ઋતુ પણ હવે ઘોડા-ચતુર ઘોડા-ચતુર કરે છે!


NGS

મ તો આપણે ત્યાં ઉનાળો બેસી જાય પછી તો કેરીઓની જ વાત કરવાનો રીવાજ છે. પણ અત્યારે શિવરાત્રીનો તહેવાર એટલા માટે યાદ કરવો પડે છે કારણ કે આ વખતે શિયાળાનું માવઠું થયું છે! મતલબ કે શિવરાત્રી પછી કાયદેસર રીતે ઠંડીએ કુવામાં ઝંપલાવવાનું હોય છે એના બદલે આ વખતે ઠંડી ફરીથી ગામમાં ફરવા નીકળી અને એને લીધે પબ્લીકે ડામચીયે ચડાવેલી ગોદડી-રજાઈઓ પાછી કાઢવી પડી. અમુક ઉત્સાહીઓ જે ગંજી પહેરીને ફરવા માંડ્યા હતા એમણે સ્વેટરો ચડાવવા પડ્યા! બાકી હોય એમ બે-ત્રણ વાર ધુમ્મસ છવાયું અને બરફના કરા સાથે વરસાદ પણ આવ્યો એમાં લોકોએ મળીયે ચડાવતા પહેલા તડકે તપાવવા મુકેલા ગોદડા આઈસીંગ કરેલા માલપુઆ જેવા થઇ ગયા એ જુદું!

To read this and other articles online on Navgujarat Samay, click on the image.

To read this and other articles online on Navgujarat Samay, click on the image.

આ બધું જ નખરેબાજ સીઝનના કારણે થયું છે. આગલા દિવસે ગરમી ૪૨ ડીગ્રી હોય અને બીજા દિવસે વાદળા સાથે ઠંડક! સાલું સ્વેટર-ટોપી ચડાવવા કે છત્રી-રેઈનકોટ લઈને નીકળવું એ સમજ જ પડતી નથી. ઋતુ જેવી ઋતુ થઈને ‘પડોસન’ના ગીતની જેમ ‘ઘોડા-ચતુર … ઘોડા-ચતુર’ કર્યા કરે એ કેમ ચાલે? યેક પે રહેને કા – કાં શિયાળો કાં ઉનાળો કાં ચોમાસું. પણ આપણું સાંભળે છે કોણ?

પોષ-મહા મહિનામાં માવઠું થાય ત્યારે અમદાવાદની પ્રજાને શું ખાવું-પીવું એ મૂંઝવણ થતી હોય છે. આમ તો આપણે ત્યાં શિયાળો એ ઊંધિયુ ખાવાની સીઝન છે અને ચોમાસામાં દાળવડા ખાવાનો રીવાજ છે. પણ શિયાળામાં વરસાદ આવે તો શું કરવું એ બાબતે કોઈ ચોખવટ નથી, એટલે લોકો પોતાની મુનસફી પ્રમાણે ચાલતા હોય છે. અમુક તો ટીવી પર આવતા રસોઈના ખતરનાક પ્રોગ્રામોને ચાળે ચઢીને ફ્યુઝનના નામે ઊંધિયામાં મુઠીયાના બદલે દાળવડા નાખવાના પ્રયોગો પણ કરતા હોય છે. હવે ઠંડીએ ઉનાળામાં એન્ટ્રી મારી છે ત્યારે પ્રજા માટે કેરીના રસ સાથે પાત્રા કે ઢોકળાને બદલે ઊંધિયુ ખાવાનો ઓપ્શન પણ ઉભો કર્યો છે. આવું જ ચાલ્યું તો આપણે ઉનાળામાં ચ્યવનપ્રાશ અને અડદિયા પાક ખાતાં થઇ જઈશું!

હમણાંથી નવરાત્રીમાં પણ સીઝન ખેલ કરે જ છે. જેમ ગુડ ફ્રાઇડેની રજા સોમવારે ન આવે, સોમવતી અમાસ બુધવારે ન આવે એમ પોષી પૂનમ શરદ પૂર્ણિમાના દિવસે ના આવે, પણ આપણે ત્યાં આસો મહિનામાં પોષ-મહા મહિનાની સ્પેશીયાલીટી ગણાતું માવઠું થાય એવી ઘટનાઓ અનેક વાર બની ચુકી છે. હમણાં હમણાં તો ખેલૈયાઓને ગરબાના ગ્રાઉન્ડ ઉપર પાંચમ સુધી ‘રેઇન દાંડિયા’ રમવાની નવાઈ નથી રહી. સીઝનનો આ હાલ રહ્યો તો અગામી વર્ષોમાં ગરબા શીખવતા ક્લાસ પાણીમાં થઇ શકે તેવા સ્ટેપ્સ શીખવાડતા થઇ જશે. હાસ્તો, ઢીંચણ સમા પાણીમાં બાઈક ચલાવી હોય, ગરબા થોડા કર્યા હોય?

આ સમગ્ર ઘટનાક્રમમાં અમને તો ટીટોડીની દયા આવે છે. સામાન્ય રીતે આવનાર ચોમાસામાં વરસાદ કેવો થશે એ જાણવા ટીટોડીએ જમીન ઉપર ઈંડા મુક્યા કે ઉંચાઈ ઉપર એ જાણવાની કવાયત થતી હોય છે. અખબારો પણ એમાં જોડાતા હોય છે. જોકે ટીટોડીઓને એ વાતની ખબર નહિ હોય કે માણસની જાત એની ડીલીવરીના લોકેશન ઉપર સટ્ટો રમે છે. પણ આ વખતે માર્ચ મહિનામાં સતત વાદળ છાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પણ પડ્યો એના લીધે કન્ફયુઝ થયેલા ટીટોડા-ટીટોડીઓ હવે શું કરવું એ બાબતે જાહેરમાં ટીટીયારો કરતા જોવા મળે છે. કદાચ લગનપદૂડો ટીટોડો ઉતાવળ કરતો હોય અને ટીટોડી ભાવ ખાતી હોય એવું પણ હોઇ શકે. તમને જો ટીટોડોગ્રાફીમાં રસ હોય તો કેમેરા લઈને અત્યારે નીકળી પડો, કેમ કે જ્યાં ઋતુનું જ ઠેકાણું ન હોય ત્યાં ટીટોડીનો ભરોસો રાખવો નક્કામો છે. મોડું કરશો તો ઈંડાના બદલે બચ્ચાનાં ફોટા લેવાનાં આવશે.

આ વખતે તો મોરને પણ ઓફ સીઝનમાં ઘરાકી નીકળી છે. આમ તો વરસાદનું ટાણું થાય અને વાંદરાના મોઢા જેવા કાળા વાદળા ઘેરાયા હોય, ત્યારે મોર કળા કરવા મચી પડતા હોય છે એવું લોક સાહિત્યકારો કહે છે. પણ એ બધું જુન કે જુલાઈ મહિનામાં. આ વખતે માર્ચ મહિનામાં ચોમાસા જેવી ઠંડક સાથે વરસાદ થયો એમાં મોર પણ ઊંઘતા ઝડપાયા છે. અમુક મોરને તો પુરતી લંબાઈના પીંછા પણ ઉગ્યા નહોતા ત્યાં કળા કરવાની કપરી જવાબદારી આવી પડી હતી. આવો જ એક મોર અમારે ત્યાં પણ ફરે છે. એની સ્ટાઈલો ઉપર ફિદા થઈને સ્થાનિક લોકોએ એનું નામ શાહરૂખ પાડ્યું છે. કારણ એટલું જ કે વરસાદ કમોસમી હતો, એ ભાઈ પાસે માપીને માંડ દોઢ વહેંતનું પૂછડું હતું, તો પણ એવું તો એવું ઠુંઠુંય તીન પત્તીની બાજીની જેમ ખોલીને ભાઈ ઢેલના ટોળા પાસે નાચવા માટે પહોચી જતા હતા! પાછું એવા ઠુંઠાનાં મોબાઈલથી ફોટા પાડનાર આશિકો પણ હતાં! ઋતુઓ જો આમ જ ખેલ કરતી રહેશે તો આવું તો કેટલુય આપણે જોવું પડશે.

મસ્કા ફન
ગોર મહારાજ: યજમાન, મેં કંકુ-ચોખા મંગાવ્યા અને તમે તો ડિક્સનરી લઇ આવ્યા!
કવિ : અમારે તો શબ્દો જ કંકુ અને ચોખા. તમતમારે પૂજા ચાલુ કરો.
13721

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ઋતુ પણ હવે ઘોડા-ચતુર ઘોડા-ચતુર કરે છે!

  1. thakerramesh4 કહે છે:

    હા હા હા હા…..ક્લાસ વન હિલેરીઅસ હાસ્યલેખ ……

    Like

  2. thakerramesh4 કહે છે:

    હા હા હા હા…..ક્લાસ વન હિલેરીઅસ હાસ્યલેખ ……

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s