દલપતરામની એક બહુ જાણીતી કવિતા છે. એમાં શરણાઈવાળો પોતાની શરણાઈ પર મધુર રાગ છેડીને કલાની સઘળી કમાલ બતાવે છે છતાં અંતમાં શેઠ કહે છે કે પોલી શરણાઈ વગાડી એમાં શી નવાઈ, સાંબેલું વગાડી બતાવે તો હું જાણું કે તું ઉસ્તાદ છે. આ કવિતામાં દુ:ખદ વાત એ છે કે કવિએ શરણાઈવાળા પાસે થોડું આર એન્ડ ડી કરાવ્યું હોત તો કદાચ સોલીડ સ્ટેટ ઇલેક્ટ્રોનીક્સના સિધ્ધાંત પર ચાલતા મ્યુઝીકલ સિન્થેસાઇરની શોધનું શ્રેય આપણને મળ્યું હોત. પણ કવિતા જગતમાં ગુજરાતી/આર્ટસનાં પ્રોફેસરોનો હજુ દબદબો છે એટલે આવું ઘણું બધું નથી થઈ શકતું.
હવે તો લગભગ દરેક કક્ષાએ તમને આવા શેઠ ભટકાશે. મઝાની વાત એ છે કે જે તમારો શેઠ છે એ એના ઘરે શરણાઈવાળો બની જતો હોય એ શક્ય છે અને દેખીતી રીતે પીડિત જણાતો શરણાઈવાળો બીજે ક્યાંક કો’કના શેઠ પાસે છાશનું દૂધ કરાવતો જોવા મળી શકે છે. આમ જુઓ તો આપણે બધાં જિંદગીમાં ક્યારેકને ક્યારેક અને એક કરતાં વધારે વખત આ શરણાઈવાળાનો રોલ કરીએ જ છીએ. માત્ર શેઠના રોલ બદલાતા રહે છે. ક્યાંક એ બોસ હોય છે તો ક્યાંક એ પી.એચ.ડી.નો ગાઈડ. આપણે એમને ‘શેઠ’ તરીકે જ ઓળખીશું. દ્રષ્ટિ કેળવશો તો તમે પણ તમારા શેઠને ઓળખી શકશો.
અઘરા અને લગભગ અશક્ય ટાસ્ક આપવા એ શેઠ લોકોની ફિતરત રહી છે અને દરેક યુગમાં શેઠ લોકો શરણાઈવાળાઓ પર આ રીતે પોતાનું શાસન બેસાડતા રહ્યા છે. સામે પક્ષે શરણાઈવાળા પણ સાંબેલામાંથી સૂરાવલી છેડતાં હોવાનું દર્શાવી શેઠની ગુડ બુકમાં સ્થાન મેળવતા રહ્યાછે. દ્રૌપદી માટે ત્રાજવામાં ઉભા રહી, પાણીમાં પ્રતિબિંબ જોઇને મત્સ્યવેધ કરવાની શરત રાખનાર દ્રુપદ, ધનુર્વિદ્યાની પ્રેક્ટીકલ પરીક્ષામાં પક્ષીની આંખ વીંધવાનું ટાસ્ક આપનાર ગુરુ દ્રોણ અને સીતાજીના સ્વયંવરમાં શિવજીનું ધનુષ્ય ઉઠાવવાનું ટાસ્ક સોંપનાર રાજા જનક પણ એક પ્રકારના શેઠ જ હતા. આપણું રોજબરોજનું જીવન આવા શેઠોને આધીન છે.
નોકરીયાત વ્યક્તિના સૌથી પહેલાં શેઠ એટલે બોસ. પહેલાં એમને શેઠ કહેવાનો જ રિવાજ હતો જે હવે ભૂંસાતો જાય છે. આ બોસ નામનું પ્રાણી બહુ વિચિત્ર હોય છે. આજકાલ મેનેજમેન્ટની ડીગ્રી આપતી કોલેજોમાં આવા ભાવિ બોસ લોકોને આળસુ, શોર્ટકટીયા, બહાનાબાજ અને લેટ-લતીફ શરણાઈવાળા પાસે ખોળ પીલાવીને એમાંથી તેલ કઢાવવાની ખાસ તાલીમ આપવામાં આવે છે. તમે એસ્કીમોને જઈને ફ્રીજ વેચી આવો તો બોસ તમને સાથે પાંચ વરસનો સર્વિસ કોન્ટ્રાક્ટ કેમ સાઈન ના કરાવ્યો? એવું પૂછશે. પાછું તમને આજે જે કામ આપે છે એ એને ગઈકાલે જોઈતું હોય છે. પછી તમે ઓવરટાઈમ કરીને, ઘરવાળી કે ગર્લફ્રેન્ડ સાથે પિક્ચર જોવાનાં પ્રોગ્રામમાં પંચર પાડીને, ઉતાવળે તૈયાર કરી આપેલા રીપોર્ટમાં તમને દેખાઈ ન હોય એવી ગ્રામરની ભૂલો, ફેક્ચ્યુંઅલ એરર્સ અને ફોર્મેટિંગની ત્રુટિઓ શોધી બતાવશે. પછી તો અપ્રીસીએશન ગયું તેલ લેવા, એ તમને તમારી અસહ્ય ભૂલો માટે માફી માંગતા કરી દેશે.
પતિને અઘરા ટાસ્ક આપવાની પત્નીની ક્ષમતા તો વિશ્વએ સ્વીકારી છે એટલે અમારે કંઈ ઉમેરવાનું નથી. પ્રભુ શ્રી રામ તો અંતર્યામી હતા અને એ જાણતા પણ હતા કે સુવર્ણનું મૃગ હોઈ જ ન શકે (न भूतपूर्वं न कदापि वार्ता हेम्न: कुरंग न कदापि दृष्ट) છતાં પત્નીના આગ્રહ વશ એમણે પણ ધનુષ-બાણ લઈને સુવર્ણ મૃગ પાછળ દોડવું પડ્યું હતું. શક્ય છે કે કવિતાનો શેઠ પરદેશથી આવતી વખતે પત્નીએ મંગાવેલી ચીકુ કલરની લીપ્સ્ટીક, ગાજર કલરનું ટી-શર્ટ કે ભીંડા કલરનું નેઈલ એનેમલ લાવવામાં થાપ ખાઈ ગયો હશે જેના માટે પત્ની તરફથી મળેલો લોડ એ પેલા શરણાઈવાળા પર ટ્રાન્સફર કરીને હળવો થઇ ગયો હોય.
મનુષ્યનો ત્રીજો શેઠ છે આપણા નોકર-ચાકર. આમ સાંસારિક રીતે આપણે શેઠ છીએ અને એ નોકર છે. પણ વ્યવહારમાં એ શેઠ છે અને આપણે નોકર છીએ. આ બુર્જે ખલીફા લેવલની ફિલોસોફી છે જે આધ્યાત્મિક લાઈનવાળા જલ્દી સમજી જશે. આમ તો આ નોકર-ચાકર કલ્ચર જ ખોટું છે. માણસે સ્વાશ્રયી બનવું જોઈએ અને પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. આવું ગાંધીજીએ કહ્યું જ હશે એવું અમે સંદર્ભ જોયા વગર કહીએ છીએ. પણ આમ બધું કામ જાતે કરીએ તો કેટલા લોકોના પેટ પર લાત પડે એ પણ વિચારવું ઘટે. જોકે મનોવાંછિત પગાર, જમવાનું, સફાઈ-ધોવા માટે જોઈએ પ્રકારના સાધનો, કામ કરવાનો સમય એ બધાંને તમે અનુકુળ થાવ તો પણ એ ખુશ થઈને રજા પાડવા અગાઉ નોટીસ આપવાની તસ્દી લેતો નથી.
જોકે સૌથી મોટો શેઠ સરકાર છે. તમે ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઈઝ, ટોલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ બધું કેટલુંય ભરો તો પણ કોકને કોક ડિપાર્ટમેન્ટ હાથમાં નોટીસ લઈને તમારી પાછળ ફરતું જ હોય છે. જાણે તમને ચેલેન્જ કરતું હોય કે આ ભરી બતાવે તો ખરા! છેવટે લોકોને હાથ ઉંચા કરવાનો વારો આવે છે!એમાંય આજકાલ સરકારમાં એવાં શેઠ બેઠાં છે જે શરણાઈવાળો શરણાઈ વગાડવાની શરૂઆત કરે ત્યારે આમલી બતાવે!
—
મસ્કા ફન
ફિલ્મસ્ટાર્સની દેખાદેખીમાં આપણી પ્રજા સિક્સ પેક બનાવવા તો જાય છે, પણ બની જાય છે ફેમીલી પેક કે પાર્ટી પેક.