નવરાત્રી : પંચ શક્તિના પારખા


વરાત્રીએ નૃત્ય અને સંગીતને ભક્તિ સાથે જોડતું દુનિયાનું અજોડ એવું પર્વ છે. મૂળ તો એ આદ્ય શક્તિ જગદંબાના શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એમ નવ સ્વરૂપો આરાધનાનું પર્વ છે. પણ આજકાલ એની સાથે સાથે પાસ-પોકેટમની-પાર્કિંગ વગેરેના વહીવટની કુશળતા, પરંપરાગત પરિધાનની પસંદગી, મેક-અપની કળા, નૃત્યનું પ્રાવીણ્ય અને ખેલૈયાઓને ખેલવવાના સંગીતના સામર્થ્યનું પણ પરીક્ષણ થઇ જાય છે. આ નવ દિવસોમાં વહીવટ, પરિધાન, પ્રસાધન, નૃત્ય અને સંગીત શક્તિના જે પારખા થાય છે એની આછેરી ઝલક અહીં રજુ કરું છું.

વહીવટ શક્તિ:

Panch Shakti na Parkha

To read this and other articles online on Abhiyaan Magazine, click on the image.

અહીં હું એમ કહું કે નવરાત્રી હવે મોંઘી થતી જાય છે તો મેં કોઈ ક્લબ કે પાર્ટી પ્લોટના ગરબા ઇવેન્ટમાં ભાગીદારી કરી છે એમ ન માની લેતાં. કહેવાનું તાત્પર્ય એ છે કે મોંઘવારીના કારણે ડેકોરેશન, સ્ટેજ, લાઈટીંગ, ઓર્કેસ્ટ્રા, સિંગર્સ અને પબ્લીસીટી પાછળનો ખર્ચો વધ્યો હોઈ વર્ષો વર્ષ ‘એન્ટ્રી પાસ’ની કિંમત વધતી જાય છે. ઉપરાંત ખાવા-પીવાનો ખર્ચો અને ટ્રેડીશનલ ડ્રેસ ન હોય તો એનું ભાડું પણ ગણવાનું. એટલે એક કપલને એક નોરતું સહેજે હજાર-પંદરસોમાં પડે. પત્ની ન હોય અને ફિઆન્સી કે ગર્લ ફ્રેન્ડને લઇ જવાની હોય બીજા પાંચસો-સાતસોનો ચૂનો ગણી જ લેવાનો. આ ઉપરાંત ગર્લ્સને મેક-અપ, ઓર્નામેન્ટ્સ, ડ્રેસ અને એક્સેસરીઝનો ખર્ચો આવે એ જુદો.

ઉપર જણાવી એવી તાણ વચ્ચે પપ્પાઓને પટાવવા, મમ્મીઓના સિક્રેટ સેવિંગ્ઝમાંથી ફૂલની પાંખડી કઢાવવી, કમાતા મોટા ભાઈ બહેન પાસેથી સ્પોન્સરશીપ ઉપરાંત એમના ડ્રેસ-એક્સેસરીઝ્ની સખાવત, બીજા-ગ્રુપના ફ્રેન્ડઝ સાથે ડ્રેસ-પાસ એક્સચેન્જ કરવા, જવા આવવા માટે ગાડીની વ્યવસ્થા, પાર્કીગની જગ્યા મેળવવી, આડેધડ પાર્ક કરેલી ગાડીઓ વચ્ચેથી ગાડી કાઢવી, એફ.એમ. સ્ટેશનોની કોન્ટેસ્ટસ્ માંથી ફ્રી એન્ટ્રી પાસ પાડવા વગેરે પડકાર રૂપ કર્યો વચ્ચે સંતુલન જાળવવું એ ગજબની વહીવટ શક્તિ માગી લે છે. પણ કમાલની વાત એ છે કે શક્તિની આરાધનાના આ પર્વમાં ભક્તિનું પ્રમાણ ઓછુંવત્તું હોઈ શકે પણ આ નવ દિવસ દરમ્યાન આવા તમામ પ્રકારના વહીવટો કરવાની શક્તિ આપોઆપ આવી જતી હોય છે.

પ્રસાધન શક્તિ

છેલ્લા એક દાયકાથી નવરાત્રીમાં ભક્તિરસની સાથે શૃંગારરસ અનાયાસે જ જોડાઈ ગયો છે. એમાં પણ ડ્રેસ અને ડાન્સ સ્ટાઈલ ઉપરાંત હેરસ્ટાઈલ અને મેક-અપ પણ અનિવાર્ય ગણાય છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગ માટે તૈયાર થવામાં અખતરા કરવાનું ભાગ્યે જ કોઈ નારી પસંદ કરે પણ નવરાત્રીના નવ દિવસ તમામ પ્રકારના પ્રયોગો કરવાની તક આપે છે. પરિણામે આપણી પબ્લિક બ્યુટી સલુનમાં જઈને લાપી-અસ્તર મરાવવાથી લઇને રસોડામાં ઉપલબ્ધ એવા દહીં, લીંબુ, મલાઈ, હળદર વગેરે માલસામાનને પણ કામે લગાડી દેતી હોય છે. એમાં ખોટું પણ નથી. સુંદર દેખાવું એ નારીનું બેઝીક ઇન્સ્ટીંકટ જ ગણાય એટલે સૌ સુઝ અને શક્તિ પ્રમાણે બે હાથ મારી લેતા હોય છે. જરૂર હોય તો બે-ચાર ટીપ્સ અમે પણ આપીએ.

લખો. નવરાત્રીમાં મેક-અપ તો વોટર પ્રૂફ અને સ્મજ ફ્રી જ સારો પડે છે. આવો મેક-અપ પરસેવા સામે ટક્કર ઝીલે એ ખરું પણ પછી એને ઉખાડવા માટે ત્રિકમ-પાવડા સાથે મજુર લગાડવાની અને એના અડધા દહાડાના કામ માટે આખો રોજ ભરી આપવાની તૈયારી પણ રાખવી. આઈલાઈનર કે મસ્કરા તો વોટર પ્રૂફ જ વાપરવા. એમ નહિ કરો તો તમે ત્રીજા રાઉન્ડ પછી તમે ચણિયા-ચોળી પહેરેલા ઝોમ્બી જેવા લાગશો. બ્લાઉઝ ગ્રીન કલરનો હોય તો આઈ શેડો ગ્રીન જ થતો હોય છે. પણ પછી આંખનો પલકારો મારશો તો સામેવાળાને તમારી આંખોમાં ગ્રીન સિગ્નલ જ દેખાવાનું જોખમ ખરું. ચહેરા પર ખીલ કે સ્કાર હોય ત્યાં કન્સીલર લગાડવું અને જો આખા મોઢા પર કન્સીલર લગાડવું પડે એમ તો પછી ધોળવાવાળાને બોલાવીને કન્સીલરના બે હાથ મરાવી દેવા! આંખો ઉપર ડાર્ક મેક-અપ કરો તો હોઠ પર લાઈટ લીપ કલર વાપરવો. ડાર્ક કલર વાપરશો તો આછા અંધારામાં ખોપરીમાંના બાકોરા જેવું લાગશે. તમારા ચણિયા-ચોળીમાં ગોલ્ડન કે સિલ્વર વર્ક હોય તો આંખો ઉપર ગોલ્ડન કે સિલ્વર શિમરનો ટચ આપવો. અને આ બધું તરત લોકોની નજરમાં આવે એવું ન હોય તો ઓઢણાની કિનારી પર ચાઈનીઝ બત્તીઓની સીરીઝ મુકાવવી.

પરિધાન શક્તિ

નવરાત્રીમાં શું પહેરવું એ નક્કી કરવું અઘરું છે. અમુક જગ્યાએ ગરબા રમવા માટે ટ્રેડીશનલ કપડાં ફરજીયાત હોય છે, તો અમુક જગ્યાએ તમે ટ્રેડીશનલના નામે જીન્સ પર કુરતો પહેરીને જાવ તો ચલાવી લેતા હોય છે. ચણીયા ચોળીના બદલે સલવાર કમીઝ પણ ચાલતા હોય છે. ધંધાદારી આયોજનોમાં તમે લુંગી ઉપર કેડિયું પહેરીને જાવ તો પણ કોઈ પૂછતું નથી. આજકાલ દરેક પ્રસંગે નવતર ડીઝાઈનના કપડાં પહેરવાનું ચલણ છે, છતાં અમે હજી સુધી કોઈ માનુનીને ઇવનિંગ ગાઉન પહેરીને ગરબા કરતી જોઈ નથી. કોઈ જગ્યાએ જીન્સ કે બર્મ્યુડા પર કેડિયું પહેરીને રસ-ગરબા કરવામાં આવતા હોય તો અમને જાણ કરવા વિનંતી છે. છોકરાઓ ભરવાડ સ્ટાઈલની સ્લીવલેસ બંડી પહેરતા હોય છે અને પછી બચ્ચનની સ્ટાઈલથી હાથ ઉંચા કરીને ગરબા રમતા હોય છે. એમાં એ કેવા બાગબાન છે એની દુનિયાને જાણ થઇ જાય છે. ખરેખર તો બંડી પહેરી હોય ત્યારે રાજેશ ખન્નાની જેમ ચોપાનિયા વહેચવાની સ્ટાઈલમાં ગરબા કરવા જોઈએ. આ તો જસ્ટ ધ્યાન દોર્યું.

જોકે ગ્રાઉન્ડ ઉપર સૌ ગરબા ટીચવામાં (એમજ કહેવાય) એવા મશગુલ હોય છે કે બાજુમાં ચણીયા ચોળી પહેરીને રજનીકાન્ત ગરબા કરતો હોય તો ય કોઈને જોવાની ફુરસદ નથી હોતી. છતાં પણ ડ્રેસ પાછળ ઠીક ઠીક ખર્ચો કરવામાં આવે છે. ગર્લ્સ માટે ચણીયા-ચોળી અને ગાઈઝ માટે વર્કવાળા કેડિયા-ધોતિયા-ચોયણી-પછેડી અનિવાર્ય ગણાય છે. પાઘડી-સાફા-ફાળિયા હોય તો ય ભલે ન હોય તો ય ભલે. જેમનું બજેટ ઓછું હોય એ લોકો ઘરમાં પડેલા તોરણો, ચાકળા લપેટી અને ઘોડા-પોપટના રમકડા લટકાવીને નીકળતા હોય છે. અમે કોમ્પ્યુટરની સી.ડી.ઓ ડ્રેસ ઉપર લટકાવીને ઉતરી પડેલી આઈટમોને જોઈ છે. આમાંના મોટાભાગના નમુનાઓને એણે પહેરેલો ડ્રેસ કઈ જાતિના લોકોનો પહેરવેશ છે એ પણ ખબર નથી હોતી એ અમારો આવા ઇવેન્ટના નિર્ણાયક તરીકેનો અનુભવ છે.

કપડા બાબતે સીનીયર મમ્મીઓને અલગ પ્રકારની સમસ્યા હોય છે. લગ્ન વખતે અને પછી સીવડાવેલા ચણીયા ચોળીમાં ઘૂસવું પણ મુશ્કેલ હોય છે. નવા સીવડાવવા માટે લાવેલુ કાપડ તો દીકરી કે વહુ પડાવી લે છે. એમણે ‘કેડ પરમાણે ઘાઘરો’ તો મળી રહે છે પણ ‘ઓઢણાની બબ્બે જોડ’ ભેગી કરે ત્યારે ચણીયા-ચોળીનો સેટ પુરો થાય છે. આવા જ એક કિસ્સામાં સવા મણનું સુખલડું અને અધમણની કુલેર નાસ્તામાં ઝાપટનારા એક બેન પોતાનું વજન જરા વધારે છે એ વાત સ્વીકારવા તૈયાર જ નહોતા. એમણે દુકાનદાર પાસે ઓઢણું માગ્યું તો પેલા એ ચંદરવો કાઢીને આપ્યો! પેલા બહેન તો બગડ્યા અને દુકાનદારને ખખડાવ્યો. તો પેલો કહે ‘બહેન તમારે આટલું તો જોઈશે જ.’ પછી શું થયું એની મને ખબર નથી કારણ કે હું તો છેલ્લા નંબરિયા જોયા વગર જ રવાના થઇ ગયો હતો.

સંગીત શક્તિ

અસલની નવરાત્રીમાં સ્ત્રીઓ જ ગરબા ગાતી. આમાં ગાવું એટલે ગાયન અને નર્તન બન્ને ગણવાનું. એક માસી કે કાકી ગાય, બાકીની માસી-કાકીઓ ઝીલે અને એમ ગાતા ગાતા માતાજીની માંડવી કે સ્થાપનની આસપાસ તાળી પાડતા ફરે એ ઉપક્રમ રહેતો. કાકાઓ એ જમાનામાં પણ બહાર બેસીને જોતાં અને છોકરાં સાચવતા, આજે પણ એ જ કરે છે. સારું ગાનારને દાદ જરૂર મળતી. પોળમાં મોડર્ન વહુવારું હોય તો બે તાળીના ગરબા પણ થતા. ઢોલ કવચિત જ જોવા મળતા. જ્યારથી ઢોલ આવ્યા ત્યારથી લાઉડ-સ્પીકરો આવ્યા. પછી ઇન-હાઉસ/ સોસાયટી/ કોલોની સિંગર્સને બદલે ભગતો અને પછી મ્યુઝીકલ ‘પાલટી’ઓ આવી. એમાંથી પાર્ટી પ્લોટના ગરબા અને પછી ગરબાના ‘ઇવેન્ટ’નું આયોજન થવા માંડ્યું.

હવે હજારો વોટની સાઉન્ડ સિસ્ટમ ઉપર કીબોર્ડ, લીડ-બેઝ ગીટાર, ઓક્ટોપેડ જેવા ઈલેક્ટ્રોનિક સાધનોથી લઈને ડ્રમ-સેટ, ટીમ્બાલી, ઢોલ, ઢોલક અને તબલાની મદદથી ખેલૈયાઓને ઝૂમાવીને સંગીત શક્તિનો પરચો આપવામાં આવે છે. ઈશ્વર કૃપા જો અપંગ વ્યક્તિને દોડતી કરી શકે છે તો પ્રાચીન-અર્વાચીન ગરબાની ધૂન અને ઢોલની રીધમ ધર્મેન્દ્રના ચેલાઓને દોઢિયું પોપટીયું કરતાં કરી શકે એવી તાકાત સંગીતમાં છે. ‘સનેડો’ અને ‘ભાઈ-ભાઈ’ના તાલ ઉપર નાચવા અને ખેસ-દુપટ્ટા ઉછાળવા માટે ઉતરી પડતા કમસીન કાકાઓ અને વાથી પીડાતી માસીઓ એનું ઉત્તમ ઉદાહરણ છે. કાન ફાડી નાખે એવી ધમાધમ વચ્ચે દિલને ડોલાવે એવા અમુક કમ્પોઝીશનો આજે પણ સાંભળવા મળી જાય છે એ માટે કલાકારોને શાબાશી ઘટે.

નૃત્ય શક્તિ:

ગઈ સદીમાં ગરબા પ્લેઈન ઢોંસા જેવા રહેતા. ગરબાની કોઈ ફોર્મલ ટ્રેઈનીંગ નહિ કે કોરીઓગ્રાફી પણ નહિ. ફક્ત ત્રણ તાળીના ગરબા અને બોટલિંગ પ્લાન્ટમાં બેલ્ટ પર સોફ્ટ-ડ્રીંકની બોટલો ચાલતી હોય એમ ગોળ ગોળ ચાલવાનું. સ્ટેપ્સમાં પણ તાળી વચ્ચે હળવી ઠેક લેવાય એ જ. ભક્તિનું પ્રાધાન્ય રહેતું. આજે તો લઇ દઈને તૈયાર થયા પછી સારા સ્ટેપ્સ આવડતા ન હોય તો બધું હાંડવા પરના આઈસિંગ જેવું ગણાય. આમ તો મોટાભાગના લોકો સાયકલ શીખવાની જેમ એક-બીજા પાસેથી સ્ટેપ્સ શીખી લેતા હોય છે, બાકીનાને ડાન્સ માસ્ટરો તૈયાર કરી દેતા હોય છે. માત્ર પરસેવો પાડવાની તૈયારી હોવી જોઈએ.

ગરબા કેલરી બર્નિંગ માટે ઉત્તમ છે, પરંતુ આપણા અન્ય રેઝોલ્યુશન્સની જેમ આમાં નવ દિવસમાં ઉત્સાહ ઓસરી જાય છે. જોકે નોરતા સિવાય આંગણામાં ‘ચરર ચરર મારું ચકડોળ ચાલે…’ કરીને મચી પડો એ સારું ન લાગે, પણ બીજા ઉપાયો કરી શકાય છે. બાકી નૃત્યના આ પ્રકારમાં શક્તિની જરૂર પડે છે એ વાતમાં કોઈ બે મત નથી. ગરબા ભલે ૧૨ વાગે બંધ થઇ જતા હોય પણ જે બે-ત્રણ કલાક મળે એમાં ઓઢણા-બલોયા સાચવતા સાચવતા ગોળ ફરવું અને કોઈના ટાંટિયામાં અટવાઈને હડબડીયા ખાતા ખાતા જોમ પૂર્વક દોઢિયા-પોપટિયા કરવા એ જેવું તેવું કામ નથી.

આમ જુઓ રાસ-ગરબામાં તમામ પ્રકારની એક્સરસાઈઝ આવી જાય છે. હીંચ અને હૂડોએ એરોબિક્સનો જ એક પ્રકાર છે. મેર શૈલીના રાસમાં એક્રોબેટીક્સ પણ આવી જાય છે. ગ્રાઉન્ડમાં નાના છોકરાં રમતા-ફરતા હોય તો થોડું સ્કીપીંગ પણ થઇ જાય છે. જમીન પર ખરી પડેલા ફૂમતા, આભલા, પેચ, કડલા, મણકા વગેરે ઉપાડવામાં સીટ-અપ્સ કરવાનો લાભ પણ મળે છે. એ સિવાય ગ્રુપના એક્સપર્ટ સાથે સ્ટેપ મેળવવાની લ્હાયમાં દોડી-દોડીને રાઉન્ડ પુરા કરો એમાં જોગિંગ અને રીધમ જરા ફાસ્ટ હોય તો રનીંગની કસરત પણ થઇ જાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી નોરતાની એક-એક રાત ફ્ન, ફૂડ અને ડાન્સના ઇવેન્ટની જેમ માણવાનો ટ્રેન્ડ ચાલે છે, એટલે ગરબા ગાયા હોય કે ન ગાયા હોય આપણે ડબલ ચીઝ પીઝા, મંચુરિયન, ભેળ, વડા પાઉં, દાબેલી કે તેલ-માખણ નીતરતા પાઉં ભાજી દબાવીને બાળેલી કેલરીનું ત્યાંને ત્યાં જ સાટું વાળીને ઘરે જઈએ છીએ.

આ તો થઇ પંચ શક્તિના પારખાની વાત, બાકી ગ્લોબલ વોર્મિંગના ભય સ્થાનો જોયા પછી લોકો પંચ તત્વોની જાળવણી માટે તહેવારોની ઇકો-ફ્રેન્ડલી ઉજવણીનો આગ્રહ રાખતા થયા છે. નવરાત્રીમાં તો ધ્વની પ્રદુષણને રોકવા કાયદો પણ થયો છે. એ સિવાય કોઈએ નવરાત્રીને ઇકો-ફ્રેન્ડલી બનાવવાનું વિચાર્યું નથી એ નવાઈ છે. છતાં જેમને આ અંગે કંઈક કર્યા સિવાય ચાલે એમ નથી એ લોકો લાકડાને બદલે બાયો-ડીગ્રેડેબલ મટીરીયલના દાંડિયા વાપરવાની અપીલ કરી શકે. બાકી હર્બલ અને ઇકો ફ્રેન્ડલી નવરાત્રીના નામે કોઈ તમારી પાસે પાસે ઘાસ-પાંદડાના ચણીયા-ચોળી કે રીસાયકલ્ડ કાગળના કેડિયા-ચોયણા પહેરવાનો આગ્રહ રાખે તો મને કહેજો, આપણે બધા ભેગા મળીને રેઇનકોટ પહેરીને ગરબા ગાઈને વિરોધ કરીશું.
જય અંબે …

बधिर खड़ा बाजार में …
નાટકના એક્ટર હોવાનો દાવો કરતા લોકોમાંના ઘણાનો કેરિયર બેસ્ટ ડાયલોગ ‘મહારાજનો જય હો’ જ હોય છે!
11695

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અભિયાન and tagged , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s