ફોરેનના ફૂમતા


સૌરાષ્ટ્ર એક્સપ્રેસના S-II કોચમાં વાતવરણ રોજ કરતાં જુદું હતું. સામાન્ય રીતે ‘અપ-ડાઉનિયા’ લોકોથી ખોચોખીચ ભરેલા એ રિઝર્વ્ડ કોચમાં દિવસ ભરના થાકથી લટકી પડેલા ચહેરાઓના બદલે બધા જાણે ‘ઓકે સાબુ’થી નહાયા હોય એમ એકો એક ચહેરો કમળની જેમ ખીલેલો લાગતો હતો.

Foreign na Fumta

આ લેખ અને અન્ય લેખો ઓનલાઈન વાંચવા માટે ફોટો પર ક્લિક કરો ….

સામાન્ય રીતે ટ્રેન અમદાવાદ પહોંચે ત્યાં સુધી ત્રીજા કમ્પાર્ટમેંન્ટની બારી પાસે પોટલાની જેમ પડ્યો રહેનારો દેસાઈ, વડોદરા આવે ત્યાં સુધીમાં ચાર વખત તો ટોઇલેટનો આંટો મારી આવ્યો હતો. અને એકલો દેસાઈ જ શું કામ, આગળના કમ્પાર્ટમેંન્ટમાં બેઠેલા જવાનીયાઓને કોઈએ મફત નારિયેળ પાણી પીવડાવ્યું હોય એમ દરેક જણ લગભગ ત્રણથી ચાર વખત આંટો મારી ચુક્યો હતો.

આશ્ચર્યની વાત એ પણ હતી કે આગળની ટોઇલેટ પાસે બેઠેલા નમુનાઓ આવી ભીડ વચ્ચે ધક્કા-ગોદા ખાઈને પણ પાછળની ટોઇલેટનો ફેરો ખાતા હતા! હદ તો ત્યારે થઇ જ્યારે લગનમાં લખણે રહી ગયેલા અમારા અલકેસ ભ’ઈ ઉર્ફે ‘બત્રી વરહના બચુ કાકા’ બાથરૂમ જઇને આવ્યા ત્યારે એમણે માથુ તો ચકાચક ઓળ્યું જ હતું ઉપરાંત એમનો ઝભ્ભો પણ જીન્સમાં ‘ઇન’ કર્યો હતો!

‘બચુ કાકા, આ શું છે?’ મેં એમના ઇન કરેલા ઝભ્ભા તરફ ઈશારો કરીને પૂછ્યું.

એમણે નીચે જોયું અને ‘ઉતાવર મોં ધ્યોન ના ર’યું મારુ હારુ!’ બોલતા બોલતા ઝભ્ભો બહાર ખેંચી કાઢ્યો. મારાથી હસવું રોકાયું નહિ.

‘આ શું નાટક ચાલે છે?’ – હું આવ્યો ત્યારથી મારા મોઢા પર આશ્ચર્યનો ભાવ જોઈને મલકી રહેલા મિસ્ત્રીને મેં હસતા હસતા પૂછ્યું.

‘ફોરેનના ફૂમતા છ!’ એણે ટૂંકમાં કહ્યું. અમારો મિસ્ત્રી જરા કવિ જીવ છે.

‘હું ત્યાં થઇને જ આવ્યો. ડબ્બામાં એક પણ ભૂરિયો નથી.’ મેં કહ્યું.

‘એન.આર.આઈ. છ.’ એ ખંધુ હસ્યો.

પછી મને બત્તી થઇ કે આવતી વખતે મેં આગળના કંપાર્ટમેન્ટમાં જે શોલ્ડર લેન્થ વાળ, ટાઇટ જીન્સ-ટી શર્ટમાં સજ્જ અને મઘમઘતી બે ‘વેલ બિલ્ટ’ યુવતીઓને જોઈ હતી, એ તીર્થ સ્થળના આ બધા યાત્રાળુઓ છે! ‘બચુડા… તારું ભલું કરે ભોગીલાલ, તારા માથે ટકલું છે અને તું ઈમ્પોર્ટેડ કાંસકા હોધતો ફર છ? દેશી દાંતિયો હોધ હવે.’ હું મનમાં બોલ્યો.

ફટ્ટ છે. આપણે આટ આટલી પ્રગતિ કરી તોયે હજુ ‘ફોરેન’નો મોહ જતો નથી. આજકાલ દુનિયામાં મળતું હોય એ બધું જ આપણા ઘર આંગણે મળી રહે છે અને જરૂર પડે તો દુબઈ કે બેંગકોક જઈને ફરવા સાથે શોપિંગ કરી શકીએ એટલું કમાતા થયા છીએ. છતાં દેખાદેખીમાં આપણે કેટલા બદલાયા છીએ! સાદા પાણીને બદલે મીનરલ વોટર ઠઠાડીએ છીએ. ‘શીડ્યુલ’ને બદલે ‘સ્કેડ્યુલ’, ‘કર્ડઝ’ના બદલે ‘યોગર્ટ’, ‘ટેક્સી’ના બદલે ‘કેબ’, ‘ઝેડ’ના બદલે ‘ઝી’ બોલતા થયા છીએ. અને એક કંપની તો હવે આપણા વહાલા ‘બિસ્કુટ’ને ધરાર ‘કૂકીઝ’ બનાવવા માટે અમિતાભ બચ્ચનને લઇ આવી છે!

એ વાત અલગ છે કે એક જમાનામાં આપણે ‘સ્ટેટ્સ’માં રહેતા સગા-સંબંધી એ મોકલેલી ચોકલેટો, કપડા, પેન વગેરે ભાઈબંધોને બતાવીને પોરસાતા. જેમાં આપણને જરાય ટપ્પો ન પડતો હોય છતાં એમણે મોકલેલી કલીફ રિચર્ડ અને પોલ મેકાર્ટનીની કેસેટો હોંશે હોંશે સાંભળતા. અમુક હરખ-પદુડી આઈટમો શાવર જેલથી માથુ ધોતી અને પરફ્યુમ ‘ફોર મેન’ છે કે ‘વીમેન’ એ જોયા વગર ધાબેડીને નીકળી પડતી.

જ્યારે આજે તો આપણા એન.આર.આઈ. સગા પાસે સાદો ફોન હોય અને આપણે આઈ ફોન-5 કે ગેલેક્સી એસ-4 અને આઈ પેડ લઈને ફરતા હોઈએ એવું બની શકે છે. હોલીવુડના મુવીઝ ટોરેન્ટ પર ડાઉનલોડ કરીને HDમાં જોવાઈ જાય છે અને ત્યાં બનતી ઘટનાઓના એક્સક્લુઝીવ ફૂટેજ યુ ટ્યુબ કે ફેસબુક પર મળી જાય છે.

હવે જ્યારે આપણી દેશી કન્યાઓ પણ ફોરેનના ફૂમતાને ચક્કર ખવડાવે એવી સ્માર્ટ થઇ ગઈ છે ત્યારે મારી આસપાસ જે ચાલી રહ્યું હતું એ ખરેખર અકળાવનારુ હતું. કંટાળીને હજુ હું ચાવાળાને બોલાવું એ પહેલાં તો ટ્રેન આણંદ સ્ટેશનના યાર્ડમાં દાખલ થઇ અને પેલા ફૂમતા ઉતરવા માટે ટ્રોલી બેગ રગડાવતા મારા કમ્પાર્ટમેન્ટ પાસે આવીને ઉભા રહ્યા. પાછળ દર્શનાર્થીઓની ભીડ બેકાબુ હતી. ત્યાં જ એ બેમાંથી જે નમણી હતી એ કો’ક તગારું ઘસડતું હોય જેવા બેઠા સાદે બોલી,

‘હજુ તો ઘેર જઈ ને નર આ’વ એટલે મારે લુઘડા ધોવાના છ અન હોંજે કલ્પેસ ભ’ઈ હૌ આવ્વાના છ’

બરોબર એ વખતે જ મેં ચાના પૈસા આપવા માટે કાઢેલા પાકીટમાંથી પરચુરણ નીચે પડ્યું અને એના અવાજમાં એ આગળ શું બોલી એ સંભળાયું નહિ. અને કહેવાની જરૂર નથી કે ભક્તોની ભીડ પણ વિખેરાઈ ગઈ!

सुन भाई साधो

​વાસણો હોય તો ખખડે પણ ખરા,
એને દામ્પત્યનો રણકાર કહેવાય!
2307

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , , , . Bookmark the permalink.

9 Responses to ફોરેનના ફૂમતા

 1. Umesh Shah કહે છે:

  as usual , article is good.according to me , you shold have included more dialgoues between 2 imported items to make article more hilarious.salu , aa loko mutha khole tai aapane ne mehsana ke bardoli ne yaad aayi jaay and funny part is people livingn here speaks better lingo.well, we are always foreign craze.

  Like

 2. Ashok khachar કહે છે:

  waaaaaaaaaah mja aavi

  Like

 3. Vipul Desai કહે છે:

  ફોરેનનું ગાંડપણ હવે પહેલા જેવું નથી રહ્યું. વિદેશથી ઇન્ડિયા આવનારા અંદર અંદર વાતો કરે છે કે ઇન્ડીયામાં જે રીતે લોકો પૈસા ખર્ચે છે તે જોઈને તો એવું જ લાગે કે આપણે ભિખારી છીએ. આ એક તદ્દન સત્ય હકીકત મેં મારા કાને સાંભળેલી છે. બીજું આજે ભણેલી ગણેલી છોકરીઓ વિદેશથી આવેલા છોકરાઓ માટે જે લાઈનો લગાવતી તે દિવસો ગયા. ઇન્ડીયામાં બે ભણેલા ગણેલા નોકરી કરે તો નોકર-ચાકર,ગાડી, અદ્યતન ફ્લેટ અને જે સુખ સાહીબી મળે તેના કરતાં ખુબ જ વધારે મજૂરે અહિયા કરવી પડે છે તે બધાને મોટે ભાગે ખબર પડી ગઇ છે. ચરોતર અને મહેસાણા બાજુ હજુ થોડો ક્રેઝ હોય એવું લાગે છે પરંતુ પહેલા જેવો ગાંડો ક્રેઝ નથી. અહિયા મોટેલમાં કપલ નોકરી કરે તો એમણે દુનીયામાં શું ચાલી રહ્યું છે તેની પણ ખબર નથી હોતી જે ઇન્ડિયાના લારીવાળાને પણ ખબર હોય છે. એ તો ટી.વી. ઈન્ટનેટ અને ટેલીફોનનો આભાર માનો કે વિદેશમાં રહેતાં લોકોને બહાર શું ચાલે છે તેની ખબર પડે છે. ઇન્ડિયાના ડાન્સ શો કે બીજા ખાસ શો જોઈને વિદેશમાં લોકો અચંબો પામી જાય છે.

  Like

  • Badhir Amdavadi કહે છે:

   વિપુલ ભાઈ, તમારી વાત સાથે મહાદ અંશે સંમત છું. પણ આપણી પ્રજાએ પણ એ લોકો પાસેથી મહેનત કરવાની શીખ લેવાની જરૂર છે. સમય બરબાદ કરવામાં આપની પ્રજાનો કોઈ જોટો નથી. પોતાની જાતને કાબેલ બનાવવાને બદલે સરકાર બધું ગોઠવી આપે એવો દુરાગ્રહ ચરમસીમા પર છે. બાકી અહી દેશમાં standard of leaving ઊંચું આવ્યું છે એની નોંધ મે લેખમાં લીધી જ છે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજુ આપણને ૧૫-૨૦ જેટલા વર્ષ લાગશે. ફીડબેક બદલ ખુ ખુબ અભાર.
   — બધિર અમદાવાદી

   Like

 4. Desai Ketan કહે છે:

  Superb. Loved it. Some of them are facts. I do agreed. Thanks for sharing. Ketan

  ________________________________

  Like

 5. kavyendu કહે છે:

  અરે બધિરભાઈ, અમે પણ આપના ચમચા છીએ તો કાલ ઉઠીને એમ ન કહેશો કે આ ફોરેનના સીલ્વરવેર છે, બાકી બાપુ આ ફોરેન ના ફૂમતા માં મઝા પડી ગઈ,

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s