ત્યારે સાલું લાગી આવે …


NGSકુદરત વિફરે ત્યારે કાળા માથાનાં માનવીને લાચાર થઈને જોઈ રહેવું પડે છે. કાશ્મીર અને ઉત્તરાખંડની કુદરતી હોનરતો, વડોદરા અને સુરતનું પૂર અને ૨૦૦૧ ગુજરાત ભુકંપ આનાં ઉદાહરણ છે. પણ કેટલીક ઘટનાઓ એવી છે કે જે માત્ર આપણું બેડ લક ખરાબ હોવાને કારણે જ બનતી હોય છે. ટેલી-માર્કેટિંગવાળા તરફથી જેમ આપણને દસેય દિશાઓમાંથી ફોન આવે છે એમ જ ઉપરવાળો પણ જાણે આપણી હટાવવા માટે ખાસ સળી કરતો હોય એવું ક્યારેક લાગે. નાનપણમાં રમવા જવાની ઉતાવળ હોય ત્યારે ચડ્ડી પહેરતી વખતે એક જ બાંયમાં બેઉ પગ એક સાથે જતા રહે પછી ગુસ્સામાં ચડ્ડી કાઢીને ‘સાલી ચડ્ડી…’ કહીને પછાડી છે? બસ આવું કંઇક થાય ત્યારે સમજી લેવું કે ઉપરવાળો તમારી પદૂડી ‘લઇ’ રહ્યો છે!

Tyare Salu Lagi Aave

To read this and other articles online on Navgujarat Samay E-paper, click on above image.

યાદ કરો, લાઈનમાં બે કલાકથી ઉભા હોવ ને જ્યાં તમારો નંબર આવે ત્યાં જ રીસેસ પડે, ત્યારે કેવું લાગી આવે છે? અને રીસેસ ન પડે તો તમારા ફોર્મમાં કશુક જોડવાનું બાકી રહી ગયું હોય, ને એ લેવા ઘેર જઈ પાછાં આવો ત્યારે ફરી લાઈનમાં ઊભા રહેવું પડે એવું પણ બન્યું હશે. અમારા એક અંકલના કોલેજકાળની ઘટના એમનાં મોંઢે અવારનવાર સાંભળી છે. એ વખતે બસનો કન્સેશન પાસ કઢાવવા પ્રિન્સીપલનાં સહી-સિક્કા કરેલું ફોર્મ જમા કરાવવું પડતું. ત્રણ ધક્કા ખાઈને કાગળિયાં તૈયાર કરીને એ.એમ.ટી.એસ. ઓફિસની બારી પાસે એ સ્ટાઈલથી ફોર્મ હાથમાં અને હાથ પાછળ બાંધીને વારો આવે એની રાહ જોતાં ઊભા હતાં. પોણા કલાક જેટલું લાઈનમાં તપ્યા પછી વારો આવવામાં જ હતો અને, એટલામાં પાછળની તરફથી એક ગાય પ્રગટ થઈ અને એ કશું સમજે એ પહેલાં એમના હાથમાંથી ફોર્મ ખેંચી ગઈ! એટલું જ નહીં, નિર્દયતાપૂર્વક ચાવી પણ ગઈ. સદનસીબે ફોર્મ લેનાર ક્લાર્ક આ ઘટનાનો ચશ્મદીદ ગવાહ હતો. એટલે એણે અંકલને આશ્વાસન આપતાં કહ્યું કે “કંઈ વાંધો નહી, લે આ બીજું ફોર્મ. ફરી ભરવા આવે ત્યારે લાઈનમાં ઊભા ન રહેતા, સીધાં બારી પાસે આવીને કહેજે કે ‘ગાયવાળા ભાઈ’ એટલે હું ડાયરેક્ટ લઇ લઈશ!”.

આવો જ અનુભવ બધાંને ટ્રેઇનનો હશે. તમે ઉતાવળ કરીને જયારે સમયસર સ્ટેશન પર પહોંચો ત્યારે ટ્રેઈન કલાક લેટ હોય. પણ તમે જે દિવસે પાંચ મીનીટ મોડા પડો એ દિવસે પ્લેટફોર્મ પહોંચો ત્યારે સ્યાપો પડી ગયો હોય. મણિનગરથી કાલુપુરનું અંતર કદાચ પાંચ કિમી પણ નહી હોય, પણ એ કાપતાં ક્યારેક અડધો કલાક લાગી જતો હોય છે. એમાં રાત્રે બાર વાગે મુંબઈ બાજુથી સયાજીનગરીમાં આવતાં હોવ ત્યારે સારંગપુર બ્રીજ પાસે ટ્રેઈન અડધો કલાક ઊભી રહે ત્યારે તો ખરેખર લાગી આવે. અમને તો એવા પણ અનુભવ છે કે ટ્રેઈનમાં ટીકીટ લઈને બેઠાં હોઈએ ત્યારે ટીકીટ ચેકર કદી આવતો નથી!

ઓડી કે અલ્ટો ધારકને આવો અનુભવ અચૂક થયો હશે. તમે બાલ્કનીમાં હિંચકા ઉપર બેસીને તમારી તાજી ચમકાવેલી કાર જોઈને પોરસાતા હોવ ત્યાં જ અચાનક તમારી સોસાયટીનો બદનામ લાલિયો ત્યાં આવે, આવીને પછી, ફેસબુકની ભાષામાં કહીએ તો, એ તમારી ગાડીની આજુબાજુ ફરીને કારનાં ચારે ટાયરોને ‘લાઈક’ કરે અને પછી એ પૈકીના એક પસંદીદા ટાયર પર ‘કોમેન્ટ’ કરીને જતો રહે! તમે શું કરો એ વખતે? એમાં પાછું એવું પણ બનતું હશે કે લાલીયાના ગયા પછી થોડીવારમાં આર.ટી.ઓ. પાસિંગ માટે કાળીયો હાજર થાય અને એ લાલિયાના ‘કામ’ને ‘એન્ડોર્સ’ કરે! શું બોલો છો મનમાં એ વખતે? કહેવાની જરૂર નથી, અમને ખબર છે.

કાગડા કોઈને ગમતાં નથી, પણ સહુ એ પણ જાણે છે કે કાગડાં ઇકોલોજી માટે કેટલાં જરૂરી છે. એવી જ રીતે બોલીવુડની ઇકોલોજીમાં એવા કેટલાક કાગડાઓ છે જે આમ કોઈને ગમતા નથી, પણ એમની ફિલ્મો સો કરોડ ઉપર ધંધો લાવતી હોય એટલે એમને ચલાવી લેવા પડે છે. ફિલ્મ રીલીઝ થવાની હોય ત્યારે આવા કાગડાઓ રીયાલીટી શોઝ અને સીરીયલોમાં પ્રગટ થઇને કા… કા… કરી મૂકતા હોય છે. આ વખતે આપણો જમરૂખ એની ફિલ્મની પબ્લીસીટી માટે ‘રાણા પ્રતાપ’ સીરીયલમાં ભાલો લઈને પ્રગટ ન થાય તો જ નવાઈ લાગશે. કચરો સિરીયલમાં પ્રગટ થતાં ફિલ્મસ્ટાર્સ સિરીયલ કરતાં પણ ઉતરતી કક્ષાનું પ્રદર્શન કરે ત્યારે સાલું લાગી આવે!

આવું જે કંઈ બને એ બધું બનવા કાળ બનતું હોય છે. ન એમાં આપણો કોઈ વાંક હોય છે ન આપણાં પૂર્વજન્મના કર્મ આમાં આડે આવે છે. બસ, લેખની શરૂઆતમાં કહ્યું એમ ઉપરવાળો જયારે કસોટી લઇ રહ્યો હોય ત્યારે ભૂત ભડાકા કરે અને ભીમ ભૂસકા મારે તો પણ કંઈ ન થાય. આપણે ફક્ત જોઈ જ રહેવાનું અને એની મજા લેવાની. બીજું આપણે કરી પણ શું શકીએ? n

મસ્કા ફન
સંતોષી નર સદા ખાય ભાખરી સુકી
11127

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s