પોલિસની વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ


NGSઇઆઇએમ જંકશન પાસે ચાર તિબેટીયન ચીની પ્રમુખના રસાલાને જોવા કુતુહલવશ આવ્યા હશે તેમને પોલીસે રાઉન્ડઅપ કરી વાનમાં બેસાડી દીધાં હતાં. જોકે જયારે ખબર પડી કે હજુ એક યુવાન ક્યાંક બહાર છે, ત્યારે પોલીસે તેની સઘન તપાસ ચાલુ કરી હતી. એક તબક્કે એક ઉચ્ચ અધિકારીએ ટોળાને પૂછ્યું હતું કે ‘તમારામાંથી કોઈ ચાઈનીઝ છે?’ જાણે એમનું સાંભળીને પેલો ચાઇનીઝ હરખ-પદૂડો થઇને પોંખાવા માટે હાજર થવાનો હોય. બાકી આપણી પોલીસની છાપ એવી છે કે એ કોઈને લાખ રૂપિયાનું ઇનામ આપવા શોધતી હોય તો પણ પેલો માઈનો લાલ હાજર ન થાય! આમ પણ અમદાવાદમાં દક્ષિણ ભારતના બધાને મદ્રાસી કહેવાની પરમ્પરા રહી છે. એ હિસાબે તિબેટીયન અને ચાઈનીઝ બધાં કાકા-બાપાના પોરિયા જેવા જ કહેવાય. દેખાવમાં તો બધાં ચીના જોડિયા ભાઈ જેવા લાગતાં હોય છે. ને આપણે ત્યાં તિબેટ એટલે સ્વેટર વેચનારાઓનો પ્રદેશ એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. ઠંડી હોત તો કદાચ તિબેટીયન હાથમાં બે-ચાર સ્વેટર લટકાવીને ફરતો હોત એટલે ઓળખાઈ જાત!

TO read this and other articles online on Navgujarat Samay, click on the image.

TO read this and other articles online on Navgujarat Samay, click on the image.

જોકે પોલિસ અધિકારીની ટોળામાંથી ‘ચાઈનીઝ’ શોધવાની આ રીત અત્યંત ઇનોવેટીવ કહેવાય કારણ કે એક ચીનાથી બીજા ચીનાને અલગ પાડવો ભલે અઘરો હોય, પણ લાખ માણસમાંથી ચીનાને ઓળખવો સહેલો છે. છતાં ધારો કે કોઈ બુચા નાક કે ઝીણી આંખવાળી વ્યક્તિએ એમ કીધું હોત કે ‘સાહેબ, હું ચાઈનીઝ છું, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ’ તો શું થયું હોત? સાહેબે તો એને બે ઠોકી જ આલી હોત ને? કે પછી ‘બકા, ચાલ જોઉં ચાઈનીઝ બોલી બતાવ’ અથવા ‘ડાચું જોયું છે? હાલી નીકળ્યા ચાઈનીઝ થવા, એમ ચાઈનીઝ નો થવાય ….’ કે પછી ‘ચાલ હક્કા નુડલની રેસીપી બોલ’ એવું પૂછ્યું હોત.

અમને લાગે છે કે પોલિસ અધિકારીએ ‘પૂછતાં નર પંડિત થાય’ એ કહેવતને બહુ સીરીયસલી લીધી હશે. છેવટે તિબેટીયનને પકડી લેવામાં જ આવ્યો હતો એ જોતાં અધિકારી પૂછી પૂછીને પંડિત થયા એ હકીકત છે. અને એમાં ખોટું પણ શું છે? વાહન ચલાવતી વખતે પુરુષોની એડ્રેસ ન પૂછવાની જીદને કારણે કેટલાય માનવકલાકો અને કેટલાય લાખ લીટર પેટ્રોલ રોજ વધારાનું બળતું હશે. પણ આપણા આ પોલિસભાઈ એવા ખોટા ચક્કર મારવામાં નહોતાં માનતાં એટલે જ એમણે સીધેસીધું પૂછી લીધું કે ‘તમારામાંથી કોઈ ચાઈનીઝ છે?’ કદાચ તેઓશ્રી આજની જનરેશનના હશે. આજની જનરેશન ફિલ્મના પહેલાં રીલમાં જ ‘આઈ લવ યુ’ કહી દે છે, પહેલાની જેમ ૧૭ રિલ પુરા થાય તેની રાહ નથી જોતી.

પણ પોલિસ આ જ પદ્ધતિ બીજાં ગુનેગારોને પકડવામાં વાપરી શકે છે. જેમ કે શાકમાર્કેટમાં જઈ પોલિસ બુમ પાડીને પૂછી શકે છે કે ‘તમારામાંથી કોઈ ચેઈન સ્નેચર છે? તો સાઈડમાં આવી જાવ.’ અથવા તો અમરાઈવાડી અને ખોખરા કે જ્યાં પરપ્રાંતીય લોકોની સંખ્યા વધારે છે અને જ્યાં સો રૂપિયાની લેતી દેતીમાં મર્ડર થઈ જાય છે ત્યાં કોઈ ચાલીમાં જઈને લાઉડસ્પીકર પર એનાઉન્સ કરી શકે કે કોઈ ‘મર્ડર, રેપ, પેરોલ જમ્પિંગવાળું છે? હોય તો કાલ સવારે નવ વાગે પોલિસ ટેશન હાજર થઈ જાય.’ કે પછી બીઆરટીએસનાં બસ સ્ટેન્ડ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી જાહેરાત કરી શકે કે ‘મિત્રો, તમારામાંથી કોઈ ખિસ્સાકાતરુ હોય તો ટીકીટ-ઓફિસમાં તાત્કાલિક શ્રી ચાવડા સાહેબને મળે!’

પછી પોલિસ તો શું, શિક્ષણ વિભાગ પણ આમાંથી ધડો લઈ શકે. અત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન કલાસરૂમમાં વિડીયો કેમેરા-ટેબ્લેટ દ્વારા ચોરી થતી પકડવામાં આવે છે. એને બદલે સુપરવાઈઝર્સ વિધાર્થીઓને પૂછી લેશે કે ‘મિત્રો, તમારામાંથી કોઈએ કાપલીમાંથી ચોરી કરી હોય, બીજાની સપ્લી ઉઠાવીને લખ્યું હોય કે પછી બ્લુ ટુથ વગેરે લગાવીને જવાબો લખ્યા હોય તો જાહેર કરી દેજો’.

આખી વાતનો સાર એ છે કે પોલિસ હવે નમ્ર બની છે એટલું જ નહિ પણ લોકોને જવાબદાર અને ઈમાનદાર સમજવા લાગી છે. અમુક વિભાગ બાદ કરતાં સરકાર તો ક્યારનીય માને જ છે. કેમ, જેમાં ભાડું પ્રવાસીઓએ જાતે ગણીને નાખવાનું હતું તેવી તીર્થધામની એસટી બસો કંડકટર વગર દોડાવવામાં આવતી જ હતી ને? એમાં સરકારની આવક અને ખર્ચો (કંડકટરનાં પગારનો) બંને ઘટ્યા હતાં! ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ તમારું ટર્નોવર અમુકથી ઓછું હોય તો તમે ફિક્સ ટેક્સ ભરી નાખો તો વધારે ઝંઝટમાં નથી પડતાં. એ અગાઉ ઇન્કમ ટેક્સની વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ આવી હતી જેમાં લોકોને બ્લેકમની જાહેર કરવાની તક આપવામાં આવી જ હતી ને? બસ એકવાર આનાથી ઈન્સ્પાયર થઇને સી.આઈ.ડી.વાળા એસીપી પ્રદ્યુમન, અભિજિત અને દયા ગુનેગારો આગળ ભાઈ-બાપા કરીને કેસો સોલ્વ કરવાનું ચાલુ કરે તો સીઆઇડી સીરીયલ બીજાં બે-પાંચ હજાર એપિસોડ ખેંચી કાઢે!

મસ્કા ફન
KBC: હેપ્પી ન્યુ યરમાં જમરૂખે દીપિકાના _______નો રોલ કર્યો છે
A. કાકા      B. પિતા      C. દાદા      D. બોડીગાર્ડ

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s