સૂટ-બૂટ કલ્ચર નાબૂદ કરો …


NGSસૂટ-બૂટ-ટાઈનો પોશાક છેતરામણો છે એવું અમે અનેક વાર કહી ચુક્યા છીએ. લગ્ન પ્રસંગે સૂટ-બૂટ પહેરીને આવેલા લોકો કોઈ કામમાં આવતા નથી, જયારે અમુક લોકો ટાંપાટૈયા ન કરવા પડે એ માટે જ પ્રસંગે સૂટ પહેરીને આવતા હોય છે. એક જમાનામાં આપણે ત્યાં કપડાંની રીતે બે વર્ગ અલગ તરી આવતા હતા. એક સૂટેડ બૂટેડ લુચ્ચા અંગ્રેજોનો વર્ગ અને બીજા લેંઘા-ઝભ્ભા-ખમીસ-ધોતિયાધારી ભોળા ભારતીયો. ખેર, અંગ્રેજો તો જતા રહ્યા પણ સાપના લીસોટા જેવી સૂટ-બૂટ પ્રથા મુક્તા ગયા છે જેના દુષણોથી અત્યાર સુધી આપણે અજાણ જ હતા. ભલું થજો બાબાભાઈનું કે એમણે સિંહ ગર્જના કરી એટલે બધા એ નોંધ લેવી પડી છે. અમારો બાબા ભાઈને પુરેપુરો ટેકો છે.

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the image.

સૂટ-બુટ કલ્ચરનો તો અમે પહેલેથી જ સખ્ખત વિરોધ કરીએ છીએ. એ વિદેશી કલ્ચર છે. અમે વિદેશીઓનો પણ વિરોધ કરીએ છીએ. વિદેશીઓને આપણા દેશના કલ્ચર વિષે શું ખબર હોય? સૂટ-બુટ કલ્ચર આપણને અંગ્રેજોએ આપ્યું છે. અમે અંગ્રેજોનો વિરોધ કરીએ છીએ. અમે અમેરિકનોનો વિરોધ કરીએ છીએ. અમે જર્મન, ફ્રેંચ, સ્વીસ અને ઇટાલિયન પ્રજાનો વિરોધ કરીએ છીએ. આ બધી પ્રજા સુટ-બુટ પહેરનારી છે. અમે પાકિસ્તાની, અફઘાની, ઈરાકીનો વિરોધ નથી કરતા. કારણ એટલું જ કે એ લોકો લેંઘા પહેરે છે અને અમને સૂટ-બુટ કલ્ચર સામે જ વાંધો છે. જયારે જનતા સુટ-બુટ કલ્ચરના વિરોધમાં જાગૃત થઇ છે ત્યારે હવે તો અમને અડધો ટન હેરોઈન સાથે પકડાયેલ લેંઘા પહેરેલા પાકિસ્તાનીઓમાં જે આત્મીયતા લાગે છે, તે અમને વાઇબ્રન્ટ સમીટમાં આવેલા સુટ-બુટ અને ક્લીન્ડ શેવ ચહેરાઓમાં નથી લાગતી.

ભૂતકાળમાં ધોતિયાવાળા લોકો જ મહત્વના કામો કરી ગયા છે. પૂ. ગાંધીજી સન ૧૯૪૮ સુધી ધોતિયું પહેરતા હતા. જોકે શરૂઆતમાં ઈંગ્લેન્ડમાં હતા ત્યારે એ ૧૦ પાઉન્ડનો (અત્યારના સાડા ત્રણ લાખ રૂપિયા) સૂટ પહેરતા હતા. ભારતમાં પાછા આવીને એમને સૂટની વ્યર્થતા સમજાઈ ગઈ હતી. એટલે એ સૂટ ત્યાગીને ધોતિયું અને છેવટે માત્ર પોતડી પર આવી ગયા હતા. એ પછીથી અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું. લગાન અને મંગલ પાંડે ફિલ્મ યાદ કરો. એમાં આમીર ખાન ધોતિયું પહેરીને અંગ્રેજોના છક્કા છોડાવી દે છે. ખરેખર તો આમિર ખાને સત્યમેવ જયતે જેવા શો દ્વારા યુવાનોને સૂટ-બુટ કલ્ચરના ભયસ્થાનોથી અવગત કરીને યુવાનોને લેંઘા-ધોતિયા કલ્ચર તરફ વળવા હાકલ કરવી જોઈએ.

ખરેખર તો તમે, અમે, અને આપણે બધા કુ. દીપિકા બહેન પાદુકોણના પણ આભારી છીએ કે એમના ‘માય ચોઈસ’ વિડીયોમાં એમણે ધોતિયું પહેરનાર વિષે કંઈ કહ્યું નથી, નહીં તો બાબા ભાઈનું કામ ઓર મુશ્કેલ થઇ જાત. થોડા વર્ષો પહેલાં એક ગુજરાતી મ્યુઝીક વિડીયો લોન્ચ થયો હતો જેમાં એક ગીત હતું કે ‘મારે પેન્ટવાળાને પૈણવું ‘તુ ધોતિયાવાળો ગમતો નથી’. અને ખરેખર આ જ તકલીફ છે આપણી આજની યુવા પેઢીની. આપણી સાંસ્કૃતિક ધરોહરની કંઈ પડી જ નથી. ધોતિયું એ નરી ભારતીયતા છે અને નારી એ ભારતીયતાની વાહક છે. જો નારી સશક્તિકારણ એટલે ધોતિયા કલ્ચરનો વિરોધ જ હોય તો નથી જોઈતું એવું સશક્તિકરણ. ધોતિયું ભલે પેન્ટ કરતાં ઢીલુ, પારદર્શક અને પહેરવામાં અઘરું હોય, પણ એના જેવી મોકળાશ, વ્યાપ, વાતાનુકુલન અને લવચીકતા બીજા કોઈ અધોવસ્ત્રમાં નથી અને આવનાર સદીમાં પણ ધોતિયાનું સ્થાન લઇ શકે તેવું કશું શોધાય તેવી શક્યતા જણાતી નથી.

જો આપણે સૂટ-બૂટ કલ્ચરથી મુક્તિ મેળવવી હશે તો મોટી મોટી વિદેશી બ્રાન્ડના ટ્રાઉઝર અને પેન્ટ વેચતી દુકાનો ઉપર ધોતિયું, પીતાંબર, અબોટિયું, થેપાડું વગેરે પહેરેલા હજારો યુવાનોની ફોજ ઉતારીને સૂટ-પેન્ટનું વેચાણ બંધ કરાવવું પડશે. આમ કરવાથી વિદેશી કંપનીઓ એનું ઉત્પાદન બંધ કરશે, ઉત્પાદન બંધ થશે એટલે આપણે ત્યાંથી કાપડની નિકાસ બંધ થશે, નિકાસ બંધ થશે એટલે કાપડ બનાવતી મિલોના કામદારો બેકાર થશે અને એમને પૈસાની ખેંચ પડશે એટલે એ લોકો પેન્ટના સસ્તા વિકલ્પ એવા ધોતિયા ઉપર આપોઆપ આવી જશે.

જો સાચેસાચ આપણે સૂટ-બૂટ કલ્ચરથી છુટકારો મેળવી શકીશું તો આપણને ધોતિયું, ઝભ્ભો અને બંડી પહેરેલા મેનેજરો લેપટોપ પર પ્રેઝન્ટેશન કરતા જોવા મળશે. ધોતિયાધારી તિવારી દાદા તો ક્મસીન કન્યાઓ સાથે પોઝ આપી જ ચુક્યા છે, પણ ધોતિયું-ઝભ્ભો પહેરેલા વિજય માલ્યાને બિકીનીધારી કેલેન્ડર ગર્લ્સ સાથે પોઝ આપતાં જોવાની પણ મઝા આવશે. પોલીસ અને લશ્કરી જવાનો પણ ધોતિયામા શોભી ઉઠશે. અમે તો કહીએ છીએ રમત-ગમતમાં પણ ધોતિયું ફરજીયાત કરી દો. કબડ્ડી જેવી રમતમાં ધોતિયું બચાવીને સામેવાળાને આઉટ કરતાં ફાવતું હોય એવા ખેલાડીઓને આગળ ઉપર રાજકારણમાં તક મળી શકે. હોકી જેવી રમતમાં ધોતિયું હશે તો બે પગ વચ્ચે હોકી ઘુસાડીને બોલ સેરવી લેવાની ઘટનાઓ અટકશે. ક્રિકેટમાં ફિલ્ડીંગમાં ગરનાળા બનતા અટકશે ઉપરાંત બેટ અને પેડ વચ્ચેથી નીકળેલો બોલ ધોતિયામાં ભરાઈ જશે એટલે આપણી વિકેટો ઓછી પડશે. તમે કહેશો કે સામેની ટીમના બેટ્સમેન ધોતિયા પહેરીને આવશે તો? પણ એવું નહિ બને કારણ કે બધે કંઈ સૂટ-પેન્ટનો વિરોધ કરનારા બાબા ભાઈ ના હોય ને!

મસ્કા ફ્ન
પત્નીના દિલ સુધી પહોંચવાનો રસ્તો શોપિંગ મોલમાં થઈને જાય છે.
14256

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s