મચ્છરોનું એન્કાઉનન્ટર


NGS‘પુલિસ સે ન દોસ્તી અચ્છી ન દુશ્મની.’ – હિન્દી ફિલ્મોમાં આ ડાયલોગ કદાચ તમે ઘણીવાર સાંભળ્યો હશે, પણ ઉત્તરપ્રદેશના અલીગઢની ડીએસપી ઓફિસના અબુધ મચ્છરોએ કદાચ આ ડાયલોગ નહીં સાંભળ્યો હોય એટલે એ લોકો પોલીસ સાથે દુશ્મની કરી બેઠા છે. પરિણામે એમનું એન્કાઉન્ટર કરવા માટે બે કોન્સ્ટેબલની બનેલી એન્ટી મોસ્કીટો સ્કવોડ બનાવવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ કહેનારી પોલીસના હાથ ટૂંકા પડતા હોય કે ગમે તેમ, પણ મચ્છરોનું એન્કાઉન્ટર કરવા માટે એમને ઇલેક્ટ્રિક ચાર્જવાળા ચાઈનીઝ રેકેટ વડે સજ્જ કરવામાં આવ્યા છે.

Machchhar nu Encounter

To read the article online on ‘Navgujarat Samay’ click on the image.

નોંધપાત્ર વસ્તુ એ છે કે ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમાં હજુ પણ ઓપન ગટરો છે એટલે એના કારણે મચ્છરોનો ત્રાસ રહેતો જ હશે. ઉપરથી ઈલેક્ટ્રીસિટી ગાયબ રહેતી હશે અને મચ્છર અગરબત્તીઓનો ધુમાડો પોલીસ અધિકારી સાહેબના નાજુક ફેફસાને તકલીફ કરતો હશે, એટલે જ કદાચ આ રીચાર્જેબલ રેકેટ, કે જે કીમતી માનવ કલાકો ખર્ચી મચ્છરોને શોક આપવા માટે વપરાતા હશે. પણ મચ્છરોને દાદ તો આપવી ઘટે કારણ કે, ‘પુલિસને તુમ્હે ચારો ઓર સે ઘેર લિયા હૈ’નો પડકાર કરનારા પોલીસોને એમણે એવા ઘેર્યા છે કે સામાન્ય રીતે ભીડ પર લાઠીચાર્જ કરનારા જવાનો આજકાલ મચ્છરોના ટોળા પર રેકેટ ચાર્જ કરતાં જોવા મળે છે.

અમે કુતુહલથી પ્રેરાઈને આ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પેલા કોન્સ્ટેબલો સાહેબના રૂમમાં ચાઈનીઝ રેકેટથી ફટાકા બોલાવી રહ્યા હતા. ચાઈનીઝ લોકોથી જીવજંતુઓ આમેય ડરે છે, એમાં મચ્છરોમાં હાહાકાર મચી ગયો હતો. બધા જીવ લઈને ભાગી રહ્યા હતા. એવામાં એક મચ્છર અમારી પાસેથી ગુણગુણ કરતો નીકળ્યો. અમે એસટીના ‘હાથ ઉંચો કરો અને બસમાં બેસો’ સ્ટાઈલથી એને ‘આસ્તે’ કરવા કહ્યું, એટલે એ હાંફતો હાંફતો ઉભો રહ્યો પછી ટ્રાફિક પોલીસ ‘સેટિંગ’ કરવા સાઈડમાં બોલાવે એમ ઈશારો કરીને એણે અમને સાઈડમાં આવવા કહ્યું. પોલીસોનું લોહી પીને એ પણ પોલીસ જેવો થઇ ગયો હોય એવું અમને લાગ્યું.

અમે પાસે ગયા એટલે એણે ઈશારાથી જ પૂછ્યું : ‘શું કામ છે?’

‘તમારો ઇન્ટરવ્યુ લેવો છે’ અમે કહ્યું.

‘ટાઈમ નથી. બે મીનીટમાં પૂછાય એટલું પૂછી લો’
‘ઓકે. પહેલો સવાલ – પોલીસોનું લોહી પીધા પછી તમને કેવું લાગે છે?’

‘અરે સાહેબ, જીંદગી જ બદલાઈ ગઈ! પહેલાં ચોરી છુપીથી લોકોનું લોહી પીતા હતા, હવે ગમે ત્યાં બિન્ધાસ્ત જઈને લોહીનો હપ્તો લઇ આવીએ છીએ!’

‘તમે તો તંદુરસ્ત લાગો છો, કમિશ્નરનું લોહી પીતા હતા કે શું?’

‘અરે હું તો આ પાછળની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને ત્યાં તો કોઈને ચાંચ મારીએ તો સીધી હાડકામાં અથડાઈને ફ્રેક્ચર થઇ જતું હતું. જયારે અહીં તો સવા-બે લીટરની પેપ્સીના સીલીન્ડરમાં ભૂંગળી નાખીને પીતો હોઉં એમ ટેસથી પીઉં છું!’

‘પોલીસે પોલીસે ટેસ્ટમાં ફેર તો પડતો હશે ને?’

‘પડે ને! ઇન્સ્પેક્ટરની ચામડી જાડી હોય છે એટલે ચાંચ ઘુસતા વાર લાગે પણ એક વાર કનેક્શન થઇ જાય પછી કોઈ ટેન્શન નહિ. કોન્સ્ટેબલો તો ચા પાણી બરોબર કહેવાય. કોઈ મોટું સેલીબ્રેશન હોય ત્યારે બધા સાથે મળીને રાતપાળીના સ્ટાફને કરડીએ છીએ. પણ જલસો પડી જાય છે! અમારી પબ્લિક આવી પાર્ટીના બીજા દિવસની બપોર સુધી ઝૂમતી હોય છે. અમુક તો સામેની સોડાની લારીએ જઈને લીંબુ ચુસી આવે પછી જ બીજાને ઓળખી શકે છે! જીવનું જોખમ છે, બાકી મજા છે.’

‘કંઈ માંડવલી જેવું થાય એવું નથી?’

‘થાય ને! પણ પછી બસંતી એ કહ્યું છે એવું થાય – ઘોડા અગર ઘાસ સે દોસ્તી કર લે તો ખાયેગા ક્યા?’

‘પણ આ તો તમારું એન્કાઉન્ટર કરે છે અને તમે ચુપ બેસી રહ્યા છો?’

‘શું કરીએ સાહેબ, અહીંનું લોહી માફક આવી ગયું છે, અહીંથી થોડે આઘે જઈએ તો સેફ છીએ, પણ સાલું આ જગ્યા છોડવાનું દિલ નથી કરતું. બસ, પાછળની ઝૂંપડપટ્ટીમાંથી એક ડેન્ગ્યુ મચ્છરને આ બબાલીયા સાહેબ માટે સોપારી આપી છે.  બસ, થોડો ટેમ સાચવવાનો છે!’

‘ઓલ ધ બેસ્ટ  તો.  હવે તમે ભાગો પેલો રેકેટ લઈને આવ્યો.’

અમે કહ્યું અને એ તો ભાગ્યો, પણ દરમ્યાનમાં અમે એક કૂતરીને ચાર-પાંચ ગલુડિયા સાથે સાહેબની કેબીનમાં પ્રવેશતા જોઈ. એ જોઈ અમને પેલા બે કોન્સ્ટેબલોનો વિચાર આવ્યો! શી ખબર ચાઈનીઝ લોકો કૂતરા મારવા માટે અને માર્યા પછી એનું શું કરતાં હશે? જવા દો અત્યારે એ વાતને. જ્યાં કોહલાં (શિયાળ)ની કોટવાલી હોય અને હોલાં હવાલદારી કરતાં હોય ત્યાં આવું તો રહેવાનું!

—–x—–x—–

7916

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , . Bookmark the permalink.

1 Response to મચ્છરોનું એન્કાઉનન્ટર

  1. envyem કહે છે:

    અફલાતુન લેખ :)…મોજે દરિયા (જો કે પોલીસ માટે મોજે-ડરીયા કહી શકાય)

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s