બાબો કોમ્પ્યુટરનું કરે છે …


NGS

Click on image to read the article in e-Paper

Published on : 09-02-2014

ટાઈટલમાં ‘બાબો’ શબ્દ વાંચીને તમને સોશિયલ મીડિયાનો લાડકો ‘માઈનો’ લાલ યાદ આવ્યો હોય તો અમથી કીકો મારવાનું રહેવા દેજો. તમે સમજો છો એ બાબાની આ વાત નથી. હા, એ બાબાના પપ્પા માટે લાપતા ગંજના છોટુ ઉર્ફે મામાની ભાષામાં ‘કમ્યુટર કા તો કિયા કરતે થે ઉસકે સ્વર્ગીય પિતાશ્રી’ એવું જરૂર કહી શકાય એમ છે. પણ બાબાએ કોમ્પ્યુટરનું કંઈ કર્યું એવું ધ્યાન પર નથી. કદાચ એને કરી નાખવાની હજુ તક નથી મળી.

પહેલાના વખતની ‘બેબી’ અને હાલના સમયની ‘ડોટર’ જયારે પરણવા લાયક થાય ત્યારે અરેન્જડ મેરેજ પ્રથામાં ‘સારો છોકરો હોય તો બતાવજો’ એવું કન્યાના મા-બાપ લાગતા-વળગતાને કહેતા જોવા મળે છે. અને સામેવાળી પાર્ટી જ્યારે છોકરાની વાત લાવે ત્યારે મા-બાપ કુટુંબ કયું છે એ જાણ્યા પછી પહેલો પ્રશ્ન એક જ પૂછે કે: ‘પણ બાબો કરે છે શું?’ તો એના જવાબમાં ‘બાબો  કોમ્યુટરનું કરે છે’ એ સાંભળવા મળવાની સંભાવના પચાસ ટકા કરતાં વધારે છે!

કોમ્પ્યુટર એક અનિવાર્ય અનિષ્ટ છે. ઘણા કોમ્પ્યુટર વગરની જિંદગીની કલ્પના જ નથી કરી શકતાં. ‘આપણા દાદા પરદાદા કોમ્પ્યુટર વગર ઓફિસમાં ટાઈમ પાસ કેવી રીતે કરતાં હશે?’ અને ‘ટીવી વગર સાંજે શું કરતાં હશે?’ તે ઘણાની કલ્પના બહારનો વિષય છે. હવે કોમ્પ્યુટર ઘેરઘેર જોવા મળે છે. હા, ઘણાના ઘેર કોમ્પ્યુટર હોય છે, અમુક વાપરતા પણ હોય છે. ઘેર ઘેર કોમ્પ્યુટર જેટલાં સુલભ છે એટલાં જ કોમ્પ્યુટર એન્જીનીયર પણ.

કોમ્પ્યુટર બહુ વાઈડ ફીલ્ડ છે. એટલે કોમ્પ્યુટરનું કરનાર જાતજાતનું અને ભાતભાતનું કરે છે. પણ ખરેખર શું કરે છે એ યક્ષપ્રશ્ન છે. કારણ કે એમાં સોફ્ટવેર પ્રોગ્રામિંગથી માંડીને કિ-બોર્ડને બ્લોઅર મારીને સાફ કરવા જેવા મેઇન્ટેનન્સનાં કામ અને લોડીંગ રીક્ષામાં કોમ્પ્યુટરના કન્સાઈનમેન્ટ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ આવી જાય.માન્યું કે કોમ્પ્યુટરનું મેઇન્ટેનન્સ કે હેરફેર એ કોઈ ઉતરતું કામ નથી. પણ ‘અગર કોમ્પ્યુટર નહિ કિયા તો કુછ નહિ કિયા’સાવ એવી માન્યતા પણ ખોટી છે. અમે કોમ્પ્યુટરનું નથી કરતા એટલે અમારા આ સ્ટેટમેન્ટને ઈર્ષાથી પ્રેરિત ન ગણવું. આ તો કોમ્પ્યુટરનું કશું પણ કરનાર બાબા કે બેબીના કૃતકૃત્ય મમ્મી-પપ્પાના અહોભાવ અંગે અમે લગીર હીનભાવ વ્યક્ત કર્યો.

અને કોમ્પ્યુટરનું તો ઘણા કરે છે. દર પાંચમાંથી ત્રણ છોકરાં કોમ્પ્યુટરનું કરે છે. એટલાં બધાં કરે છે કે ભારતમાં કોમ્પ્યુટરનું કરનારને એકના માથા ઉપર બીજાને ઊભો રાખી લાઈન કરીએ તો લાઈન ચન્દ્ર સુધી પહોંચે. અને એમ થાય તો આપણે ચન્દ્ર ઉપર યાન મોકલવા માથાકૂટ કરવી મટે. માણેકચોકના રાત્રી બજારમાં કે ચાની કીટલી પર ‘આટલામાં કોઈ કોમ્પ્યુટર/સોફ્ટવેરનું કરે છે?’ એવો પ્રશ્ન પૂછી જોજો. ત્યાં ઉભેલા સિત્તેર ટકા છોકરાં હાથ ઊંચો કરશે.

ઘણા બાબાઓ કોમ્પ્યુટરનું કરવા પરદેશ જતા હોય છે. પણ ત્યાં એ લોકો કોમ્પ્યુટરનું શું કરે છે એનો ઘરનાને વિગતવાર ફોડ પડતા નથી. ઉપરાંત જતી વખતે આઉટડેટેડ કોમ્પ્યુટર પાડોશીઓના ભરોસે મુકતા જતા હોય છે. એક કાકાએ એમના છોકરાએ મોકલેલા ‘પોલર વર્ટેક્સ’ પછીના ફોટાડાઉનલોડ કરવા અમને બોલાવેલા. નેટવર્ક સ્ટોરેજ પર 170 Hi-Res ફોટા હતા અને કાકાને બ્રોડબેન્ડમાં ઇકોનોમી પ્લાન! અમે કીધું ‘કાકા, અમેરિકા રૂબરૂ જઈને ફોટા લઇ આવો સસ્તું પડશે…’!

આ આખી વાતમાં ‘કરવું’ મુખ્ય છે.પણ કરનારા કશું કહેતા નથી હોતા. મુરલી મનોહર ખુદ આખા મહાભારતના કર્તા હતા પણ અર્જુન સાવ પાણીમાં બેઠો નહિ ત્યાં સુધી બોલ્યા નહોતા કે આ બધું કરનાર હું જ છું (अहं कृत्स्नस्य जगत:). બાબાઓ પણ કોમ્પ્યુટરનું કરતા હોય છે પણ એ લોકો શું કરતા હોય છે એ ઘરનાથી પણ ગુપ્ત રાખતા હોય છે. છતાં બાબાઓના માબાપ આખી દુનિયાને કહેતા ફરતા હોય છે કે અમારો બાબો કોમ્પ્યુટરનું કરે છે. એમાં ભઈકોમ્પ્યુટરનું ભણે છે, ધંધો કરે છે, પ્રોગ્રામિંગ કરે છે, રીપેરીંગ કરે છે કે સાફસુફી કરે છે એની આપણને ખબર કેમ પડે?

આમેય ‘કરી નાખવું’ શબ્દ આપણા ત્યાં પોઝીટીવ નથી ગણાતો. કોમ્પ્યુટર પહેલાં લોકો શેર-બજારનું કરતા. એમાં ખરેખર લોકોનું કરી નાખવાનું આવતું. કેટલીક કંપનીઓ ‘કરુ કંપની’ તરીકે જાણીતી થઇ હતી. એટલે જ આ ‘બાબો કોમ્પ્યુટરનું કરે છે’ એ વિધાન અમને ખાસ જચતું નથી. જોકે બાબો ગામનું કરે એના કરતા કોમ્પ્યુટરનું કરે એ સારું!

કુર્યાત સદા કોમ્પ્યુટરમ્ …

સૌજન્ય: નવગુજરાત સમય દૈનિક
6686

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , . Bookmark the permalink.

5 Responses to બાબો કોમ્પ્યુટરનું કરે છે …

 1. kavyendu કહે છે:

  વાહ, પ્રભુ, બાબો કોમ્પ્યુટરનું કરતો નથી પણ કરી નાંખે છે, આમેય બાબો કઈ ન ક્કારતો હોય ત્યાર કોમ્યુટર ઉપર જ ફેસબુક અને એવું બધું કરે, અને પરિણામે કોમ્પ્યુટરનું કરે છે એમજ કહેવાય ને?
  સરસ અને સુંદર લેખ, કે કટાક્ષિકા।

  Like

  • Badhir Amdavadi કહે છે:

   કબીર સર, કોમ્પ્યુટરનું તો અમે ય કરીએ છીએ પણ શું કરીએ છીએ એ બધાને કહી દઈએ છીએ…
   હા હા હા …
   થેન્ક્યુ સો મચ.

   બધિર અમદાવાદી

   Like

 2. Jitatman119 કહે છે:

  Badhir bapu.. Hu pan Computer nu karu chu.. 😀 😀 In-Wasting my time..

  Like

 3. jitendra vaghela કહે છે:

  કિ-બોર્ડને બ્લોઅર મારીને સાફ કરવા જેવા મેઇન્ટેનન્સનાં કામ અને લોડીંગ રીક્ષામાં કોમ્પ્યુટરના કન્સાઈનમેન્ટ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ આવી જાય. ha ha ha…

  Like

 4. તમે જરૂર ગયા ભવે ધોનીને માથે હાથ ફેરવ્યો જ હશે.
  અંતમાં સિક્સર મારી………

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s