દાળ બગડી? બીજા ઘણા ઓપ્શન્સ છે!


Daal Bagdi-1ગુજરાતીમાં ‘દાળ બગડી એનો દિવસ બગડ્યો’ એવી કહેવત છે, અને આ દાળ વિષે નો લેખ છે એટલે એ કહેવત ટાંકવી પણ પડે. બાકી જેની દાળ બગડી હોય એની પાસે આજકાલ ઘણા બધા વિકલ્પો છે. સહેલામાં સહેલો વિકલ્પ છે – રસોડાનું કબાટ ખોલો, એમાંથી દાળ માટેનું ‘રેડી ટુ કૂક’ પેકેટ કાઢો, પકાવો અને પંદર જ મીનીટમાં ‘દાલ માખની’ કે ‘દાલ ફ્રાય’ ભેગા થઇ જાવ.

Daal Bagdi

To read this and other article in 11th Jan 2014 issue of Abhiyaan Gujarati Magazine online click on the image.

જેમના ઘરમાં આવા પેકેટો ન હોય એમણે નિરાશ થવાની જરૂર નથી. આવા જાતકો એ રસોડામાં દાળની એફ.આઈ.આર. નોંધાવી, (ઘરવાળીને પટાવવા ખાતર) થાળીમાં બીજું જે ખાવા જેવું હોય તે થોડુ ખાઈ અથવા ખાતા હોવાનો ડોળ કરીને કે પછી ‘મને ઠીક નથી’ એમ કહીને નીકળી જવાનું રહે છે અને પછીથી ભુખ પ્રમાણે દાબેલી, વડા પાઉં, સેન્ડવીચથી લઇને પિત્ઝા કે ઈડલી- ઢોંસા ઝાપટીને પોતાનો દિવસ બગડવાનું તો તેલ લેવા ગયું, ઉલટાનો સુધારી શકે છે. દાળ બગડે એટલે દિવસ બગડ્યો કરીને રોદણા રોવાના જમાના ગયા! ધ્યાન ફક્ત એટલું રાખવાનું કે તમે અને તમારી દાળ બગાડનારી બન્ને એકજ રેસ્તરાંમાં ઢોંસા કે પિત્ઝા ખાવા ભેગા ન થઇ જાવ!!
****
આપણે ત્યાં જેટલી દાળ ખવાતી હશે એનાથી વધુ એનો રૂઢી પ્રયોગો/ કહેવતોમાં ઉપયોગ થાય છે. જેમ કે ‘દાળમાં કાળું’, ‘દાળ સાથે ઢોકળી પણ ચઢી જાય’, ‘ધાનનું ઢેફું, ને દાળનું કઢાયું‘, ‘દાળ બગડી એનો…’ અને  પરણેલા પુરુષ માટે જ જાણે લખાઈ હોય એવી કહેવત ‘ઘર કી મુર્ગી દાલ બરોબર’! દાળ ઉપર તો ઘણા સંશોધનો પણ થયા છે. પણ અહીં દાળ વિષે લખવાનું કારણ એટલું કે દાળની બાબતમાં અમે ‘દાલ મિયાં’ છીએ! આ દાલમિયાં એટલે પેલા ક્રિકેટવાળા નહિ પણ અમારા ‘બહેરી પ્રિયા’ના હાથે બનેલી દાળ ખાવાના શોખીન એવા એમના મિયાં એટલે કે અમે પોતે. અને આમ પણ હું એમના માટે ઘરકી મુર્ગી હોઈ દાલ બરાબર જ કહેવાઉં એટલે હું દાળ વિષે અધિકૃત માહિતી આપવી એ right from horse’s mouthના ધોરણે અમારો વિશેષ અધિકાર બને છે.

અમને વિવિધ પ્રકારની દાળ ખાવાનો શોખ હોઈ પ્રિયા જાત જાતના પુસ્તકો વાંચી, ચેનલ પરના રસોઈ શો જોઈને કે પછી જરૂર પડે તો પડોશમાં પૂછીને જાત જાતની દાળ બનાવે છે અને એમ કરીને અમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતી રહે છે. તો અમે પણ એ દાળને કોઈ ખડ્ડુસ શાયરની ગઝલની જેમ દાદ આપતા આપતા ખાઈને એમને ખુશ કરતા રહીએ છીએ. પણ તમને ખાનગીમાં એક વાત કહું? અમુક ખાસ સંજોગોમાં પ્રિયાના હાથે કેટલીક ખાસ પ્રકારની દાળ બની જાય છે જેના વિષે એને પોતાને પણ ખબર નથી હોતી! સચ્ચેન! અમને હમેશા એમ લાગ્યું છે એ દાળ બનાવવામાં એની રાંધણકળા કરતા વિશેષ કોઈ ગેબી શક્તિ નો હાથ હોય કે કોઈ અદ્રશ્ય હાથ એની પાસે કરાવતા હોય પણ એ દાળ ‘તબિયત હલી જાય’ એવી અફલાતુન બને છે! અને તમે નહિ માનો પણ આવી તો એક-બે નહિ પણ અલગ-અલગ ૩૫ પ્રકારની દાળ અમારા ઘરમાં બને છે! તમને પણ એના વિષે જાણવાની ઈચ્છા હશે જ એટલે એના વિષે અમે અહીં વિગતવાર લખવા ધારીએ છીએ. તો દાળનો પહેલો પ્રકાર છે ‘દાલ અમીરી’!

 દાલ અમીરી: આ દાળ મોટેભાગે મારા સગાં એટલે કે મારા સાસુ-સસરા, સાળો, સાળી, સાઢું, માસીજી, ફોઈજી વગેરે અમારે ઘરે જમવા માટે પધરામણી કરવાના હોય ત્યારે બને છે. આ બધાજ લોકો ‘બધિર કુમાર’ કેટલામાં રમે છે એ હકીકત મારા ઘરમાં ડાફોળિયાં માર્યા વગર જાણી શકે એવી તમામ સામગ્રી અને ઘટકો દાળમાં ઉમેરવામાં આવે છે. મરી, મસાલાથી લઇને કાજુ, દ્રાક્ષ ઉપરાંત, પ્રિયા જો ઉત્સાહમાં હોય તો, અખરોટ અને શુદ્ધ કેસર પણ નાખવામાં આવે છે! આ દાળ અમને ખુબજ ભાવે છે પણ એક વાટકી દાળ પામવા માટે અમારે આખા લશ્કરને નોતરવું પડે છે એથી અમે પાછા પડી જઈ એ છીએ.

 દાલ ગરીબી: અમારા ઘરમાં આનું બીજું પ્રચલિત નામ ‘દાલ અખબારી’ પણ છે. કારણ એટલુંજ કે અમારા ઘરમાં જેટલું નિયમિત રીતે અખબાર આવે છે એટલી જ નિયમિત રીતે આ દાળ બને છે. વર્ણન જોઈએ તો જો દાળમાં રહેલા દાળના દાણા જો એનું ધન ગણાતું હોય તો આ દાળ લગભગ નિર્ધન ગણાય એવી હોય છે! દાળમાં નખાતા મસાલામાં હળદરનો પણ ઉપયોગ થતો હોઈ આ દાળ મીનરલ વોટરથી અલગ પડે છે. એક વાર અમારે ત્યાં પધારેલા અતિથી આ દાળને ઓરેન્જનું શરબત સમજીને પી ગયા હતા! એમને એમ થયું હશે કે આમને ત્યાં શરબત વાટકીમા પીરસવાનો રીવાજ હશે! ગમે તે હોય પણ પ્રિયા આ દાળ ખુબ ભાવથી બનાવતી હોઈ અમે એને શ્રી હરિનું ચરણામૃત સમજીને પ્રેમ થી આરોગી જઈએ છીએ.

 દાલ મનમોહન: જુના જમાનામાં ‘દાલ દામોદર’ તરીકે ઓળખાતી આ દાળ સરદાર મનમોહન સિંહની સરકાર જેવી હોય છે – બહુમતી જેટલી પાતળી અને વહીવટ જેવી પારદર્શક! આજે જ ખાધી છે. દાળ ખાતી વખતે વાટકીના તળિયામાં મોઢું દેખાયું ત્યારે ખબર પડી કે હું આજે હું માથું ઓળ્યા વગર જ ઓફીસ જવાનો હતો! પ્રિયા જ્યારે વિચારોમાં ખોવાયેલી હોય ત્યારે જ આવી મનમોહક દાળ ખાવાનો સંયોગ પ્રાપ્ત થાય છે અને એ જ્યારે બને ત્યારે જમ્યા પછી પાણી પીવાની જરૂર પડતી નથી, દાળથી જ કામ ચાલી જાય છે. હું તો બે ત્રણ વાટકી દાળ માંગીને પીઉં છું. એથી પ્રિયા પણ ખુશ રહે છે.

દાલ ફકીરી: નામ વાંચીને તમને થશે કે ઉપર જણાવેલી દાળ કરતા આ દાળમાં વિશેષ શું હશે? અને એ જ એની ખૂબી છે. નામમાં આવતો ‘ફકીરી’ શબ્દ દાળના ગુણનો નહિ પણ ખાનારની પ્રકૃતિનો દ્યોતક છે! આ પ્રકારની દાળમાં દર વખતે એકાદ બે મુખ્ય ઘટક કાં તો જરૂર કરતાં ઘણા વધારે પ્રમાણમાં કે સંપૂર્ણ ગેરહાજર રહેતા હોઈ એના સ્વાદ વિષે સટ્ટો રમી શકાય એટલી અનિશ્ચિતતા હોય છે! આવી અલગારી પ્રકૃતિની દાળનો આસ્વાદ લેવા માટે માણસ ફકીરી મસ્તીમાં મસ્ત હોવો જરૂરી છે જેથી કરીને દાળમાં મીઠું, મરચું, દાળ, વઘાર વગેરેમાંથી કોઈ પણ ઇન્ગ્રેડીયન્ટ જરૂર કરતાં ખુબજ વધારે પડી ગયો હોય કે સંપૂર્ણ ગેરહાજર હોય તો પણ સમભાવથી એને પોતાન ઉદરમાં સ્થાન આપી શકે. જો કે એકવાર અમારા ઘરેથી દાળ લઇ જનાર ભિખારી ફરી અમારા આંગણે ડોકાતો નથી!

દાલ સમન્દરી: સંતો સંસારને ‘સંસાર સાગર’ તરીકે ઓળખે છે અને સાગર ખારો હોય છે. એ રીતે જોઈએ તો આ દાળ પણ સમુદ્ર જેવી ખારી હોય છે. આવી દાળ જે દિવસે બને એ દિવસે અમે ચિંતાતુર વદને પ્રિયાને ‘આજે દાળ બનાવતી વખતે કેમ રડતી હતી?’ એમ અચૂક પૂછીએ છીએ. અને એ હસીને ‘રડતી નહોતી, પણ પેલી મુઈ મણી વચ્ચે આવી ગઈ એમાં દાળમાં મીઠું બે વાર પડી ગયું’ કે એવું બીજું કોઈ કારણ આપતી હોય છે. પણ એવું કહેતી વખતે એની આંખોમાં ખરેખર અશ્રુ બિંદુઓ તગતગતા જોયા પછી કદી દાળ ખારી લાગી નથી.

દાલ હરિયાલી: બનાવવામાં મહેનત બહુ ઓછી અને ઘણો બધો ઉત્સાહ માગી લેતી દાળ. પ્રથમ તો સામાન્ય દાળની જેમ દાળ બનાવી દીધા પછી એનું નામ ‘દાલ હરિયાળી’ સાર્થક બનાવવા માટે એમાં મોટા જથ્થામાં કોથમીર કે મીઠો લીમડો પધરાવવામાં આવે છે. આવી દાળ ભરેલી વાટકી લીલથી ભરેલા ચંડોળા તળાવની જેમ શોભી ઉઠે છે. જે દિવસે આ દાળ સાથે પ્રિયા કોથમીરની ચટણી અને પાલખની ભાજી પીરસે ત્યારે ઓફીસ જતી વખતે મોટે ભાગે હું ઘરેથી જમીને નીકળ્યો છું કે ચરીને નીકળ્યો એ બાબતે અવઢવમાં હોઉં છું!

દાલ નવરત્ન: આ પ્રકારની દાળ ખાતી વખતે એમાંથી કીસ્મતાનુસાર વિવિધ રત્નો જેવા કે માથામાં નાખવાનું બોરીયું, દિવાસળી, દૂધની કોથળીનું ટોચકું, પડીકાનો દોરો, બટન, સેફ્ટી પીન, હેર પીન વગેરે પૈકીનું કોઈ પણ રત્ન મળી આવે છે. અમુક નસીબદારોને તો કવિઓ જેને ઝુલ્ફ કી ઘટા કહેતા હોય છે એ ઘટામાંથી છૂટી પડેલી વાદળીઓ પણ દાળમાંથી મળી આવતી હોય છે.

દાલ તડકા: તમે હોટેલમાં જાવ છો ત્યારે એના મેનુમાં જે દાલ તડકા જુઓ છો એના કરતા આ દાળ તદ્દન અલગ છે અને ખાસ સંજોગોમાં જ એ બને છે. ખાસ કરીને રજાના દિવસે બપોરે જ્યારે હું થાળી પીરસવાનું કહીને કામમાં વ્યસ્ત થઇ જાઉં ત્યારે આ દાળ ખાવા મળે છે. જમવાની શરૂઆતમાં જ્યારે પહેલીવાર દાળમાં હાથ નાખું ત્યારે એ ભર ઉનાળે પણ લખલખું આવી જાય એટલી ઠંડી થઇ ગઈ હોય છે. આ દરમ્યાનમાં પ્રિયા તો થાળી પીરસીને આડે પડખે થઇ ગઈ હોય એટલે ઉભા થવાની આળસે હું દાળની વાટકી નજીકની બારીમાંથી આવતા તડકામાં ગરમ થવા મૂકી દેતો હોઉં છું અને પછી તડકો પાયેલી મારી સ્પે. દાલ તડકા સબડકા બોલાવી બોલાવીને ખાઉં છું!

દાલ માખની: આ દાળ પણ તમે હોટેલમાં ખાવ છો એના કરતા તદ્દન જુદા પ્રકારની છે, અને એની બનાવટ પાછળ પણ ફૂટબોલર મારાડોનાએ કહ્યું હતું એમ ‘હેન્ડ ઓફ ગોડ’ એટલે કે ભગવાનનો જ હાથ હોય છે. હિન્દી ફિલ્મોમાં કહે છે ને કે ‘પ્યાર કિયા નહિ જાતા, હો જાતા હૈ’ એમ આ દાળ પણ ખાસ બનાવવી નથી પડતી પણ તમારું નસીબ હોય તો અનાયાસે આપોઆપ બની જાય છે! આશ્ચર્યની વાત એ છે કે નામ ‘દાલ માખની’ હોવા છતાં એને બનાવવામાં માખણની જરૂર પડતી નથી! એ રીતે આ દાળ ‘ફેટ ફ્રી’ છે. તો આ દાળ બને છે કઈ રીતે? બસ, એને બનાવતી વખતે, પીરસવા લાવતી વખતે કે પીરસાયા પછી એમાં એકાએક ઉડતી માખી પડે એટલે ‘દાલ માખની’ તૈયાર!

દાલ ધુઆંદાર : તમારે આ દાળનું નામ ફરી વાર વાંચવું પડશે. તમે વાંચ્યું ‘ધુંઆધાર’ પણ અહીં દાલ ‘ધુઆંદાર’ની વાત છે. આ દાળ બનતી હોય અને અને હું હાંફળો ફાંફળો થઇને રસોડા તરફ ન દોડ્યો હોઉં એવું બન્યું નથી. આના મૂળમાં કદાચ પ્રિયાની દાળ બનાવવાની રીત છે એવું અમારું અનુમાન છે. દાળમાં વઘાર કરતી વખતે એ શી ખબર શું કરે છે કે મેલી વિદ્યાનો પ્રયોગ કરતી વખતે ભૂવો જેવા ભડકા કરતો હોય છે એવા જ ભડકા થાય છે. એ પછી પ્રિયાની ચીસનું પડવું  અને મારું રસોડા તરફ દોડવું ભલે દાલ ધુઆંદારની રેસિપીમાં ન આવતું હોય પણ એની નોંધ તો કરવી જ પડે. હું જયારે રસોડાના દરવાજે પહોચું ત્યારે એ ધુમાડાના ગોટે ગોટા વચ્ચે હેરી પોટર મુવીનું કોઈ પાત્ર હોય એમ એક હાથમાં સાણસી અને બીજા હાથમાં વઘારની કડછી ‘મેજીક વોન્ડ’ની જેમ પકડીને ભડકા સામે ઝઝૂમતી જોવા મળે છે. જો કે પરિસ્થિતિ એના કાબુમાં હોય છે એટલે વાંધો નથીં આવતો, પણ એક વાત નક્કી કે આ દરમ્યાન દાળમાં એક અલગ જ પ્રકારની સોડમ દાખલ થઇ જાય છે જેના અમે કાયલ છીએ. એમ કહો ને કે દાલ ધુઆંદાર અમારી દાઢે વળગી છે. તમે કોઈવાર અમારા ઘરે આવશો તો તમને પણ જરૂરથી ખવડાવીશું.

Daal Bagdi-2અને આવી તો ઘણી બધી જાતની દાળ અમારી બહેરી પ્રિયા બનાવી શકે છે. અમે તો નિયમિત રીતે એની લિજ્જત માણતા રહીએ છીએ. સવાલ ફક્ત દ્રષ્ટિ કેળવવાનો છે. એટલે તમે પણ બગડેલી દાળ પર રોવાનું પડતું મૂકી અને અમારી જેમ પોઝીટીવ એટીટ્યુડ અપનાવો. આમ જુઓ તો આમાં તમારા હાથમાં કશું નથી સિવાય કે તમે જાતે દાળ બનાવો, અને તમે પણ આ રસ્તે નહી જ જાવ એની કોઈ ખાત્રી ખરી? એટલે જયારે પણ દાળ બગડે ત્યારે મેં લેખની શરૂઆતમાં બતાવ્યા એવા ઓપ્શનો શોધી કાઢો અને કાં આમારા જેવા ગુણદર્શી બનો એમાં જ મજા છે.

बधिर खड़ा बाज़ार में
મૈં રંગ શરબતોં કા, તું મીઠે ઘાટ કા પાની …
– પાણીના પાઉચ વેચનારી અને
બરફ ગોળાવાળાની પ્રેમ કહાણી
પ્રથમવાર રૂપેરી પડદા પર!
5976

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અભિયાન and tagged , , , , , , . Bookmark the permalink.

6 Responses to દાળ બગડી? બીજા ઘણા ઓપ્શન્સ છે!

 1. Tech Show કહે છે:

  Daal jevo lekh chhe …ketla svad aavya e j khabar naa pdi ..:D

  Like

 2. Umesh Shah કહે છે:

  aa badhi recipes patent karavi lo.btw , this one is another feather cap.very nice.

  Like

 3. Ketan કહે છે:

  aa ek cookeri show kholi shakay evi recipes chhe ane ghar ma pati dev nu maan ane sanman jalvay rahe enu khas dhyan rakhva ma aavyu chhe. aavi ne aavi recipes share karo ane pati union ni life ne vyadhi ma thi bachavo abhyan saru hath ma lidhu chhe.

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s