ઉની ઉની બિરયાની ને મંચુરિયનનું શાક!


મે જો ખરેખર ઋતુપ્રેમી અને ખાસ તો વર્ષા ઋતુના ચાહક હોવ તો તમારે એક કામ કરવાનું છે. તમારી આસપાસમાં હજુ પણ કોઈ ‘આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ એવું ગાતું હોય તો એની ડીટેઈલ્સ મોકલજોને બોસ. આપણે ચોમાસા પછી આવી બધી ખોપરીઓને ભેગી કરી ને એમને જુરાસિક યુગમાંથી આજના જમાનામાં લાવવા માટે એક તાલીમ શીબીર રાખવાની છે.

તમે નહિ મનો પણ હજુ ય કેટલાક આદિ માનવો હાથમાં કારેલાના શાકને ઉની ઉની રોટલીના બીડામાં લપેટીને વરસાદને બોલાવતા હોય છે. એને કહીએ ‘ટોપા, ફેસબુક-વોટ્સએપ જુએ છે કે નહિ? લોકો વરસાદને પીઝા-પસ્તા-મંચુરિયનની ઓફરો કરતા હોય ત્યાં એ તારી રોટલી ખાવા આવવાનો છે ખડ્પા?’ અને કારેલાનું શાક? ક્યા જમાનામાં જીવતા હોય છે લોકો? વરસાદની જગ્યાએ હું હોઉં તો આખા ગામમાં પડું પણ એ કારેલાવાળા  ખડ્પાને તો કોરો જ રાખું!

સાલું, બોલાવવાની પણ કોઈ રીત હોય. આ જોડકણું લખાયું હતું એમના જમાનામાં મદારીઓ રોટલીના બદલામાં સાપ અને વાંદરાના ખેલ બતાવતા હતા. અરે અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનના ફૂટપાથ પર રોટલીના બદલામાં વાળ પણ કાપી આપતા અને દાઢી પણ બનાવી આપતા હતા. એટલે એ જમાના પ્રમાણે રોટલી અને કારેલાના શાકથી વરસાદને પટાવી લેતા હશે, પણ આજના જમાનામાં ના ચાલે. અને વરસાદ હોય કે જમાઈ, બોલાવવાની કે નિમંત્રણ આપવાની કોઈ રીત હોય. એની આગતા-સ્વાગતા માટે માહોલ પણ યોગ્ય હોવો જોઈએ.

અને લખનારા તો ગમે તે લખે, પણ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે નહિ? એ તો લખે કે ‘બહારો ફૂલ બરસાઓ મેરા મેહબુબ આયા હૈ…’ તો શું ભર શ્રાવણમાં બહારોએ ફૂલ વરસાવવા હાલી નીકળવાનું? અને તમારી મહેબુબા આવતી હોય એમાં ‘બહાર’ને ફૂલ વરસાવવાના ઓર્ડરો આલવા મંડવાના? બહાર તમારી સગી છે? અને તમારી મહેબુબા એ કંઈ મધુબાલા છે? માધુરી છે? ના ના … એ તો શાક લઈને આવતી હોય કે રોજ ઓફિસેથી આવતી હોય તોયે રોજ ફૂલ વરસાવવાના? એકાદ-બે લગન કરો તો ખબર પડે કે એકવારની ‘પુષ્પ વૃષ્ટિ’ના રૂપિયા પાંચ હજાર થાય છે સમજ્યા! એ બધું જોવું પડે? રાજેન્દ્ર કુમાર તો આપણા પપ્પૂ જેવો ગગો હતો એટલે એના પર દયા ખાઈને બહાર ફૂલ વરસાવતી હશે, બાકી તમારે તો ડાળ પર બેઠેલો કાગડો બહારના ફૂલ ન વરસાવે એની ચિંતા કરવાની.

બીજું, વર્ષોથી અમુક લોકો એક ટાઢા પહોરની ચલાવે છે કે મોર એની ડોકીના તૈણ તૈણ કટકા કરીને ટહુકા કરે છે એટલે વરસાદ આવે છે. તંબુરો! ખરેખર તો આવું કહેનાર અને એના સગલાને શોધીને ૫૦-૬૦ મોર ભરેલા પાંજરામાં પૂરવા જોઈએ અને કહીએ કે જરૂર પડે તો ડોકીના બે-ચાર કટકા વધારે કરજો પણ કરાવો ટહુકા અને પડાવો વરસાદ. હકીકત તો એ છે કે જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે મોરને શોધવો પડતો હોય છે. અને એ જઈને બેઠો હોય છે, ક્યાં? ટોડલે! લો, બોલો! વરસાદ ક્યાંથી આવે? તો કહે આકાશમાંથી. અને મોરભાઈ ક્યાં? તો કહે ટોડલે! અને એટલે જ ગાવું પડે છે કે ‘મારે ટોડલે બેઠો મોર, મોર કાં બોલે?’ મતલબ કે ‘અલા ભ’ઈ તું ટોડલે બેહીને ટહુકા કરીશ તો તારા ટહુકા ભોજીયો ભ’ઈ હોંભળવાનો છે? ઓમ બહાર નેકળીને છાપરે કે ધાબામાં જઈને ટહુકા કરને બકા! અને જોર કરીને ટહુકા કરવામાં તને તકલીફ થતી હોય તો બુચ માર. અવાજ ના નેકળતો હોય તો માઈક મૂકી આલીએ. પણ કંઇક જમાય દિયોર.’

અમુક લોકો આ ગીતમાં ‘મોર કાં બોલે’ એટલેકે ‘મોર શું કામ બોલે છે’ ના બદલે ‘મોર ક્યાં બોલે’ ગાતા હોય છે એ ય કંઈ ખોટું નથી. કામના ટાઈમે એને શોધવો પડે એ એની બદમાશી જ છે. હું તો કહું છું કે કોર્ટે ચડીને એને ભાગેડુ જાહેર કરવો જોઈએ. અને ચોમાસું એ તો મોર માટે ‘ધંધે કા ટેમ’ કહેવાય અને ધંધાનો ટાઈમ હોય ત્યારે એ ખડ્પો ટોડલે જઈને બેઠો હોય કે કચરો ફેંડતો હોય છે એ બતાવે છે કે મોર સિંધી નથી! જય ઝૂલેલાલ.

ગીત-સંગીતમાંતો આવું તો વર્ષોથી ચાલે છે. રાજ કપૂર પણ એમાંથી બાકાત નથી! યાદ છે ‘બરસાત મે તાક ધીનાધીન…’? રાજ કપૂર જેવા રાજ કપૂરને ખબર ના પડે કે વરસતા વરસાદમાં તબલું કે ઢોલકું હવાઈ જાય અને એમાંથી તાક ધીનાધીન… અવાજ ના નીકળે? તોયે એમણે ટેકનીકલી ખોટું ગીત ધરાર ફિલ્મમાં રાખ્યું! હા, ગીતના શબ્દોમાં એમણે ચોખવટ કરી હોત કે સદર તાક ધીનાધીન… પાર્ટીએ છાપરા નીચે કે રૂમમાં કર્યું છે તો અમને વાંધો નહોતો. અરે એ તો એ ગ્રેડ દિગ્દર્શક હતા તો આ વાત કલાત્મક રીતે દર્શાવી શકત કે તબલા પર હિરોઈને પેરેશુટના કાપડનો દુપટ્ટો ધરી રાખ્યો હતો અને એની નીચે તાક ધીનાધીન… ચાલતું હતું તો પણ વાંધો નહોતો. પણ ના! એમણે તો આપણને બકાવવા માટે આખું ગીત (મેઈન) વગર વરસાદે શૂટ કરીને ચડાવી દીધું! ઓકે! समरथ को दोष नहीं गोंसाई – એવું શ્રી તુલસી દાસજીએ કહ્યું છે તો પછી આપણે એમની ભૂલ બતાવનારા કોણ! પણ આ બધાથી ઉપર એક જોવાવાળો બેઠો છે, એને આ બધા સાથે વાંધો પડે છે અને ભોગવવાનું આપણે આવે છે.

બાકી હોય એમ જરાક અમથું ઝાપટું પડે એમાંતો આપણી હરખ-પદુડી પબ્લિક નમક-હલાલના અમિતાભ-સ્મિતા પાટીલના રવાડે ચડીને ‘આજ રપટ જાયે તો હમે ના ઉઠઈયો…’ ગાતા ગાતા નીકળી પડતી હોય છે. પણ એ ચમ્બુઓ એ નથી જોતાં કે સ્મિતા પાટીલ આટલી સ્લીમ હતી તોયે એને ઉઠાવવાનું જોખમ લેવાને બદલે અમિતાભ એને લારીમાં લઈને નીકળ્યો હતો. અને આપડી પબ્લિક તો પોત-પોતાના પીપડા દેડવતી દેડવતી નીકળી પડતી હોય છે. અને ભૂલેચુકે તાનમાં આવીને કોઈનું પીપડું ‘રપટ્યુ’ તો પછી ‘ઢાઈ કિલો કા હાથ’ જેવું – ‘પીપડા ઉઠતા નહિ, ઉઠ જાતા હૈ’! ભલું હોય તો એ પીપડાને ઉઠાવવાવાળો પણ ઉઠી જાય અને એનાથી પડેલો ભૂવો પૂરવા જતા મુનશીટપલીવાળા ય પૈસે-ટકે ઉઠી જાય. હવે કહો, વરસાદ આ બધું જોવા આવે એમ તમે માનો છો? એય ને રૂપાળી દીપિકા ને આલિયા ને કેટેરીનાઓ વરસાદમાં નીકળતી હોય તો આપણને નીકળવાનું પણ મન થાય. સોરી, હું મારી વાત ક્યાં કરવા માંડ્યો! વરસાદની વાત ચાલે છે નહિ? સોરી સોરી …

ચાલો જવાદો, આ તો બે ઘડી ગમ્મત હતી. પણ આખી વાતનો સારાંશ એ છે કે આપણે વરસાદને માણવો હોય તો વરસાદને લાયક બનવું પડે. વરસાદ તો ખુલ્લા હોય એ તમામ વિસ્તારને ભીંજવતો હોય છે. મનને પણ – જો એ ખુલ્લું હોય તો! બાકી આપણે તો ધોધમાર વરસાદમાં છત્રીઓ લઇને નીકળીએ અને પાછા છત્રીના કાણામાંથી પડતી પાણીની દદૂડી પર કવિતાઓ લખીએ એવા! અને એટલે જ આદીલ મન્સૂરી સાહેબે લખ્યું છે અને એ આપણી કડવી હકીકત પણ છે કે …

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

 

 

 

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in BhelPuri.com. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s