દામ્પત્યનો રણકાર


To read this and other articles on Feelings Gujarati Online Magazine's Wedding Special Issue, click on image.

To read this and other articles on Feelings Gujarati Online Magazine’s Wedding Special Issue, click on image.

વાતાવરણ તંગ હતું. અવાજો બુલંદ હતા. અમારા લાલીયાના નેતૃત્વ નીચે અમારી સોસાયટીના કૂતરાં બાજુની સોસાયટીના કૂતરાંને બરોબરની લડત આપી રહ્યા હતા. મારા હાથમાં વઘારેલા મમરા ભરેલો વાટકો હતો અને હું અમારા ફ્લેટની બાલ્કનીમાં ઉભો ઉભો અમારા શ્વાન દળને ઉપરથી ટેકો આપી રહ્યો હતો. ટેકો મતલબ નૈતિક ટેકો, બાકી લોકો ગમે તેટલા વખાણ કરતાં હોય પણ મારો અવાજ કૂતરા જેટલો પ્રભાવશાળી નથી એની મને ખબર છે. આ તો મારી વાત થઇ, બાકી સોસાયટીના નાકે ચાલતા ‘પ્રાણી-પત’માં અમારા લાલીયાનો અવાજ પ્રભાવ પાડી રહ્યો હતો. એટલું જ નહિ પણ દુશ્મનોનો પરાભવ પણ નક્કી જણાતો હતો.

એવામાં મારી પત્ની પ્રિયા, જે ડ્રોઈંગ રૂમમાં મેથીની ઝૂડીમાંથી પાંદડીઓ છુટી પાડી રહી હતી, એણે અચાનક જ મને પૂછ્યું,

‘બધા કહે છે કે કૂતરાનો સંઘ કાશીએ ના પહોચે, પણ મારે એ પૂછવું છે કે આ કૂતરા સંઘ લઇને કાશી જતાં શું કામ હશે?’
મેં કહ્યું. ‘કાશીમાની કૂતરીને પરણવા જતાં હશે, તારે શી પંચાત?’
તો એ કહે ‘તમે બલ્કનીમાંથી અંદર આવીને વાત કરોને, બહાર કૂતરા ભસે છે એમાં તમારો અવાજ ખબર પડતો નથી!’
મેં કહ્યું ‘ઘોંઘાટમાં તમારો અવાજ સંભળાતો નથી એમ કહે.’
તો એ કહે ‘બધુ એકજ છે!’

લો કહો! મારા અને કૂતરામાં કોઈ ફેર જ નહિ? હજી હું કોઈ પ્રતિભાવ આપું એ પહેલાં તો એ વહેવાર લઈને આવેલી વેવાણની જેમ મેથી ભરેલી થાળી લઈને મારી સામે આવીને ઉભી રહી. મેં ગુસ્સાથી એક મમરો ઉઠાવીને એને છુટ્ટો માર્યો. એણે વીરાંગનાની જેમ ઘા ઝીલી લીધો અને વળતા હુમલામાં મારી ઉપર મેથીની પાંદડીઓ ફેંકી જે મેં સમી છાતીએ ઝીલી. એ મલકાઈ, હું હસી પડ્યો અને એ સાથે અમારું યુધ્ધ સમાપ્ત થયું!

બોસ, તાકી શું રહ્યા છો? ઈટ્સ ઓવર!

જોકે વાંક તમારો નથી. બીજા કોઈના જીવનમાં આવી ઘટના બની હોય તો સોસાયટીના નાકાવાળો સીન ઘરમાં જ ભજવાઈ જાય, પણ અમારી વાત જુદી છે. અમે માનીએ છીએ કે વાસણ હોય તો ખખડે પણ ખરા, એને દામ્પત્યનો રણકાર કહેવાય. અમને તો આવી નાની નાની ધીંગાણીઓને કારણે અમારું ઘર ગુંજતું રહે એ ગમે છે. એટલે એ દિવસે અમે અમારા ગુસ્સાને નિમ્નલિખિત બે પંક્તિઓમાં ઢાળીને બૂચ મારી દીધો.

મમરા કેરી લાકડીએ ‘બધિરે’ પ્રિયાને માર્યા જો,
મેથી કેરી પાંદડીએ પ્રિયાજી એ વેર વાળ્યા જો!

આ અમારી લડાઈ કરવાની એક રીત છે. ક્યારેક હું મમરા જેવા હાથવગા હથિયારથી હિંસા પર ઉતરી આવું તો પ્રિયા ઘરેલું હિંસાનો કેસ કરવાને બદલે આવી રીતે પ્રતીકાત્મક રીતે મેથી મારીને બદલો લઇ જ લે છે. જોકે આડે દિવસે એ મેથી મારવાનું કામ તો ચાલુ જ રાખે છે. પણ મને હવે એ ફાવી ગયું છે. તમે પણ તકરારને આ રીતે તહેવારમાં ફેરવી શકતા હોવ તો સારી વાત છે. પણ કમનસીબે બધા એવું કરી શકતા નથી અને અંતે લગ્નજીવનમાં ઘર્ષણ ઉભું થતું હોય છે. આવું ઘર્ષણ ટાળવા માટેના ૧૦૧ ઉપાયોનું સંકલન અમે ‘લગ્નજીવનમાં ઘર્ષણ ટાળો અને સુખી રહો’ મથાળા નીચે કરેલું છે જે તમને ઈ-મેઈલ ફોરવર્ડમાં કે સોશિયલ મીડિયા દ્વારા વાંચવા મળ્યું હોઈ શકે.

આ વિષે એક જગ્યાએ વાત કરતી વખતે કેટલાક સાધકોએ ફરિયાદ કરેલી કે ‘બાપુ, આ તમે વાસણ ખખડવાની અને એમાંથી મજા લેવાની વાત કરો છો પણ અમારે ત્યાં તો છાશવારે આખું ઘર ધણધણતું હોય છે. ઘરમાં એક પણ વાસણ ગોબા વગરનું નથી. અમારે શું કરવું જોઈએ?’ આવું બની શકે છે. ઘણા ખાંડાના ખખડાટ અને ધનુષના ટંકાર વચ્ચે એમનું ગાડું ગબડાવતા હોય છે. તમારે પણ આવું થતું હોય તો એમાં ચિંતા કરવા જેવું કાંઈ નથી. એનો પણ ઉપાય છે અને એકદમ સરળ છે. કરવાનું એટલું જ છે કે જ્યારે તમારી પત્ની ગુસ્સે થઇને વાસણ પછાડતી હોય ત્યારે તમારે મોટેથી જે આવડે એ આરતી કે સંસ્કૃત શ્લોક બોલવાના ચાલુ કરી દેવા. આથી અડોશ-પડોશમાં લાગશે કે ઘરમાં પૂજા થઇ રહી છે. ફક્ત ઘરમાં કયા દેવની પૂજા થાય છે એ કોઈને કહેવું નહિ. જસ્ટ જોકિંગ.

જોકે આમાં વ્યક્તિ પ્રમાણે અભિગમ બદલાતો હોય છે. ઉપરની કૂતરાવાળી વાત મેં મારા મિત્ર ‘પુષ્કી’ ઉર્ફે પુષ્કર સળીકરને કહી તો એ કહે ‘પ્રિયા ભાભીએ જરા પણ ખોટું કહ્યું નથી. ​એક પૌરાણિક જોક પ્રમાણે સુપર મેન બનીને આકાશમાં ઉડતો યુવાન પ્રેમમાં પડ્યા પછી જેન્ટલમેન બનીને નક્કર જમીન પર ઉતરી આવે છે. પછી એના લગ્ન થાય એટલે એ છૈયા-છોકરાંનાં વોચમેનની ભૂમિકામાં આવે છે. છેલ્લે એનું વોચમેનમાંથી ડોબરમેન કૂતરામાં પરિવર્તન થાય છે. એટલે આમ જુઓ તો ભાભીએ થોડી ઉતાવળ કરી કહેવાય કેમ કે અત્યારે તારે કૂતરો બનવામાં થોડું કામ બાકી છે. અને તું વોચમેન બનીશ ખરો, પણ એવા સિક્યોરીટીગાર્ડ જેવો કે જેની પાસે સીટી વગાડવા અને ડંડો પછાડવા સિવાયની કોઈ સત્તા નહી હોય. તારે વોચમેનમાંથી ફૂલ-ટાઈમ કૂતરો બનવામાં હજી બે-ત્રણ વર્ષ બાકી છે.’

પુષ્કી તો સળી કરીને જતો રહ્યો પણ મને ભેખડે ભરાવતો ગયો. ગહન ચિંતન પછી હું એટલું તો માનતો થયો કે લગ્ન જીવનમાં ઘર્ષણ થવાનું મુખ્ય કારણ હું મનુષ્ય છું અને પરણેલો છું એ જ છે. કૂતરા પરણતા નથી. માણસો કૂતરા-કૂતરીના લગ્નો કરાવતા હોય છે એ વાત જુદી, પણ કોઈ કૂતરો જાતે જાન જોડીને પરણવા નીકળ્યો હોય એવું જોયું નથી. અને એ રીતે જોઈએ કૂતરાઓને સારું કે ‘ક્યાં રખડવા ગયો હતો? કોના ઓટલા પર બેઠો ‘તો? પેલી કાબરી કોણ હતી? કઈ સોસાયટીમાં ગળચીને આવ્યો છે?’ એવું પૂછનાર કોઇ હોતું નથી! આખી રાત ઘર બહાર રહેવું એ શ્વાનની ફિતરત કહેવાય જે આપણી કિસ્મતમાં નથી. આપણે તો આખી રાત બહાર રહીએ તો હજાર જવાબ આપવા પડે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડા કેમ થાય છે એ વિષે સમાજશાસ્ત્રીઓ, મનોચિકિત્સકો, સંતો અને સમાજ સેવકોથી લઇને આપણી આસપાસના બાબ્ભ’ઈ, રમણ ભ’ઈ અને બચુ ભ’ઈ સુધીના દરેક પાસે પોતાનો અભિપ્રાય હોય છે. કહેવા માટે તો દરેક જણ એ અભિપ્રાયને પોતાના અભ્યાસનું તારણ જ કહેશે, પણ હકીકતે એ જે તે વ્યક્તિના ઘરની બબાલોનું જ નિરૂપણ હોય છે. અને એટલે જ આ બાબતે આજ સુધી સહમતી સાધી શકાઈ નથી.

આમાં નવાઈ પામવા જેવું નથી. પતિ-પત્ની વચ્ચે ઘર્ષણ ઉભું થવાના કારણોમાં એટલી બધી વિવિધતા જોવા મળે છે કે એની યાદી બનાવવા કરતાં ડોલથી દરિયો ઉલેચવો સહેલો પડે. થોડા ઉદાહરણ આપું તો અમુક લોકો એવું માનતા હોય છે કે ઘરમા સાવરણી ઉભી મુકવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. જ્યારે ઘણા ઘરોમાં ‘સાવરણી ઉભી કેમ મૂકી?’ એ વાતને લઈને જ ઠેરી જતી હોય છે. એક માન્યતા પ્રમાણે મીઠું હાથોહાથ લેવાથી બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય છે. તો મેં યુગલોને એવી રીતે બાઝતા જોયા છે કે જાણે માંહ્યરામાં મીઠું હાથોહાથ લીધું હોય! જેમને બીજ, બરગંડી અને રાણી એ રંગના નામ છે એની પણ ખબર ના હોય એ પત્નીના ટપલા ખાતા હોય છે. જ્યારે અમુક ઘરોમાં તો મોરપીંછ અને પોપટી કલર કોને કહેવાય એ બાબતના ઝઘડાના નિરાકરણ માટે લોકો અડધી રાતે મોર અને પોપટ શોધવા માટે નીકળી પડતા હોય તો ય આપણને શી ખબર?

જોકે દામ્પત્યમાં ઘર્ષણ થવાના કારણના ઉત્પત્તિસ્થાન વિષે આપણું અજ્ઞાન સૃષ્ટીની ઉત્પત્તિ વિશેના અજ્ઞાન જેટલું જ અગાધ છે. આકાશના તારાઓ જેટલી વેરાઈટી આમાં પણ જોવા મળે છે. એકવાર શાક માર્કેટમાં શાકવાળીએ અમારા પુષ્કીને સ્માઈલ આપ્યું એમાં એની વાટ લાગી ગઈ હતી. મારી વાત કરું તો અમારા બહેરી પ્રિયા ડ્રેસ કે સાડીઓ ખરીદતા હોય ત્યારે હું વધારે પડતો રસ લઉં તો ‘તમને આમાં સમજ ના પડે’ એમ કહીને બાજુ પર હડસેલી દે અને બિલકુલ રસ ન  લઉં તો ‘મને કંઈ અપાવવામાં તમને રસ જ નથી ને!’ એમ કહીને મોં મચકોડે. હું જે સાડી પર મંજુરીની મહોર મારું એ એકદમ સસ્તી ઠરે અને બાજુ ઉપર મુકાઈ જાય, જ્યારે હું કોઈ સાડીમાં ખામી બતાવું તો એ ‘મોંઘી છે એટલે તમારે અપાવવી નથી’ એમ કહીને ધરાર ખરીદે. હું બે સાડી અપાવું તો એને ચાર સાડી લેવી હોય અને એણે સાઈડ પર મુકાવેલી બધી સાડી લઇ લેવાનું કહું તો એ ‘બધો જુનો માલ છે’ છે કહી ને પગથીયા ઉતરી જાય. આમાં ને આમાં કંઈ કેટલાય પતિઓ સેલ્સમેનોની ગાળો ખાતા હશે.

અમે તો માનીએ છીએ કે લગ્ન જીવનમાં પરસ્પર લાગણીનું તત્વ જળવાઈ રહેતું હોય તો પછી આ પ્રકારનું ઘર્ષણ એ દામ્પત્યનું પોષક છે. ફક્ત ધ્યાન એ રાખવાનું કે સહજીવનમાં લાગણીનો લોપ થાય અને વાત લાકડી પર આવી જાય એ પહેલાં ઉભય પક્ષે ચેતી જવું જોઈએ કારણ કે લગ્ન માઈનસ લાગણી એટલે લાકડી! થોડું જતું કરવું પડે તો કરવું એ જ ચાવી છે. શ્રેષ્ઠ પતિ એને કહેવાય જે ડૉ મુકુલ ચોક્સીની પંક્તિ ‘પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મુજને આનંદ ઉંચે ગયાનો છે’ ને આત્મસાત કરી બતાવે. વિધિની વક્રતા એ છે કે આપણે ત્યાં જે યુગમાં यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता નું સુત્ર મળ્યું એ યુગમાં પતિને પરમેશ્વર ગણવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. પણ હવે સીન બદલાયો છે. આજની નારી પતિ સાથે ખભેખભા મિલાવીને દામ્પત્યમાં સાયુજ્ય સાધી રહી છે.

જોકે અમારા પુષ્કીના કહેવા પ્રમાણે તો પતિ પરમેશ્વરની ભાવના તો આજે પણ પ્રવર્તે છે ફક્ત પરમેશ્વરની પૂજા કરવાની રીત બદલાઈ છે. તમારી પૂજા થતી હોય ત્યારે બારી બારણા બંધ રાખજો.

सुन भाई साधो …
એ આપણું હૈયું લઇ જાય એનો વાંધો નથી,
આપણા હૈયા પર બેસી રહે એ અસહ્ય છે!
6227

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s