એર હોસ્ટેસનું વજન


NGS

Air Hostess‘એરહોસ્ટેસ’ શબ્દ સાંભળો એટલે તમારા દિમાગમાં કોઈ ચપ્પટ વાળ બાંધેલી, સ્લીમ, સરસ મેકઅપ કરેલી, યુનિફોર્મમાં હોય તેવી, વીસ-પચીસ વર્ષની ઉંમરની ઘઉંવર્ણ કે ગોરી આકર્ષક સ્ત્રીની કલ્પના આવે. આવી એરહોસ્ટેસોને લીધે એરલાઈન સક્સેસ નથી જતી. એમ થતું હોત તો કિંગફિશર અત્યારે ટોપ પર હોત. આમ છતાં બિઝનેસ માટે ટ્રાવેલ કરતાં મેલ ટ્રાવેલર્સને લીધે એરલાઈન્સમાં ઓન બોર્ડ સર્વિસમાં એરહોસ્ટેસનો દેખાવ હજુ પણ અગત્યનો ગણવામાં આવે છે. જોકે એર-ઇન્ડિયા વર્ષોથી આવા કોઈ નિયમોમાં બંધાયું નથી અને એનો સ્ટાફ એમાં બંધાવા માંગતો નથી. એટલે જ હમણાં જયારે એરહોસ્ટેસના વજન અને બોડી માસ ઇન્ડેક્સ (હાઈટ અને વજનનો ચોક્કસ ગુણોત્તર) અંગે કોઈ સરક્યુલર આવ્યો ત્યારે તેનો ‘ભારે’ વિરોધ થયો હતો.

આજકાલ મોટાભાગની એરલાઈન્સ નો ફ્રિલ એરલાઈન બની ગઈ છે અને ઓન બોર્ડ પાણી સિવાય કશું પણ મફત પીરસતી નથી. આવામાં એરહોસ્ટેસને ભાગે જાહેરાતો કરવા અને કુર્સીની પેટી કેવી રીતે બાંધવી અને ઢીલી કરવી એના ડેમોન્સ્ટ્રેશન સિવાય ખાસ કરવા જેવું કામ નથી હોતું. હવે બિચારીને દોડાદોડી કરવાની જ ન હોય તો વજન વધે પણ ખરું! એમાં બુમો પાડવાની ન હોય. એ એરલાઈન્સના મેનેજમેન્ટે વિચારવાની બાબત છે. પહેલા તો વેટ ટોવેલ ચોકલેટ, નાસ્તો, કોલ્ડ ડ્રીંક, છાપા વગેરે આપ-લે કરવામાં બિચારીઓ વિમાનમાં ને વિમાનમાં રોજ પાંચ-દસ કિલોમીટર ચાલી નાખતી હતી!

જોકે હૃષ્ટપુષ્ટ એરહોસ્ટેસ હોય તો એના ઘણાં ફાયદા છે. એક તો કોઈને એરલાઈન પગાર બરોબર આપતી હશે કે કેમ એ વિષે લોકોને સંશય ન રહે. આ ઉપરાંત તંદુરસ્ત હોય તો લોહીની ઉણપ, એનિમિયા જેવી તકલીફો હોવાની શક્યતા ઓછી રહે જેથી તેઓ દોડીને કામ કરી શકે છે. તંદુરસ્ત એરહોસ્ટેસો પ્લેનના સાંકડા પેસેજમાં ઊભી હોય તો કારણ વગર અવરજવર કરતાં રસિકજનો પણ પોતાની વૃત્તિઓ કાબુમાં રાખી જગ્યા પર બેઠા રહે તો એની આજુબાજુ બેઠેલાઓને અગવડ ઓછી પડે. એરહોસ્ટેસ તંદુરસ્ત હોય તો મહિલા પ્રવાસીઓ જેલસ ન થાય અને વિમાનમાં પણ ઘર જેવું ફીલ કરે. જોકે ફ્લાઈટમાં આવી ચાર-પાંચ એર હોસ્ટેસ હોય તો પછી પેસેન્જરોના લગેજ પર કાપ આવી શકે છે.

આખરે વજન શું છે? ફિગર શું છે? એક આંકડો? આંકડાની માયાજાળમાં પડવું નહિ એવું સંતો અને સત્સંગીઓ કહે છે. કરિના ઝીરો ફિગર ધરાવતી હોવા છતાં એને બીજવર મળ્યો. રાખી સાવંત પણ ઠીક ઠીક ફિગર ધરાવે છે પણ એ ફિગર અને નખરા એને ૨૦૦૦ વોટ પણ ઇલેક્શનમાં અપાવી ન શક્યા. ચૂંટણીમાં ચંડીગઢના ‘બેટલ ઓફ ડિમ્પલ્સ’માં પણ નાજુક ગુલ પનાગ સામે વજનદાર કિરણ ખેર જીતી ગઈ. આ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભૂતકાળમાં અનેક ધરખમ અને ભારેખમ હિરોઈનો પડદા ધ્રુજાવી ચુકી છે. એમાંની અમુક ચાંદ પર ઉતરે તો ચાંદ ખુદ ધરતી પર આવી જાય એવી પણ હતી. એમના વજનને અનુલક્ષીને જ કદાચ ‘ધરતી પે ચાંદ ઉતર આયા…’ કે ‘ચાંદ આયા હૈ ઝમીં પર…’ જેવા શબ્દો લખાયા હશે એવું લાગે. છતાં એમના દીવાનાઓ પણ હજારોની સંખ્યામાં હતા. જો કે વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હાના ચાહકો જોતાં એવા દીવાનાઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય. એમ તો પરિણિતી ચોપડાએ કપ કેકસ્ ખાઈને ‘ચોપડા’માંથી ‘થોથું’ થઈ ગઈ છે, પણ એનાય અગણિત ફેન્સ છે! હમણાં જ બધાં અખબારોના પહેલા પાનાં ઉપર જેમના ફોટા ચમક્યા હતાં એવી હેવી વેઈટ મહિલાઓ રાજકારણમાં તો ઘણી છે.

આમેય એવું કહ્યું છે કે સુંદરતા જોનારની આંખમાં હોય છે. એટલે એરહોસ્ટેસના દેખાવ સુધારવાને બદલે કંપનીએ જોનારની દ્રષ્ટિ સુધારવા કોશિશ કરે તો ઘણો ફાયદો થાય. જેમ કે એરપોર્ટ પર યોગા અને પ્રાણાયામ કરવાની સગવડ કરે કે ધાર્મિક પ્રવચનોના વિડીયો પ્લે કરે તો આપણી પ્રજા થોડી સુધરે. પ્લેનમાં સૌન્દર્ય શોધતાં રસિકજનો એરપોર્ટ પર પોતે કેટલી ગંદકી કરે છે, લાઈનોમાં ઘૂસ મારે છે, ફોન પર જોશજોશથી વાતો કરે છે. એ પણ એક પ્રકારનું અસૌન્દર્ય જ છે. જે લોકોને એમ લાગતું હોય કે પ્રૌઢ કે સુંદર ન દેખાતી એરહોસ્ટેસ ધરાવતી એરલાઈનમાં સફર કરવી એ સજા છે, તો એ સમજી લેવા જેવું છે કે કામુક, પાન-મસાલો ચાવતા અને ગંદા દાંત ધરાવતા, ફોન પર અસભ્યતાથી મોટે મોટેથી વાતો કરતાં અને દારૂ પીને વાંદરા બની જતા પેસેન્જરો એ એરહોસ્ટેસ માટે સજારૂપ જ છે! n

8401

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to એર હોસ્ટેસનું વજન

  1. Ketan કહે છે:

    Very funny. Like the article.

    Like

  2. jiten કહે છે:

    એરહોસ્ટેસ તંદુરસ્ત હોય તો મહિલા પ્રવાસીઓ જેલસ ન થાય અને વિમાનમાં પણ ઘર જેવું ફીલ કરે. જોકે ફ્લાઈટમાં આવી ચાર-પાંચ એર હોસ્ટેસ હોય તો પછી પેસેન્જરોના લગેજ પર કાપ આવી શકે છે.ha ha ha…. mahila pravasio pan vajan upar ticket no rate nakki thai jase aa artical એરલાઈન ma gambhirtathi levase to…………………….

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s