યે કાલી કાલી બાતેં …


Magic of Black

To read this and other articles online on Navgujarat Samay, click on image above.

ભેંસથી લઈને બ્લેકમની સુધી કાળો રંગ આજકાલ ચર્ચામાં છે. પ્રેમિકાની ઝુલ્ફો અને આંખો કાળી હોય છે જેમાં આશિકો ઉલઝી પડે છે. આપણા ફિલ્મી કવિઓને માશુકાની ‘કાલી ઝુલ્ફોં’ની ‘ઘની છાંવ’માં સુવાના અભરખા હોય છે, અને એ અભરખા પુરા થઇ શકે એવા પણ હોય છે. જોકે બોયકટવાળી કે આફ્રિકન પ્રેમિકા ધરાવતા કવિઓના નસીબમાં આ સુખ નથી હોતું. વિમાનમાં બ્લેક બોક્સ હોય છે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય તો એનાં કારણો સમજવામાં મદદરૂપ થાય છે. પ્રેમિકાનું દિમાગ પણ બ્લેક બોક્સ જેવું હોય છે. એમાં ઘણીય વાતોનો સંગ્રહ થાય છે અને એ સમય આવ્યે કામમાં પણ લેવાતી હોય છે. ઘણી સ્ત્રીઓ કાળો જાદુ જાણતી હોવાનું મનાય છે. એવી સ્ત્રીઓ પુરુષ ઉપર ભૂરકી છાંટતી હોય છે. લગ્ન કરવાથી આ જાદુ ઉતરી જાય છે.

ભારતીયોનું કાળું નાણું વિદેશમાં જમા થયેલું છે. પણ ખરેખર વિદેશમાં ભારતનું કાળું નાણું છે કે નહીં, એ બાબતે ભૂતનાં અસ્તિત્વની જેમ મતમતાંતર છે. સત્તામાં પરિવર્તન સાથે આ મતમાં પણ પરિવર્તન આવે છે, એ ભૂતના પરચા જેટલી જ બીજી આશ્ચર્યજનક વાત છે. અમુક કહે છે અમે જોયું છે. અમને પરચો થયો છે. પણ કોઈ પુરાવા આપતું નથી. મધ્યમ વર્ગને તો ભગવાનમાં હોય એટલી શ્રધ્ધા આ કાળા ધનમાં છે. નબળી સિરીયલમાં ફિલ્મના પ્રમોશન માટે ટપકી પડતાં મોટા સ્ટારની માફક કોક દિવસ એ ધન એમનાં ખાતામાં ટપકી પડશે, અને પછી તો, પેડ કે પત્તે અગર રોટી બન જાયે ઓર તાલાબ કા પાની ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે!

NGSઅવકાશમાં ‘બ્લેક હોલ’ તરીકે ઓળખાતા ભેદી ‘પદાર્થ’નું અસ્તિત્વ હોવાનું કહેવાય છે. આ હોલ એના અનંત ગુરુત્વાકર્ષણના પ્રતાપે એની આસપાસના પદાર્થનું સતત ભક્ષણ કરતું રહે છે. બરોબર એ જ રીતે ગંજીફરાકમાં પડેલુ હોલ પણ તેની આસપાસ રહેલા ગંજી નામના પદાર્થનું ભક્ષણ કરતું રહે છે. ફેર એટલો છે કે અવકાશવાળું હોલ પ્રકાશના કણોને પણ છટકવા દેતું નથી એથી એ ‘હોલ’ની આરપાર જોઈ શકાતું નથી જયારે ગંજીની બાહ્ય દિશામાં રહેલ લોકો છિદ્ર કમ બાકોરાની બીજી બાજુ આવેલાં ફાંદ નામનાં જૈવિક પદાર્થનું સ્પષ્ટપણે અવલોકન કરી શકાય છે. અવકાશમાંના બ્લેક હોલ બ્રહ્માંડના તમામ પદાર્થને ખાઈ જશે તો શું થશે, એ બાબતે અવકાશ વિજ્ઞાનીઓ કંઈ કહી શકતા નથી એનું અમને આશ્ચર્ય છે, બાકી આ બાબતનો જવાબ ગંજીમાં પડેલા એક કાણાનો અભ્યાસ કરવાથી પણ મળી શકે એમ છે એવું અમારું નમ્ર મંતવ્ય છે.

હમણાં અમદાવાદમાં રમાયેલ વન ડે મેચમાં ટીકીટો બ્લેક થઈ હતી એવું સાંભળવા મળ્યું હતું. પહેલાં ઓછા સ્ક્રીન પર ફિલ્મો રીલીઝ થતી ત્યારે લોકો બ્લેકમાં ટીકીટો ખરીદીને ફિલ્મો જોતાં. એમનો રીવ્યુ સાંભળી બીજાં ફિલ્મ જોવી કે ન જોવી એ નક્કી કરતાં હતાં. હવે પ્રોડ્યુસર્સ અને ચડી વાગેલા ઓવરરેટેડ સ્ટાર્સ એમની પકાઉ ફિલ્મો હજારો સ્ક્રીન પર રીલીઝ કરી, શરૂઆતમાં ટીકીટના ડબલ ભાવ લઈ લોકોના કરોડો રૂપિયા ત્રણ દિવસમાં ખંખેરી નાખે છે! આના કરતાં કાળાબજારિયાઓ નહીં સારા? ના ના આ તો જસ્ટ એક વાત છે, બહુ સેન્ટી ના થતા.

દાળમાં કાળું હોય તો લોકો શંકાની નજરે જોતાં હોય છે. દાળમાં નાખેલી રાઈ તો ભીડમાં ઉભેલા ગાંધીવાદીની જેમ ઓળખાઈ આવે, પણ દાળમાંનો કાળો પદાર્થ એ કોકમ હોઈ શકે, વઘારમાં નાખેલું આખું લાલ મરચું હોઈ શકે કે આમલીનો કચૂકો પણ હોઈ શકે. દાળ બનાવવાનું સ્થળ પણ એમાં ભાગ ભજવી શકે છે. જેમ કે શાળામાં ચાલતી ભોજન યોજનાના રસોડામાં બનેલી દાળમાંથી હાથી, કાલા ઘોડા, કચ્છનો કાળો ડુંગર અને સુરત એરપોર્ટ ફેમ ભેંશ જેવી કેટલીક વસ્તુઓને બાદ કરતાં બીજું ઘણું બધું કાળું મળી આવે. પણ દાળમાં ઊંડે ઉતરવામાં કોને રસ હોય?

એક સંસ્કૃત સુભાષિતમાં પ્રશ્ન આવે છે કે કાગડો પણ કાળો છે અને કોયલ પણ કાળી છે તો એ બેમાં ફેર શો? એના પછીના ચરણમાં જવાબ આવે છે કે ‘वसंतसमये प्राप्ते काक काक: पिक पिक:’ અર્થાત વસંત ઋતુ આવે અને બન્ને બોલવાનું ચાલુ કરે એટલે એમના વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઇ જાય છે. મનુષ્યોમાં માઈક હાથમાં આવે અને એ બોલવાનું ચાલુ કરે પછી એ વ્યક્તિ અમિતાભ બચ્ચન છે કે બોલ બચ્ચન છે એની ખબર પડતી હોય છે. કુદરતી કાળા વાળ અને હેર ડાઈ કરેલા વાળ પણ સમય વીતે પોતાનો રંગ બતાવતા હોય છે. કૃષ્ણ પોતે કાળા હતા છતાં કામણગારા હતા. ભારતીયોમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં તો કોઇપણ કલરના કામણગારા મળી આવે છે, પણ એ કામણગારા ખાસ કામગરા નથી હોતા એવી ગુજ્જુ ગૃહિણીઓની ફરિયાદ છે. કાનજી ભ’ઈ, આ વાત કાને ધરજો …

મસ્કા ફ્ન
બેન, ડાયપરનાં ટ્રાયલ ના હોય !

૧૧૮૧૦

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , , . Bookmark the permalink.

1 Response to યે કાલી કાલી બાતેં …

  1. અનામિક કહે છે:

    hahahahha diaper oh Gosh hahahahha

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s