ભર ચોમાસે દિવાળી


Bhar Chomase Diwali

To read this and other articles online on Feelings Gujarati Fortnightly magazine, click on the image.

ભલે એવું કહેવાતું હોય કે ‘વહુ અને વરસાદને જશ નહિ’, પણ આભમાં મેઘો મંડાણો હોય ત્યારે વર અને સાસરિયાને ગરમાગરમ દાળવડા કે ભજીયા ખવડાવનાર વહુને જરૂર જશ મળે છે એવું બધિરદાસ બાપુનું કહેવું છે. જો કે યશ દરેકના નસીબમાં નથી હોતો અને અમારા નસીબમાં તો નથી જ એ આ ઘટના પરથી સમજાઈ જશે.

એક વરસાદી સાંજે હું હિંચકા પર બેઠો બેઠો વરસાદના છાંટા પડતા જોઈ રહ્યો હતો ત્યાં અચાનક જ દરવાજામાં અમારા બહેરી પ્રિયા પ્રગટ થયા અને મને સંબોધીને બોલ્યા,

‘તમે અહીં બેઠા બેઠા શું કરો છો?’

‘તું ભજીયા બનાવીને લાવે એની રાહ જોઉં છું.’ મે આંખ મિચકારીને ટોળમાં જ કહ્યું.

‘મુઆ તમારા ભજીયા. ઉભા થાવ અને પાછળ જઈને તાર ઉપર કપડા સુકાય છે તે ઉતારી લો. વરસાદ શરુ થયો છે તે ભીના થઇ જશે.’

‘આટલું કહેવા માટે તું અહીં સુધી આવી એના કરતાં બેકયાર્ડમાં ગઈ હોત તો અત્યાર સુધીમાં કપડા લેવાઈ ગયા હોત.’

‘પણ કેવી રીતે જાઉં? મારા હાથ લોટના ખીરાવાળા છે અને પાછળ ચોકડીમાં વાંદરા બેઠા છે.’ એ જરા ગુસ્સામાં બોલી.

‘લોટવાળા હાથે શું વાંધો છે? વાંદરાઓમાં એઠાં-જુઠાનો બાધ નથી હોતો.’

‘અરેરે… પણ લોટવાળા હાથે કપડાં કેવી રીતે લઉં? જલ્દી ઉભા થાવ…’

આટલું બોલીને બબડતી બબડતી અંતર્ધ્યાન થઇ પણ જતાં જતાં એટલું ચોપડાવતી ગઈ કે ‘તમારા કરતાં તો વાંદરાને સમજાવવા સહેલા પડે.’

હું ઉભો થઇને રસોડામાં ગયો અને પાછળના દરવાજામાંથી બહાર જોયું તો વાસણ માંજવાની ચોકડી અને પાણીની ટાંકી પર પાંચ છ બંદરો બેઠા હતા. બે નાની બચુડીઓ એઠવાડની ડોલ ઉંધી વાળીને એમાંથી જાફત ઉડાવી રહી હતી. એમના બુઢીયાએ દાંતિયા કરીને મારું સ્વાગત કર્યું. એમની સાથે વાટાઘાટોનો કોઈ સવાલ જ નહોતો એટલે મેં હાથ ઉગામીને ‘હટ્ટ… હટ્ટ…’ એવો અવાજ કર્યો. સામે પેલાએ ચાર પગે થઇને તરાપ મારવાની પેરવી કરી. હું પાછો પડ્યો. છુટકો નહોતો. એ લોકો તૈયાર હતા અને હું નિશસ્ત્ર હતો. અચાનક મને એક આઈડિયા આવ્યો એટલે મે પ્રિયાને કહ્યું,

‘ગઈકાલે તેં ટી.વી. પર જોઈને નાનખટાઈ બનાવી હતી એ ક્યા ગઈ?’

‘અહીં ભજીયા બને છે અને તમારે નાનખટાઈ ખાવી છે? પહેલાં તમે કપડા અંદર લઇ લો ત્યાં સુધીમાં ભજીયા બની જશે.’

‘અરે પણ મારે નાનખટાઈ ખાવી નથી.’

‘તો શું કામ જોઈએ છે?’

‘વાંદરા ભગાડવા!’

‘હેં? આ શું બોલો છો?’

‘અરે તને ખબર નથી કે તારા હાથમાં શું જાદુ છે! યાદ છે, ગઈ વખતે તેં પીઝા બનાવ્યા હતા અને જરા ચવડ બની ગયા હતા એટલે આપણે કૂતરાને નાખ્યા હતા? પછી એ પીઝા જ્યાં સુધી સ્વીપર કચરા સાથે ઉપાડી નહોતી ગઈ ત્યાં સુધી આપણી સોસાયટીમાં એક પણ કૂતરું દેખાતું નહોતું! એટલે તું જલ્દી નાનખટાઈ લાવ સાલા બંદરોને ખોડ ભૂલવાડી દઉં!’

પ્રિયાનો પ્રતિભાવ અપેક્ષિત હતો. જાણે પ્રેશર કૂકરની વરાળ છૂટતી હોય એવા અવાજે એ બોલી ‘બહુ દોઢડાહ્યા થયા વગર અંદરથી મરચી બોમ્બ લાવીને ફોડો એટલે તમારા સગલા જાય અહીંથી.’

વાંદરા ભગાડવા માટે ટેટો ફોડવો એ બહુ ક્રૂરતા ભર્યું કૃત્ય ગણાય એટલે અમે ન છુટકે જ એનો ઉપયોગ કરીએ છીએ. થોડીવારમાં પ્રિયા ફટાકડાના બોક્સ સાથે પ્રગટ થઇ. મેં એક બોક્સમાંથી એક મરચી બોમ્બ ઉઠાવ્યો અને બોક્સ પગ આગળ નીચે મુક્યું. પેલો બુઢિયો અમારી નાનખટાઈવાળી વાત સાંભળી ગયો હોય કે ગમે તેમ પણ કંઇક ખાવા મળશે એ આશાએ ફટાકડાના બોક્સ તરફ જોવા લાગ્યો. પછી ઘણું બધું એક સાથે બન્યું.

બહાર જઇને બોમ્બ ફોડવાનો સવાલ જ નહોતો એટલે મેં બોમ્બ સળગાવીને ફેંકવા માટે દીવાસળી સળગાવી અને પલીતો ચાંપ્યો. એજ વખતે પેલા બુઢીયાએ ફટાકડાના બોક્સ માટે તરાપ મારી! મેં ગભરાઈને સળગતો બોમ્બ બહાર ઉલાળી મુક્યો અને બે ડગલા પાછા જઈને ધડાકો થાય એની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં મોટ્ટો ધડાકો થયો. વાંદરા તો રફુ ચક્કર થઇ ગયા, પણ ધુમાડો હટ્યો ત્યારે જોયું તો સામે તાર ઉપર પ્રિયાના કીમતી ડ્રેસ અને સાડીઓના લીરા લટકતા હતા!

આ પછી શું થયું એ જાણવાની તમને ખુબજ ઈચ્છા હશે પણ તમે મારું તો વિચારો ભલા માણસ! હાળું, મેં કોશિશ કરી એનો જશ મળવાનો તો બાજુ પર રહ્યો પણ મારે ભર ચોમાસામાં દિવાળી થઇ ગઈ એ તો જુઓ!

सुन भाई साधो …

પત્નીની હા જી હા કરતાં અમેરિકન પતિ ને શું કહેવાય?
‘યાયાવર’!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , , . Bookmark the permalink.

4 Responses to ભર ચોમાસે દિવાળી

  1. Deepak Solanki કહે છે:

    nice…હસવુ આવ્યુ ખરુ…

    Like

  2. maytrig કહે છે:

    lolxx YaaYaaVar :p

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s