બજેટ : અમારી છોટી સી ખ્વાહિશો


NGSજેટ રજૂ થાય એટલે અમુક જૂથો ખુશ થાય છે અને અમુક નાખુશ. આ કાયમનું છે. બધાં લોકોને બધાં સમય ખુશ રાખી ન શકાય એવું કોક મહાપુરુષે કહ્યું છે જેની સરકારને ખબર છે. એટલે નોકરિયાત ખુશ થાય તો કોર્પોરેટ જગત નાખુશ હોય. કૃષિમાં રાહતો હોય તો ઇન્ડસ્ટ્રી કકળાટ કરતી હોય અથવા એથી વિપરીત હોવું એ દરેક બજેટની આમ વાત છે. પણ આ મોટા માથાઓ વચ્ચે નાના-નાના લોકોને સાવ નાની નાની જોગવાઈઓથી ખુશ કરી શકાય એમ છે એ સરકારના ધ્યાન બહાર છે.

To read this and other articles on line on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles on line on Navgujarat Samay E-Paper, click on the image.

જેમ કે પોલિસ અને અમુક સરકારી કર્મચારીઓને જ લોન્ડ્રી માટે એલાવન્સ મળે છે. આ એલાવન્સ બધાં સરકારી કર્મચારીઓને આપવું જોઈએ. અમે તો કહીએ છીએ કે બધાને યુનિફોર્મ પણ આપો. આમ થશે તો નવા ફર્નિચર અને ઇન્ટીરીયરથી ચમકતા સચિવાલયમાં કાબરચીતરાં કપડાં દેખાતાં બંધ થઈ જશે.. પછી તો જુનાં સચિવાલયના કર્મચારીઓ પણ નવા દેખાશે. કર્મચારીઓ ચાલુ ઓફિસે ચા પીવા ન જાય તે માટે ઓફિસમાં જ ચા-કોફીના વેન્ડિંગ મશીનો ગોઠવવામાં આવે જે પી.પી.પી. ધોરણે ચાલતાં હોય. આમ ચા-પાણીનો ખર્ચ ઓફિશિયલી કંપનીઓ આપતી હોઈ ચા-પાણીના અલગ રૂપિયા કોઈ માંગી પણ ન શકે. આમ થવાથી આપણો દેશ પ્રમાણિકતા ઇન્ડેક્સ પર ઉંચે આવશે.

જૂની ફિલ્મ ગોલમાલમાં અમોલ પાલેકર ઉત્પલ દત્તને એક ક્રાંતિકારી વિચાર આપતા કહે છે કે ‘અગર હર આદમી અપના કુર્તા છે ઇંચ ભી છોટા કર લે ઉસમેં સે જીતના કપડા બચેગા ઉસસે કિતને લોગોં કી વસ્ત્ર સમસ્યા હલ હો સકતી હૈ.’ અમે આ વાતને ટેકો આપીએ છીએ. કપડાનો બિનજરૂરી વપરાશ એ પણ એક રાષ્ટ્રીય દુષણ જ છે. બધા નહિ તો ફક્ત ગુજરાતી સુગમ સંગીતના ગાયકો અને એન્કરો એમનો કુર્તો માત્ર બે-અઢી ફૂટ ટૂંકો કરાવે તો અડધા અમદાવાદની વસ્ત્ર-સમસ્યા હલ થઇ જાય. આજકાલ સ્પર્ધાનો જમાનો છે અને સરકારનું પ્રોત્સાહન હશે તો મા-કસમ સુગમ સંગીતના કલાકારો અને એન્કરોમાં ‘છોટી બહેર’ની ગઝલ જેવા ‘છોટા કુર્તા’ની ફેશનનો જુવાળ ફાટી નીકળે એવી શક્યતા રહેલી છે. આમ પણ સાહેબના વાદે લોકો અડધી બાંયનો કુર્તો તો પહેરતા તો થઇ જ ગયા છે, એમાં પ્રોત્સાહન રૂપે બારેમાસ બ્લાઉઝ જેટલો ટૂંકો કુર્તો પહેરનારના ઇન્કમટેક્સ પરનો સરચાર્જ પણ માફ કરી શકાય.

લુંગી સબસીડાઈઝ કરો. કિંમતમાં કિફાયતી અને પહેરવા, ઓઢવા, પાથરવા અને લુછવાના ચતુર્વિધ ઉપયોગમાં આવે એવી લુંગી પહેરવાની પ્રથા લુપ્ત થતી જાય છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં ઝડપથી લુંગીનું સ્થાન પેન્ટ કરતા ટૂંકા અને ચડ્ડી કરતા થોડા લાંબા એવા ‘બર્મ્યુડા’ નામે ઓળખાતા ચડ્ડાએ લઇ લીધું છે. એક જમાનામાં આવા ચડ્ડાઓ પહેરીને ટ્રેન, પ્લેન અને મંદિરથી લઈને લગ્ન સમારંભની શોભા વધારવી એ એન.આર.આઈ. લોકોનો એકાધિકાર ગણાતો. આજે એ જ ચડ્ડો (એ જ એટલે સેકન્ડ-હેન્ડ નહીં) ગરીબ લોકોનું પ્રિય વસ્ત્ર બની ગયો છે ત્યારે ચડ્ડી પર એન.આર.આઈ.નું લેબલ ભીખની આવક પર ફટકો મારે છે. આ પરિસ્થિતિ નિવારવા, અને મલ્ટીપરપઝ લુંગીના વપરાશને પ્રોત્સાહન મળે તે માટે બર્મ્યુડા પ્રકારની લાંબી તેમજ અન્ય ટૂંકી ચડ્ડીઓ પર ભારે વેરો નાખી, અને તે આવકથી લુંગીને ક્રોસ-સબસીડાઈઝ કરવામાં આવે તે આવકાર્ય રહેશે. જોકે મહિલા વર્ગ આ દરખાસ્તનો વિરોધ કરે તેવી શક્યતા નકારી ન કઢાય.

કર્મચારીઓ ઓફિસેથી ટાંકણી, યુ-પીન, સ્ટેપલર પીન, અને રેસ્ટોરાંમાંથી ટીશ્યુ પેપર અને ટુથપીક ઘેર લઈ જવાની આદત ધરાવે છે. માર્કેટિંગ અને સેલ્સ માટે ફરતાં અમુક મેનેજરોના ઘરનાં લોકોએ તો ફૂલ સાઈઝના સાબુ અને શેમ્પુની બોટલ્સ જોયા પણ નથી હોતાં. આવામાં સરકાર તરફથી શુભેચ્છા તરીકે, પ્રોફેશનલ ટેક્સ ભરતાં દરેક કર્મચારીને પગારની સાથે ટુથપીક આપવી જોઈએ. ઉંમર જતાં દાંત ખોતરવાની જરૂર પડે છે અને હવે હોટલોમાં ટુથપીક આપવાનું બંધ થઈ ગયું છે. ટુથપિકનાં અનેક ઉપયોગ છે. ટુથપીક ટાઈમપાસ માટે પણ કામ લાગે છે. એનાથી નખમાંનો મેલ ખોતરી શકાય છે. મોબાઈલ ફોનના સીમકાર્ડ કાઢવામાં ટુથપીક કામમાં આવે છે. ટુથપીક ઉંધી કરીને માથામાં ખણી શકાય છે. ટુથપીકથી ફળ ખાવાને કારણે ચમચી-કાંટા ધોવા નથી પડતાં જેનાં કારણે વોશિંગ પાવડરની બચત થાય છે. આમ ટુથપીકનું પેકેટ દર મહિને મળવાથી કર્મચારી એનો કોઈને કોઈ કામ માટે ઉપયોગ કરશે અને સરકારને દુવાઓ દેશે.

છેલ્લે એક દરખાસ્ત યુવાનો માટે છે. આજકાલ ફેસબુક પર બીજી છોકરીનો ફોટો લાઈક કરવા જેવા ક્ષુલ્લક કારણસર છોકરીઓ બોયફ્રેન્ડને ડમ્પ કરી દેતી હોય છે. આને લીધે છોકરાઓમાં માનસિક તણાવ પેદા થતો હોય છે. ચ્યુંઈંગ ગમ ખાવાથી માનસિક તણાવ ઘટે છે એવું ટોકિયોની જર્નલ ઓફ પ્રોસ્થોડોન્ટીક રીસર્ચનું કહેવું છે. એટલે જો ચ્યુંઈંગ ગમ પરનો ટેક્સ ઘટાડવામાં આવે તો ડમ્પ થયેલા બોયફ્રેન્ડઝ દારુ-સિગરેટ પીવાને બદલે ચ્યુંઈંગ ગમ ચગળીને પોતાનો ગમ ગલત કરી શકે. અસ્તુ.

મસ્કા ફન
અર્થશાસ્ત્રના વિદ્વાન પ્રોફેસરને દેશનું સુકાન સોંપીને આપણે એટલું શીખ્યા કે – વીરરસના કવિને ધિંગાણેના મોકલાય !

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s