વ્હાય શુડ વિમેન ડુ ઓલ ધ વ્રતાઝ?


NGSસોશિયલ મીડિયા પર આજકાલ હોટ ચર્ચા ચાલી રહી છે. ‘શું કામ બધાં વ્રત સ્ત્રીઓએ જ કરવા?’ આ થીમ હેઠળ જે પોતે કદી વ્રત નથી કરતી એવી નારીઓ અન્ય સ્ત્રીઓ પર પીઅર પ્રેશર નાખી રહ્યાં છે. એમાં નારીઓના વાદે ચઢેલા કેટલાક નારીવાદીઓ પણ જોડાયા છે. જોકે વાત તો સાચી છે. વ્હાય શુડ વિમેન ડુ ઓલ ધ વ્રતાઝ? વ્રત કરવાની જરૂરિયાત જેટલી સ્ત્રીઓને છે એનાથી વધારે પુરુષોને છે, કારણ કે વ્રત ‘સેલ્ફ-કંટ્રોલ’ માટે હોય છે જેનો પુરુષોમાં સદંતર અભાવ હોય છે.

Why Should Women Do All Vratas

To Read this and other articles on Navgujarat Saay E-Paper, click on the image.

સ્ત્રીઓ પુરુષોના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજ અને કરવા ચોથ જેવા વ્રત કરે છે. વ્રતના દિવસે ભૂખ્યા રહી, રાત્રે ચન્દ્ર ઉગ્યા પછી પતિનું જેવું હોય તેવું મોઢું જોઈ અને પછી ઉપવાસ મુકે છે. સામે પેલો પાન-મસાલા ખાઈ, સિગરેટ ફૂંકીને આયુષ્ય ઓછું કરતો હોય છે. ઉલટાનું પત્નીનું આયુષ્ય વધે એ માટે પુરુષોએ ઉપવાસ કરવા જોઈએ કારણ કે પત્નીની ગેરહાજરીમાં એમને બેઠાબેઠા ખવડાવવા કોઈ નવરું નથી હોતું! પત્નીએ પણ આખો દહાડો જે ખાધું-પીધું હોય એનાં ફોટા ઇન્સ્ટન્ટ પતિદેવને વોટ્સેપ કરવા જોઈએ પછી ખબર પડે કે ભાઈની ઇચ્છાશક્તિ કેવી છે!

આપણે ત્યાં કુમારિકાઓ સારો પતિ મળે એ માટે સોળ સોમવારનું વ્રત કરીને મહાદેવજીને પ્રસન્ન કરે છે. અમારા મતે આ જરૂરી પણ છે. આજકાલ સદાચારી નેતાની જેમ સારો પતિ મળવો એ પણ એટલું જ દુષ્કર કાર્ય છે. પુરુષોએ પણ સોળ શનિવાર કરી હનુમાનજીને પ્રસન્ન કરી સારી પત્ની મળે તેવું વ્રત કરવું જોઈએ. એમાં પણ લેવલ ઓફ ડિફીકલ્ટી વધારવા દારૂ, સિગરેટ, ગુટકા અને તમાકુ ફરાળી ન ગણાય તેવો કાયદો લાવવો જોઈએ. સીધી વાત છે – તમે વ્રતમાં છટકબારીઓ કાઢો તો પત્ની પણ એવી જ મળે, પછી ત્રાહી મામ્ કરીને તમે શ્રી હનુમાનજીને હલાવો એ ન ચાલે.

પુરુષો ઉપવાસ કરે તો ફળાહાર વગર નથી કરતાં. ઉપવાસના દિવસ અગાઉથી જ એમની ફરમાઈશ આવી જાય કે “કાલે રાજગરાની પુરી, શિંગોડાના લોટની કઢી અને બટાટાની સુકી ભાજી બનાવજે, મ્યુનીસીપલ કોઠાના બફવડા અને મઠ્ઠો હું લેતો આવીશ.” લો કહો! આતો મહાદેવજી ભોળા છે એટલે ચલાવી લે છે બાકી અમે હોઈએ તો આવી આઇટમને ત્રિશૂળ જ ખોસી દઈએ અથવા એની ઉપર પોઠીયો છોડી મૂકીએ. વ્રતના પણ અવનવા નિયમો હોય છે. એમાં પુરુષોના વ્રતમાં એક નિયમ એવો નાખી દેવો જોઈએ કે બહારનું ખવાય જ નહિ. ફક્ત ઘરમાં જાતે બનાવ્યુ હોય એ જ ખવાય. પછી જુઓ ભાઈ કેળા અને બાફેલા બટાકા ઉપર ચાટ મસાલો ભભરાવીને ખાતાં થઈ જાય છે કે નહિ.

સ્ત્રીઓના વ્રતમાં જાગરણ પણ આવે. પુરુષોને તો એવા જાગરણમાં મઝા આવે. એમના માટે અવળું વ્રત હોવું જોઈએ. પત્નીવ્રતા પુરુષે આ વ્રતના દિવસે વહેલા સુઈ જવું પડે. એ દિવસે ટીવી ન જોવાય કે પછી વોટ્સેપ કે ફેસબુક પણ ન કરાય. વહેલા ઊંઘ ન આવતી હોય તેઓ માત્ર ભજન કરી શકે એ પણ પોતાના અવાજમાં અને તાળી પાડીને. આસપાસ પડોશના પુરુષો ભજન કરવા ભેગા થઈ શકે પણ ત્યાં શેરબજાર કે ફિલ્મોની વાત કરવાની મનાઈ હોય. વાતાવરણ સંપૂર્ણ ધાર્મિક હોવું જોઈએ.

અમુક પુરુષોને જાહેરમાં ખંજવાળવાની ટેવ હોય છે. એકવાર ચળ આવે પછી એમનું ‘એક તરફ સારી ખુદાઈ ઔર દૂસરી તરફ જોર સે ખુજાઈ’ જેવું થઇ જાય છે. અમુક તો ન રહેવાય તો સચિનની જેમ જગ્યા ઉપર જ ઢીચિંગ ઢીચિંગ ઉંચા-નીચા થઈને ખુજલી નિવારણ કરી લેતાં હોય છે. માન્યું કે ખુજલી રાખી સાવંતના સ્ટેટમેન્ટસ્ જેવી હોય છે જેનું કોઈ ઠેકાણું નહિ, પણ એટલે જ એનાં પર કન્ટ્રોલ લાદવા અમે એક વ્રત સંશોધિત કર્યું છે અને એ વ્રતનું નામ છે ‘નો ખુજલી વ્રત’. વ્રત કઠિન અને વ્રતધારીની પરીક્ષા કરે એવું છે. વ્રતના દિવસે પરિણિત પુરુષે પરોઢિયે જ હાથના બધા જ નખ કાપી અને નહાયા વગર જ કામે જવું. પછી આખો દિવસ ભગવાન માથે રાખીને જાહેરમાં તો ઠીક પણ એકાંતમાં પણ ખંજવાળવાથી પરેજી પાળવી. ચળની જગ્યાએ હળવેથી રૂમાલ ફેરવવાની, કાંસકા-ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાની કે વૈશાખનંદનની જેમ ભીંત સરસા ઘસાવા જેવા ‘ફરાળ’ની પણ મનાઈ! સંધ્યા ટાણે મુ. શાહબુદ્દીન ભાઈની ‘ઈ ખહ ને ઈ ખાટલા … જમાના ગ્યા’ વાળી ખુજલી કથા સાંભળવી. વ્રત છોડવા માટે રાત્રે કાન આડે ચીઝ ખમણવાની છીણી રાખીને ઘૂવડનો અવાજ સાંભળ્યા પછી જાતે ખણીને વ્રત છોડવું. આ વ્રત કરવાથી પુરુષમાં માથું ખંજવાળ્યા વગર પત્નીના પ્રશ્નોના જવાબ આપવાની હિંમત આવે છે. બાકી મહિલા આયોગ જો આ વ્રતનો કાયદો લાવે તો અમારે મહેશ ભટ્ટ પાસે આ વ્રત કરાવવું છે! બસ આટલું જ.
9665

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , . Bookmark the permalink.

5 Responses to વ્હાય શુડ વિમેન ડુ ઓલ ધ વ્રતાઝ?

  1. રિતેષ રાણા કહે છે:

    અતિ સુંદર બધિર ભાઈ, ઢીચિંગ ઢીચિંગ

    Liked by 1 person

  2. Takkartalk કહે છે:

    હા હા હા ….હેલેરીયસ….ખાસ કરીને સેકન્ડ હાલ્ફ ખુજલી વાળો …..:)

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s