ઈશ્ક, બોલીવુડ અને બટાકા


સાહિત્યને વાનગીઓના વિશ્વ સાથે સરખાવશો તો તમને લાગશે કે સાહિત્ય પણ મઘમઘતી અને મસાલેદાર વાનગીઓથી ભરપુર છે, જેમાં શબ્દો રૂપી સામગ્રી એકત્ર કરી એમાં ઘટના, લાગણી, વિષય, વિચાર, છંદ, અલંકાર, રદીફ અને કાફિયા જેવા મસાલા નાખીને જાત જાતની ડીશો પકાવવામાં આવી રહી છે. આ દ્રષ્ટિએ જોશો તો નવલકથા એ મોંમાં સ્વાદ છોડી જતો ડ્રાયફ્રુટ હલવો લાગશે, વાર્તા એ રસમલાઈ અને ખંડકાવ્ય-સોનેટ એ કેસર-મેવાયુક્ત રજવાડી ડીશો લાગશે. ગઝલમાં તમને મરી-મસાલાથી ભરપુર ગાંઠીયા-ફાફડા જેવા ફરસાણ અને કવિતામાં ગુણકારી ઔષધોથી ભરપુર વસાણાનો સ્વાદ આવશે. આમ જુઓ તો અછાંદસ કવિતા એ એક જાતનું જંક ફૂડ જ છે જે સાહિત્યની તબિયત માટે હાનીકારક ગણાય છતાં પીઝા-પાસ્તા-બર્ગરની જેમ એ પણ લોકપ્રિય છે. આ રસથાળમાં મુક્તક અને હાઇકુ એ ચટાકેદાર ચટણી અને ચટપટા રાયતા સમાન અનિવાર્ય ટેસ્ટ મેકર્સ છે.

સાહિત્ય સર્જન પ્રક્રિયામાં જુદી જુદી ભાષા અને પ્રદેશ પ્રમાણે વિષયો બદલાતા રહેતા હોય છે પણ કેટલાક વિષયો એવા છે કે જેનો વિવિધ રીતે ઉપયોગ કરીને દુનિયાના તમામ પાકશાસ્ત્રીઓ સદીઓથી અવનવી વાનગીઓ પકાવી પકાવીને ભાવકોની રસક્ષુધાને તુષ્ટ કરી રહ્યા છે. એમાંનો એક વિષય છે પ્રેમ. એમનું કહેવું છે કે આ વિષય એટલો વિશાળ છે કે એના ઉપર જેટલું લખો એટલું ઓછું છે. એક અંદાજ પ્રમાણે આ વિષય પર જેટલું લખાયું છે એટલું જ બીજું લખાય તો પણ જેટલું લખાયું હોય તેનાથી અનેક ગણું લખવાનું બાકી રહે. આ વાત ન સમજાઈ હોય તો ડીપ્રેસ ના થતા, આ બાબતમાં આજ સુધી અમને પણ ટપ્પી પડી નથી. ટૂંકમાં સમજવાનું એટલું કે જેને પ્રેમ, પ્યાર, ઈશ્ક, મહોબ્બત કહે છે એ બહુ અટપટી ચીજ છે. આજ દિવસ સુધી કોઈ વિરલો એવો નથી પાક્યો કે જે પ્રેમનો અર્થ પામી શક્યો હોય. (તાજા પરણેલાને આમાંથી બાદ ગણવા) પણ સદીઓથી આ વિષય પર લખાતું આવ્યું છે અને લખાતું રહેશે.

વાનગીઓના વિશ્વમાં એક ઘટક તરીકે જે સ્થાન બટાકાનું છે એ સ્થાન સાહિત્યમાં પ્રેમનું છે. એક કાચુ બટાકુ કોઈ કુશળ તવેથાકશ (જેમ કલમકશ હોય એમ તવેથાકશ ન હોય?) ના હાથમાં મુકો તો એ એને બાફી, શેકી, તળી, એર ફ્રાય કરી, બેક કરી, માઈક્રો કરી, છીણીને, આખું કે ટુકડા કરીને, ચીરીઓ કરીને, એમાં કાપા પાડીને, કાતળી કરીને, છાલ સાથે કે છાલ વગર, બીજા શાક સાથે કે પછી એકલું વાપરીને એની એક એકથી અલગ એવી અગણિત વાનગીઓ બનાવી આપશે. એમજ કુશળ લખવૈયાઓ ઈશ્ક અને પ્રેમના વિષય પર સત્તર અક્ષરના હાઈકૂથી લઈને નવલકથા લખી શકે છે. કુશળ ગૃહિણીએ ભાવથી પીરસેલી થાળીમાં પણ બટાકુ કોઇને કોઈ સ્વરૂપે હાજર હશે. ક્યારેક શું રસોઈ બનાવવી એ ન સુઝતું હોય ત્યારે તારણહાર તરીકે બટાકું જ મદદે આવતું હોય છે. જેમ સીવણકામ શીખવાની શરૂઆતમાં લેંઘા સીવતા શીખવાડવામાં આવે છે, રાંધણકળાની તાલીમમાં બટાટાની વાનગીઓ બનાવતા શીખવવામાં આવે છે એ જ પ્રમાણે લેખનમાં પણ પ્રેમના વિષય પર લખવું પ્રાથમિક જરૂરિયાત ગણાતું હોય તો પણ નવાઈ નહિ!

તમને થશે કે વાત પ્રેમના પાટા ઉપરથી ઉતરીને બટાકા ઉપર ક્યાંથી આવી ગઈ? તો એક વાત સમજી લો કે સર્જકો માટે ઇશ્ક એ બટાટા જેટલો જ બહુ આયામી વિષય છે. આગળ કહ્યું એમ લેખનના તમામ પ્રકારોમાં પ્રેમ ઉપર અઢળક લખાયું છે. આપણે ત્યાં બટાકા ન ખાતા હોય એવા અનેક લોકો મળી આવશે પણ પ્રેમ નામના વિષયની પરેજી પાળતો હોય એવો લેખક કે કવિ મળવો મુશ્કેલ છે. સરકાર પ્રેમ કેન્દ્રી સાહિત્ય સર્જન પર પ્રતિબંધ મુકે તો અમુક સાહિત્ય કર્મીઓએ તો નવો કામધંધો શોધવો પડે એવી હાલત છે.

બીજા વ્યવસાયીઓ અને ધંધાર્થીઓમાં પ્રેમના મામલે આટલી જાગૃતિ જણાતી નથી. પોલીસ ખાતાના લોકો માટે પ્રેમ મોટે ભાગે નવું કામ લઈને આવતો હોય છે. એમાં પણ જાલિમ જમાના સામે બંડ પોકારીને ભાગી છુટેલા પ્રેમી પંખીડાને શોધવાનું કામ મુખ્ય હોય છે. અન્યથા ઝાડ પાછળ બાઈક પર કે બગીચામાં ઝાડી પાછળ બેસીને ગુફતેગુ કરતા પ્રેમીજનોને ડંડો પછાડીને ભગાડવાના કામ સિવાય એમનો પનારો પ્રેમ સાથે પડતો નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડોક્ટરો પાસે પ્રેમમાં પડવાનો સમય નથી હોતો. રાજકારણમાં પ્રેમ પ્રકરણ કારકિર્દી માટે ખતરારૂપ ગણાય છે. ક્રિકેટરો પ્રેમમાં પડતા હોય છે પણ એમાં ‘જબ તક બલ્લા ચલતા હૈ’ ત્યાં સુધી જ કહાણી આગળ વધતી હોય છે. રામલા, મજુરો અને કામદારોને પ્રેમ શું છે એ કદાચ ખબર જ નથી હોતી અને ખબર હોય તો પણ પોસાતું નહિ હોય એમ માની શકાય.

આ બધામાં પ્રેમનો ઇન્ડેક્સને ઉંચો રાખવામાં જો કોઈનો નોંધપાત્ર ફાળો હોય તો એ વિદ્યાર્થીઓનો અને એમાં પણ કોલેજના વિદ્યાર્થીઓનો છે. એમના માટે પ્રેમમાં પડવું એ લગભગ સિલેબસનો ભાગ જ ગણાય છે. એન્જીનીયરીંગમાં તો સેમેસ્ટર દીઠ બ્રેક-અપ અને એટીકેટીની સંખ્યા સરખી રહેતી હોય છે. હાલની સ્થિતિએ વિદ્યાર્થી આલમમાં દરેક જીજ્ઞેશ, પાર્થ અને વિશાલ પ્રેમ નામની મૃગજળ સરિતામાં યથા શક્તિ હાથપગ મારી, છોલાઈ અને પાર નીકળવાની ફિરાકમાં હોય છે.

પ્રેમ કેવી રીતે થઇ જાય છે એ બાબતે આ લખાય છે ત્યાં સુધી કોઈ સ્પષ્ટતા, ખુલાસો, ફોર્મ્યુલા કે રેસીપી મળી નથી. કુલ મિલાકે હાલ યે હૈ કી મેથ્સમાં પાઈની કિંમતમાં થાય છે એમ દરેક ભાગાકાર પછી નવો જવાબ આવે છે. પરિણામે આ ક્ષેત્રમાં પડેલા દરેક આલિયા, માલ્યા અને અબ્રાહમ પોતાના મનને ફાવે એ મત વ્યક્ત કરતા હોય છે. જયારે અમુકનો એ ધંધો જ બની ગયો છે.

પ્રેમની રેસીપી વાપરીને રોકડી કરવાના ધંધામાં ઉંધેકાંધ જો કોઈ પડ્યું હોય તો એ બોલીવુડવાળા છે. આપણા દેશમાં ફિલ્મો બનતી થઇ ત્યારથી લઈને અત્યાર સુધી એ લોકો પ્રેમ એટલે શું એ રજતપટ પર નાચી, કૂદી, ગાઈ, વગાડીને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. હજી કોશિશો જારી છે. અમને પ્રિય એવા જમરૂખ ઉર્ફે SRKને તો પચાસમુ ચાલે છે છતાં પણ લગભગ દર વર્ષે એમનાથી અડધી ઉંમરની હિરોઈન સાથે પ્રેમની નવી વ્યાખ્યા સાથે હાજર થઇ જ જાય છે. એમની પાછળ આખી પેઢી હજી બાકી છે. હવે તો ભેખડ ઉંચી કરો અને એની નીચેથી મંકોડા નીકળે એ ધોરણે બોલીવુડની કોઈપણ ફિલ્મ ઉઠાવશો તો એની સ્ટોરી અને ગીતોમાં તમને લવ, પ્રેમ, ઈશ્ક, પ્યાર, મહોબ્બતની નવી ફોર્મ્યુલા મળી આવશે.

જે લોકો મહિલાઓ માટેના સામયિકોમાં સામાજિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપતી કોલમોમાં પોતાની પ્રેમ વિષયક સમસ્યાઓના સમાધાન માટે પ્રશ્નો પૂછતા હોય છે એવા લોકો માટે બોલીવુડની ફિલ્મો ૨૧ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જેવી છે. પ્રેમ અંગેના સ્ટાન્ડર્ડ પ્રશ્નોના જવાબ તમને ત્યાંથી મળશે. જેમ કે પહેલી નજરનો પ્રેમ, અમીર પ્રેમિકા-ગરીબ પ્રેમી કે ગરીબ પ્રેમિકા- અમીર પ્રેમી, ઠાકુર અને બિન ઠાકુર પ્રેમીઓની સમસ્યાઓ, રાજવીઓના પ્રેમ સંબંધો, પહાડી વિસ્તારની પ્રેમ સમસ્યાઓ, કોર્પોરેટ વર્લ્ડમાં પ્રેમના નામે ચાલતા વ્યાભિચારથી અને ટીનેજ લવ માંડીને ડીફરન્ટલી એબલ્ડ પર્સન્સની પ્રેમ અંગેની સમસ્યાઓના સમાધાન આપણી ફિલ્મોમાં મળી આવશે. બેવફા પરદેશી સાથે પ્રેમ સંબંધ અને એનાથી થયેલા સંતાનોના સામાજિક દરજ્જાની સમસ્યાનો ઉકેલ આપતી આપતી પણ અનેક ફિલ્મો બની છે!

પ્રેમને લાગતી જેટલી સમસ્યાઓ છે લગભગ એ તમામ પર કોઈ ને કોઈ ફીલ્મ બની છે છતાં પણ કોઈ કન્ફ્યુઝન રહી જતું હોય તો સંજુ બાબાની જેમ જાતે ફોડી લેવું. ‘પ્યાર સબ કુછ સીખા દેતા હૈ’ એ પણ બોલીવુડનો જ તકિયાકલામ છે. સંજુ બાબા જયારે આ લાઈનમાં આવ્યા ત્યારે એમની પાસે પ્રેમ અંગેનું પ્રાથમિક જ્ઞાન પણ નહોતું. એમની પહેલી જ ફીલ્મ રોકીમાં એ ‘દિલ તેરે બિન કહીં લગતા નહીં વક્ત ગુજરતા નહીં… ક્યા યહી પ્યાર હૈ?’ એવું હિરોઈન ટીના બેનને પૂછતાં હતા. પછી કદાચ સંતોષકારક જવાબ નહી મળ્યો હોય એટલે એમણે આખી વાતનો પાર પામવા ત્રણ ત્રણ લગ્ન કર્યા. એમાં પણ ત્રીજા લગ્ન એમણે ‘માન્યતા’ નામની કન્યા સાથે કર્યા છે એ સૂચક છે. કદાચ પ્યાર-ઈશ્ક-મહોબ્બત એ માત્ર માન્યતા છે હકીકત નહિ એ વાત આખરે એમને જેલમાં ગયા પછી સુપેરે સમજાઈ ગઈ હશે એમ માની શકાય.

બાકી ટૂંકમાં એટલું કહું કે પાસપોર્ટ સાઈઝના બે ફોટો અને ફોટો આઈડી પ્રૂફ સાથે ત્રણ કોપીમાં અરજી કરીને પ્રેમમાં પડવાનું હોતું નથી. એ અનાયાસે થાય એમાં જ મજા છે. એના માટે રાહ જોવી પડે તો જોવી. ‘દિલ તો પાગલ હૈ’ માં મીઠી માધુરીએ કહ્યું જ છે કે ઈશ્વરે તમારા માટે જરૂર કોઈ પાત્ર બનાવ્યું હશે અને એ તમારી જીંદગીમાં આવશે તેની તમને ખબર પણ નહિ પડે. ગીતકાર આનંદ બક્ષી એ ‘વો સાત દિન’ ફિલ્મના એક ગીતમાં કહ્યું છે એમ ‘પ્યાર કિયા નહિ જાતા, હો જાતા હૈ …’. ‘હમ કિસી સે કમ નહિ’ના ગીતમાં પણ કહ્યું છે કે ‘ધીરે ધીરે દિલ બેકરાર હોતા હૈ, હોતે હોતે હોતે પ્યાર હોતા હૈ.’ પછી જ્યારે તમારા દિલ નામના કૂકરમાં મુકેલું પ્રેમ નામનું બટાકુ બફાઈને તૈયાર થઇ જશે એટલે સીસોટી આપોઆપ વાગશે!

सुन भाई साधो …
આશ્ચર્યની વાત એ છે કે ઇટાલીની નોટ આખી હોય તો પણ એને લીરા કહે છે!

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा.... Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s