ અસ્તિત્વમાં આવેલા ‘ગે’ સમાજ એના પ્રત્યક્ષ ઉદાહરણો છે. પણ આ બધા સમાજોથી ક્યાંય મોટો અને દુનિયામાં ચીન પછી બીજા નંબરની વસ્તી ધરવતો ‘ફેસબુક’ નામનો સાયબર સ્પેસનો વર્ચ્યુઅલ સમાજ આ બધાથી જુદો પડે છે. આ સમાજ છેલ્લા કેટલાક વર્ષોમાં જ અસ્તિત્વમાં આવેલ હોઈ એના સભ્યો લખવા, બોલવા અને ફોટા અપલોડ કરવા બાબતે સ્વતંત્ર છે. એટલે હાલમાં તો બધા આ સ્વતંત્રતાને કેરીના રસની જેમ માણી તો રહ્યા છે પરંતુ એ સ્વતંત્રતા સૂંઠ નાખ્યા વગરના કેરીના રસની જેમ વાયડી પડે તેવા લક્ષણો જણાઈ રહ્યા છે. જેમ કે કવિઓની વસ્તીમાં થયેલો વધારો!

આચાર્ય વિશ્વનાથે ‘સાહિત્ય દર્પણ’માં કવિતાની વ્યાખ્યા કરતા કહ્યું છે કે वाक्यं रसात्मकं काव्यम्. અર્થાત રસથી સભર વાક્ય એટલે કાવ્ય. પણ આ રસ તડબુચનો, કારેલાનો કે કંકોડાનો એ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી નથી. અને આ છટકબારીનો લાભ લઇને અમારા જેવા ફેસબુકના કીબોર્ડબાજોનો (હા, સાયબર સ્પેસમાં લખવા માટે કલમ નહિ પણ કી-બોર્ડ કે કી-પેડની વપરાય છે) એક વિશાળ મહેરામણ विहरन्ति फ़ेनम्  એટલે કે ફેસબુક પર કાવ્યશાસ્ત્રનું ફીણ ઉડાડી રહ્યો છે! આજકાલ ફેસબુક ઉપર જ્યાં જુઓ ત્યાં આવા ઉત્સાહી ‘ટહુકા કવિઓ’ના ઝુંડ, કઠીયાવાડીમાં કહીએ તો, ‘રહના ઘૂંટડા’ ભરતા દેખાશે.

કેટલીકવાર એક ટહુકા કવિએ સ્ટેટ્સ મેસેજમાં મુકેલી સ્વચ્છંદબદ્ધ રચના પરની કોમેન્ટમાં એના જેવાજ બીજા ઓઘડ કવિઓ બબ્બે ચાર-ચાર પંક્તિઓ ઠપકારતા હોય છે. અને આખા ઘટનાક્રમમાં રદીફ મરે તો કાફિયાને, જોડણી મરે તો શબ્દકોષને કે પ્રાસ મરે તો છંદને નહાવા કે નીચોવવાનું આવતું નથી એ અહીની વિશેષતા છે!

એક કડિયાકામ કરનારો આગળ વધીને કોન્ટ્રાકટર બનીને મકાનો બાંધતો થઇ જાય અને એને જોઈને એક સિવિલ એન્જીનીયરને થાય એવી જ સંવેદના ફેસબુકના આ કવિઓને જોઈને કવિતાના સાચા ઉપાસકોને કદાચ થતી હશે પણ એમણે આ પ્રવૃત્તિને ક્ષમ્ય ગણવી જોઈએ કારણ કે આ બહાને પણ ભાવકોનો એક મોટો વર્ગ સાહિત્ય સર્જન તરફ વળ્યો છે એ ખરેખર આવકાર્ય છે.

હું ગુજરાતી છું અને એમાં પણ પાછો અમદાવાદી, એટલે જતાં જતાં એક ધંધાની વાત કરી દઉં. ગીત અને ગઝલો મીટર પ્રમાણે લખાતા હોય છે એ બાબતને ધ્યાને લઈને માર્ક ઝકરબર્ગ જો કાવ્ય-લેખન ઉપર પ્રતિ મીટર ચાર્જ લેવનું ચાલુ કરે તો ઈન્સ્ટાગ્રામ જેવી એપ્લીકેશન ખરીદવાના પૈસા ફક્ત ગુજરાતી ફેસબુક કવિઓ પાસેથી જ મળી જશે એની અમે ગેરંટી આપીએ છીએ અને એટલું જ નહિ પણ અહી બે પંક્તિઓ લખીને એને બોણી પણ કરાવીએ છીએ.

તારી સાસુએ આપેલી આ ગીફ્ટ તને મોંઘી પડી બકા,
જાણે ખીસ્સા કાતરવાના ગુનામાં ઉમર કેદ પડી બકા!

જય હો …
2570

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અભિયાન and tagged , , , , , , , , , . Bookmark the permalink.

1 Response to પરણેલા પુરુષને ‘આઝાદી’ નામની એક સાળી હોય છે!

  1. Ketan કહે છે:

    Super duper article. Thanks for tagging. Make sure the marriage life don’t get in trouble. hahahahahhaa. Also, about poets I agreed and same is true about civil engineers conditions while looking at the construction labor becoming millionaire by having an owner of big construction company. Super duper bud.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s