વર અને વરસાદને જશ નહિ


NGSગુજરાતીમાં એક ખોટી કહેવત છે કે વહુ અને વરસાદને જશ નહિ. સંયુક્ત કુટંબ સમયની આ કહેવત હશે જયારે વહુઓ કામ કરી કરીને મરી જતી અને એમને કોઈ જશ નહોતો મળતો હોય. બહુ જૂની વાત થઈ એ તો. બાકી પુરેપુરી શક્યતા એ છે કે કોઈએ આ કહેવત ટ્વિટ કરી હશે અને ઓટો-કરેક્ટને કારણે વરની જગ્યાએ વહુ લખાઈ ગયું હશે. આવું જો ભૂલથી ન થયું હોય તો હવે રાઈટ ટાઈમ છે ભૂલ સુધારીને આ કહેવતમાં ફેરફાર કરવાની. વર અને વરસાદ શબ્દમાં આમેય ઘણી સામ્યતા છે.

વરસાદ સમયસર આવે તો એની કિંમત નથી હોતી. વહેલો આવે તો એ કમોસમીમાં ખપે છે. તંત્ર અને લોકો ઊંઘતા ઝડપાય છે. છેવટે એને એમ થાય કે આના કરતાં તો ન આવ્યો હોત તો સારું થાત. વરનું પણ આવું જ નથી? ઓફિસથી ઘેર આવે તો ટોણો મારવામાં આવે કે ‘કેમ વહેVar ane Varsadલા?’ એનું વહેલા આવેલું માથે પડે, કારણ કે પેલીને ચિંતા હોય કે વહેલો આવ્યો છે તો ચા માગશે, નાસ્તો માગશે કે પછી ટીવીનું રીમોટ પકડીને મેચ જોવા બેસી જશે. માણસ રોજ મોડો આવતો હોય તો એનાં વહેલા આવવાની કદર થાય છે. પણ સમયસર ઘેર આવનાર જો સમય કરતાં વહેલો આવે તો એની કદર નથી થતી, પૂછપરછ થાય છે. વર અને વરસાદ શરૂઆતમાં સારા લાગે છે. પણ એકવાર જામે પછી એની કિંમત નથી થતી. ‘સવારે આવ્યો’, ‘ઓફિસ જવાના સમયે જ પડે છે,’ ‘રજાના દિવસે પડે તો જવું ક્યાં?’ આવી ફરિયાદો વરસાદ માટે થાય છે. જોકે ગંદકી બેઉને કારણે થતી હોવાની ફરિયાદ સાંભળવા મળે છે.

વરસાદ આ વખતે હાઉકલી કરીને જતો રહ્યો. એ દરમિયાન લોકો વતી ટીવી ચેનલોએ દુકાળની ચિંતા વ્યક્ત કરી. વિરોધપક્ષોનાં નેતાઓ શાસકપક્ષ કરતાં વધુ ચિંતાતુર થયા. પોલિસ વિભાગ પણ દુકાળ પડશે તો ચોરી-લુંટફાટ વધશે અને અપજશમાં ઉમેરો થશે એ વિચારે ચિંતિત થયો. શાકભાજીનાં વેપારીઓએ જે ઉગી ચૂક્યું છે એનાં પણ ભાવ વધારી દીધા. છાપાના ઉત્સાહી ફોટોગ્રાફરોએ કાળી માટી, કે જેનાં સ્વભાવમાં પાણી પીને ફૂલવાનું અને સુકાતાં સંકોચાઈને તિરાડોમાં પરિણમવાનું છે તેના ફોટા પાડીને લોકોને યથાશકિત બીવડાવ્યા. જોકે કેડમાં છોકરું અને માથે બેડા ઉચકીને આવતી પનિહારીનો ફોટો અને નીચે 21મી સદીના ગુજરાતની દશા પર કટાક્ષ કરતા કેપ્શન સાથેની ફોટો સ્ટોરી હજી સુધી આવી નથી એ ગનીમત છે. એકંદરે પાલિકા કર્મીઓ કે જે વરસાદ આવવાથી દોડતાં થઈ જાય છે એ સિવાય સૌએ ચિંતા વ્યક્ત કરી.

વર અને વરસાદ બેઉ ભીના કરે છે. વરસાદ સહુને ભીના કરે છે અને વર ઘર માટે પરસેવો પાડીને પોતાના કપડા ભીના કરે છે. વર અને વરસાદ બેઉ તોફાની હોય છે. વરના તોફાનો પર વહુનો કાબુ હોઈ શકે છે, પણ વરસાદના તોફાનો પર કોઈનો કાબુ નથી હોતો. વર અને વરસાદ બેઉ મેકઅપ ખરાબ કરે છે. વર અને વરસાદ બેઉ પડે છે. એકનાં સ્વભાવમાં પડવું છે બીજો લગ્ન કરીને પડે છે. ખાડામાં. ઘણી વખત વરસાદ ખેંચાઈ જાય છે, વર પણ પત્નીનું શોપિંગ, વહેવાર અને ઘર ખર્ચમાં ખેંચાઈ જતો હોય છે. વરસાદ ઝરમરથી લઈને ધોધમાર વરસે છે. વર મરતાં મરતાં હસી શકે છે. ખડખડાટ હસવા માટે તો એને ઓફિસ કે બેચલર પાર્ટીમાં જવું પડે છે.

જોકે વરસાદ પર જેટલી કવિતા થાય છે એટલી વર પર નથી થતી. વરના આગમનથી મોર તો શું કૂતરું ય થનગાટતું નથી. ટહુકા તો બાજુ એ રહ્યા પણ કોઈ ભાવથી ‘આવો’ કહે તોય પાર્ટી ધ્રુસકે ચડી જાય એવી એની મનોદશા હોય છે. વરસાદનું સ્વાગત મકાઈ અને દાળવડા ખાઈને થાય છે. વરના આગમન સાથે ‘ડ્રાય ક્લીનમાંથી સાડી લાવ્યા?’, ‘કરીયાણાનું બિલ ચુકવ્યું?’, ‘મામીને ત્યાં ડોલચું આપી આવ્યા?’ એવા સવાલો પૂછીને એનું મગજ ખાવામાં આવે છે. વરસાદ આવે ત્યારે કડાકા અને ભડાકા થાય છે. જયારે કડાકા અને ભડાકા કરવાની વરની ઈચ્છા તો ઘણીય હોય છે પણ પછી મનમાં જ મેરેજ અને મનમાં જ ડાયવોર્સ થઇ જતા હોય છે! વરસાદના વધામણા આખું ગામ ખાય છે જયારે વરને વરની મા સિવાય કોઈ પૂછતું નથી.

જોકે આટલું બધું લખ્યા પછી અમને એ વિચાર આવે છે કે વરની સરખામણી કોઈની સાથે શું કામ કરવી? બિચારાની પોતાની કોઈ આઇડેન્ટિટી જ નહી? પરણ્યો એટલે પઈનો?

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , . Bookmark the permalink.

1 Response to વર અને વરસાદને જશ નહિ

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s