સલ્લુ ભાઈ કહે છે કે ગર્લફ્રેન્ડની જેમ લીડર પસંદ કરો!


NGS

તાજેતરમાં પુરા થયેલ મહારાષ્ટ્ર ઇલેક્શનનાં માહોલમાં સલમાને લોકોને સલાહ આપી હતી કે ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરતાં હોવ એમ નેતા સિલેકટ કરજો. વોટિંગ ડે પર રજા માણીને લોકો પછી કમ્પ્લેન કરે છે એવી ફરિયાદ પણ સલમાને કરી હતી. સલમાનની આ ગર્લફ્રેન્ડવાળી સલાહને સીરીયસલી લેવી કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ કામ છે.

Leader like Girl Friend

To read this and other article online on Navgujarat Samay EPaper click on this image

એક રીતે જુઓ તો ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરવા બાબતે સલમાનની સલાહ લઇ શકાય, કારણકે એને ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરવાનો બહોળો અનુભવ છે. ઓછામાં ઓછો ૨૫-૩૦ વરસનો તો ખરો જ. પણ પત્ની સિલેક્ટ કરવાનો જરાય નહી. હકીકતમાં એણે અત્યાર સુધીમાં અગિયાર જેટલી ગર્લફ્રેન્ડ કરી છે. આમ જ્યાં સલમાનની ગર્લફ્રેન્ડઝ એવરેજ અઢીથી ત્રણ વરસ ટકી છે ત્યાં સલમાન ગર્લફ્રેન્ડના ધોરણે પાંચ વરસ ચાલે એવો ટકાઉ લીડર સિલેક્ટ કરવાની સલાહ આપે એ ખટકે તો ખરું જ! જો ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરતાં હોવ એમ લીડર સિલેક્ટ કરવાનો હોય તો સલમાનની સ્ટાઈલ મુજબ દર બે વરસે નવો લીડર સિલેક્ટ કરવાનો થાય. એમાં વાનપ્રસ્થાશ્રમની સમીપે પહોંચવા છતાં એણે પત્ની એક પણ સિલેક્ટ કરી નથી! અમને લાગે છે કે સલ્લુથી ગફલત થઈ ગઈ હશે બોલવામાં. કહેવાનું હશે જીવનસાથી અને બોલી ગયો હશે ગર્લફ્રેન્ડ.

સલમાનની પહેલી ગર્લફ્રેન્ડ કઈ? એ વિષે અધિકૃત રીતે કોઈ ઇતિહાસકાર કે પુરાતત્વવિદ જ કહી શકે, પણ પૂર્વ મોડેલ સંગીતા બીજલાની સલમાન સ્ટાર બન્યો એ અરસાની પહેલી ગર્લફ્રેન્ડ ગણાય છે. ઇન ફેક્ટ એની પહેલી ઓળખ જ ‘બીજલી કા બોયફ્રેન્ડ’ની હતી. એ પહેલાં પણ ગર્લફ્રેન્ડ હશે જ – રાધર હતી જ, એનું નામ શાહીન હતું – પણ એ અંગે કોઈએ ખણખોદ કરી નથી. બીજલાની તો પાછળથી બીજાની એટલે કે મો. અઝહરૂદ્દીનની થઈ ગઈ હતી. એ પછી આવી સોમી અલી. હમ દિલ દે ચુકે સનમથી ઐશ્વર્યા રાય આવી. ઐશ્વર્યાની ડુપ્લીકેટ જેવી જ એક હતી સ્નેહા ઉલ્લાલ. પછી આવી કેટરિના કેફ. ઝરીન ખાન, ડેઇઝી શાહ, સના ખાન અને જર્મન મોડલ ક્લોડિયા સાથે પણ ભાઈનું નામ ચમક્યું હતું. સલ્લુની જિંદગીમાં એક મહેકની ચહલ પહલ હતી. આમાંના ઘણાં લફરા બીગ બોસમાં કેમેરાની નજર બહાર થયા જ્યાં સલમાને એમનાં માટે નિયમો નેવે મુક્યા હતાં એવું કહેવાય છે. સૌથી છેલ્લે છેલ્લે રોમેનિયન લુલીયાનું નામ બોલે છે. આ કુમારી લુલીયા સલમાનના હાથનો માર ખાઈને લુલીયા નથી બન્યા પણ એમનું નામ જ લુલીયા વન્તુર છે. જોકે સલમાનની અડધી ગર્લફ્રેન્ડ સાથેનાં સંબંધ ગાળાગાળીથી અને એક કિસ્સામાં મારામારીથી પુરા થયા હતાં એ જોતાં કોઈને પણ આવો વિચાર આવી શકે. હવે વિચારો કે આ ધોરણે નેતા પસંદ કરવાનો હોય તો દર વર્ષે ચૂંટણી કરવી પડે કે નહિ?

અહીં વિચારવાનું એ છે કે સલ્લુ ભાઈ એમની ગર્લફ્રેન્ડઝમાં એવું તે શું ખાસ ભાળી ગયા હશે કે એમણે આવું સ્ટેટમેન્ટ કર્યું હશે? એમની કોઈ ગર્લફ્રેન્ડે દેશના વિકાસના કામો, સ્વીસ બેન્કોમાં રહેલા કાળા નાણા, ભ્રષ્ટાચાર નાબુદી કે મહિલા સશક્તિકરણ વિષે કંઈ કહ્યું હોય એવું ધ્યાનમાં નથી અને કદાચ કહ્યું હોય તોય ખાન સાહેબ એ કારણે મોહી પડ્યા હશે એમ માનવું વધુ પડતું છે. કેટરિના, ક્લોડિયા, લુલીયા જેવી વિદેશી છે અને એમને હિન્દી બરોબર નથી આવડતું. શું આને સલ્લુએ લીડરશીપ ક્વોલિટી ગણી હશે? હિન્દી ફિલ્મોમાં ગાયક-ગાયિકા અને એક્ટર-એક્ટ્રેસીસ પાકિસ્તાનથી આયાત કરવાનો રીવાજ છે, પણ રાજકારણમાં એ શક્ય નથી એટલે સોમી અલી પણ ગેરલાયક ઠરે છે. રાજકારણમાં કોઈની સાથે પરમેનન્ટ દુશ્મની હોતી નથી, એ રીતે જોઈએ તો ઐશ્વર્યા સિવાયની બધી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડઝ સાથે સલ્લુભાઈને સારા સંબંધો છે.

સલ્લુભાઈએ લગ્ન નથી કર્યા એટલે એમને કદાચ ખબર ન હોય પણ લગ્ન કર્યા પહેલાની ગર્લફ્રેન્ડ અને ચૂંટાયા પહેલાંના નેતામાં બહુ મોટો તફાવત હોય છે. અહીં સવાલ ગરજનો છે. નેતાને ચૂંટવાની ગરજ હોય છે એટલે એ સામેથી તમને રીઝવવાના પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે, જયારે છોકરીને ગર્લફ્રેન્ડ બનવાની ખાસ ઉતાવળ હોતી નથી. અરજકર્તાને એણે બોયફ્રેન્ડ તરીકે સ્વીકાર્યો છે એવો સંકેત આપતાં પહેલાં ઉમેદવારે ઘણી વૈતરણીઓ પાર કરવાની હોય છે. એટલું જ નહિ પણ વૈતરણીમાં એની આસપાસ પુર જોશમાં હલેસા મારી રહેલા બીજા હરખ પદૂડા હોડકાવાળા સાહિલ ભેગા ન થઇ જાય એ માટે પણ ઉદ્યમ કરતાં રહેવું પડે છે. જયારે નેતા લોકો તો જનતા નામની હાથણી કોઈ બીજા બાંગડું પર કળશ ન ઢોળી દે એ માટે એ માટે વાળ કાપવા, ભેંશ દોહવા, એમના મેલાઘેલા છોકરાં રમાડવા કે એમની ઝૂંપડીમાં જઇને રહેવા સુદ્ધા તૈયાર હોય છે.

સલ્લુભાઈ, ગર્લફ્રેન્ડ એક કે બે જણની હોય છે. પણ નેતાની ‘ઓનરશીપ’ ચકાસવા એનાં ચૂંટણીફંડની કાયદેસરની અને કાચી રિસીટો જોવી પડે! આ રાજકારણમાં આપણે પડવા જેવું નથી, તમતમારે કમરપટ્ટાને આંગળીથી પકડીને રીડીક્યુલસ ડાન્સ કરો, અમને એમાં જ મઝા આવે છે!

મસ્કા ફન
હ્રદયથી તડીપાર કરી દઈશ નહીંતર,
હપ્તાની જેમ મને મળ તું સમયસર.
– ‘અધીર’ અમદાવાદી
11608

 

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , , . Bookmark the permalink.

1 Response to સલ્લુ ભાઈ કહે છે કે ગર્લફ્રેન્ડની જેમ લીડર પસંદ કરો!

  1. Ketan Desai કહે છે:

    Enjoyed the article. Can’t comment on politics. Sorry!!!

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s