મોજના મીટર


કવાર મારી કાર કાલુપુર પ્રેમ દરવાજા પાસેના ટ્રાફિક સિગ્નલ પર ઉભી હતી અને મારી નજર સામેની ફૂટપાથ પર ફાટેલી ચડ્ડી અને બટન વગરનું શર્ટ પહેરેલા ટેણિયા પર પડી. ટેણિયો મસ્તીમાં હતો અને એના હાથમાંની નાની લાકડીથી બાજુમાં ઉભેલા ગધેડાની હાલતી પૂછડીની સ્થિર રાખવાની કોશિશ કરતો હતો. થોડી સેકન્ડો પછી એને શું સુઝ્યું કે એ ગધેડાની પાછળ જઈ, થોડો નમીને ઉંધો ઉભો રહ્યો અને ડાબા પગે ગધેડાને જોરથી લાત મારી, પછી આગળ આવી અને એનો કાન મચડી, માથામાં ટપલી મારીને ખીલખીલ હસવા માંડ્યો! હું તો હસી હસીને બેવડ વળી ગયો! આખી ઘટનામાં એને કેટલી મજા આવી હશે એ હું કલ્પી શકું છું પણ અહીં એનું વર્ણન કરવું મુશ્કેલ છે!

Moj Na Meterઅને સાચે જ આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ, બ્લડ સ્યુગર માપીએ છીએ અને જરૂર પડે તો પીવાના પાણીના TDS પણ મપાવીએ છીએ. વિજ્ઞાનીઓએ માણસની બુદ્ધિમત્તાનો આંક (I.Q.) માપવા માટેની પદ્ધતિઓ પણ વિકસાવી છે. પણ આપણી કમનસીબી એ છે કે કોઈ વાતમાં આપણને કેટલી મજા આવી એ માપવાનું સાધન હજુ સુધી કોઈએ બનાવ્યું નથી. હજુ પણ કોઈ માણસ મોજમાં રાચે છે કે નહિ એ જાણવા માટે આપણે એનું ડાચું જોઈને જ નક્કી કરવું પડે છે. એમાં પણ સામે છોકરી હોય તો માર ખાવાનો વારો પણ આવે એ જુદું. જોકે મુગેમ્બો જેવા લોકો અપવાદરૂપ કહેવાય જે ‘મુગેમ્બો ખુશ હુઆ’ જેવા નિવેદનો  કરીને પોતે મોજમાં છે એવું જાહેર કરતાં હોય છે. પણ આપણે એવું કરવા જઈએ તો કાં આપણી નોકરી જાય કાં ઘરવાળા કઢી મુકે.

મેં તો જે જોયું એ તમને શબ્દશ: જણાવી દીધું, પણ અમુક લોકોને જરા તકલીફ હોય છે. એ લોકો પોતાનો આનંદ શબ્દોમાં વર્ણવી નથી શકતા. કૂતરા જેવું તુચ્છ પ્રાણી જે કામ માત્ર પોતાની પૂંછડી હલાવીને આસાનીથી કરી શકે છે એ કામ આ લોકો ભગવાને જીભ આપી હોવા છતાં નથી કરી શકતા. વિધિની વક્રતા એ છે કે બંને કેસમાં ઉપરવાળાએ આનંદ વ્યક્ત કરવા માટે આપેલું સાધન – પૂછડી અને જીભડી – હલાવવાની જ હોય છે! પણ કુદરતે ખુશી વ્યક્ત કરવા માટેની  પ્રાથમિક જરૂરીયાત કહી શકાય એવી પૂંછડીથી માનવીને વંચિત રાખ્યો છે એ પ્રાણીઓ પ્રત્યેનો કુદરતનો પક્ષપાત કહી શકાય.

કૂતરા માટે પૂછડી તો આનંદ વ્યક્ત કરવાનું માધ્યમ છે પણ કમનસીબે ભગવાન પૂછ્ડીઓ વહેચતા હતા ત્યારે આપણે આધાર કાર્ડ લઈને જીભ લેવાની લાઈનમાં ઉભા હતા! માન્યું કે પૂછડી એ અત્યંત સરળ પ્રકારનું સાધન છે પણ મનુષ્યોમાં એને લાગૂ કરવું મુશ્કેલ છે કારણ કે એમાં પેન્ટ, લેંઘા, ધોતિયા, લુંગીઓ, સાડી અને સલવાર કમીઝની ડીઝાઈનમાં બહુ મોટા ફેરફાર કરવા પડત. હા એ સરળ અને પોર્ટેબલ ખરી, પણ મોડાલીટીની રીતે એમાં લીમીટેડ ઓપ્શન્સ છે. તમે પૂછડી હલાવીને ખુશી વ્યક્ત કરી શકો કે (તમે હસબંડ હોવ તો) એને બે પગ વચ્ચે સંતાડીને ભય વ્યક્ત કરી શકો. બસ પૂરું! એટલે પૂછડી એ બહુ પ્રાથમિક કક્ષાનું ઉપકરણ કહેવાય. ખેર, માણસ ધારે તો શું ન કરી શકે? એટલે ધારો કે માણસની પ્રસન્નતા માપવા માટે આવું ‘ફ્ન મીટર’ બની ગયું તો એ કેવું હોય અને એમાં કઈ કઈ સગવડો હોઈ શકે?

આજકાલ તો બધે સ્માર્ટ ટી.વી. અને સ્માર્ટ ફોનની બોલબાલા છે, એટલે આપણું ‘ફન મીટર’ પોર્ટેબલ અને મલ્ટી-ટાસ્કિંગ હોવા ઉપરાંત વાઈ-ફાઈ, જી.પી.એસ. અને બ્લુ ટુથ એનેબલ્ડ તો હોવું જ જોઈએ અને એ માણસની પ્રસન્નતાની માત્રા ૦ થી ૧૦ના સ્કેલમાં ઓછામાં ઓછી ત્રણ ડેસીમલની ચોકસાઈથી બતાવતું હોવું જોઈએ. સાથે એટેચમેન્ટ તરીકે કાનની બુટ કે હાથના કાંડા પર લગાવી શકાય એવી ડીઝાઈનર એલ.ઈ.ડી. લાઈટ્સ પણ હોય જે મીટરના રીડીંગ પ્રમાણે લાલ, લીલા કે વાદળી રંગથી માણસનું ‘સ્ટેટ ઓફ માઈન્ડ’ પણ બતાવે.

ડીઝાઈનર લાઈટો એટલા માટે કે લોકો એને પરિધાનના ભાગ તરીકે જ સ્વીકારી લે અને લાઈટોના લીધે આજુબાજુના લોકોને દૂરથી આપણા મૂડની ખબર પણ પડે. અને એ જરૂરી છે કારણ કે અમુક લોકો ‘ચાર લાઈના’વાળા સુરેન્દ્ર શર્મા જેવા હોય છે, જે મોજમાં હોય તોયે એમના ચહેરા પરથી આપણને ખબર જ ન પડે કે પાર્ટી ખુશ છે! એટલે લાઈટો હોય તો સહેલું પડે.

એમાં વાદળી લાઈટ હોય એટલે પાર્ટી મોજમાં ધુબાકા મારે છે એમ સમજવાનું. ધારો કે સિનેમા સ્ક્રીન પર કરીનાનું ‘ફેવિકોલ સે…’ કે પછી દીપિકાનું ‘નગાડા સંગ ઢોલ બાજે …’ ચાલતું હોય અને આખો સિનેમા હોલ બ્લુ બત્તીઓથી ઝળહળી ઉઠે એટલે સમજવાનું કે ગીત હીટ છે!

લીલી લાઈટ એટલે નરી પ્રસન્નતા. સાથે મોઢા પણ હળવું સ્મિત પણ હોય. તમારે બોસ પાસે પગાર વધારા માટે વાત કરવા જવું હોય કે દોસ્તારો સાથે મોજ-મસ્તી કરવા જવા માટેની પરવાનગી જોઈતી હોય તો બોસ કે પત્નીના કાન પર લીલી બત્તી જોઈને જાવ તો કામ થઇ જાય. લાલ બત્તી એટલે ડેન્જર! એક તરફ રીઝલ્ટ ખરાબ આવ્યું હોય અને પપ્પા પાસે મુવી માટે પૈસા જોઈતા હોય અને એમના કાને લાલ બત્તી દેખાય તો માંડી વાળવાનું!

લાલ બત્તીથી ફાયદો એ કે તમે સાસરે ગયા હોવ અને સાસુ કારેલાનું શાક પીરસે તો ભલે તમારા ગળામાંથી અવાજ ન નીકળે પણ લાલ બત્તી તમારું કામ કરી આપશે! સસરા તલત મહેમુદ અને મહેન્દ્ કપૂરના ગીતોની વાતો કરીને તમને બોર કરતાં હોય કે સાળો તમને કોઈ લાખો રૂપિયાની સ્કીમમાં ઉતારતો હોય તો લાલ બત્તી એમને અટકાવશે. જો કે એવું બને કે તમારી પત્ની મૂંગા મરવાની સંજ્ઞા રૂપે તમારા ગેજેટની બેટરી ત્યાં જતા પહેલાં જ કાઢી લે!

આ ગેજેટ વોટર-પ્રૂફ પણ હોવું જોઈએ જેથી કરીને તમને નહાતા નહાતા મજા આવી જાય તો એનું પણ માપ બતાવે. વરસતા વરસાદમાં તમે ગર્લફ્રેન્ડ સાથે બાઈક પર નીકળો તો આખા રસ્તે બત્તીઓ થવી જોઈએ! બીજું કે એનું પ્રોસેસર પણ ઝડપી હોવું જરૂરી છે. તમે આજે રસ-મલાઈ કે ગાંઠિયા-મરચા દબાવો અને મીટર બીજા દિવસે સવારે તમારી ખુશીનું માપ બતાવે એ ન ચાલે. સ્માર્ટ ગેજેટમાં તો બધું તત્કાલ જ જોઈએ. તમે નહાઈને બગલમાં ડીઓડરન્ટ છાંટો અને એની ઠંડકથી તમને બે ઘડી મોજ આવી જાય તો મીટરમાં તરત બે પોઈન્ટ વધવા જોઈએ.

સાધનમાં જનરલ ઉપરાંત અમુક સ્પેશિયલ મોડ પણ હોવા જોઈએ જેનાથી અમુક ચોક્કસ ઘટના, વાતાવરણ કે સંજોગો દરમ્યાન વ્યક્તિ કેટલી મોજમાં છે એનું સાચું માપ નીકળી શકે. દાખલા તરીકે એક કપલ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જોઈને બહાર નીકળે અને બંનેનું મીટર ૮/૧૦ પોઈન્ટ બતાવતું હોય તો એ મુવી દરમ્યાન ખાધેલા પોપકોર્ન-સોફ્ટ ડ્રીંકને આભારી છે કે ગર્લ ફ્રેન્ડ સાથે કરેલી ગોષ્ટિના પ્રતાપે છે કે પછી એમને સાચે સાચ મુવી ગમ્યું એ કારણથી છે એ કેવી રીતે નક્કી કરવું? બને એવું કે કોઈ થીયેટરમાં પોપકોર્ન સારા મળતા હોય એમાં શાહરુખ જેવા તો અમથા અમથા ખુશ થઇ જાય ને! માટે જ એમાં મુવી મોડ, સોશિયલ મોડ, ફેસ્ટીવલ, કોલેજ, હોમ, સ્પોર્ટ અને ડેટિંગ મોડ જેવા મોડ હોવા જોઈએ જેથી જેતે મોડમાં માણસની ખુશીનો પાકો આંકડો કાઢી શકાય. આવું થાય તો બીજા કોઈને નહિ તો મુવી રીવ્યુ લખનાર લોકોને ચોક્કસ રાહત થાય. એ લોકો થીયેટરમાંથી બહાર નીકળતા લોકોના મુવી મોડના આંકડાની એવરેજ કાઢીને ફિલ્મનું રેટિંગ આપી શકે.

ફિલ્મ રેટિંગની વાત પરથી વિચાર આવે છે કે જો મજાનું માપ નીકળી શકતું હોય તો તો પછી બોલીવુડવાળાને તોલ-માપ ખાતા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ હેઠળ પણ આવરી લઇ શકાય અને એમને ટીકીટના પૈસા સામે અમુક મીનીમમ મનોરંજન આપવાની ફરજ પણ પાડી શકાય. જેમ પરીક્ષામાં ૩૫ માર્કે પાસ થવાય છે એમ ફિલ્મ જોયા પછી દરેક પ્રેક્ષકના ‘ફ્ન મીટર’ પર મીનીમમ ૩.૫નુ રીડીંગ આવવું જ જોઈએ નહિ તો પૈસા પાછા આપવા પડે એવું ગોઠવી શકાય. જરૂર પડે તો ટીકીટ બારી સાથે રીફંડની એક બારી પણ રાખી શકાય. અને અત્યારે જે પ્રકારની ફિલ્મો આવે છે એ જોતાં ક્યારેક ટીકીટ બારી જેટલી જ લાંબી લાઈન રીફંડની બારી પર પણ જોવા મળે એવું પણ બને. તો સામે પક્ષે અમુક પ્રેક્ષકોના લોહીમાં ‘કેસ્ટર ઓઈલ’ (દિવેલ)ની માત્રા ખુબ ઉંચી હોય છે અને આવા દિવેલીયા લોકો બધી ફિલ્મો જોઈ જોઈને રીફંડ ઉઘરાવતા ફરે તો શું કરવું એ પણ વિચારવું પડે.

આજકાલ લોકો ફેસબુક, ટ્વીટર અને વોટ્સેપનો પણ ખુબ ઉપયોગ કરે છે. કેટલાક લોકો તો ગરમ ભજીયાને બટકું ભરતા પહેલાં એનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ચુકતા નથી. સાથે સાથે Emoticon ની મદદથી પોતાના મુડની જાહેરાત પણ કરતાં રહે છે. એમાં પણ અમુક લોકો હદ કરતાં હોય છે. પાર્ટી બાંકડા પર બેઠા બેઠા પફ કે વડા પાઉં ઝાપટતી હોય પણ સ્ટેટસ મુકશે ‘It’s a beautiful hangout place. Some cute girls around here. Its heaven. :)’ અને એમના હેવનમાં પાછી હોય એક લારી, તૂટેલા બાંકડા અને અપ્સરાઓની જગ્યાએ એક ચડ્ડીધારી ટેણિયો શેડા લૂછતો ઉભો હોય! પણ જો આ સ્માર્ટ ગેજેટને સોશિયલ મીડિયા સાથે લીંક કરેલું હોય તો જી.પી.એસ.થી ખબર પડી જાય કે પાર્ટી તો યુનિવર્સીટી પાસે લારી પર બેઠી છે અને તરડાઈ ગયેલા ચહેરાવાળા emoticonથી લોકોને જાણ થઇ જાય કે એને પૃષ્ઠ ભાગે બાંકડાની ખીલી વાગી છે.

એક તો ઈલેક્ટ્રોનિક સાધન હોય, એમાં ઓપરેટીંગ સિસ્ટમના ધાંધીયા પણ હોય અને ઉપરથી ગેજેટ પોતે હેન્ડલ ન કરી શકે એવા ઇનપુટ આવે તો કયા એરર મેસેજ ફ્લેશ કરવા એ પણ અગાઉથી નક્કી કરી દેવા પડે. દાખલા તરીકે આપણે ત્યાં દારૂબંધી છે, પણ તોયે લોકો પોતપોતાની રીતે ખાનગીમાં ગોઠવણ કરી લેતાં હોય છે. હવે એમાંનો કોઈ બે ચમચી પીને રાજા પાઠમાં આવી ગયો હોય તો તો એના મીટરમાંથી ધુમાડા જ નીકળે! એવા સંજોગોમાં એના કાનમાં લગાવેલી બ્લ્યુ એલ.ઈ.ડી. લાઈટ સાથે લાલ લાઈટ પણ લબૂક-ઝબૂક થાય એવું ગોઠવી શકાય. પોલીસને પણ આવી ‘ડબલ બત્તી’ઓ શોધવામાં સરળતા રહે. પોલીસ આવા રસિયાઓની મહેફિલ પર રેઇડ કરીને દસ-પંદર જણાને ઉઠાવી લાવે તો લાલ-લીલી બત્તીઓને કારણે પોલીસ સ્ટેશનમાં રોશની કરી હોય એવું દ્રશ્ય ઉભું થાય!

આ બધું તો બરોબર છે પણ એક એન્જીનીયર તરીકે અમને એક બાબતની ચિંતા છે અને એ છે ઇન-પુટની. મતલબ કે આ ગેજેટ દ્વારા માણસને ચડેલી મસ્તીનું માપ કાઢવા માટેનું ઇન-પુટ સિગ્નલ માણસના શરીરમાં ક્યાંથી ‘ટેપ’ કરવું? કારણ કે અમારું એન્જીનીયરીંગ કહે છે કે ઇન-પુટ સિગ્નલ ખોટુ હોય તો રીઝલ્ટ પણ ખોટા આવે એ કોઈ પણ સમજી શકે એવી વાત છે.

અને ઇન-પુટ સિગ્નલ ખોટું આવવાની શક્યતા ઘણી મોટી છે, કારણ કે કેટલાક લોકોને ખુશ થવા માટે દિમાગ ચલાવવું પડતું હોય છે. આવા બુદ્ધિજીવી લોકો શેક્સપિયર કે ગાય-દ-મોપાંસા જેવા લેખકોના ચોપડા ફેંદે કે પછી સત્યજીત રે અને અકીરા કુરોસાવા જેવાની ફિલ્મો જુએ ત્યારે એમના ‘ફન મીટર’નો આંકડો ડચકા ખાતો ખાતો માંડ ત્રણથી ચાર ઉપર જાય. જયારે મારા તમારા જેવા મેંગો પીપલ તો દિલથી કામ લેતાં હોય એટલે એમનું મીટર તો સાજીદ ખાન કે અક્ષય કુમાર જેવાની ફિલ્મમાં પણ સડેડાટ આઠ કે નવ પર પહોચી જાય. એટલે બુદ્ધિજીવી લોકો માટે ઇનપુટ સિગ્નલ ‘ટેપ’ કરવા માટેના તાર એમના લમણા પર લગાવવા અને આપણા જેવા દિલથી કામ લેતાં લોકો માટે એ તાર હૃદય પર લગાવવા એવું ઠરાવીને આ ચર્ચાનો અંત લાવીએ.

बधिर खड़ा बाज़ार में …

સ્વીમીંગ કોસ્ચ્યુમનું ઇલાસ્ટીક ઢીલું હોય તો ડાઈવ ન મારવી

– સ્વીમીંગ પૂલનો નિયમ

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અભિયાન. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s