લુંગી ડાન્સ… લુંગી ડાન્સ… લુંગી ડાન્સ…
આ હા હા હા… શું ડાન્સ છે યાર! પહેલીવાર આ ગીતનો પ્રોમો જોયો ત્યારે મારી પાસે લુંગી નહોતી તો પલંગની ચાદર લપેટીને મચી પડ્યો હતો. પણ પછી ગડથોલિયું ખાઈને પડ્યો ત્યારે એક વાત સમજાઈ ગઈ કે લુંગી પહેરીને ડાન્સ કરવો હોય તો લુંગી પહેરીને જીવ-સટોસટના સાહસો કરનાર કોઈ અણ્ણાના માર્ગદર્શન નીચે કરવો, નહીતર માંડી વાળવું.
કારણ કે લુંગી પહેરીને ડાન્સ કરવામાં ઘણાં જોખમો છે. આ જોખમ જોકે લુંગી પહેરનારને ખબર જ હોય છે એટલે એ લોકો નાડાવાળી કે વેલક્રોવાળી લુંગી તૈયાર કરાવતા હોય છે. પરંતુ એકવાર લુંગીનો છેડો ક્યાંક ભરાય ત્યાર પછી લુંગી કોઈની નહિ! ‘સાગર’ ફિલ્મ જોઈ હશે એ ભાઈઓને તો ખાસ ખબર હશે કે લુંગી હોય કે સારોન્ગ, એકવાર છેડો ભરાય પછી ઈજ્જત જોનારના હાથમાં આવી જાય છે!
પણ જો તમને લુંગી સારી રીતે બાંધતા આવડતું હોય તો તમારે માટે કોઈ બંધન નથી. ફક્ત ડાન્સની પસંદગીમાં ધ્યાન રાખવું કારણ કે બધા ડાન્સ ‘લુંગી કોમ્પેટીબલ’ નથી હોતા. અમારે કોરિયોગ્રાફર્સ સાથે આ બાબતે મતભેદ છે. એ લોકો લુંગીને ‘ડાન્સ ફ્રેન્ડલી’ ગણે છે અને લુંગી પહેરીને કોઈ પણ જાતનો ડાન્સ કરવામાં એમને કશું વાંધાજનક લાગતું નથી. પણ માફ કરશો, વાંધો આપણને હોવો જોઈએ કારણ કે, એમનો ડાન્સ આપણે જોવાનો હોય છે. એ લોકો ડાન્સ રીયાલીટી શોમાં જે પ્રકારના કપડાં પહેરે છે એ જોતાં એમને તો લંગોટી પહેરીને ડાન્સ કરવામાં પણ વાંધો ન હોય. પણ આપણે તો સંસારી છીએ, ગિરનારી નહિ. આપણે બધું જોવું પડે.
અને બધા એન્ગલથી જોતાં, એટલે કે લુંગી પહેરીને ડાન્સ કરનારની આસપાસ દરેક એન્ગલ પર કેમેરા મુકીને જોતાં, એક વાત સ્પષ્ટ થાય છે કે ડાન્સની બાબતમાં લુંગીને નિયંત્રણ મુક્ત કરી શકાય એમ નથી. ના. બિલકુલ નહિ. કારણ કે મુદ્દો ઔચિત્ય અને સુરુચીનો છે. લુંગી પહેરીને દેશનું અર્થતંત્ર ભલે ચલાવી શકાતું હોય, પણ ડાન્સનું તંત્ર જરા જુદું છે.
છતાં પણ પ્રજા લુંગી પહેરીને ડાન્સ કરવાનો બંધારણીય હક્ક ભોગવી શકે એ માટે અમે અમુક પ્રકારના ડાન્સની છૂટ આપવા રજૂઆત કરી શકીએ એમ છીએ. જેમ કે આપણા દોઢિયા-પોપટિયા અને હુડો-ચીચુડો પ્રકારના ટ્રેડીશનલ ડાન્સમાં લુંગીનો પ્રયોગ માન્ય રાખી શકાય. એમાં નાના નાના સ્ટેપ લેવા પડે અને થોડું લફડ-ફફડ પણ થાય, છતાં ચાલી જાય. પોરબંદર બાજુના વિખ્યાત વિલંબિત રાસમાં ઉંચે કૂદવાનું આવતું હોઈ એમાં લુંગી પર પ્રતિબંધ હોવો ઘટે.
ભાંગડા કરવામાં પણ વાંધો નથી. ધ્યાન એટલું રાખવાનું કે સાઉથના ડાન્સના પ્રમાણમાં ભાંગડા જરા હાઈ-ટેમ્પો ડાન્સ છે એટલે લુંગીમાં ગાંઠ કોઈ અણ્ણાના બદલે સરદારજી પાસે બંધાવજો નહીતર સ્ટેજ પરથી વિંગમાં ગયા પછી ખબર પડશે કે લુંગી તો સ્ટેજ પર જ રહી ગઈ!
કેટલાક લોકો ‘બેલે’ (નૃત્ય નાટિકા)માં લુંગીના પ્રયોગ વિષે મને પૂછતાં હતા. એમાં એવું છે કે જો તમે રશિયન બેલે કરવાના હોવ તો રહેવા દેજો કારણ કે, એમાં એક પગના અંગુઠા પર ઉંચા થઇને બીજા પગનો ઢીંચણ નાકે અડાડવાનો હોય છે. સમજી ગયા? બાકી આપણા ઋષિ-મુનીઓ જે મૃગચર્મ અને વ્યાઘ્રચર્મ પહેરતા એ એક પ્રકારની કટવાળી લુંગી જ હતી એટલે પૌરાણિક નૃત્ય નાટિકાઓમાં લુંગી ચાલે જ નહી પણ દોડે. જોકે ચોકડાવાળી લુંગીવાળા ઋષિ કેવા લાગે એ કલ્પનાનો વિષય છે.
વેસ્ટર્ન ડાન્સમાં ‘લોકીંગ-પોપિંગ’ના જોખમો તમે જાણો જ છો. લુંગી એમાં ઉમેરો કરે છે. ચાલુ ડાન્સમાં પાર્ટનર ગાયબ થવાની ઘટનાઓ પણ બની શકે છે. ‘સામ્બા’ ડાન્સમાં મોટે ભાગે જગ્યા પર આઘા પાછા થવાનું હોય છે. ફક્ત ફુંદરડી ફરતા યાદ રાખવું કે તમે લુંગી પહેરી છે, ઘાઘરો નહિ! બ્રેક ડાન્સમાં મુવમેન્ટ સ્મુધ રાખવી, ઝાટકાથી લુંગીમાં ઝૈડકો બોલી શકે છે. ફ્રી-સ્ટાઈલ ડાન્સમાં ‘કાર્ટ-વ્હિલીંગ’ ન કરવું. ‘પાસો-દોબ્લે’માં લુંગી લાલ ન હોવી જોઈએ અને ‘બુલ’નો રોલ કરનારે ‘એટેક’ કરતા ધ્યાન રાખવું નહીતર બુલ અને ફાઈટરને છુટા પાડવા માટે પડદો પાડવો પડશે.
બાકીનું તો અનુભવે ખબર પડશે, પણ એક વાત નક્કી છે કે લુંગી ડાન્સ પછી લુંગીઓનો ઉપાડ વધશે. અહી ઉપાડ એટલે પહેરેલી લુંગી ઉઠાવવાની વાત નથી પણ લુંગીના વેચાણની વાત થાય છે. અને એ રીતે પણ દેશ જો વિકાસના પંથે પડતો હોય તો એ આવકાર્ય છે.
આફ્ટર ઓલ ઈટ્સ લુંગી ડાન્સ – માઈન્ડ ઇટ!
सुन भाई साधो…
પુરુષ જો સુંદર, સુશીલ, ગુણવાન અને લાગણીશાળી હોય તો એ સ્ત્રી જ ગણાય.
3423
સુપર્બ અને રોફળા રોફળા આર્ટીકલ. મોજ આવી ગઈ વાંચવાની.
LikeLike
આભાર મિતેશ ભાઈ …
LikeLike
અરે પ્રભુ, વાંચીને મઝા પડી ગઈ, સાચું કહું તો લુંગી ડાંસ વાંચીને એક્ટર મહેમુદ યાદ આવી ગયા,
LikeLike
ખુબ ખુબ આભાર કબીર સર!
LikeLike