ઋજુ નારીઓની ઋજુ સમસ્યાઓ


Ruju Nari Ni Ruju Samasyao-3

વિ કાલિદાસ કૃત અભિજ્ઞાન શાકુંતલમાં શકુંતલા વિદાયના પ્રસંગે એના પાલક પિતા એવા કણ્વ ઋષિ તપોવનના વૃક્ષો અને વેલીઓને વિનંતી કરે છે –
Ruju Nari Ni Ruju Samasyao-1

पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु यानादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम्।
आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः
सेयं याति शकुंतला पतिगृहं सर्वैरनुज्ञायताम्॥

ભાવાર્થ : ‘તમને જળ સિંચન કર્યા પહેલા જેણે કદી પાણી પીધું નથી, પર્ણોના આભૂષણો અત્યંત પ્રિય હોવા છતાં તમારી શાખા પરથી જેણે પાન તોડ્યું નથી અને તમારી ડાળ પર નવું ફૂલ બેસે ત્યારે જેણે ભાવથી ઉત્સવ મનાવ્યો છે એ શકુંતલા આજે પતિગૃહે સિધાવી રહીછે ત્યારે આપ સહુ (વૃક્ષો-વનલતાઓ) એને અનુજ્ઞા આપો.’ આવી ઋજુ લાગણીઓ ધારણ કરનારી સર્વે નારીઓને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ.

***

તમે જોશો તો આવી ઋજુ લાગણીઓ ધારણ કરનારી સ્ત્રીઓનું લાગણીતંત્ર પણ ઋજુ હોય છે. સ્ત્રીઓની મોટી મોટી સમસ્યાઓ માટે અનેક કાયદાઓ બનેલા છે, પણ એવી નાની નાની અગણિત સમસ્યાઓ છે જેનો સ્ત્રીએ રોજબરોજ જેનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ એટલી સર્વ સામાન્ય છે કે પરિણીત કે અપરિણીત, વ્યવસાયી કે ગૃહિણી, લગભગ દરેક નારી એનો સામનો કરતી હોવા છતાં એની નોંધ લેવાતી નથી. આ વિષયમાં કેટલીક સામાન્ય વાત જ કરવી છે. શરૂઆત પંચતંત્રની એક વાર્તાથી કરીએ. વાર્તામાં બે પાત્રો છે – સુઘરી અને વાંદરો.

વરસાદ અને ઠંડા પવનથી ઠુંઠવાયેલો એક વાંદરો ઝાડ નીચે ચણોઠીનો ઢગલો કરીને એની ઉપર તાપણી કરતો બેઠો હતો. એ જ ઝાડ પર એક સુગરી સુંદર ગૂંથણીવાળો માળો બનાવીને રહેતી હતી. વાંદરાની મૂર્ખામી જોઈને એને દયા આવી એટલે એણે વાંદરાને સલાહ આપી કે ‘મારી જેમ તેં ચોમાસા પહેલાં રહેવા માટે સરસ ઘર બનાવ્યું હોત તો આજે તારી આ દશા ન થાત ને!’ એક તો હાડ તોડી નાખે એવી ઠંડી, સાથે વરસાદ અને ઉપરથી ચાંપલી સુગરીએ સુફીયાણી સલાહ આપી, એમાં માંકડ ચી સટક્લી! પછી તો ઝાડ પર ચઢીને વાંદરાએ સુગરીનો માળો વીંખી નાખ્યો અને સુગરીને વિલાપ કરતી મુકીને બીજા ઝાડ ઉપર જતો રહ્યો. એક વાયકા પ્રમાણે ત્યાર પછીથી એ જ વાંદરો અને સુગરી જનમો જનમ નર અને નારી તરીકે અવતરતા રહ્યા છે અને આગળ જતા પતિ-પત્નીની જોડી બનાવીને એળે નહિ તો બેળે ગાડું ગબડાવતા રહ્યા છે. ખાતરી કરવી હોય તો આજુબાજુ જોજો, ઠેર ઠેર સુગરીએ બનાવેલા સુંદર માળાઓને મલકના વાંદરાઓ વેરણછેરણ કરતા દેખાશે. તમે પુરુષ હોવ તો ચેક કરી લેજો કે તમારી પાછળ લાંબુ પૂછડું તો નથીને?

Ruju Nari Ni Ruju Samasyao-4

Enter a caption

આ જાતીગત પ્રકૃતિ છે. કોમળ લાગણી તંત્ર ધરાવતી ગૃહિણી દામ્પત્ય જીવનમાં એક સુગરી જેટલી લગન અને ચીવટથી મકાનને ઘર બનાવતી અને ઘરને સજાવતી દેખાશે. ઘરમાં શિસ્તની ચિંતા પણ એને જ હોય છે. સામે પક્ષે પ્રકૃતિથી કઠોર, સ્વભાવથી બેપરવાહ અને વૃત્તિથી બદમાશ એવા (વા)નર એનો દરેક પ્રકારે ગેરલાભ લેતા દેખાશે. એક સાદી વાત લો. સવારે ઘરમાં પહેલું કોણ ઉઠે?

 

કોણ જાણે કેમ આપણી સિસ્ટમ જ એવી છે કે આપણે ત્યાં સવારને સૂર્યોદય સાથે કોઈ નિસ્બત હોય એવું લાગતું જ નથી. તમને આશ્ચર્ય થશે પણ આ વાત સાચી છે કારણ કે આપણે ત્યાં સવાર પડવી એ એક અવસ્થા છે. બહાર ભલે સૂર્ય મધ્યાહને તપતો હોય પણ અમુક લોકોની સવાર નથી થતી. માણસ ઊંઘનો ત્યાગ કરી અને પુરા હોશોહવાસમાં દૈનિક ક્રિયાઓ માટે પ્રવૃત્ત થાય એને જ સવાર પડી ગણવામાં આવે છે. આવી સવાર પડવાનો સમય વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોય છે. મોટાભાગના લોકોને ચા પીધા પછી જ સવાર થતી હોય છે. ૯૯.૯૩૭% પુરુષો આ વર્ગમાં આવે છે. આવા લોકો ચા પીધા પહેલાં પહેલાં ઘરનું કોઈપણ પ્રકારનું કામ કરવામાં માનતા નથી એટલે જાતે ચા બનાવીને પીવાનો સવાલ જ પેદા નથી થતો. બાકી હોય એમ સાહેબને ‘બેડ ટી’ જોઈતી હોય છે. સરવાળે આ કામ પત્ની ન આવે ત્યાં સુધી મમ્મીઓના માથે હોય છે. આખરે સવારે વહેલા ઉઠવાની અને ચા બનાવવાની જવાબદારી મહિલા વર્ગ ઉપર આવી ગઈ છે.

‘આ ઘરમાં પેન્ટ હું પહેરું છું, અને એને ધોવા તથા ઈસ્ત્રી કરવાની જવાબદારી પણ મારી છે’ આ શબ્દો છે માર્ગારેટ થેચરના પતિ ડેનીસ થેચરના! સમજ્યા? સોવિયત પત્રકારે જેમને ‘આયર્ન લેડી’ ગણાવ્યા હતા એ બ્રિટનના વડાપ્રધાનના પતિ પણ આ વાત સમજતા હતા તો આપણે કયા ખેતરના મૂળા છીએ? આપણે ત્યાં આઈરની એ છે કે ઘણા ઘરોમાં કપડાને આયર્નીંગ (ઈસ્ત્રી) કરવાનું કામ ઘરના મહિલા વર્ગ માથે હોય છે. ઘણાને તો એ ખબર નથી હોતી કે એક કપડું ધોવા નાખો પછી પ્રેસ થઈને પાછું આવતા કેટલો સમય લાગે છે! ધોવા માટેના કપડા ક્યાં નાખવાના એનું પણ કોઈ ઠેકાણું નહિ. પેલી આખા ઘરમાંથી શોધી શોધીને કપડાં ધોવા નાખે છતાં એકાદ રહી જાય તો કંકાસ. ઈસ્ત્રી માટે કપડાં ગણીને આપવા, ગણીને પાછા લેવા, કપડા અદલા-બદલી થઇ ગયા હોય એની મગજમારી કરવી અને મહિને એનો હિસાબ ચુકતે કરવો એ પણ અઘરું કામ છે.

અચ્છા, તમારે કયું શર્ટ ક્યારે અને ક્યા પેન્ટ સાથે પહેરવાનું છે એ કોને ખબર હોય? તમે વોર્ડરોબમાં કે દરવાજા પાછળ લટકાવેલા અથવા તાર ઉપર, પલંગ ઉપર કે અહીં તહીં નાખેલા કપડામાંથી કયા ધોવા માટેના છે અને કયા ફરી પહેરવા માટેના છે એ તમે જાતે કહો છો કે એ સુંઘીને નક્કી કરવા માટે પોલીસની ડૉગ સ્કવોડ બોલાવવી પડે છે? કપડા ધોવા નાખો ત્યારે બન્ને મોજા સાથે હોય છે? પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ, નોટો, છુટ્ટા પૈસા, મસાલા-ગુટખાની પડીકીઓ, એ.ટી.એમ.ની સ્લીપ એટસેટેરા કાઢી લેવાની ટેવ ખરી? કપડું નવું હોય અને એનો રંગ જાય એવો હોય તો અલગથી ધોવાની ચોખવટ કરો છો? ધોવા કાઢેલું ટી શર્ટ કે કુર્તો સુલટાવો છો? ક્યા કપડાને બ્રશ મારાય, કયાને નીચોવવાને બદલે ફક્ત તારવીને સુકવવાના હોય, ક્યા કપડાં માટે ગળી નાખવાની અને કયા કપડાં માટે ખાસ ડીટર્જન્ટ પાવડર વાપરવાનો એની મગજમારી કોણ કરે છે? બટન તૂટે તો ટાંકતા અને લેંઘાનું નાડુ અંદર જતું રહે તો બહાર કાઢતા કે નવું નાડુ નાખતા આવડે છે? આ બધા મગજની નસોને તંબૂરાના તારની જેમ ટાઈટ કરી દે એવા કામો છે. છતાં બધું થઇ જાય છે ને?

અમારો અભ્યાસ એવું કહે છે કે બધા પુરુષો પેલી વાર્તાવાળા વાંદરાનો પુનરાવતાર નહિ હોય, એમાંના અમુક પૂર્વજન્મના કાગડા અને કબૂતર હોવાની પુરેપુરી શક્યતા છે. કમસે કમ ઘર વ્યવસ્થિત રાખવાની બાબતમાં એવું ચોક્કસ કહી શકાય. ઘણાને તો ઘર વ્યવસ્થિત રાખવું એટલે શી એ જ ખબર નહિ હોય. પહેલાં તો તમારી જાતને પૂછો કે તમને ખબર છે? ઘર વ્યવસ્થિત રાખવાનો અર્થ હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ બારીના પડદા ખોલવા, ફૂલદાનીમાં નવા ફૂલ ગોઠવવા અને હીરોના વાળમાં હાથ ફેરવીને જગાડવો એવો નથી થતો. એક મહિનામાં ફક્ત તમે રઝળતા મુકેલા મોબાઇલ-ટેબલેટના ચાર્જરો, ટીવી-હોમ થીયેટર-સેટ ટોપ બોક્સના રીમોટ, પેન, કાર/ બાઈકની ચાવીઓ, વોલેટ, બેંકની પાસબુકો, ટપાલો, આઈ.ડી. પ્રૂફના ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ વગેરે શોધવામાં તમારી પત્ની જેટલો સમય ગાળે છે એટલો સમય હીરાની ખાણમાં કામ કરે તો એક એક ગૃહિણી નીતા અંબાણી જેટલા બેંક બેલેન્સની માલિકણ થઇ જાય. મોજાની જોડી કરીને ફરી જડે તેમ મુકવી, છાપાના પાના સંકેલીને ઠેકાણે મુકવા, તાર પરથી કપડાં લઇ – વાળી અને મૂકવા, આડા અવળા કાઢેલા બૂટ-ચંપલ-સેન્ડલો ઠેકાણે મુકવા, પલંગની ચાદર પરથી તમે ઝપટેલા નાસ્તા ભૂકો ઝાપટવો વગેરે અને એવા કૈંક કામો ભલે સામાન્ય લાગતા હોય પણ દરેક કામ અમુક સમય માગી લે છે એ કોઈ સ્વીકારતું જ નથી.

આ સિવાય પણ વધતી ઉમર અને બદલાતા સમય સાથે કદમ મિલાવવા જતાં કેટલીક નવી સમસ્યાઓનો સામનો કરવાનો પણ આવી શકે છે. જેમ કે બાળકોને આજકાલ સ્માર્ટ, હોટ એન્ડ હેપનિંગ મોમ જોઈતી હોય છે. એટલે વેસ્ટર્ન આઉટફીટસમાં ફીટ થઇ શકાય એ માટે કરીને પણ વેઇટ ટ્રેઈનીંગ, વોકિંગ, જોગીંગ, જીમ, ડાયેટિંગ બધું જ અનિવાર્ય થઇ ગયું છે. કઝીન્સ અને બહેનપણીઓ જયારે વોટ્સેપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એમના ડીઝાઈનર ડ્રેસીસ, જ્વેલરી અને એક્સેસરીઝ સાથેના મેરેજ ઈવેન્ટ્સ અને ફોરેઇનની ટુરના ફોટા શેર કરતી કરતી થઇ ગઈ હોય ત્યારે આજની ગૃહિણી સ્માર્ટ ફોન્સથી ભાગ્યે જ દૂર રહી શકે, અને એકવાર એ દુનિયામાં પ્રવેશ્યા પછી વાઈ-ફાઈની કનેક્ટીવીટી, એન્ડ્રોઈડના અપગ્રેડ, કેન્ડી ક્રશની લાઈફ, ટીકીટસ અને લેવલ, MP3 સોન્ગ્ઝ, વોટ્સેપ ફોર્વર્ડસ અને ગ્રુપ ચેટ, ફેસબુકના લાઈક-કોમેન્ટ્સના વ્યવહાર અને ફ્રેન્ડઝનો વર્ચ્યુઅલ સમાજ એની અલગ જ પ્રકારની સમસ્યાઓ લઈને આવતો હોય છે.

પછી આવે છે રસોડાની રણભૂમિ.  આજે લગભગ દરેક રસોડામાં ભાખરી-શાકવાદ અને પીઝા-પાસ્તાવાદ વચ્ચે જંગ ચાલતો હોય છે. સેવ-મમરા-પૌંવાએ હવે ‘આખરી નાસ્તા’ ગણાય છે જેમાં કોઈને રસ નથી હોતો. એટલે હવે ટીવી પર આવતા કૂકરી શો જ મમ્મીઓ માટે ‘આખરી રસ્તા’ ગણાય છે. જમવામાં રોજ નવું નવું ક્યાંથી લાવું? આ પ્રશ્ન કૂકરી શોની સક્સેસનો પાયો છે. મમ્મીઓનો એક મોટો વર્ગ બપોરે બેક-ટુ-બેક બધા આ જ શો જોતો હોય છે. એમને પણ જાતજાતની ડીશો બનાવીને ઘરનાને ખવડાવવી હોય છે, પણ લગભગ દરેક રેસિપીમાં બે-ત્રણ અગત્યના ઇનગ્રેડીયન્ટસ એવા નીકળે જે ઘરમાં હોય જ નહિ! પછી એના વગર ડીશ બનાવે જેનો સ્વાદ ઘરના ભાખરી-શાક જેવો જ હોય! ઘરનાને પણ તકલીફ એટલી જ હોય છે કે ટીવી ઉપર દુનિયા ભરની ચટાકેદાર ડીશો જોવા મળે પણ સાંજે થાળીમાં જુએ તો ભાખરી શાક! બાકી હોય એમ રસોઈના રીયાલીટી શોમાં આવતા વિકાસ ખન્ના જેવા હેન્ડસમ શેફ અને રણવીર બ્રાર-સંજીવ કપૂર જેવા ખડૂસ જજીઝની કોમેન્ટ્સ અને ટીપ્સને લીધે રસોડા પ્રયોગશાળામાં ફેરવાઈ ગયા છે. ડોકટરો પણ આવા રસોઈ શોના અખતરાથી બગડેલા કેસો રીપેર કરવા માટે તબીબીશાસ્ત્રમાં નવી શાખા ખોલવા માટે ભલામણ કરી રહ્યા છે.

કુલ મિલાકે બાત યે હૈ કી યે તો સિર્ફ આઈસબર્ગ કી ચોટી હૈ! હજી અહીં વ્યવસાય-નોકરી, માતૃત્વ અને બાળ ઉછેર, બાળકોના લંચબોક્સ, હોમવર્ક, કામવાળા સાથેની કડાકૂટ, સામાજિક વ્યવહારો સાચવવા, ઉમર સાથે હોર્મોનના ચેન્જીઝ વગેરે વગેરે જવાબદારીઓ અને તેની સામેના પડકારો વિષે લખવા બેસીએ તો લીસ્ટ લાંબુ થઇ જાય. આ જવાબદારીઓ ભલે નાની લાગતી હોય પણ કુટુંબજીવનમાં સામેલગીરીનું ઊંડાણ એની બે કે ત્રણ દિવસની ગેરહાજરીમાં જ વર્તાઈ આવશે.

बधिर खड़ा बाज़ार में …
અહમ અને ફાંદ ન નડે તો બે માણસો ભેટી શકે છે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અભિયાન. Bookmark the permalink.

3 Responses to ઋજુ નારીઓની ઋજુ સમસ્યાઓ

  1. અહમ અને ફાંદ ન નડે તો બે માણસો ભેટી શકે છે.

    વાદરો,કબુતરઅને સુઘરી
    વાહ
    મારી ચા કયા છે??

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s