કવિ : ‘ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો…હોઓઓઓ…’
શટલીયા રીક્ષાવાળો: લઇ જાઉં સાહેબ, પણ ડબલ ભાડું થશે. પાછા વળતા પેસેન્જર નથી મળતા!
આ સત્ય ઘટના નથી. પણ કવિઓ આ બાબતમાં ‘નાસા’વાળાથી આગળ છે એ નક્કી! એમને ચંદ્રનો પહેલો આંટો મારતાં આંટા આવી ગયા હતા, પણ બંધારણની ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ કલમ અન્વયે કવિઓ ‘ચાંદ સિતારો સે આગે..’ આંટો મારી આવતા હોય છે. તે પણ વિધાઉટ ટીકીટ! અને હદ ત્યારે થાય છે જયારે એ લોકો પ્રજાને ‘સાવન આયે યા ન આયે, જીયા જબ ઝૂમે સાવન હૈ…’ ના ધોરણે માવઠા કરવા માટે ઉશ્કેરતા હોય છે. અમારું તો નમ્ર સૂચન છે કે સરકારે અછતગ્રસ્ત વિસ્તારોમાં આવા કવિઓના ‘જીયા’ઓ ઝૂમાવી ઝૂમાવીને વરસાદ પડાવવો જોઈએ જેથી ખેડૂતો વાવણી શરુ કરી શકે.
આ બધો વિચાર વાયુ ચડવાનું કારણ એટલું જ કે હજુ તો વરસાદે બોણી કરાવી એમાં તો ફેસબુક ઉપર વરસાદી કવિતાઓનો મારો ચાલુ થઇ ગયો છે, જેટલા છાંટા નથી પડ્યા એટલા તો દાળવડા ખવાઈ ચુક્યા છે અને વગર વરસાદે ભુવા પડ્યા છે એ અલગ. જ્યારે આનાથી વિપરીત ચોમાસું જેમના માટે ‘ધંધે કા ટેમ’ ગણાય એ મ્યુનીસીપલ તંત્ર તથા દેડકા, ટીટોડી, કોયલ અને મોર સમાજે આ બાબતે સંપૂર્ણ દુર્લક્ષ સેવ્યું છે! કોઈ ઠેકાણું જ નહિ? અમારું તો સૂચન છે કે આમાં પણ ચૂંટણીની જેમ કોઈ ‘મોડેલ કોડ-ઓફ-કંડક્ટ’ દાખલ કરવો જોઈએ. અમે તો ડ્રાફ્ટ પણ બનાવી રાખ્યો છે. થોડી હાઈલાઈટ જુઓ …
- ટીટોડી બહેનોએ ઈંટોના ઢગલા કે ખૂણે ખાંચરે મુકેલા ઈંડાને ઉંચી અને સલામત જગ્યાએ ખસેડવા માટે સ્થાનિક પ્રશાસને ‘ખીલખીલાટ વાન’ની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે.
- અખબારોએ પણ ટીટોડીએ નીચાણવાળા વિસ્તારમાં મુકાયેલા ઈંડાના ફોટા છાપીને પ્રજાને ડીપ્રેસ કરવાથી દૂર રહેવું.
- કોયલમાં પણ કવિઓને કરણ જોહર જેવી ગેરસમજ થાય છે. જે ટહુકે છે તે માદા નહિ પણ નર કોયલ હોય છે. કવિઓએ જરૂરી સુધારો કરી લેવો.
- કોયલ વર્ગ, કે જે ‘दर्दुरो यत्र वक्तार: मौनं खलु भुषणम’ (જ્યાં વક્તા તરીકે દેડકાઓ હોય ત્યાં મૌન રહેવું ઉચિત છે) સૂત્ર અનુસાર મૌન વ્રત ધારણ કરે છે તે કવિ વર્ગના સ્વાસ્થ્ય માટે ઉચિત નથી. આથી કોયલ માટે દિવસનો સમય અને દેડકા માટે રાત્રીના સમયની ફાળવણી કરવામાં આવે છે.
- ખુલ્લામાં કળા કરવાથી પાછળ ઉભેલા લોકોની સુરુચિનો ભંગ થતો હોઈ મોર ભાઈઓએ કોઈ ભીંત કે ઝાડ આગળ ઉભા રહીને કળા કરવી.
- આજકાલ મોરના ટહુકાની ક્વોલીટી પણ બગડી ગઈ છે. ઘણા તો સ્પષ્ટ ‘ટેહુક… ટેહુક…’ બોલવાને બદલે ‘પેંહ… પેંહ…’ એવો અવાજ કરતા હોય છે. આથી એમને માટે ચણ સાથે સ્ટ્રેપસિલ્સની ગોળીઓ પણ નાખવાની જાહેર જનતાને વિનંતી છે.
- કવિઓ એ પણ સંયમથી વર્તવાનું રહેશે. વરસાદ જોઈને કોઈ પણ કવિએ મોર, કોયલ કે દેડકાથી વધુ હરખપદુડા થવું નહિ.
- ટહુકા સાંભળ્યા પછી જ જેમનું પેટ સાફ આવતું હોય એવા કવિઓ માટે સ્થાનિક પ્રશાસને વોર્ડ દીઠ પ્રભારી મોર અને કોયલની નિમણુંક કરી દેવાની રહેશે.
- જ્યાં મોર કે કોયલના ટહુકા પહોંચી શકતા નથી એવા હાઈ રાઈઝ બિલ્ડીંગોમાં રહેતા કવિઓ વિભાગની વેબ-સાઈટ પરથી ટહુકાના રીંગ-ટોન વિનામુલ્યે ડાઉનલોડ કરી શકશે. આ સેવા ‘આધાર કાર્ડ’ પર ‘કવિ’ તરીકે નોંધાયેલા લોકો માટે જ રહેશે.
- આમ છતાં ટહુકા સાંભળ્યા વગર મરણોન્મુખ થઇ ગયેલા કવિઓ માટે ઘેર ઘેર જઈને ટહુકા સંભળાવી શકે એવી મોર અને કોયલ સાથેની ‘કલશોર એમ્બ્યુલન્સ’ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
- આ દિવસો દરમ્યાન કવિતામાં ભીની માટીની ખુશ્બુ ને બદલે દાળવડા-કાંદા-મરચા વગેરેની છાક ન મારે એ માટે કવિઓએ કડક ચરી પાળવાની રહેશે.
- હવામાન ખાતાએ પણ આગાહી કરેલ દિવસે વરસાદ ન પડે તો ટેન્કરથી ફુવારા ઉડાડવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
- દાળવડાની લારીવાળાએ આગાહીના આધારે નહિ પણ વરસાદનું પ્રમાણ જોઈને ખીરું પલળવાનું રહેશે.
- મ્યુનીસીપાલીટીવાળાએ ચોમાસા દરમ્યાન રસ્તાની નીચે ખજાનો શોધવાનું કામ બંધ રાખવાનું રહેશે.
- રસ્તા પર પડેલા ભુવાથી શહેરની શોભા બગડે નહિ તે માટે એમાં હેલોજન લાઈટ અને ચાઈનીઝ લાઈટની સીરીઝથી સુશોભન કરવું.
- ભૂવામાં મેટ્રો-રેલના સ્ટેશન બની શકે કે કેમ એની શક્યતા તપાસવી.
- ભૂવામાં જ પ્રાથમિક સારવાર અને ખાણી-પીણીની સગવડ ઉભી કરવી તેમજ એમાં ગરક થયેલા લોકો માટે મનોરંજનની વ્યવસ્થા કરવી.
- ભૂવે ભૂવે ક્રેન રાખવી અને જરૂર પડે તો બે મજુર ભૂવામાં જ બેસાડી રાખવા.
આવું તો ઘણું થઇ શકે એમ છે, પણ અત્યારે આટલું તો કરો…
सुन भाई साधो…
માજી : બાબા, યુધિષ્ઠિરે ‘નરો વા, કુંજરો વા’ કેમ કહ્યું હતું?
બધિરાનંદજી : એમના પગે ‘વા’ ની તકલીફ હતી.
2913
Superb. Love the article. More sensible and to the point. Keep it up. Thanks for sharing.
LikeLike