ભાગતા ભૂતની ચોટલી


Image

To read this and other articles online on Feelings Gujarati Online magazine, click on the image.

ગાંડાઓના ગામ નથી વસતા એવી કહેવત છે. ભૂતોના પણ અલગ ગામ નથી વસતા. ગાંડાઓ આપણી સાથે જ રહેતા હોય છે, એમ જ ભૂતો પણ આપણી વચ્ચે જ રહેતા હોવાનું કહેવાય છે. જોકે સરખામણી આટલે જ અટકે છે કારણ કે ‘ભૂતનું ઘર આમલી’ એવી કહેવત છે, પણ ગાંડાઓ વિષે એવી કોઈ કહેવત નથી. હા, કેટલાક ગાંડા તોફાને ચડે તો ઝાડ પર ચઢી જતાં હોય છે, પણ પછી લોકો એને ઉતારી મુકતા હોય છે. જ્યારે ભૂત ઉતારવા માટે ભૂવા બોલાવવા પડે છે.

મૂળભૂત રીતે ભૂતોના હોવા બાબતે જ સમાજ બે ભાગમાં વહેચાયેલો છે. ભૂતના હોવાપણા વિષે કોઈ જ જાતની આધારભૂત માહિતી ન હોવા એક વર્ગ એનું અસ્તિત્વ સ્વીકારે છે જ્યારે બીજા એનું અસ્તિત્વ સ્વીકારતા નથી છતાં એનાથી ડરતા જરૂર હોય છે. કેટલાક લોકોને મળ્યા પછી ભૂત વિષે માનવાનું મન જરૂર થઇ જાય, પણ એ અલગ વાત છે. એક રીતે ભૂતનું સલમાન ખાનની એક્ટિંગ જેવું છે – એનું અસ્તિત્વ કોઈ સ્વીકારતું નથી પણ જેમ સલમાનની ફિલ્મો હીટ જાય એટલે માનવું પડે છે એમ જ ભૂત વિષે પણ માનવું પડે છે. ભૂત વિષે આટલું બધું ખરું-ખોટું લખાતું હોવા છતાં ભૂત કદી ખુલાસા કે રદિયો આપવા આવતું નથી એટલે લોકો એના વિષે મન ફાવે તેમ બોલતા હોય છે.

ભૂત વિષે એક કહેવત પણ પ્રચલિત છે : ભાગતા ભૂતની ચોટલી ભલી – આ કહેવત યથાતથ સ્વીકારવામાં અમને કેટલાક વાંધા છે અને એમ થાય એમાં કંઈ ખોટું નથી. કવિ કાલીદાસ કહે છે કે सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते અર્થાત વિદ્વાનો પરીક્ષણ કર્યા બાદ જ કોઈ વાત સ્વીકારે છે. અહીં વાત ભૂતની છે જેને કોઈએ જોયું નથી, છતાં જે કોઈએ પણ આ કહેવત બનાવી છે એનો દાવો છે કે આખું ભૂત હાથમાં ન આવે તો વાંધો નહિ પણ છેવટે એની ચોટલી પણ કાપી લેવી. એમ કરવાથી ભૂત તમારા નિયંત્રણમાં રહે છે અને તમારું કહ્યું કરે છે. પણ અમારો પહેલો સવાલ એ છે કે શું ભૂત પણ ચોટલી રાખતા હોય છે? આપણામાં તો લોકો માથામાં સ્પાઈકસ્ કરાવતા હોય છે જેમાં માથામાં એક કરતાં વધુ ચોટલીઓ હોય એવું લાગે. આવું ભૂતોમાં હોય અને એક ભૂતની ચોટલી ત્રણ-ચાર જણા કાપી જાય તો ભૂત ઉપર ફાઈનલ કંટ્રોલ કોનો એ બાબતે બંધારણમાં કોઈ જોગવાઈ છે? અને તમારા હાથમાં માંડ માંડ એક ભૂત આવે અને એ ભૂત ટાલીયું નીકળે તો શું કરવાનું?

ચાલો માની લઇએ કે ભૂત ચોટલી રાખે છે, તો એનો મતલબ એ કે એમનામાં ચોટલી ‘ઇન-થીંગ’ ગણાતી હશે. ભૂતડીઓ એમની ચોટલી ઉપર મોહી પડતી હશે એટલે જ રાખતા હશે અને સરવાળે કોઈ ભૂતડીને પરણીને એને વશ થઇ જતા હશે. કહેવત પણ કદાચ એટલે જ પડી હશે. પણ એમાં આપણે કેટલા ટકા? આપણા હાથમાં શું આવ્યું?

બીજું, ભૂતની વાત નીકળે એટલે કહેવામાં આવે છે કે ભૂત બહુ શક્તિશાળી હોય છે અને એ બહુ ફાસ્ટ ભાગતા હોય છે. પણ જેમણે હિન્દી ફિલ્મોના ભૂતો જોયા છે એમને ખબર હશે કે ભૂતો બહુ સ્લો મોશનમાં ચાલતા હોય છે. એમાં ય મોટા ભાગનાના શરીર તો સાવ સડી ગયેલા હોય છે અને પડુ પડુ થતા ચાલતા હોય છે. એવું લાગે કે નાનપણમાં આ ભૂતની મમ્મીએ એણે હોર્લિક્સ કે બોર્નવીટા નહિ ખવડાવ્યું હોય! આવા મડીયલ ભૂત ભાગી શકે એ વાતમાં માલ નથી. મતલબ કે ભૂત જો ફિલ્મી હોય તો એની ચોટલી કાપવી એ કંઈ અઘરું કામ ન ગણાય. આમ તો ભૂતને જીવ ન હોય, છતાં માની લઈએ કે વાત જીવ પર આવે અને ભૂત ભાગવા માંડે તો એને પકડવાના આપણી પાસે શું ઓપ્શન્સ છે? એ જમીન પર દોડતું હોય તો રીક્ષા કરી શકાય, પણ એમનામાં ઉડવાનો રીવાજ હોય છે. અને એ લોકો તો ગમે ત્યાથી ટેઈક-ઓફ કરી શકે, જયારે આપણે તો સિવિલ એવિએશનવાળા ક્લીયરન્સ આપે પછી જ મેળ પડે અને એક તુચ્છ ચોટલી હાટુ સરકારી કચેરીઓના ધક્કા કોણ ખાય?

છતાં ધારોકે આપણે ભૂતની ચોટલી કાપી લઈએ અને આપણી બદલીમાં એ ઘરમાં વાસણ, કપડા, કચરા-પોતા કરવાનું ચાલુ પણ કરી દે, પણ એ આપણી ઘરવાળીની ટકટક થોડી સાંભળે? એ ભૂત છે, હસબંડ નહિ કે ચુપ ચાપ સાંભળી લે. એને પણ સ્વમાન જેવું કંઈ હોય કે નહિ? અને આપણે એને મદદ પણ શું કરી શકવાના જ્યારે આપણી ખુદની ચોટલી આપણી ઘરવાળીના હાથમાં હોય? બીજી એક વાત સમજો, માણસ કોઈ અજંપા સાથે ગુજરી જાય કે પછી એને કોઈ નડ્યું હોય ત્યારે એનો બદલો લેવા એ ભૂત થતો હોય છે અને આપણે ફરી એને એ જંજાળમાં નાખીએ એ ક્યાંનો ન્યાય? કાલ ઉઠીને આપણો એવો વારો આવે તો? માટે ભૂતની ચોટલી કાપવાનું વિચારતા હોવ તો માંડી વાળજો.

सुनभाईसाधो
FIFAવર્લ્ડ કપની મેચો જોતી વખતે એટલું યાદ રાખજો કે …
ફુટબોલની ગેમમાં સ્ટમ્પલા ના હોય.
7652

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

7 Responses to ભાગતા ભૂતની ચોટલી

 1. હિમતભાઇ મેહતા કહે છે:

  ભૂત વિષે નો લેખ ખુબ સરસ છે …ભૂત ની ચોટલી વિષે સરસ લખાણ છે પણ ભૂતડી ભાગતી હોય તો તેનું શું લેવું ..આપણી જેમ ભૂત પણ ભૂતડી થી ડરતો હોય છે ..હા હા હા

  Like

 2. Ketan કહે છે:

  Hilarious. Nice article made my Sunday

  Like

 3. envyem કહે છે:

  ભાગો ભૂત આયુ 🙂

  Like

 4. Badhir Amdavadi કહે છે:

  ભૂતો ભાગો એન.વી.આવ્યા ની બુમો પડતા હશે!
  હા હા હા …ભૂત પિશાચ નિકટ નહિ આવે એન.વી. ભાઈ જબ નામ સુણાવે…

  Like

 5. Jitendra Dabhi કહે છે:

  ભુત પણ બેચારા આપણી જેમ ભુતડી સામે મૂંગા થઈ જતા હસે… 🙂 😉

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s