માણસ માત્ર પ્રવાસને પાત્ર


NGSસાયબેરિયા ઠંડી પડે એટલે પક્ષીઓ લાંબો પ્રવાસ કરીને શિયાળો ગાળવા ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા કે થોળ જેવી જગ્યાએ આવતા હોય છે. આ પક્ષીઓમાં પ્રવાસ વર્ણન કરવાની પ્રથા હજુ ચાલુ નથી થઈ એટલું સારું છે નહીંતર ‘અમે સમુહમાં ત્યાંથી ઉડ્યા ને પાંખ સાથ આપે ત્યાં સુધી ઉડતાં રહ્યા, પ્રથમ રાત્રિ રોકાણ રશિયાનાં એક નાનકડા ગામનાં ચર્ચમાં કર્યું’ એવું કંઇક વાંચવા મળત. પછી એ ચર્ચ અને ગામલોકોની આગતાસ્વાગતા અને ત્યાં પંખીશ્રીએ આપેલ પ્રવચનની વિગતો આવત. પણ થેંક ગોડ. પક્ષીઓ પ્રવાસગાથાઓ નથી કહેતાં કે ફેસબુક પર પોસ્ટ નથી કરતાં. પણ આ દુનિયામાં જાતજાતના પ્રવાસીઓ વિવિધ કારણોસર પ્રવાસ કરે છે અને પોતાનાં પ્રવાસના અનુભવો દુનિયાને માથે મારે છે.

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the image.

ભારતમાં શિયાળો યાયાવર પક્ષીઓની ઋતુ ગણાય છે. આ ઋતુમાં, ખાસ કરીને ડિસેમ્બરમાં, બે પ્રકારના પક્ષીઓ આપણે ત્યાં ઉતરી આવે છે. પહેલા પ્રકારના યુરોપ, અમેરિકા બાજુથી ઊડી આવતાં હોય છે. આ પક્ષીઓમાં ‘યસ’ ના બદલે ‘યા.. યા..’ બોલતા વરરાજાઓની સંખ્યા વધુ હોઈ એમને યાયાવર તરીકે ઓળખી શકાય. બીજાં પ્રકારના પક્ષીઓ મેડિકલ ટુરિઝમ હેઠળ બચ્ચાને જન્મ આપવા માટે આવતાં હોય છે. ફેર એટલો કે એ પંખીડા અહી ચોકઠાં-ચશ્મા કે ઢીચણના સાંધા બદલાવવા નથી આવતાં. અમેરિકા-યુરોપથી આવતા યાયાવર પક્ષીઓ અહી બચ્ચાને જન્મ નથી આપતા કારણ કે એમાં સીટીઝનશીપનો પ્રશ્ન ઉભો થતો હોય છે. બંને પ્રકારના પક્ષીઓ કામ પૂરું થાય એટલે વળતો પ્રવાસ ખેડીને મૂળ જગ્યાએ પાછા જતાં રહેતા હોય છે. આ પ્રવાસની મુખ્ય બાબત છે.

પ્રવાસ શરુ કર્યા પછી પ્રવાસી મૂળ સ્થાને પરત આવે ત્યારે પ્રવાસ પુરો થયેલો ગણાય છે. એ રીતે જોઈએ તો અવ્વલ મંઝીલે પહોચવા માટેનો પ્રવાસ પણ એકમાર્ગી જ છે. કવિઓએ પણ જીવનનો પ્રવાસ ઘરથી કબર સુધીનો જ ગણ્યો છે. એમાં જે લોકો કબ્રસ્તાનની બાજુમાં જ રહેતા હોય એ સો મીટર કાપવામાં ઘણીવાર સિત્તેર વરસ કાઢી નાખતાં હોય છે. ગાંધીજી પગપાળા પ્રવાસને મહત્વ આપતાં. આમાં પોતાનાં પગ પર કરેલાં પ્રવાસનો મહિમા છે. ચાર જણા ઉઠાવીને લઈ જાય એને પ્રવાસ ન કહેવાય. પ્રવાસ પોતાની મરજીથી કરેલો હોવો જોઈએ. કોઈ તમને રૂપિયાની વસુલાત માટે ઉઠાવીને ટાઈકલ વાડી લઈ જાય તે પ્રવાસમાં ન ગણાય. એમાં ટીએ-ડીએ કે એલટીસી મળવા પાત્ર નથી.

બીજો એક સવાલ એ થાય છે કે ​​કેટલું અંતર કાપ્યું હોય તો એને પ્રવાસ કહેવાય?​ તમે ઘરેથી પાનના ગલ્લા પર માવો ખાવા જાવ કે ઓફીસ જાવ એને પ્રવાસ કહેવાય? વાસ્કો-દ-ગામા પાન ખાવા નીકળ્યો અને ભારત આવી નહોતો ગયો. ​બીજું, પ્રવાસમાં કોઈ હેતુ સર કરવામાં આવતો હોય છે. માણસ બેંગકોક કે આગ્રા શા માટે જતો હોય છે? નેશનલ મ્યુઝિયમ જોવા કે પછી મેન્ટલ અસાયલમમાં ભરતી થવા? શું એને પ્રવાસનો હેતુ ગણી શકાય? ત્રીજું જે લોકોના પ્રવાસો સ્કૂલકાળમાં આપણા મગજ પર લોડ આપતા હતા તે તમામ જ્યાં ગયા ત્યાં ઝંડા ગાડીને આવ્યા હતા. નીલ આર્મસ્ટ્રોંગ પણ ચંદ્ર પર અમેરિકાનો ઝંડો રોપી આવ્યા હતા. સાતમી સદીમાં પગપાળા ભારત આવેલાં ચીની પ્રવાસી હ્યુએન-સંગ સાહેબના ગામ વડનગર આંટો મારી ગયેલા. જયારે અમુક અમથા ખાટી ગયા હોય એવું લાગે છે. જેમ કે મૂળ ઈટાલીયન કોલમ્બસ શોધવા નીકળ્યો હતો ભારત પણ  અમેરિકાના કિનારે ચડી ગયો છતાં ઇતિહાસમાં એનો પાઠ આવે છે. કદાચ ઈટાલીમાં ‘હીરો ઘોઘે જઈ આવ્યો’ એવી કહેવત નહી હોય.

કોલમ્બસ વિષે અતિપ્રચલિત જોક મુજબ જો એ ગુજરાતી હોત તો એની પત્નીએ (બાયડી!) એને સફરે જતાં પહેલાં અનેક સવાલો જેવા કે ‘ક્યાં જાવ છો?’, ‘કોની સાથે જાવ છો?’ ‘ક્યારે પાછાં આવશો?’ ‘સાંજની રસોઈ બનાવું કે નહી?’ કરી પેલાને ગૂંચવી નાખ્યો હોત. પણ આ સવાલો મહીં જ કોલમ્બસની સફળતાનું રહસ્ય છે. જે ઘરોમાં આવી ઉલટતપાસ વારંવાર થતી હોત ત્યાં ઘર છોડી નીકળી જવાના કિસ્સાઓ બને જ. કોલમ્બસ જ નહી હ્યુએન સેંગ, ફાઈહાન, ઇબ્ન બતુતા, માઇકલ પેલીન, વાસ્કો દ ગામા, માર્કો પોલો વગેરે ઘર છોડીને પ્રવાસે કેમ નીકળ્યા એની તપાસ કરાવવાની જરૂર છે. એમની પત્નીઓ અને ડોહા-ડોહીઓનાં સ્વભાવ કેવા હતાં? તે સંશોધનનો વિષય છે. આ સંશોધન સેલ્સ અને માર્કેટિંગની નોકરીમાં સદા બહાર રહેતા લોકોને સમજવા પણ ઉપયોગી થઈ શકે.

સદાબહાર માણસોનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે આવા માણસો સદા ઘરની બહાર રહેતા હોઈ ઘરનાને એમની મેથી મારવાનો મોકો નથી મળતો. ગૌચરો લુપ્ત થતાં જાય છે અને ઘરમાં ગૌચર હોઈ ન શકે એ કારણે ફરે તે ચરે કહેવત આવા કિસ્સાઓમાં યથાર્થ ઠરે છે. આમ ઘરની બહાર રહેવાથી કેટલીય ફાઈટ, બેટલ, અને વોર ટાળી શકાય છે. સમ્રાટ અશોકને જે કલિંગની લડાઈ પછી સમજાયું હતું તે યુધ્ધની ભયાનકતા અને નિરર્થકતા પરણિત પુરુષને આસાનીથી સમજાય છે. આવા લોકો માર્કેટિંગ, સેલ્સ અને પ્રમોશનનાં બહાને સદા પ્રવાસમાં રહેતા હોય છે.

પોતાની સાહસવૃત્તિને સંતોષવા, કુતૂહલ ખાતર, કે પછી ઘરથી કંટાળેલો માણસ પ્રવાસ કરે એ તો સમજી શકાય. પણ અમુક ફેસબુક પર ફોટાં પોસ્ટ કરવા જ ફરવા જતાં હોય એવું લાગે છે. ફેસબુક પહેલાંનાં પ્રવાસીઓમાં પ્રવાસ બાદ એક પછી એક પછી એક મિત્ર-સંબંધીને, શોધી શોધીને, રીક્ષામાં બેઠાં ત્યારથી શરુ કરીને ભ્રમણ પૂરું કરીને રીક્ષામાંથી ઉતર્યા ત્યાં સુધીનાં પ્રવાસનું વર્ણન થાક્યા વગર કરવાનો રિવાજ હતો. આ વર્ણનમાં પ્રવાસમાં પડતી પારાવાર તકલીફોનું વર્ણન સાંભળીને આપણને એમ થાય કે આટલી તકલીફો પડતી હોવાં છતાં માણસ પ્રવાસ કેમ કરે છે?

મસ્કા ફ્ન
નાગાઓની લડાઇમાં કપડા ફાટવાની ચિંતા હોતી નથી.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , . Bookmark the permalink.

1 Response to માણસ માત્ર પ્રવાસને પાત્ર

  1. thakerramesh4 કહે છે:

    વાહ ગરુડપુરાણ વિશે સાંભળેલું છે ….આ તમારું પક્ષીપુરાણ તો જબરું હિલેરીયસ છે……

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s