સોચો કભી ઐસા હો તો ક્યા હો : ફિલમ વહી, સોચ નઈ


Filam Wohi-5
(માર્ગી ગુજરાતી મેગેઝીનના દીપોત્સવી ૨૦૧૩ના અંકમાં પ્રકાશિત લેખ)

ક જમાનો હતો જ્યારે જીગરજાન દોસ્ત કે પ્રિય પાત્રના પ્રેમ ખાતર જાન કુરબાન કરવી એ મહાનતા ગણાતી હતી. એવી સ્ટોરી લાઈનવાળી ફિલ્મો થીયેટર પર ‘બહેનોની ચિક્કાર ગીરદી જમાવતી’ અને ‘હાઉસફુલના પાટિયા ઝૂલાવતી’. જયારે આજકાલ જેમાં ‘બ્રધર કી દુલ્હન’ સાથે ઈશ્ક લડાવવાની વાત આવતી હોય એવી ફિલ્મો પણ હીટ જાય છે! તમને ઘણીવાર થતું પણ હશે કે રાજેન્દ્ર કુમારનું ‘દિલ એક મંદિર’ના ડૉ. ધર્મેશનું પાત્ર કે સંગમના ગોપાલનું પાત્ર ભૂલું પડીને ભટકતું ભટકતું આજની ‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘બચના એ હસીનો’ કે ‘લવ આજ કલ’માં આવી જાય તો બીજા કે ત્રીજા જ રીલમાં જાતે જ લમણામાં ગોળી મારીને ટપકી જાય કે નહિ?

પણ અમને એજ જૂની ફિલ્મો જોતી વખતે એનાથી ઉંધો વિચાર આવે છે. થાય છે કે આજે જે ધુરંધર પાત્રો આપણે જોઈએ છીએ તે બધા એ જમાનાની ફિલ્મોમાં હોત તો એ ફિલ્મના હીરો લોગને ૧૭ રીલ સુધી માર ન ખાવો પડત અને એમની વિધવા મા તથા કુંવારી બહેનોનો કોઈ વાળ વાંકો ન કરી શકત. અમે તો ઈચ્છીએ છીએ કે બાબા રણછોડ દાસ ચાંચડ જેવો કોઈ ભેજાબાજ એવું સાધન વિકસાવે કે જેનાથી આપણે જૂની ફિલ્મમાં નવા પાત્રો, ગીતો, સંવાદો, ઘટનાઓ ઉમેરી શકીએ કે પાત્રોની માનસિકતા બદલી શકીએ. અને એમ થાય તો એ જ ફિલ્મો કેટલી રસપ્રદ અને મનોરંજક બની જાય! એ જ સાધનનો ઉપયોગ જૂની ફિલ્મોમાં રહેલી ભૂલો સુધારવામાં પણ કરી શકાય.

Filam Wohi-1ઉદાહરણ તરીકે, શોલે બન્યા પછી એવી ચર્ચા ચાલી હતી કે રામગઢના ઠાકુર જેવા ઠાકુરના ઘરમાં જ વીજળી નહોતી તો પછી વીરુ જે ટાંકી પર ચઢ્યો હતો એ ટાંકીમાં પાણી કેવી રીતે ચઢાવતા હતા? જો કે ઠાકુરના ટેકેદારો એવું શોધી લાવેલા કે ત્યાં ડીઝલ પમ્પથી પાણી ચડાવતા હતા. લેકિન સોચનેવાલી બાત યે હૈ કી એ ગામમાં ઈલેક્ટ્રીસીટી હોત તો કેટલો ફેર પડી જાત? અને એટલે જ અમને વિચાર આવે છે કે કોઈ ‘રેન્ચો વિડીયો સ્ટુડીયો’ જેવા સોફ્ટવેરની મદદથી શોલેમાં જય-વિરુની જગ્યાએ ‘થ્રી ઈડિયટ્સ’વાળા રાજુ-રેન્ચો-ફરહાનની મંડળી ‘રિપ્લેસ’ કરી દીધી હોય તો કેવી જમાવટ થાય?

જરા વિચારો. સૌ પહેલાં તો બાબા રણછોડદાસે ગામની વીજળીની સમસ્યા એના ‘વાઈરસ ઇન્વર્ટર’થી જ સોલ્વ કરી દીધી હોત. ટાંકીમાં પાણી તો મોટરથી જ ચઢતું હોત એટલું જ નહિ પણ ટાંકી પર મોબાઈલનું ટાવર ગોઠવીને રામગઢને બાકીની દુનિયા સાથે જોડી દીધું હોત. ઠાકુર માટે સ્પેશિયલ ટોઇલેટ ફિકસચર્સ બનાવીને રામલાલનો દહાડો સુધારી દીધો હોત અને બસંતીના ટાંગામાં સ્પેશિયલ ‘ફ્રિક્શન લેસ’ બેરીંગ ફીટ કરી ધન્નોની એવરેજ પણ સુધારી આપી હોત. ગામ બહારના બ્રીજ પર સી.સી. ટી.વી. કેમેરાથી કાલીયા એન્ડ મંડળીના આગમનની આગોતરી જાણ થતી હોત. અને રહી વાત ગબ્બરની, તો એક રાત્રે એના અડ્ડાની ટોઇલેટમાં (જે ફિલ્મમાં બતાવી નહોતી, પણ એ સુ-સુ કરવા ક્યાંક તો જતો હશે ને?) ઇલેક્ટ્રિક કરંટવાળી લોખંડની પ્લેટ કરી દેત અને એ પછી ટોઈલેટમાં પહેલીવાર મૂત્ર-વિસર્જન કરતી વખતે જ ગબ્બર ગુજરી ગયો હોત!

જોકે આવું કરવા જતાં આપણે મુકેલા પાત્રો એમની અસલિયત પર આવી જાય તો ઘણી વાર તકલીફ પણ થાય. જેમ કે આરાધનામાં રાજેશ ખન્નાના અરુણ અને સુરજના ડબલ રોલમાં ‘બોલ બચ્ચન’વાળો પૃથ્વીરાજ રઘુવંશી આવી જાય તો ડાયલોગો તો ઠીક પણ ગીતોની કેવી દશા બેસી જાય? અને સામે રેણુ ઉર્ફે ફરીદા જલાલની જગ્યાએ ખીચડીવાળી હંસાને ઉમેરો તો તો બ્લેક ફોરેસ્ટ કેક પર લસણનો વઘાર! પછી ‘બાગો મે બહાર હૈ…’ વાળું ગીત કંઇક આવું થઇ જાય…

સુરજ: ઇઝ ધેર સ્પ્રિંગ ઓનિયન ઇન ગાર્ડન વરેલી?Filam Wohi-4

રેણુ : સુ…રજ, વોટ ઇઝ?

સુરજ : ઇઝ ધેર ચેરી બ્લોસમ ઓન બડવેઈઝર બીયર?

રેણુ : સુ…રજ, વોટ ઇઝ?

સુરજ : ધેન યુ, મી ઔર લવ કે લીયે કુછ ભી કરેગા?

રેણુ : ચલ ચલ કુછ ભી મત બોલ…

કેવી મજ્જા પડે?

‘રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના’નું ‘યોર બ્યુટી કોન્ટેસ્ટ ઇઝ ઇનટોકસીકેટેડ, માય લવ શવ તે ચિકન ખુરાના’ થઇ જાય અને ‘મેરે સપનો કી રાની..’નું ‘માય ડ્રીમ્ઝ અનલિમિટેડસ્ ક્વીન એલીઝાબેથ, વ્હેન વિલ યુ કમ સપ્ટેમ્બર?’ થઇ જાય. અમર પ્રેમમાં આપણને નવો ડાયલોગ મળે ‘ડોન્ટ ક્રાય ફાઉન્ડેશન પુષ્પા, આઈ હેટ ટીયર ગેસ’!

તમને થશે કે આમાં સંગીતકારની શી દશા થાય? તો કહી દઉં કે આ ફિલ્મ વખતે સચિનદાની તબિયત નરમ રહેતી હતી એટલે મોટાભાગનું કામ પંચમદા એ સાંભળ્યું હતું જે વર્ષો પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પેરેગ્રાફ જેવી ગુલઝારની રચનાઓ કમ્પોઝ કરીને એવોર્ડ જીત્યા હતા! લેકિન દિલ કો બહેલાને કો ગાલીબ યે ખયાલ અચ્છા હૈ … અને ખરેખર વિચારતાં જ આટલી ગમ્મત પડે છે તો એ હકીકતમાં બને તો કેવી મજ્જા પડે?

એ જમાનામાં અમુક ફિલ્મો દ્રવિડની બેટિંગ જેવી ખુબજ ધીમી અને ગંભીર રહેતી. આજે તો જે ઘરમાં બધા ટી.વી. સામે બેસીને એવી ફિલમ જોતાં હોય એ ઘરે અડોશ-પડોશવાળા પણ ‘કો’ક ગયું લાગે છે’ એમ સમજીને ધોળા લુઘડા પહેરીને બેસવા આવી જાય તો પણ નવાઈ નહિ. એ વખતે વિચાર પણ આવતો કે થીયેટરની સીટ નીચે લુના મોપેડની જેમ પેડલ નાખી આપ્યા હોય તો આપણે પેડલ મારીને પણ ફિલ્મને ભાગાડી તો શકત! જો કે પછી તો વીસીઆરમાં ફાસ્ટ ફોરવર્ડના બટનો આવી ગયા, પણ ૧૮ રીલની ફિલમની ફીરકી ૧૫ મીનીટમાં લપેટાઈ જાય એનું શું? એના કરતાં અંદરો અંદર રી-મિક્સ કર્યું હોય તો કેવી જામે?

જેમ કે ‘કોરા કાગઝ’ની ‘હર-ચના’ ઉર્ફે અર્ચના યાનીકી જયા ભાદુરીની જગ્યાએ આઉટ-સ્પોકન બસંતી ઘુસાડી હોય તો? એક બાજુ વિગવાળા ‘સુકેશ’ના રોલમાં દિવેલના બે પેગ ‘ઓન-ધ-રોક્સ’ બઠાવી ગયેલા વિજય આનંદ હોય અને સામે દોઢ કિલો સુંઠની સુખડી ખાઈને જણેલી બસંતી. જાણે AK-47ની સામે દેશી તમંચો! પછી જુઓ ખેલ. મને તો લાગે છે કે બસંતી ફિલ્મના ટાઈટલની મેથી મારવાથી જ ઉપાડ કરે. અને કંઇક આવું થાય …

‘યુંકી સોચનેવાલી બાત યે હૈ કી કાગઝ કોરા કયું હૈ? તો પૂછો કાગઝ કિસકા હૈ? પૂછો પૂછો…’

હવે સામે હોય પ્રાધ્યાપક સુકેશ, જે છઠ્ઠા પગાર પંચના એરિયર્સમાં પચ્ચા રૂપિયા ઓછા આવ્યા હોય એ કઢાવવાની વેતરણમાં પડ્યો હોય. એ જવાબ ન આપે એટલે પછી ઓડિયન્સમાં બેઠેલો વીરુ જવાબ આપે કે – ‘કિસ કા હૈ જી?’

એટલે અર્ચના કહેશે – ‘યુંકી હમને આપ સે તો પૂછા નહિ, લેકિન પૂછ હી લીયા હૈ તો હમ બતાયે દેતે હૈ કી કાગઝ ઠાકુર બલદેવ સિંઘ કા હૈ!’

વીરુ : અચ્છા, તો કાગઝ ઠાકુર બલદેવ સિંઘ કા હૈ. હમમમ…

અર્ચના : ઔર દેખનેવાલી બાત યે હૈ કી ઠાકુર સા’બ કે દો હાથ તો ગબ્બરને કાટ દિયે થે. અબ હાથ થે હી નહિ તો વો લિખતે કૈસે? ઔર આદમી લીખેગા નહિ તો કાગઝ કોરા હી રહેગા ના? અબ તુમ બૈઠ કે બનાઓ કાગઝ કા જહાઝ, બસંતી ચલી આપને ઘર – જય રામજીકી.’

આ તો થઇ રી-મિક્સ ફિલ્મ, પણ આપણે ત્યાં રી-મેઇક બનાવવાનો પણ રીવાજ છે જેમાં બધા પાત્રો અને ટ્રીટમેન્ટ નવી હોય છે. ઘણાને આવી રી-મેઈકનો કીડો હોય છે. જેમ કે શાહરુખ ખાન ઉર્ફે અમારો પ્રિય ‘જમરૂખ’! એને અમિતાભ બચ્ચનના જોડામાં પગ નાખવાના પણ ખુબ ધખારા છે. એ જાણે છે કે બીગ-બીનું જોડું એના માટે કમલા નહેરુ પાર્કના બુટ હાઉસ જેવું છે જેમાં એના જેવા દસ પંદર જમરૂખ પકડ-દાવ રમી શકે એમ છે છતાં એ કે.બી.સી. શો અને ડોન ફિલ્મના આત્માને ૪૪૦ વોલ્ટના ઝાટકા આપી ચુક્યો છે. એની ખૂબી એ છે કે ‘ડોન’નો ડોન પણ શાહરુખ જ લાગતો હતો, ‘દેવદાસ’નો દેવદાસ પણ શાહરુખ જ લાગતો હતો અને ભવિષ્યમાં એ માથે ટકલું કરાવીને ગાંધીજી બનશે તો પણ શાહરુખ જ લાગશે! જરા કલ્પના કરો કે આવો અમારો જમરૂખ ઉર્ફે ‘કુછ કુછ હોતા હૈ’નો ‘રાહુલ’ ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’માં ભાસ્કર બેનરજી (બીગ-બી) હોત તો શું થાત? જોકે મને તો વિચાર આવતાં જ કમકમાટી છૂટી જાય છે.

Filam Wohi-2શાહરુખનો આજ સુધીનો રેકોર્ડ જોતાં એ ફિલ્મના ત્રીજા જ રીલમાં ‘આનંદ’ને ‘બડે બડે પેટો મેં ઐસી છોટી છોટી બીમારિયાં હોતી રહતી હૈ સેનોર’ કહીને એની ‘લીમ્ફોસર્કોમા ઓફ ઇન્ટરસ્ટાઈન’ની ટ્રીટમેન્ટ માટે અમેરિકા તગેડી મુકત. જેમ અક્ષય કુમારને ‘દિલ તો પાગલ હૈ’માં મોકલ્યો હતો એમસ્તો. અને પછી સુમિતા સન્યાલે ભજવેલા ‘રેણુ’ના રૂમાલ જેવડા રોલને ધોતિયા જેટલો લાંબો કરીને આલ્પ્સની વાદીયોંમાં બે-ત્રણ રોમાન્ટિક ગીતો પણ ઘુસાડી દીધા હોત. અને બાકી હોય એમ ફિલ્મના અંતે આવતા સોનાની લગડી જેવા ડાયલોગ ‘આનંદ મરા નહિ, આનંદ મરતે નહિ…’ ના બદલે ‘કમ, ફોલ ઇન લવ…’ કહીને હાથ પહોળા કરીને ઉભો રહેત.

જોકે રાહુલ કરતાં વધારે લોકપ્રિય અને દમદાર પાત્ર મુન્ના ભાઈનું ગણાય. અને એ મુન્ના ભાઈને લઇને ‘મુન્નાભાઈ મોગલે આઝમ’ ફિલ્મ બને તો એમાં એક સીન આવો હોઈ શકે –

સીન: અનારકલી કેદમાં છે અને સલીમ અકબરને મળવા જાય છે.

સ્થળ : શીશ મહલ

સર્કિટ : ભાઈ, અપની હોસ્ટેલકા રૂમ તો શુરુ હોતે હી ખતમ હો જાતા થા, પર યે તો બહોત બડા હૈ! બિલકુલ થીયેટર કે માફિક. (શીશ મહલના અરીસા જોઈને) ઔર ભાઈ, યે દેખ. સબ જગહ કિતને આઈને લાગે હૈ. યહાં શેવ કરેંગે તો હર એન્ગલ સે અપની હી દાઢી દીખેગી!

મુન્ના : વો સબ તો ઠીક હૈ પર આપની આઇટમ કહાં હૈ?

સર્કિટ : ઉસકો તો બાબુજીને અંદર કર દિયા ના? દેખો અબ તુમ્હારે બાબુજી આયેંગે. ઉસકો ‘આદાબ અર્ઝ હૈ’ બોલને કા. ક્યા? યે સબ ખાન લોગ મિલતે હૈ તો ‘આદાબ અર્ઝ હૈ’ બોલતે હૈ.

Filam Wohi-3દરવાન : શહેનશાહો કે શહેનશાહ … જિલ્લે ઇલાહી જલાલુદ્દીન મોમ્મદ અકબર તશરીફ લા રહે હૈ…

મુન્ના : સર્કિટ યે જિલ્લે ઇલાહી કા મતલબ?

સર્કિટ (ગૂંચવાઈને) : જીલ્લા બોલે તો ડીસ્ટ્રીકટ. ભાઈ યે બુઢ્ઢા ડીસ્ટ્રીકટ કા ડોન લગતા હોયેંગા.

મુન્ના (અકબરને) : અપુન આદાબર્ઝ હૈ.

અકબર (મોં ફેરવીને) : ક્યા તુમ એક અદની સી કનીઝ કો સલ્તનતે હિન્દુસ્તાન કી મલિકા બનાના ચાહતે હો?

મુન્ના ભાઈ : એ સર્કિટ.. યે કનીઝ મતલબ?

સર્કિટ : ગુજરાત મેં મહેમદાબાદ કે પાસ એક ગાંવ હૈ ઉસકા નામ કનીજ હૈ. અપના પકિયા વહીં કા હૈ. યે ગુજ્જુ લોગ વહાં સે દિવાલી પે મઠીયા માંગવાતે હૈ ભાઈ.

મુન્ના (અકબરને) : દેખ મામુ …

અકબર : શેખુ … આપ યે ભૂલ રહે હો કી માબદોલત આપ કે મામુ નહિ અબ્બા હૈ …

મુન્ના : દેખ મામુ, અપની આઇટમ લડકો કા ટાઈમ બિગાડનેવાલી મલ્લિકા શેરાવત નહિ હૈ ઔર નાહી વો મઠીયા બેચતી હૈ. તુ એકબાર ઉસકા આઇટમ સોંગ દેખેગા તો ફૂલ ટુ ખુશ હોજાયેગા એકદમ મસ્ત નાચતી હૈ.

અકબર : બેટે સલીઈઈઈ…મ, અનારકલી તુમ્હારે કાબિલ નહિ …

મુન્ના : ક્યા રોતા રહતા હૈ! ઇસ બુઢ્ઢે કો કોઈ જાદુ કી ઝપ્પી ક્યુ નહિ દેતા? ચલ મામુ મૈ દે દેતા હૂં.

(હાથ પહોળા કરીને ભેટવાની કોશિશ કરે છે પણ અકબરની ફાંદ નડે છે.)

અકબર (ગુસ્સામાં) : શેખુ …

સર્કિટ (ચપ્પુ કાઢીને) : ઓય ડોંગરી કે બપ્પી લાહિરી, ભાઈને એકબાર બોલ દિયાના કી ઝપ્પી લેનેકા યાની કી લેનેકા … ભાઈ એકદમ વિનમ્ર હૈ.

અકબર (બુમ પાડીને) : દુર્જન સિંઘ ….

સર્કિટ : ભાઈ, ઇસ એરિયા કે સબસે બડે દુર્જન તો હમ હૈ ફિર યે બુઢ્ઢા કિસકો બુલા રહા હૈ?

મુન્ના : દેખ બુઢ્ઢે તુ જિલ્લે ઇલાહી હૈ યા જોભી હૈ, એક બાત સમજ લે. અનારકલી તો મુન્નાની! તેરો કો ઇધર કેરમ રમવાનું ઔર જ્યુસ પીવાનું. મજ્જાની લાઈફ. ઔર સુન, અનારકલી પે અપુન કા દિલ આ ગયા હૈ ઔર શાદી ભી કરેગા. ઈધરીચ કરેગા. તુઝે જો ઉખાડના હૈ વો ઉખાડ લે …

કટ… કટ… કટ…

મને લાગે છે કે મુન્ના ભાઈ મોગલે આઝમ અહીં જ રોકી દેવી જોઈએ, કારણ એટલું જ કે બોલીવુડની  ફિલ્મોએ ઇતિહાસ સર્જ્યા છે એ વાત સાચી પણ એક ફિલ્મના કારણે ઇતિહાસ બદલવાનો થાય એ ના પોસાય!

सुन ले जरा …
જેમની સાથે તીનપત્તી રમતા હોવ,
એમને કદી પત્તાના જાદુ ન બતાવવા!
શુભ દીપાવલી….
5,446

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in માર્ગી મેગેઝીન and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s