ઉધાર કા લંગૂર :ચાઇનીઝ બોયફ્રેન્ડ ભાડે મળશે!


Picture courtesy : https://pixabay.com/en

ચીનમાં નવા વર્ષની શરૂઆત સાથે લગ્નની વયે પહોચેલી કન્યાઓની સમસ્યા વધી છે. આપણી જેમ ચીનમાં પણ કન્યાના હાથ લાલ કે લીલા (હળદર સ્કીન સાથે મેચ થઇ જાયને!) કર્યા પછી યાન્ગત્સે નદીમાં નહાવાનો રીવાજ છે કે નહિ એ ખબર નથી પણ દર સાલની જેમ આ સાલ પણ નવું વર્ષ શરુ થતાં જ મા-બાપોએ પોતાની છોકરીઓ પર લગ્ન માટે દબાણ કરવાનું ચાલુ કર્યું છે. આને લઈને મોડા લગ્ન કરવા માગતી કે સિંગલ રહેવા માગતી યુવતીઓ લગ્નો, પાર્ટીઓ, સમાજિક મેળાવડામાં તેના સાથી વિષે કરવામાં આવતી પૂછપરછથી કંટાળીને હવે ભાડુતી બોયફ્રેન્ડ રાખવા માંડી છે. આમ તો આ વાત સંજીવ કુમાર-લીના ચંદરવરકરની ફિલ્મ ‘મનચલી’ની વાર્તા જેવું લાગે છે પણ આ હકીકત છે.

મળતા સમાચાર પ્રમાણે ચીનમાં એક હજાર યુઆન (આશરે રૂ. ૧૦,૦૦૦) થી લઈને ૧૦,૦૦૦ યુઆન (લગભગ રૂ. ૯૯,૦૦૦) પ્રતિ દિવસના ભાડેથી બોયફ્રેન્ડ મળે છે! આટલા ઉચા ભાવનું કારણ સારા ઉમેદવારો નથી મળતા એ છે. આ માટે ખાસ પોર્ટલ ઊભી કરવામાં આવી છે જે છોકરીઓને છોકરાં પસંદ કરવામાં મદદ કરે. વેબસાઈટ પર મેટ્રીમોનીયલ સાઈટની જેમ છોકરાઓના પ્રોફાઈલ ખૂબીઓના વર્ણન સહિત જોવા મળે છે. જોકે આ કિસ્સામાં છોકરીએ પોતાનાં વિષે વધારીને કહેવાની જરૂર નથી પડતી. મેટ્રીમોનીયલ સાઈટ કરતાં જુદું એ હોય છે કે ભાડુતી છોકરાંઓ બેઝ પ્લાનમાં કઈ સર્વિસ આપશે અને કઈ વેલ્યુ એડેડ સર્વિસ માટે એક્સ્ટ્રા રૂપિયા ચુકવવા પડશે તે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

સ્કીમ તો આપણા એક ગર્લફ્રેન્ડ માટે ત્રણ જગ્યાએ માર ખાઈ ચુકેલા પંટરોનો નિસાસો લાગે એવી છે. જેમ કે બેઝ પ્લાનમાં છોકરાએ છોકરીને પાર્ટી કે ફેમીલી ગેટ-ટુગેધરમાં બોયફ્રેન્ડ તરીકે સાથ આપવાનો હોય છે. મતલબ ખાવા-પીવાનું મફત! (હોલ્ડ ઈટ, ચીનમાં ગુજરાત નથી એટલે પીવાનું પણ આવે જ) એથી પણ આગળ વધીને ફીલ્મ જોવા માટે કે નેટ સર્ફિંગમાં એની કંપની જોઈતી હોય તો તેના અલગ ચાર્જ લાગે છે. ક્યા બાત હૈ! અહી લોકો ગર્લ ફ્રેન્ડને પટાવી પટાવીને માંડ મુવી જોવા લઇ જાય તો હજાર પંદરસોની ચાકી ચઢી જાય! પાછી જુદી જુદી રોમેન્ટિક એક્ટીવીટી માટે પણ અલગથી ચાર્જ લેવામાં આવે છે. જેમ કે હાથ પકડવો કે છોકરીની ઈમોશનલ વાત સાંભળવાનો એક્સ્ટ્રા ચાર્જ થાય છે. અહી તો તમારે રમેશ મહેતાની જેમ ‘એઓહોહોહો… શું વાત કરો છો ગોરી …’ કહેવું પડે. જોકે એમને ત્યાં છોકરીઓ લો’રીયલના 316 નંબરના શેડની ‘ગોરી’ નહિ પણ 328ના હળદરીયા શેડના કુદરતી ઉબટનવાળી હોય છે, એટલે તમે ખાલી ‘એઓહોહોહો..’ જ રાખો તો ચાલશે. હવે આગળ ચાલીએ? કન્યાને ચાઈનીઝ બોયફ્રેન્ડ ન ગમતો હોય તો કેનેડિયન અને અમેરિકન બોયફ્રેન્ડ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ મુદ્દાની વાત છે, પણ એમાં ભારતનો ઉલ્લેખ નથી એ નોંધજો. એટલે તમે ચીન જવા માટે રીક્ષા રોકી હોય તો ડ્રાયવર ભાઈને ચા પીવડાવીને રજા આપજો, નહિ અમથું વેઈટીંગ ચઢશે!

અમને વિચાર આવે છે કે આ છોકરાં કેવા હશે? ચીનમાં પણ ભારતની જેમ વસ્તીની સમસ્યા છે અને સ્વાભાવિક છે કે બેકાર યુવાન નોકરીના અભાવે કોઈપણ કામ કરવા તૈયાર થઈ જાય. દિવસના નવ્વાણું હજાર નહિ તો પચાસ હજાર ગણો તો પણ વર્ષે એક કરોડ બ્યાશી લાખ રૂપિયા થાય બોસ! તમે કહેશો કે શનિ-રવિની રજાના નહિ ગણવાના? રજા ગણોને! પણ એ દિવસે ડબલ શીફ્ટ ગણજો, કારણ કે ફંકશનો રજાના દિવસે જ હોય એટલે કમાણી પણ વધુ! આટલું આકર્ષક વળતર અને જોબ ડિસ્ક્રીપ્શન હોય તો આપણા CATના એસ્પિરન્ટસ પણ તૈયાર થઈ જાય. એમાં પાછું કોઈને ડોક્ટર, એન્જીનિયર કે સીએ બોયફ્રેન્ડ જોઈતો હોય તો કદાચ એન્જીનિયર બેકાર નહીં તો પાર્ટ-ટાઈમ પણ મળી જાય, પણ આપણે ત્યાં ડોક્ટર કે સીએ નવરા મળવા મુશ્કેલ છે. એટલે આર્ટસ, કોમર્સ, સાયન્સ, એસ.એસ.સી. પાસ/ ફેલ જે માલ પડ્યો હોય એને લાપી-અસ્તર મારીને જે તે ડિસીપ્લીનમાં તૈયાર કરવા પડે. આવા કિસ્સાઓમાં ડાયસ્પોરા અને ડાયેરિયા વચ્ચેનો ફેર કે બુલ શીટ અને બેલેન્સ શીટ વચ્ચેને ફેર પણ ખબર હોવો જરૂરી છે એટલે ટ્રેઈનીંગ પણ વ્યવસ્થિત આપવી પડે. જોકે આવા જુગાડ કરવામાં આપણી પબ્લિક પહોચી વળે એવી છે.

વિદેશમાં આવો કેરિયર ઓપ્શન ખુલે પછી આપણે ત્યાં એના માટેની એક્ઝામની તૈયારી કરાવતી કે વિઝાની ફાઈલ તૈયાર કરી આપતી એજન્સીઓ ટપોટપ ખુલી જતી હોય છે. એમ જ આપણા જીજ્ઞેશો અને ભાવેશોનું ગ્રુમિંગ-અપ કરીને ચીન એક્સપોર્ટ કરવાનો ધંધો પણ મોટા પાયે શરુ થાય એવી શક્યતાઓ છે. એની જરૂર પણ છે કારણ કે બોયફ્રેન્ડસ તરીકે જે અહીં દાગીનાઓ ઉપલબ્ધ છે એમાં ‘સત્તે પે સત્તા’ના છ ભાઈઓ જેવા અણઘડ, અડબંગ અને અધીરાની સંખ્યા બહુ મોટી છે. એમાંના અમુક તો છોકરી સ્માઈલ આપે તો સીધો મોબાઈલ નંબર માગવા સુધી આવી જાય એવા છે. પછી એ ડોબો અરીસામાં જુવે ત્યારે ખબર પડે કે એના માથામાં પડેલું ચરક જોઇને પેલી હસતી હતી! આવા છોકરાને ટ્રેઇન કરવા એ પણ એક મોટો ઉદ્યોગ હશે. અમે તો માનીએ છીએ કે આ બહાને પણ દેશના છોકરાં તૈયાર થતાં હોય અને બીજા પાંચ-પચ્ચીને રોજી મળતી હોય તો સરકારે પણ ટેકો કરવો જોઈએ.

આ આખા મામલામાં અમને એક જ શરત અઘરી લાગી અને એ છે એ છોકરીની ફરિયાદો સાંભળવાની. એ ખરું કે આ વેલ્યુ એડેડ સર્વિસ હોઈ એમાં ૨૦ મિનિટના ૫૦ યુઆન એટલે કે મિનિટના ૨૫ રૂપિયા કમાવા મળે ખરા, પણ અમને શંકા છે કે આ ભાવે પણ કોઈ લંગૂર એ કામ કરવા તૈયાર થાય. સાલું આ ફરિયાદો સાંભળવાની બબાલને કારણે તો ગીરનાર અને હિમાલયની ગુફાઓમાં વેઈટીંગ લીસ્ટ ચાલે છે ત્યાં સામેથી રૂપિયા મળતા હોય તો યે  આ ઝંઝટમાં કોણ પડે? હ્રીતિક રોશન પણ સામેથી ૪૦૦ કરોડ આપીને આમાંથી છૂટ્યો છે એવું કહેવાય છે. આમાં ખરું ખોટું ‘જાદુ’ જાણે. જોજો તમે પાછા ૪૦૦ કરોડ અપાવવા મારી પાછળ ના પડતા બાપલા. એ રૂપિયા તો ‘મિસ્ટર કૂલ’ ગણાતા ‘ડુગ્ગુ’નું મગજ હટાવવાનું મહેનતાણું કહેવાય. જોકે લગ્ન પછી જો આ કામ તદ્દન મફત જ કરવાનું હોય તો લગ્ન પહેલા રૂપિયા લઈને એની પ્રેક્ટીસ કરવા મળતી હોય તો ખોટું નહિ. શું કહેવું છે?

 

 

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Monkey बात and tagged , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s