શ્યામ રંગ સિવાય છૂટકો નથી


Black-Skin-1વું વાંચીને તમને કેવો ઝટકો લાગે? આવી તે કોઈ જાહેરાત છપાવતું હશે? કોઈપણ જાહેરાતમાં પોતાની પ્રોડક્ટના અવગુણ કોઈ લખે? એમાય લગ્નવિષયકમાં તો નહીં જ. એમાં તો વધારીને વાત કરવાનો રીવાજ છે. મુરતિયા માટે જો એમ કહેવામાં આવે કે એ ધાણીફૂટ ઈંગ્લીશ બોલે છે તો એ પૂછી લેવું સારું કે ‘સોબર હોય ત્યારે પણ?’ અહીં કાળાને ઘઉંવર્ણનું અને ઘઉંવર્ણાને ગોરા તરીકે ખપાવવાનો રીવાજ છે. કોઈનું ઘર વસતું હોય તો જુઠ્ઠું બોલવામાં પાપ નથી તે માન્યતાને લઈને લોકો મન ફાવે તેટલી છૂટ લેતા હોય છે. બાકી જો ‘શરતો લાગુ’ લખવાનું ફરજીયાત હોય તો જાહેરાતની નીચે ઝીણા અક્ષરે ‘*Skin color may vary from the description’ લખેલું પણ વાંચવા મળતું થઇ જાય.

આપણે ત્યાં ભાષામાં ગોરા હોવું એ માણસો માટે જ પ્રયોજાય છે. એટલે ગોરું, ધોળું અને સફેદ એક નથી. યુરોપિયન અને અમેરિકન મૂળના લોકોની ચામડી ગુલાબી હોય છે તો પણ એ ગોરા કહેવાય છે. આવા વિદેશીઓને આપણે ત્યાં ધોળિયા કહેવાનો રીવાજ છે. એનાથી ઉલટું ગધેડા ધોળા હોય છે તોયે એ ગોરા નથી કહેવાતાં. કદાચ ગોરા અંગ્રેજો સામેની દાઝ કાઢવા માટે જ આ ‘ધોળા તો ગધાડા પણ હોય છે’ ઉક્તિ લોક ભાષામાં સ્થાન પામી હોઈ શકે. શાંતિના પ્રતિક એવા સફેદ કબુતર પણ ગોરા કબુતર નથી કહેવાતાં. જોકે ભારતમાં પુરુષો ગોરા હોય તો પણ એમના ગોરા હોવાની કંઈ મહત્તા નથી. હા, સ્ત્રી ગોરી હોય તો એ નોંધપાત્ર બને છે. લગ્ન વિષયક જાહેરાતોમાં પુરુષોનો વર્ણ નથી દર્શાવતો જયારે સ્ત્રીનો ગૌરથી લઈને ઘઉં સુધીનો વર્ણ જાહેર કરવા યોગ્ય ગણાય છે. સુંદર દેખાવડી શ્યામ વર્ણની સ્ત્રી વિષે લગ્ન વિષયક જાહેરાતોમાં વાંચવા નહીં મળે. પછી ફેરનેસ ક્રીમનું માર્કેટ ત્રણ હજાર કરોડે પહોંચે જ ને?

To read this and other articles online on Navgujarat Samay Daily, click on the image.

To read this and other articles online on Navgujarat Samay Daily, click on the image.

આપણે ત્યાં ગોરા રંગ એટલે કે શ્વેત વર્ણ માટેનું આકર્ષણ ઘેલછાની કક્ષાનું છે અને એ જુદીજુદી જગ્યાએ જુદીજુદી રીતે પ્રગટ થતું રહે છે. જેમ કે ‘એ ઓ હો હો હો હો … શું વાત કરો છો ગોરી?’ આ ડાયલોગ ગુજરાતી ફિલ્મોમાં અનેક વાર વપરાયો હશે. ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા…’, ‘ગોરી હૈ કલાઈયાં …’, ‘ગોરી તેરે અંગ અંગ મેં …’ જેવા હિન્દી ફિલ્મી ગીતોમાં અને ‘તાળીઓના તાલે ગોરી …’ તથા ‘તમે કિયા તે ગામના ગોરી …’ જેવા ગુજરાતી ગીતોમાં ગૌર વર્ણનાં ગોરીના ગુણ ગવાયા છે. તમારી ઘણી ઈચ્છા હોય તો પણ ‘શું વાત કરો છો શામળી?’ કે ‘શું વાત કરો છો ઘઉંવર્ણી?’ એવું કહી કે બોલી શકતા નથી.

છતાં પણ શું જેટલું ગોરું હોય કે શ્વેત હોય એ બધું જ સારું એવું કહી શકાય? સમાજમાં આ બાબતે બેવડા માપદંડો છે. કન્યાની ચામડી ધોળી જ જોઇશે પણ એના વાળ ધોળા હશે તો નહિ ચાલે. લોકોને ‘વ્હાઈટ’ કરતાં ‘બ્લેક’ની આવક વધુ વહાલી હોય છે એટલે વ્યાજની ખોટ ખાઈને પણ એને સ્વિસ બેન્કોમાં મૂકી આવે છે. બાકી કોયલ, કાજળ, ઘનઘોર ઘટા જેવા કાળા વાળ અને કાળા કાનુડા ઉપર સદીઓથી કવિતાઓ લખાતી આવી છે. કાગડાને પણ જોડકણા અને બાળવાર્તાઓથી લઈને પુરાણોમાં સ્થાન મળ્યું છે. પણ અમે બગલા વિષે શોધખોળ કરી તો ‘ચણ ચણ બગલી ચણાની દાળ …’ સિવાય કંઈ જડ્યું નહિ. હદ છે ને બોલો!

જેમ અંધારું છે તો અજવાળાનું મહત્વ છે, એમ કાળા વગર સફેદ રંગની કોઈ કિંમત નથી. ફિલ્મ ગુમનામમાં મહેમુદ હેલનને કહે છે કે ‘જેય હંગામા, ગર તુમારે ગોરે રંગ પે હમારા કાલા રંગ લગ જાયે તો ઉસે બ્યુટી સ્પોટ બોલતઈ ઔર હમારે કાલે બદન પે તુમ્હારા ગોરા રંગ લગ જાયે તો ઉસે કોઢ બોલતેઈ..’. ખરેખર, કન્યા ગોરી હોય પણ એના અંગ પર કાળો તલ હોય તો એનું રૂપ નીખરી ઉઠે છે. ધોળા વાળ ઉપર કાળી હેરડાઈ લાગે પછી જ ‘દાદા’ એ ‘કાકા’ અને ‘કાકા’ એ ‘ભાઈ’ બને છે. પરીક્ષામાં પણ સફેદ કાગળ ઉપર કાળા અક્ષર પાડો તો જ માર્ક મળે છે. અમારા ખોળિયામાં બે ઘડી કોઈ ગુજરાતી લેખક ઘુસાડીને લખીએ તો એમ કહી શકાય કે ‘ગોરી રાધાને કાળા કૃષ્ણ વિના કોણ ઓળખે?’ છે કોઈ જવાબ ?

મસ્કા ફન
દામન મેં તેરે ફૂલ હૈ કમ ઔર કાંટે હૈ જીયાદા ….
આ ગીતમાં કવિ કંકોડાની વાત કરતા લાગે છે!
13820

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

1 Response to શ્યામ રંગ સિવાય છૂટકો નથી

 1. Vimala Gohil કહે છે:

  “રાજા અને રાડીયાનું કરી નાખું એમાંનો છું!”
  ઍમ પોતાને માટે લખો છો તે કાઈ અમસ્તું થોડું છે?
  કાળા- ગોરાનું બરાબર કરી નાખ્યું.

  વાહ!!વાહ!!! ખરો રંગ જમાવ્યો સાહેબ.. મજા પડી.

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s