ધારો કે આપણે ત્યાં કૂતરાનું સ્થાન મોર લઇ લે તો?


NGS

એક મિત્ર સાથે બનેલી આ ઘટના છે. એક વાર એમણે પથારીમાં પડ્યા પડ્યા મોરના ટહુકા સાંભળ્યા. હવે આપણે સહુ જાણીએ છીએ કે મોરના ટહુકા પણ અસલી નથી રહ્યા. એ લોકો પણ આજકાલ ટહુકવા કરતાં બરાડવાનું કામ વધુ કરે છે. અમારા મિત્ર એ મોરના બરાKootara n Morડવાનાઅવાજથી જાગી ગયા અનેરોજની માફક સવાર પડી છે એમ સમજી તૈયાર થઈ ચાલવા નીકળી ગયા. જઇ ને જોયું તો ગાર્ડનમાં કોઈ નહિ. પછી મોબાઈલમાં જોયું તો ખબર પડી કે રાત્રે અઢી વાગ્યા છે. કદાચ એમણે સ્વ. ઇન્દુલાલ ગાંધી એ લખેલી અને સ્વ. શ્રી રાસભાઇએ ગાયેલી રચના ‘મધરાતે સાંભળ્યો મોર…’ નહી સાંભળી હોય કે ગમે તેમ પણ ત્યાર પછી એમણે નક્કી કર્યું કે મોરને ભરોસે ન રહેવું. મોરલાં હાળા આજકાલ દિવસ-રાત, તડકો-વરસાદ જોયા વગર ટહુકા કરવા મચી પડતા હોય એમાં આપણે અમથા ધંધે લાગી જઈએ ને!

હા, તમે કવિ હોવ તો વાત જુદી છે. મોરના ટહુકા એ કવિકર્મ માટેના કાચા માલમાં આવી જાય છે. ભગવાન બુદ્ધે કિસા ગૌતમીને જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાઈના દાણા લાવવાનું કહ્યું હતું, એની જગ્યાએ જે કવિએ કવિતામાં ટહુકો શબ્દ ન વાપર્યો હોય એવા કવિ શોધવા કહ્યું હોત તો પણ કિસા ખાલી હાથે આવત. જેમ નેતાના ભાષણમાં દેશ શબ્દ, સંતોની વાતમાં સંસ્કાર, મમ્મીની વાતમાં ચોખ્ખાઈ, પપ્પાની વાતમાં કેરિયર અને યંગસ્ટર્સની ચર્ચામાં છોકરી બાય ડિફોલ્ટ આવે, એમ જ કવિની કવિતામાં ટહુકા આવે જ જ ને જ.

આશ્ચર્યની વાત એ છે કે અગાઉ કરતાં મોર હવે એટલા સુલભ બની ગયા છે કે પોળો અને પરાની સોસાયટીઓમાં હવે કૂતરા કરતા વધુ તો મોર જોવા મળે છે! લોકોને પણ હવે મોરની ખાસ નવાઈ રહી નથી. તમે કોઈ ને ઈમ્પ્રેસ કરવા કહો કે ‘અમારે ત્યાં મોર બહુ આવે છે’ તો એ તમને મોબાઈલમાં એના ધાબામાં ઢેલે મુકેલા ઈંડાના ફોટા બતાવશે! આ સંજોગોમાં કવિતાઓમાં ટહુકા ટાંકીને ભાવકોને રોમાંચિત કરતા કવિઓની શી હાલત થતી હશે એ અમે કલ્પી શકીએ છીએ. અમને તો ચિંતા છે કે પોળ-સોસાયટીઓમાં જે ધોરણે કૂતરાનું સ્થાન મોર લઇ રહ્યા છે એ જોતાં મોર ટૂંક સમયમાં કુતરા સાથે સ્પર્ધા કરશે એવું જણાય છે.

જો એવું થાય તો? ધારોકે મોર કુતરાનું સ્થાન લઇ લે તો? શું વળતા વહેવારે કુતરાને પણ સાહિત્ય અને કવિતામાં મોર જેટલું જ માનભર્યું સ્થાન મળી શકશે? શું કવિઓ કુતરા ઉપર કવિતા કરવાનું સ્વીકારશે? શું આપણને ભસતા, ચાટતા, આળોટતા, પૂંછડી પટપટાવતા, રાત્રે રોતા, ખાડામાં બેસતા પહેલાં જગ્યા ઉપર ગોળ ફરતા કે ગાભા-ચીથરા સાથે કેલી કરતાં કૂતરા પર કવિતા અને ગઝલ કે છેવટે કુરુકુરીયા પર હાઈકુ-મુક્તક મળી શકશે?

જો મોર સુલભ થાય અને કુતરા દુર્લભ તો પછી મોરને બદલે કુતરા ઉપર કવિતા લખાશે, ટહુકાને બદલે ભસવા ઉપર શેર મંડાશે. પછી તો ફેસબુકના કવિઓની ‘આજ મેં તો મધરાતે સાંભળ્યું, ભાઉ ….’ જેવી રચનાઓ સાહિત્યમાં સ્થાન પામે તો નવાઈ નહિ લાગે. અહાહા …. આગળ જતાં કો’ક ‘મન શ્વાન બની ભસભસાટ કરે…’ પણ લખી શકે. જોકે મોરને મોરપીંછ હોય અને કવિતામાં મોરપીંછની રજાઈ બને, એમ કૂતરાનું કૂતરાપીંછ જેવું કશું નથી હોતું એટલી ખોટ ગઝલને જરૂર પડશે. હા, કોક કવિને પોમેરિયનમાં હિમાલયનો બરફ દેખાય તો વાત જુદી છે!

જોકે મોરનું એટલું સારું કે તમે સવારે દૂધ લેવા દરવાજો ખોલો ત્યારે દરવાજા આગળના પગ-લુંછણીયા પર કોઈ યુનિક યોગાસન કરીને તમારો રસ્તો નથી રોકતા કે તમે કારમાં બેસવા જાવ ત્યારે કાર નીચેથી મોર નથી નીકળતા. મોર કરડે નહિ, જોવામાં સારો લાગે અને એને જોઈને છોકરાં ખુશ થાય એ બધું ખરું, પણ સાહિત્યિક એન્ગલ છોડીને સામાન્ય માણસની દ્રષ્ટિએ જુઓ તો મોર કદી કૂતરાનું સ્થાન ન લઇ શકે. એ કૂતરાની જેમ તમારા ઘરની ચોકી ન કરી શકે. તમે ભલે ગમે તેટલા દાણા નાખો પણ તમે ઓફિસેથી આવો ત્યારે કળા કરીને એ તમારું સ્વાગત નહિ કરે. તમારા પત્નીએ રસોઈ શો જોઈને કરેલા અખતરાના પૂરાવા નાબુદ કરવામાં કૂતરું કામમાં આવશે, મોર નહિ. ભલે કૂતરા ટોડલે બેસીને ટહુકા નહિ કરી શકતા હોય પણ, ત્રણ ચાર ઢેલને લઈને ફરતા મોર કરતાં વધુ વફાદાર રહેશે એ નક્કી જાણજો. બાકી તમે સમજદાર છો એટલે વધુ કહેવાની જરૂર નથી.

 8401

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ધારો કે આપણે ત્યાં કૂતરાનું સ્થાન મોર લઇ લે તો?

  1. સુરેશ કહે છે:

    ગજબનાક વિચાર વલોણુંં !!

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s