વીઆઈપી ભેંસ


VIP Bhens

To read this and other articles online on Navgujarat Samay, click on this image.

યુપીના રાજકારણમાં નંબર ૨ ગણાતાં આઝમ ખાનની ભેંસો પણ આજકાલ સમાચારમાં છે. અત્યાર સુધી કોઈના કોઈ કારણોસર આઝમ ખાન હેડલાઈનમાં રહેતા હતાં. થોડા સમય પહેલાં તેમની સાત સાત ભેંસો ચોરાઈ ગઈ હતી. પછી મળી પણ આવી. એ ભેંસોને શોધવા માટે પોલીસે સ્નીફર ડોગ્ઝ પણ કામે લગાડ્યા હતાં. હવે નવું ભેંસ પ્રકરણ શરુ થયું છે. બન્યું એવું છે કે માનનીય મંત્રીશ્રીએ પંજાબથી પાંચ ભેંસો ખરીદી. તેમને પંજાબથી યુપીના સહરાનપુર થઈને ખાનસાહેબના વતન રામપુર સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે, યુપી પોલીસે એ ટ્રકને એમની હદમાં એસ્કોર્ટ કરી. એટલું જ નહીં સાહેબની ભેંસોને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી. રાતવાસા દરમિયાન ભેંસોને મચ્છર ન કરડે એ માટે પોલીસના પરગજુ ભાઈઓએ તાપણું કર્યું! ભેંસો મુસાફરીમાં થાકી ગઈ હશે એમ ધારી એમનાં માટે કંસારનાં આંધણ ચડાવ્યા! અમને તો એ ભેંસોના જન્માક્ષરમાં રસ છે. કેવા નસીબ લઈને જન્મી હશે નહીં?

જોકે, ભેંસને આ સન્માન મળ્યું એનાથી અમે તો ખુશ છીએ. જરા વિચારો કે ભેંસે સમાજને કેટલું બધું આપ્યું છે અને સામે સમાજે ભેંસને શું આપ્યું? આઝાદી પછીની મોટામાં મોટી ગણાતી શ્વેત ક્રાંતિની પાયાની ઈંટ ભેંસ ગણાય છતાં આપણે એને ‘ડોબું’ કહીને નવાજી છે. હા, એને ‘ડોબું’ કહેવાની મનાઈ જરૂર ફરમાવી છે પણ એ ફક્ત ચોક્કસ ધર્મ પાળતી વ્યક્તિની ભેંસને જ. ‘ભેંસ આગળ ભાગવત’, ‘અક્કલ બડી કે ભેંસ?’, ‘ગઈ ભેંસ પાણી મે’ – આવા રુઢિપ્રયોગો ભેંસનો સંદર્ભ લઈ પ્રયોજાય છે! બાકી હોય એમ ‘ધોકે ડોબું દોહવા દે, ધોકે છોકરું છાનું રહે’ જેવા હિંસક જોડકણા પણ બનાવાયા છે! આટલું ઓછું હોય તેમ ઓવરવેઈટ કે અશ્વેત સ્ત્રીને ભેંસ સાથે સરખાવવામાં આવે છે. કેમ? ભેંસ તરફી કોઈ બોલનાર નથી એટલે?

એક રીતે જોઈએ તો ગાયને બોલીવુડની દીપિકા જેવું સ્થાન મળ્યું છે જ્યારે ભેંસને આપણે સોનાક્ષીની કક્ષાએ રાખી છે. બંને કરોડો કમાઈ આપે છે, પણ સોનાક્ષીની જેમ જ ભેંસને પણ પુરતો જશ મળતો નથી. રસ્તા પર ટ્રાફિક જામ કરતી અને લોકોને શીંગડે ચડાવતી દીપિકા, સોરી ગાયને બધા પૂજે છે, એનું પૂછડું પણ આંખે અડાડે છે. જ્યારે ભેંસ હમેશા ઉપહાસનો વિષય રહી છે. સમજોને કે બંને સરખા કમ-ટેલેન્ટેડ હોવા છતાં લોકોએ દીપિકાને ચગાવી મારી છે એવું જ. આ હિસાબે ખરેખર તો યુ.પી. પોલીસનું સન્માન થવું જોઈએ એના બદલે ટીકા થઇ રહી છે, જે દુખદ છે.

NGSઆમ જુઓ તો ભેંસ પાસેથી ઘણું શીખવા જેવું છે જેમ કે, નિર્ભયતાથી આગળ વધવાનું! કવિ નર્મદની ‘ડગલું ભર્યું તે ના હટવું ના હટવું…’ પંક્તિને દરેક ભેંસે પોતાનાં જીવનમાં આત્મસાત કરેલી જણાય છે. એક વાર એ રોડ પર પગલું માંડી દે પછી નાની સાયકલ હોય કે મોટી ટ્રક, કોઈ એને રોકી શકતું નથી. એનો રૂઆબ એટલો કે ભલભલા વાહને ઉભા રહીને એને માન આપવું પડે છે. આવો રુતબો ફક્ત આર.ટી.ઓ.ના અધિકારીઓને જ સુલભ છે એવું કહેવાય છે.

થોડા સમય પહેલાં અમે એવાં સમાચાર વાંચ્યા હતાં કે બન્ની પ્રદેશની ભેંસોની કિંમત અઢી લાખ રૂપિયા છે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા દોરવાયેલા લોકો એવું કહે છે કે ભેંસ કરતાં તો નેનો લેવી સારી પડે! પણ એમની માન્યતા એમને મુબારક. ખોટા પ્રચારથી ભરમાશો નહિ. નેનો સામે ભેંસના જે ફાયદા અમને દેખાયા છે એની પર જરા નજર નાખશો એટલે દૂધનું દૂધ અને પેટ્રોલનું પેટ્રોલ થઇ જશે. પહેલું તો ભેંસ એ ગ્રામ્ય વિસ્તારની BRTS છે – ભેંસ રીલાયેબલ ટ્રાન્ઝીટ સીસ્ટમ. બીજું, એમાં પેટ્રોલની જરૂર પડતી નથી. એને ચલાવવા માટે લાઈસન્સની કે પીયુસી કઢાવવાની જરૂર પડતી નથી. એને રોંગ સાઈડમાં પણ ચલાવી શકાય છે. સીટ બેલ્ટ બાંધ્યા વિના ભેંસ ચલાવો તો પણ પોલીસ તમને ચલણ આપી નથી શકતો. આ ઉપરાંત ટર્નીંગ રેડિયસથી લઈને ગ્રાઉન્ડ ક્લીઅરન્સ સુધી ભેંસ ટેકનીકલી સુપીરીયર છે. આ ઉપરાંત ભેંસ દૂધ તો આપે જ છે!

સમગ્ર રીતે જોતાં અમને એવું લાગે છે કે આઝમ ખાનની ભેંસો માટે સહરાનપુર પોલીસે જે પણ કંઈ કર્યું તે બદલ એમને શેણી-વિજાણંદ એવોર્ડથી નવાજવા જોઈએ. જોકે એમને ભેંસોની આવભગત માટે સમય ઓછો પડ્યો હશે બાકી એમણે ભેંસોને નવડાવી, ધોવડાવી, ખરી-ક્યોર, શીંગડા-ક્યોર કરવા ઉપરાંત પુંછડાને શેમ્પુ કરીને એવી તૈયાર કરી હોત કે ખુદ ખાન સાહેબ એને ઓળખી ન શકત. આમ પણ સંસ્કૃતમાં ભેંસને महिषी કહે છે જેનો બીજો અર્થ ‘રાજરાણી’ એવો થાય છે. તો ફિર ઇતની ખાતિરદારી તો બનતી હૈ ભીડુ … n

મસ્કા ફન
નાડું બાંધતા પહેલાં એની મજબુતાઈ ચકાસો

એને ‘નાડી પરીક્ષણ’ ન કહેવાય!
10441

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s