ફિલ્મોના રીવ્યુનો રીવ્યુ


NGSમારાથી સુવાવડીનું વેણ અને ફિલ્મ રીલીઝ પહેલાની ખાં સાહેબોની હાલત જોવાતી નથી. પણ આપણા કમનસીબે સમયાંતરે કોઈ ને કોઈ ખાનને લેબર પેઈન ઉપડે છે અને પછી જુદાજુદા ટીવી રીયાલીટી શોઝ અને સીરીયલોમાં ધરાર ઘૂસ મારીને પબ્લીકની નજરે ચઢવાના તાયફા ચાલુ થાય છે. જોકે અમુક ખાં સાહેબોની ચિંતા પણ સાવ ખોટી નથી. વર્ષે બે વર્ષે એમની એકાદ ફિલ્મ આવતી હોય અને એમાં પણ પોપટ થાય તો કમાય શું? એમાંય આજકાલ તો ફિલ્મ નબળી હોય તો ગમે તે લાલભ’ઈ કે સોમભ’ઈ સિનેમા હોલમાં બેઠા બેઠા જ ટ્વિટ કરીને ફિલ્મની હવા કાઢી નાખતા હોય છે. એટલે જ હવે ૨૦૦ કરોડ ક્લબની દાવેદાર એવી મોટા સ્ટાર્સની ફિલ્મો આવે ત્યારે થિયેટર્સમાંથી પરચુરણ ફિલ્મો એ રીતે સાફ કરી દેવામાં આવે છે જે રીતે પ્રધાનમંત્રીની મુલાકાત પહેલાં મુનસીટાપલી શહેરની સફાઈ કરે છે. સાથે સાથે સોશિયલ મીડિયાના માઈક્રો ક્રિટીક્સ પબ્લીસીટીના ખર્ચા પર પાણી ફેરવે એ પહેલા વધુમાં વધુ સ્ક્રીન પર ડબલ ભાવે ફિલ્મ ચલાવીને ઢગલો રૂપિયા ઉશેટી લેવાય છે.

Review of Reviews

To read this and other articles online on Navgujarat Samay, click on the image.

ફિલ્મોના રિવ્યુના મામલે સોશિયલ મીડિયામાં ઉત્તરાયણ જેવું વાતાવરણ હોય છે. સૌ પોતપોતાના ઉત્સાહ પ્રમાણે એમના રીવ્યુ રૂપી ઢાલ, ઘેંશીયા, ચીલ અને પાવલાને ઠુમકા મારતાં હોય છે. અમુક લોકો ટુકડા દોરીમાં પતંગ ચગાવતા હોય એમ એમના રીવ્યુ ‘આલિયા માટે જોવાય’, ‘પરિણિતી … ઉમ્મ્મ્મ્મમાહ … ’ કે ‘ટાઈમપાસ’ જેવા બે ત્રણ શબ્દોમાં પતી જતા હોય છે. ખેંચવાના શોખીનો ફિલ્મને વખાણતી કે વખોડતી વખતે જે હડફેટે ચડ્યું એને ટપલા મારી લેતા હોય છે. કોકના પતંગનો ઝોલ લૂંટનારા, લંગસીયાબાજ અને અઠંગ પતંગ પકડુઓને બીજાએ લખેલા રીવ્યુમાં ફાચર મારવામાં વધુ મજા આવતી હોય છે. જેમને ફીલ્મ કે રીવ્યુનો શોખ ના હોય તે મન ફાવે તેના ફેસબુક પ્રોફાઈલ પર જઈને લાઈક/ કોમેન્ટની સહેલ ખાઈ આવતા હોય છે. પણ આ બધું જ દારુની જેમ ‘લીમીટમાં’ – હિન્દી ફિલ્મો પૂરતું માર્યાદિત.

ઈંગ્લીશ ફિલ્મોના રીવ્યુ ગુજરાતીમાં લખનારાઓ સાંકડા મોઢાવાળા કૂંજામાંથી ખીર ઉડાવતા બગલાની જેમ એકલા એકલા ‘રહના ઘૂંટડા’ ભરતા હોય છે. આપણે નામ પણ સાંભળ્યું ન હોય એવા દિગ્દર્શકોની ફિલ્મો, લેખકોના ગ્રંથો કે નવલકથાઓમાંથી સંદર્ભો ટાંકીને એ લોકો આપણને ચોંકાવી દેતા હોય છે. ઘણીવાર આવા પંડિતો કોઈની ઉપર મોહી પડીને રીવ્યુ ઘસે (એમ જ કહેવાય) ત્યારે આપણને ખબર પડે કે અમુક જેમ્સભ’ઈ કે મગનકાન્ત ભ’ઈમાં આટલી પ્રતિભા ઠાંસી ઠાંસીને ભરેલી હતી અને હાળી આપણને જ ખબર નહોતી! એમના રીવ્યુ પણ સીતાફળ જેવા હોય, જેમાંથી છાલ-ઠળિયા જેવી અલકમલકની વાતો બાદ કરો તો ખાવા જેવો માલ એક ચમચી જેટલો જ નીકળે! આવા પંડિતોના સજેશન પર ફીલ્મ જોવા ગયા તો ભરાઈ પડવાના ૧૦૦% ચાન્સીસ. ખરેખર તો થીયેટર માલિકોએ આવી અઘરી ફિલ્મો સમજાવવા માટે ફિલ્મી પંડિતોને સ્ક્રીનની બાજુમાં ચોક-ડસ્ટર-પાટિયા સાથે હાજર રાખવા જોઈએ!

અમુક રીવ્યુઅર દુધમાં અને દહીમાં બંને જગ્યાએ પગ રાખતા હોય છે. મોટા સ્ટારની ફિલ્મ હોય, જાણીતાં પ્રોડ્યુસરે બનાવી હોય અને ડાયરેક્ટર કોઈ ખાંટુ હોય તો પછી એને ખરાબ કહીને થપ્પડ ખાવાનું દુસાહસ શિરીષ કુંદર જેવા કોઈક જ કરે. આવા ફિલ્મી પંડિતો જે ફિલ્મની વાર્તા બકરાએ ચાવેલી ચડ્ડી જેવી હોય, લોજીકની ભગીની શ્વાન સાથે પ્રભુતામાં પગલા પાડી ચુકી હોય, મ્યુઝીકમાં દમ ન હોય, છાપેલા કાટલાં જેવા એકટરો હોય, અને એક તટસ્થ ક્રિટિક તરીકે ફિલ્મને કચરાના ડબ્બામાં નાખી દેવી પડે તેવી હોય છતાં ‘અમુક ફિલ્મો for no reason ગમી જાય એવી હોય છે’, ‘સલમાનનાં ચાહકોને ગમે એવી’, ‘બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે’ એવું કહીને છટકી જતા હોય છે. એમનું ચાલે તો છેવટે ફિલ્મમાં બતાવેલા ઘોડા, તંબૂરા, પડદા, ઝુમ્મર, અને કાર્પેટ જોવા માટે તમને સોગંદ આપીને મોકલે!

ફિલ્મોનો રીવ્યુ લખનારા પણ રેટિંગ માટે પોતપોતાના માપદંડ પ્રમાણે દંડા પછાડતા હોય છે. અમુક લોકો માસ્તરની જેમ રીવ્યુમાંથી એક્ટિંગ, દિગ્દર્શન કે મ્યુઝીકમાં ઝોલ પકડી પાડીને માર્ક કાપી લેતા હોય છે. અમુક વિદ્વાનો પેઢીનામું રાખનારા વહીવંચા જેવા હોય છે. એ લોકો ફિલ્મની વાર્તા લખનારે જાપાનીઝ, ફ્રેંચ, ચાઈનીઝ, મલેશિયન, નેપાળી, ભૂતાની કે હોલીવુડની કઈ ફિલ્મમાંથી કેટલું ઉઠાવ્યું છે એ શોધીને ફિલ્મને છોલી પાડતા હોય છે. ક્યાંક ડાયરેક્ટરની અગાઉની ફિલ્મો સાથે સરખાવીને ધોકા મારવામાં આવતા હોય છે. ખરેખર તો રેટિંગ તરીકે પ્રીમીયમથી ખરીદેલી ટીકીટમાંથી કેટલા રૂપિયા વસુલ થશે એ આપવું જોઈએ.

આ બધું જોઇને તમને એમ થતું હોય કે હું રહી ગયો, તો તમે પણ વગર ફિલ્મ જોયે ગુગલદેવની મદદથી રીવ્યુ લખી બ્લોગ પર ચઢાવી શકો છો. એક્ટર-એક્ટ્રેસ, ટ્રેલર્સ-ટીઝર્સ અને પોતાનાં પૂર્વગ્રહો સાથે લઈને બેસશો એટલે ફિલ્મ જોયા પહેલાં પોણો રીવ્યુ તો લખાઈ જશે. બાકીનાં પા ભાગનો મસાલો ટ્વીટર પર અર્લી બર્ડને ફોલો કરવાથી મળી જશે. બાકી અમે તો એવા રિવ્યુર્સ જોયા છે જે આર્ટસમાં બીજાં ટ્રાયલે પાસ થયા હોય અને સાઈફાઈ ફિલ્મોનાં સાયન્ટીફીક તથ્યોની છણાવટ કરતાં હોય, એ પણ ફિલ્મ જોયા વગર!

મસ્કા ફન
મરશીયા અને હાલરડાની કોન્સર્ટો ન થાય.
12,277

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ફિલ્મોના રીવ્યુનો રીવ્યુ

 1. Ketan કહે છે:

  PK was the prime example. People made it so much crap outta it. Also, the prices were increased and released on many screens. So, the collection went over 300 million and joined the club. Jai Ho.

  Like

 2. અનામિક કહે છે:

  ખરેખર તો રેટિંગ તરીકે પ્રીમીયમથી ખરીદેલી ટીકીટમાંથી કેટલા રૂપિયા વસુલ થશે એ આપવું જોઈએ…

  જેમ તે દાડે તમે આપ્યું હતું એમ …. 🙂

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s