80 – 20નો નિયમ


NGSપોલિસ થર્ડ ડીગ્રી વાપરે એટલે આરોપીઓ વટાણા વેરી નાખતાં હોય છે. પણ અમે આજે પોલીસની વાત નથી કરવા માંગતા. અમે ઈટાલીના ઈકોનોમિસ્ટ વિલ્ફ્રેડો પેરેટોની વાત કરીએ છીએ. ન્યુટને જેમ સફરજન પડતું જોઈ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો એમ ૧૯૦૬માં પેરેટોએ બગીચામાં વટાણા વીણતા-વીણતાં સંશોધન કર્યું કે એનાં બગીચાના ૮૦% જેટલા વટાણા ૨૦% છોડ પર ઉગે છે. પછી તો પેરેટોએ સંશોધન આગળ ધપાવ્યું અને એવું નોંધ્યું કે ઈટાલીની ૮૦ ટકા જમીન ૨૦ ટકા લોકો પાસે છે. અહીં વાતનો વિષય ઈટાલી નથી એટલે ખોટી કીકો મારશો નહી.

80-20 Principle

To read this and other articles online on Navgujarat Samay daily, click on this image.

વાત એ છે કે પેરેટોનાં આ અવલોકન પરથી મેનેજમેન્ટનો પ્રખ્યાત ૮૦-૨૦ રુલ મળ્યો. આ રુલ અનુસાર ૮૦% ઘટનાઓ ૨૦% કારણોસર ઘટે છે. આ નિયમનાં ઘણાં ઉદાહરણો વ્યવહારમાં મળી આવે છે. જેમ કે ૮૦% સેલ્સ ૨૦% કસ્ટમર તરફથી અને બાકીનું ૨૦% સેલ્સ ૮૦% કસ્ટમર તરફથી આવે છે. એમાં પાછું આ ૨૦% સેલ્સ આપનારા ૮૦% ફરિયાદ અને બબાલ માટે જવાબદાર હોય છે. સેલ્સ બાબતે ઘણાંને અનુભવ છે કે ૮૦ % પ્રોડક્ટ્સ ૨૦% સેલ્સમેન્સ વેચી આવતાં હોય છે. વેલ્થની રીતે જોઈએ તો આપણા દેશનું ૮૦ ટકા ધન ૨૦ ટકા ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો અને એક્ટરોના હાથમાં છે.

આ અનુભવ સોશિયલ મીડિયા ઉપર પણ થાય છે. મોબાઈલ પર વોટ્સેપ નામની એપ્લીકેશનમાં ગ્રુપ બનાવવાની સગવડ છે. અમારી જેમ ઘણાં લોકોને પરાણે આ ગ્રુપમાં ‘એડ’વામાં આવે છે. એકવાર તમે ગ્રુપમાં એડાવ પછી તમારી અવદશા શરુ થાય. સવારે ગુડ મોર્નિંગ, જયશ્રી કૃષ્ણથી માંડીને રાત સુધી ગુડનાઈટ, સ્વીટડ્રીમ્સનાં ફોટા, મેસેજો અને વિડીયોનો મારો થાય છે. એટલી હદ સુધી કે આપણને શંકા જાય કે દેશમાં આપણા સિવાય કોઈ કામ કરે છે કે કેમ? પણ પછી ધ્યાનથી જુઓ તો ૮૦-૨૦ રુલ સાચો પાડતાં હોય એમ ૨૦% લોકો ગ્રુપમાં ૮૦% પોસ્ટ કરતાં જોવા મળે છે. ફેસબુક અને ટ્વીટરની ટાઈમલાઈન આ વીસ ટકા લોકોની પોસ્ટથી જ ભરાયેલી હોય છે. આ વીસ ટકાને પકડીને દુર કરો તો તમારા અડધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય, અને વોટ્સેપનાં ૮૦% ગૃપ્સ નિષ્ક્રિય પણ થઈ જાય!

બાકી એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં બોલાતી એંશી ટકા ગાળોનો ક્વોટા ગુજરાતની ફક્ત વીસ ટકા વસ્તી પુરો કરે છે. આ વીસ ટકા કયા એ જણાવવાની કોઈ જરૂર અમને જણાતી નથી. બોલીવુડની ૮૦% કમાણી ૨૦% ફિલ્મોમાંથી આવે છે. એમાં પણ મોટા ભાગનું ભેલાણ ખાન-ખિલાડી-સિંઘમ પ્રકારના ગોધા અને કેટ-દીપિકા-સોનાક્ષી પ્રકારની ગાયો કરી જાય છે. પછી વિદ્યા, કરીના, સોનમના હાથમાં આવે શું? શંખલા?

ક્રિકેટમાં પણ વીસ ટકા ખેલાડીઓ એંશી ટકા રન કરે છે. એમાં પૂછડિયા વીસ ટકા ખેલાડીઓ યાદગાર ઇનિંગ્સ રમી જાય છે. સરકારમાં એંશી લોકો ભેગાં થઈ વીસ ટકા કામ કરે છે, બાકીનું ૮૦% કામ કઈ રીતે થાય છે એ સમજવા તમારે આસ્તિક થવું પડે. દેશના વીસ ટકા લોકો એંશી ટકા ઇન્કમટેક્સ ભરે છે. જમવામાં વીસ ટકા આઇટમ્સ એંશી ટકા કેલરી આપે છે. વજન ઘટાડવાની જેને જરૂર હોય છે એ અડધી રાત્રે આંખો બંધ કરીને ફ્રીઝમાં હાથ નાખે તો પણ તેમના હાથમાં આ વીસ ટકા કેલરી-રિચ આઇટમ્સ જ આવે છે. પતિનો મૂડ બગાડવા માટે પત્ની ચૂંટેલી વીસ ટકા નસો દબાવતી હોય છે. પડ્યા ઉપર રોલરની જેમ વીસ ટકા કામ કરીને બોસ અથવા મેનેજર નામનું પ્રાણી તમારા કર્યા કારવેલાનો એંશી ટકા જેટલો જશ ખાટી જાય છે.

પણ જરા ઊંડાણપૂર્વક વિચારશો તો ખ્યાલ આવશે કે આ દુનિયા વિસીયાઓને કારણે ચાલે છે. દા.ત. એન્જીનીયરીંગમાં ૨૦% ચતુર રામાલિંગમો ટ્યુટોરીયલ્સ લેબમાંને લેબમાં જ સોલ્વ કરી, સાઈન કરાવી ઘેર જતાં હોય છે. બાકીના ૮૦% કોપીકેટો વાઈવા-સબમીશનના આગળના દિવસે આવા બોચાટોની ફાઈલ યેનકેનપ્રકારેણ મેળવી લે છે. પછી રાતપાળીમાં પેનો બદલી બદલીને ઉતારાપટ્ટી કરી સવારે બેંગકોક-રીટર્ન ગુજુભાઈ જેવો માસુમ ચહેરો બનાવીને વાઈવા માટે હાજર થઇ જતા હોય છે. આશ્ચર્યજનક રીતે રેન્ચો ઉર્ફે રણછોડદાસ ચાંચડ ઉર્ફે ફૂન્શુક વાંગડુઓ આ ૮૦% માંથી આવતા જોવા મળે છે!

પ્રશ્ન એ થાય કે ‘ખોદે ઉંદર અને ભોગવે ભોરીંગ’ના સિદ્ધાંત પર જલસા કરતા આ ૮૦% લોકો એટલે કોણ? અર્જુને મહાભારતના યુદ્ધ વખતે આ બાબતે પ્રભુને પૂછ્યું હોત તો ‘कर्म-फल सिद्धांत’ ની જેમ આપણને ‘अशीति-विंशति सिद्धान्त’ પણ મળ્યો હોત. પણ એમ ન થયું અને એમાં વિલ્ફ્રેડો પેરેટો ખાટી ગયા. ખરેખર જોઈએ તો દુનિયા અને દેશ આ વીસ ટકા લોકોને લીધે જ ચાલે છે. સારું છે એ લોકોને આ વાતની ખબર નથી નહિ તો તમારે અને અમારે ભેગા થઈને નવા વીસ ટકા બકરા ઉભા કરવાના થાત. બાય ધ વે, આપણા દેશની વસતિ વિશ્વની વસતિના લગભગ વીસ ટકા જેટલી જ છે પણ એમાંના સો એ સો ટકા પેલા એંશી ટકામાં આવે એવા છે! જય હો …

મસ્કા ફન

ચિત્ત તું શીદને ચિંતા ધરે
પત્નીને કરવું હોય તે કરે!
10441

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s