માર્ચ એન્ડ છે …


March End

To read this and other news and articles on Navgujarat Samay EPaper

ગ્નજીવનમાં સુખ શોધવું એ રણમાં પેન્ગવિન શોધવા બરોબર છે. અમને ખબર છે કે કુંવારા લોકોને અમારા આ વિધાનમાં અતિશયોક્તિ લાગશે અને એ લોકો નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલનો હવાલો આપીને અમને ખોટા પડવાની કોશિશ પણ કરશે, પણ એનાથી હકીકત બદલાતી નથી. ફક્ત ‘સદા-બહાર’ લોકો જ લગ્નજીવનથી સુખી હોય છે અને એનું એક માત્ર કારણ એ છે કે એ લોકો સદા ઘરની બહાર જ રહેતા હોય છે!એ ઘરે જાય તો કોઈ એમની મેથી મારે ને? આવા લોકો ઘરની બહાર રહેવા માટે જાતજાતના કારણો શોધી કાઢતા હોય છે અને એમાનું એક છે માર્ચ એન્ડ!

ફક્ત માર્ચ મહિનામાં સીસી ટીવી કેમેરાથી ઓફિસનું લાઈવ પ્રસારણ કર્મચારી/ અધિકારીના ઘર સુધી પહોચાડવામાં આવે તો ઓફિસોમાં ચોપડા ચીતરવાનું કામ તો ઓફીસટાઈમમાં જ પૂરું થઇ જાય અને  એક અંદાજ પ્રમાણે એંશી ટકા નોકરિયાતો આ દિવસોમાં સમયસર ઘરે પહોચતા થઇ જાય. બાકી માર્ચ એન્ડમાં ગમે તેવું કામ કરતો હોય, એકાઉન્ટ કે સ્ટોક સાથે લેવા દેવા હોય કે ન હોય એ પણ માર્ચ એન્ડનો યથાશક્તિ લાભ લે છે. એપ્રિલમાં અથાણાની સીઝન આવે એ પહેલા આ ઘેર મોડું પહોંચી ‘માર્ચ એન્ડ છે’ એ બહાના રજુ કરવાની સીઝન આવે છે. ગૃહિણીઓને તો અમારું નમ્ર સૂચન છે કે માર્ચ એન્ડમાં રોજ રાતે આઠેક વાગ્યે ઓફિસની લેન્ડલાઈન પર પતિ સાથે એકવાર અચૂક વાત કરી લેવી. નારાયણ નારાયણ!

કામના મામલે આખુ વર્ષ સ્ટાફની વચ્ચે શાક માર્કેટની હરાયી ગાયની જેમ ફરનારા બોસ લોકો માર્ચ મહિનો આવે એટલે ગમાણની ગાય જેવા થઇ જતા હોય છે. આડે દિવસે સ્ટાફ મીટીંગમાં ચા સાથે ઘાસ જેવા ‘મારી’ કે પછી ચાલુ ખારી બિસ્કીટ ખવડાવનાર બોસ લોકો ગામના ખૂણેખૂણેથી ગોટા, દાળવડા, સેન્ડવીચ અને પીઝા મંગાવીને ખવડાવતા હોય છે. જોકે એ માટેના ઓર્ડરો છેક સાંજે–જયારે અડધો પરચુરણ સ્ટાફ નીકળી ગયો હોય અને બાકીનો અડધો જયારે ચાલુ કામ આવતીકાલ પર મુકીને ભાગવાની ફિરાકમાં હોય ત્યારે-ફાટે છે. સામે સ્ટાફના લોકોને જખ મારીને પણ કામ તો કરવાનું જ હોય છે એટલે એ પણપહાડની નીચે આવેલા ઊંટ એવા બોસનો વારો કાઢવાનું ચુકતા નથી. એમાં પણ એડા બનીને પેડા ખાનારા લોકો આઈસ્ક્રીમ-થીક શેકથી લઈને ડીનરના સેટિંગ પણ પાડી લેતાં હોય છે. સરવાળે બીજા પર્વોની જેમ માર્ચ એન્ડ પણ એક તહેવારની જેમ ઉભરી રહ્યું છે.

માર્ચ એન્ડના નામે ખાલી એકાઉન્ટ્સમાં કામ કરતા લોકો નહિ, લગભગ બધા ધંધાધારીઓ ચરી ખાય છે. સરકારમાં પણ કોઈ કામ લઈને જાવ તો ‘માર્ચ એન્ડ પતે પછી આવોને’ એવો સ્ટાન્ડર્ડ જવાબ પકડાવી દેવામાં આવે છે. કોઈની પાસે કામની ઉઘરાણી કરો તો કહેશે ‘બોસ માર્ચ એન્ડ પતી જવા દો’. કોઈની પાસે રૂપિયા માંગતા હોવ તો જવાબ મળશે: ‘યાર એક વાર આ માર્ચ એન્ડમાં ટેક્સનું પતે એટલે પહેલા તમારું કરું છું.’ આમાં ‘કરું છું’ એ ગર્ભિત છે. આમેય અમને કરી જનારાઓથી થોડોક ગભરાટ રહે છે.

અમેરિકામાં માર્ચ એન્ડ નથી હોતો. મતલબ કે માર્ચ મહિનો હોય છે. એનો એન્ડ પણ આવે છે. પણ એનું મહત્વ નથી. ત્યાં ફાઈનાન્સિયલ યર ડિસેમ્બરમાં પૂરું થાય છે. અને એ વખતે ઓલરેડી ક્રિસમસ વેકેશન હોય છે. કોઈ અમેરિકન માઈનો લાલ કે માઈકલ ક્રિસમસમાં કામ કરતો નથી. અરે સાન્તા ક્લોસ પણ ગીફ્ટ ટેક્સ કે ગિફ્ટના બીલો કે ગીફ્ટ ડીડ બનાવવાની પળોજણમાં પડ્યા સિવાય બિન્દાસ્ત ગિફ્ટો લુંટાવી શકે છે. બાકી આપણે ત્યાં છે એવો મહિમા યર એન્ડનો અમેરિકામાં હોત તો સાન્તા પણ ગીફ્ટ વહેંચવાનું છોડી ખાલી ઘંટડી વગાડી કામ ચલાવી લેત!

અને આપણે ત્યાં તો આંકડાની આ રંગોળીના કર્તા-હર્તા-સમાહર્તા એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને માર્ચ એન્ડમાં શ્વાસ લેવાનો પણ સમય હોતોનથી. અમારું સંશોધન કહે છે કે જેમ ગુડ ફ્રાઈડેની રજા સોમવારે નથી આવતી અને સોમવતી અમાસ શુક્રવારે નથી આવતી એમ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મેરેજ એનીવર્સરી માર્ચ મહિનામાં નથી આવતી. ખાતરી કરવી હોય તો કરી જોજો. રણમાં પેન્ગવિન કદાચ મળી આવે કારણ કે તરંગી શેખોનું ભલું પૂછ્યું, પણ સી.એ. લોકો માર્ચમાં લગન કરતાં નથી. એટલું જ નહિ માર્ચ એન્ડમાં કોઈ સી.એ.ફોરેન ટુર પર કે સામાજિક પ્રસંગોમાં પણ નથી જતા. માર્ચમાં એ માંદા પણ નથી પડતા. કદાચ ગુડી પડવેને બદલે શિવરાત્રીથી જ લીમડાનો રસ પીવાનું પીવાનું ચાલુ કરી દેતા હોય તો પણ નવાઈ નહિ. હશે, એમનું એ જાણે, આપણે શું ખોટી કીકો મારવી!

7,558

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s