જબ તક હૈ નાન


Jab tak hai Naanસ્ટેજ ઉપર જઈને વર-કન્યાના હાથમાં કવર પકડાવીને નીચે ઉતર્યા પછી અમે જુદા જુદા કાઉન્ટર પર ફરીને સૂપ, પીઝા, પાસ્તા અને નાની નાની ઢોંસીઓ ચાખી, પણ કંઈ જામ્યું નહિ એટલે ડીશ લઈને અમે મેઈન કોર્સના કાઉન્ટર પર આવ્યા. આવતી વખતે પુષ્કરે સૂપનો ચમચો પણ ડીશમાં લીધો હતો એ મેં નોંધ્યું.

લાઈનમાં મારો નંબર સત્તરમો હતો. પ્રિયા મારી પાછળ હતી અને મારી આગળ મારો ટીખળી દોસ્ત પુષ્કર સળીકર અને તેની પત્ની સરલા હતા. પુષ્કી ટાઈમ પાસ કરવા માટે અમદાવાદી સ્ટાઈલ મુજબ ડીશમાં રશિયન સેલડ પણ લેતો આવ્યો હતો અને એમાંથી એ અને એની સલ્લી બંને સેલડ ગપકાવી રહ્યા હતા. વારો આવ્યો એટલે એ બંને એ અંગૂરી રબડીથી વાટકા ભરી લીધા અને કાઉન્ટર બોયને ગણકાર્યા વગર બાકીની વાનગીઓ જાતે લેવા માંડ્યા. પુષ્કી ઉપર સવારની ચેસ ટુર્નામેન્ટની અસર હોય કે ગમે તેમ પણ ચેસ બોર્ડ પર કૂકરીઓ ગોઠવતો હોય એમ એણે કચોરી, સેવ રોલ અને ઊંધિયાની બટાકીઓ ગોઠવી હતી. મેં પણ ગમતી વાનગીઓ લીધી.

Jab tak hai Naan-1ડ્રાયફ્રુટ હલવાના તાવડા પાસે પહોચ્યો ત્યાં સુધી પુષ્કી કંટ્રોલમાં હતો. પણ પેલાએ નાની ચમચીથી અથાણા જેટલો હલવો એની ડીશમાં મુક્યો એવી એની છટકી. એ કાઉન્ટર બોયને ઉદ્દેશીને તાડૂક્યો,

‘હાળા નપાવટો, તમે લોકો ચરક જેટલી ચટણી લેવાની હોય એના માટે મોટો કડછો રાખો છો, અને માલ-પાણી પીરસવા માટે આવડીક અમથી ચમચી?’ પછી  ‘લે આનાથી પીરસ’ એમ કહીને સાથે લાવેલો સૂપનો ચમચો પેલાના હાથમાં થમાવીને આંખ મિચકારતા મને કહે, ‘મને ખબર જ હતી કે એ લોકો આવા દાવ કરશે એટલે જ મેં આ ચમચો લીધો હતો.’ એમ કહીને ડીશમાં રબડીના બાઉલથી પણ ઉંચો ડ્રાયફ્રુટ હલવાનો ઢગલો કરાવ્યો અને ‘હવે બધાને આનાથી જ પીરસજે પાછો.’ એમ કહીને આગળ ચાલ્યો.

એની પાછળ અમે પણ હલવો લઈને નીકળ્યા. મેં પાછા વળીને જોયું તો પેલા સ્વામી ભક્તે ચમચો નીચે મુકીને ફરી ચમચીથી પીરસવાનું ચાલુ કરી દીધું હતું!

વાતો કરતા કરતા અમે ‘ઇન્ડિયન બ્રેડ્ઝ’ લખેલ કાઉન્ટર પાસે પહોંચ્યા. ત્યાં અમારી પાસે ત્રણ ઓપ્શન હતા – ચપાતી, બટર રોટી અને બટર નાન. પણ કહે છે ને કે ‘હોઈ હૈ વહી જો રામ રચી રાખા…’. થયું પણ એવું જ. હજી હું પુષ્કીને ‘ચપાતી જ લઈશું ને?’ એવું પૂછવા જતો હતો એ પહેલા તો નેપાળી કાઉન્ટર બોયે અમારા ત્રણેયની ડીશમાં નાનનો એક એક પોર્શન પધરાવી દીધો. એમાં પણ પુષ્કીની ડીશમાં તો નાન સીધી પનીર લાબાબદારની ગ્રેવીમાં ખાબકી! હવે છૂટકો નહોતો. છેવટે આટલું તો ખવાઈ જશે એમ નક્કી કરીને અમે ખુલ્લી જગ્યા બાજુ સરક્યા. એ વખતે રોગ ચોઘડિયું કદાચ હશે કે ઉદ્વેગ, પણ અમે જમી રહ્યા ત્યાં સુધી એ નાને પડછાયાની જેમ અમારો સાથ ન છોડ્યો.

નાનનો વારો આવે એ પહેલાં તો અમે લીલવાની કચોરી, રબડી અને હલવા ઉપર હાથ સાફ કરી લીધો. પછી સ્વાદ બદલવા માટે નાન સબ્જીનો વારો કાઢ્યો. પહેલાં તો નાનને તર્જનીથી દબાવી અને એની કિનારીને અંગુઠા અને વચલી આંગળી વચ્ચે પકડી અને ટુકડો કરવાની કોશિશ કરી. આંગળી ઉંધી વળી ગઈ ત્યાં સુધી ખેંચી તોય નાનનો ટુકડો ન થયો! થોડું મથ્યો પણ કંઈ ફેર ન પડ્યો. હા, નાનનો આકાર થોડો બદલાયો. આમ તો મેળ નહિ પડે એમ લાગ્યું એટલે મેં નાનનું બીડું વાળ્યું અને એક છેડો મુઠ્ઠીમાં ફીટ પકડી અને બીજો છેડો દાંતથી ખેંચ્યો, તો નાન દાંતથી ડીશ સુધી લાંબી થઇ! સીન એવો હતો કે દૂરથી કોઈ જુએ તો વિચારે કે હાળું વરઘોડો છે નહિ અને આ ભાઈ મોંમાં રૂમાલ લઈને નાગિનનો ડાન્સ કેમ કરે છે? હું થોડું વધારે ઝઝૂમ્યો હોત તો લોકોને ગલુડિયું ગાભા સાથે ગેલ કરતુ હોય એવો સીન પણ જોવા મળત! છેલ્લે મેં મારી ડીશ પુષ્કીના હાથમાં પકડાવીને નાનને બને હાથ વડે બે બાજુથી પકડી અને હાથ પહોળા કરવાનું ચાલુ કર્યું. મારા હાથ દિલવાલે દુલ્હાનીયામાં જમરૂખ ઉર્ફે શાહરૂખે કર્યા હતા એટલા પહોળા કર્યા તો પણ નાનનો એક તાંતણો તૂટ્યો નહિ! ઉલટાનું મેં એક બાજુથી નાન છોડી તો એવો ફટાકો બોલ્યો કે મારો અંગૂઠો લાલ થઇ ગયો!

એવું નથી કે મેં જીંદગીમાં નાનો ખાધી નથી. પણ આ કંઈ જુદી જ જાતની બલા હતી. લંબગોળ નાનના બે ઉભા ટુકડા કર્યા હોય એમાંનો એક ટુકડો જ હતો. જાડાઈમાં અને દેખાવમાં એ બુટની અંદર મુકવાની સખતળી જેવી દેખાતી હતી. મને તો જોકે જોડાની સખતળી જ પીરસી હોય એવું જ લાગતું હતું. મજબૂતી એવી ઠસોઠસ કે તમે સ્પોર્ટ શૂઝના તળિયામાં લગાવી શકો. લાટીમાં જઈને કરવતથી એના નાના નાના ચોરસ ટુકડા કરાવો તો છોકરાંને રબર તરીકે ચાલે. સપાટી બિલકુલ મહેશ ભટ્ટની બગલ જેવી સ્ક્રેચ પ્રૂફ અને સિયાટ ટાયર જેવી – બોર્ન ટફ! તાકાત છે કોઈ એક પોપડી ઉખાડીને ખાય!

મારી જાણ મુજબ મેંદામાં માખણનું મોયણ નાખીને નાનની કણક બાંધવામાં આવે છે, પણ અમારાવાળી નાનમાં તો મોયણ તરીકે ફેવિકોલ જ નાખ્યુ હોય એવું લાગ્યું. કણક બાંધતી વખતે એમાં યીસ્ટ નાખીને આથો આવે પછી એની નાન બનાવવામાં આવે છે. આ દરમ્યાનમાં એની ઈલાસ્ટીસીટી વધી જતી હોય છે. તમે મહારાજને કણકમાંથી લૂવા ખેંચતો જુઓ એ પરથી જ ખબર પડી જાય કે પેટમાં ગયા પછી આ કાફલાને સલામત પસાર કરતા આંખે કેવાં પાણી આવવાના છે. અમને તો જેમ ડોકટરોને ફાર્મા કંપનીઓ સાથે સેટિંગ હોય છે એમ આ મહારાજોની ઇસબગોલ અને કબજિયાતના ચૂર્ણ બનાવનાર કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ હોય એવું ચોક્કસ લાગે છે. મારું ચાલે તો કણક બાંધતી વખતે જ એવા ચૂર્ણ અંદર નાખવી દઉં કે પછી જેમ કેરીના રસ સાથે સૂંઠ પીરસવામાં આવે છે એમ જ નાન પીરસતા પહેલા એની ઉપર આવું ચૂર્ણ ભભરાવવું ફરજીયાત કરી દઉં.

ખેર, અમારી તકલીફ જોઈ પુષ્કી છાનોમાનો જઈને ત્રણ-ચાર રોટલીઓ લઇ આવ્યો એની મદદથી અમે શાક પૂરું કરી અને ડીશો મુકવા માટે ગયા. રસ્તામાં મેં નાનની ત્રણ ગડી કરી અને એને પાપડ નીચે સંતાડતો જ હતો ત્યાં કપડાનું પાર્ટીશન પવનથી ઉડ્યું અને પાછળ એક કૂતરું કચરો ફંફોસતું દેખાયું. મને ધરમ સુઝ્યો એટલે મેં પાપડ નીચેથી નાન કાઢીને કૂતરા બાજુ ઉછાળી. આશા ભર્યું કૂતરું એ તરફ ગયું તો ખરું, પણ પહેલાં નાનને સુંઘી, પછી સહેજ કણસવા જેવો અવાજ કર્યો અને પછી બે પગ વચ્ચે પૂછડી સંતાડીને પાછું જોયા વગર રવાના થઇ ગયું! પુષ્કીએ એ નાન સુંઘીને ભાગતા કૂતરાને જોઇને દાંતિયા કર્યા. મને આશ્ચર્ય ન થયું કારણ કે, એ આખી નાન ખાઈ ગયો હતો. જય હો.

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Monkey बात. Bookmark the permalink.

2 Responses to જબ તક હૈ નાન

  1. Takkartalk કહે છે:

    હા હા હા….વાહ મહારાજ અફલાતુન લેખ ….

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s