તમે એકવાર ચાઈના જાજો રે …


NGSપણા લોકગીત હોય, ફિલ્મી ગીત હોય કે નાટકના ગીત હોય એમાં નાયિકા ક્યારેક કયારેક નાયકને ધંધે લગાડતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે ‘અરુણોદય’ નાટકનું પ્રભુલાલ દ્વિવેદી એ લખેલું ગીત ‘તમે જો જો ના વાયદા વિતાવજો, પિયું પહેલી પેસેન્જરમાં આવજો…’ લો કે પછી ફિલ્મ ‘સોન કંસારી’નું કવિ અવિનાશ વ્યાસે લખેલું ‘છેલાજી રે, મારે હાટુ …’ લો કે પછી ‘તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા …’ એ લોકગીત લો. આ ત્રણેય ગીતમાં પીયુજી, છેલાજી અને મારવાડા તરીકે જે પાર્ટીઓને સંબોધવામાં આવી છે તે તમામને ગીત ગાનાર મહિલા અમુક ચોક્કસ ચીજ-વસ્તુઓ લાવવાની વરધી આપતી જણાય છે. એમાં પહેલા ગીતવાળા પીયુજી પાસે તો એ જમાના પ્રમાણે હેર ઓઇલના હેન્ડબીલ, સિલ્કની બોર્ડરવાળા ઉંચી જાતના કપડા ઉપરાંત પેરિસના હર્મોનીયમનો ઓર્ડર છે જે ખરીદ્યા પછી પહેલી પેસેન્જર ટ્રેન પકડવાની એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એ પછીના ગીતમાં છેલાજીએ પાટણના પટોળા વહોરતા આવવાનું છે. એમણે કઈ રીતે આવવાનું છે એની કોઈ સૂચના નથી. પણ અત્યારના પટોળાનો ભાવ જોતાં છેલાજીએ જીપડા પાછળ લટકી કે શટલીયું જ પકડીને આવવું પડે એવી વકી છે. જયારે મારવાડાની હાલત વધારે ખરાબ છે. એણે તો મારવાડ, જામનગર, ઘોધા, ચિત્તળ અને છેલ્લે પાટણ સુધીનો આંટો મારીને મહેંદી, લહેરિયું, ઘૂઘરા, ચૂંદડી અને પટોળા લેતા આવવાના છે. આમાંથી પટોળા માટે તો છેલાજીને કહી દે તો એ બે વધારે લેતો આવે, પણ બાકીના માટે તો એણે જાતે જ ધક્કો ખાવો જ પડે. અને સીધી વાત છે, ધંધો લઈને બેઠા હોવ તો ધક્કો ખાવો ય પડે!

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

આ વાત યાદ એટલા માટે આવી કે પહેલાંના જમાનામાં કોઈ બહારગામથી આવતું હોય તો એની પાસે લોકો જાતજાતની વસ્તુઓ મંગાવતા. હજી પણ રીવાજ ચાલુ છે અને આ જ કારણથી અમુક NRI પાર્ટીઓ અગાઉથી જાણ કર્યા સિવાય જ ટપકી પડતી હોય છે. થોડા સમય પહેલા બાબાભાઈ બેંગકોકથી આવ્યા ત્યારે આપણે આપણે એક સારી તક ચૂકી ગયા. પણ નિરાશ થવાની જરૂર નથી. આપણા સાહેબ અત્યારે ચીન અને મોંગોલિયાના પ્રવાસ ઉપર છે. ત્યાં એમને એક ઘોડો પણ ભેટ તરીકે મળી ચુક્યો છે. એટલે પ્રેટ્રોલના ભાવ વધારાને કારણે તમે એકટીવા કે ગાડી વેચી દીધી હોય તો સાહેબને વહેલી તકે કહેવડાવી દેજો.

બાકી ચાઈનાથી શું મંગાવવું એ મોટો સવાલ છે. આના બે કારણો છે, પહેલું કારણ એ કે ચીનની દીવાલ સિવાય ચાઈનાની કોઈ વસ્તુઓ ટકાઉ નથી. એટલે સુધી કે આપણે ત્યાં હવે બિનટકાઉ ચીજ-વસ્તુઓને ચાઇનીઝ કહેવાનો રીવાજ પડી ગયો છે. ચાઇનીઝ મોબાઈલ, બેટરી, રમકડા વગેરે ટકાઉ હોતાં નથી, પણ એ સસ્તા હોવાને લીધી લોકો ખરીદતા હોય છે. એમ તો રામલાઓ પણ બહુ ટકતા નથી અને મોંઘા પણ પડે છે. એટલે ચીનથી રામલા મંગાવી શકાય. કમસેકમ એ સસ્તા તો પડે જ, ઉપરાંત એમને હોળી અને સાતમ-આઠમ જેવું કશું હોય નહિ એટલે રજાઓ પણ ઓછી પાડે. ઉપરથી નવરા પડે ત્યારે ચાઇનીઝ રાંધી આપે એ જુદું. સામે બોનસ તરીકે આપણા ઘરની ભીંતો પર અને બારી-બારણાની તિરાડોમાં ફરતું એમનું કરિયાણું મફતમાં લઇ જવાની એને છૂટ આપવી પડે!

ચીન રમતગમતમાં ખુબ આગળ છે અને ઓલમ્પિકમાં પણ ખાસાં મેડલ જીતે છે. ચીનમાં માર્શલ આર્ટનું પણ બહુ ચલણ છે. માર્શલ આર્ટ જાણતા ચીના દીવાલ પર આસાનીથી ચઢી જતા હોય છે. મોટા મોટા કુદકા મારી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચી જતા હોય છે. આવી જાણકારી આપણે ત્યાં ખુબ કામમાં આવે. અમદાવાદમાં જે રીતે ભુવા પડે છે અને ચેઈન સ્નેચિંગ થાય છે એ જોતાં આપણી પ્રજાને લોંગ જંપ-હાઈજમ્પ અને માર્શલ આર્ટ શીખવવા માટે ચાઇનીઝ કોચ અને માર્શલ આર્ટસના માસ્ટર્સ લાવવામાં આવે તો પોલીસ ખાતાનો ઘણો ભાર હળવો થાય અને મુનસીટાપલીનો પણ જાન છૂટે. જસ્ટ વિચારો કે માર્શલ આર્ટ જાણતી નારણપુરાની પંજાબીધારી કાકીની ચેઈન લુંટવા બાઈક પર આવનાર ચોરના હાથ-પગ તો કાકી છુટા કરી જ આપે પણ સાથે સાથે પેલો આખા દિવસની કમાણી પણ મુકતો જાય એવું કરી આપે.

આપણે ત્યાં ચાઇનીઝ ફૂડ એટલું બધું લોકપ્રિય અને સસ્તું છે કે એ લારીઓ પર મળે છે. આ બધું વગર એમઓયુ કર્યે આવી જ ગયું છે. હવે તો ત્યાં ન મળતી હોય એટલી ચાઇનીઝ વેરાઈટીઝ આપણે ત્યાં મળે છે. એટલે ચીની પ્રમુખ જીનપિંગે આપણા સાહેબને ‘ઓલું લાવજો, પેલું લાવજો …’ ના કહ્યું હોય તો પણ વળતા વહેવારે સાહેબ અહીંથી ચાઈનીઝ સમોસા, ચાઈનીઝ ભેળ, ચાઈનીઝ પાત્રા અને ચાઈનીઝ પિત્ઝા-બર્ગર બનાવનારા કારીગરોને સાથે લઇ જઇ શક્યા હોત અને ભારતની વિકાસની ભૂખ તથા ભૂખના લીધે થયેલા વિકાસની ઝલક બતાવી શક્યા હોત.

સાહેબને સંગીતનો પણ શોખ છે. અહીં એમણે ઘણા લોકોનું બેન્ડ બજાવ્યુ છે. છેલ્લે એ જાપાન ગયા ત્યારે ‘સોપ્રાનો’ તરીકે ઓળખાતી વાંસળી અને ડ્રમ બજાવી ચુક્યા છે. મોંગોલિયાની મુલાકાત વખતે એમણે ‘મોરીન ખુર’ તરીકે ઓળખાતું બે તારવાળી સારંગી જેવું વાદ્ય પણ વગાડ્યું હતું. આ હિસાબે એમની પાસે કોઈ ચાઇનીઝ વાજિંત્ર મંગાવી શકાય, પણ તકલીફ એટલી જ કે એમના દરેક વાદ્યમાંથી એક જ સૂર નીકળે એવો એમનો આગ્રહ હોય છે એટલે એ નકામું પડે.

મસ્કા ફન
શમા શોપિંગ કરે અને પરવાના પેમેન્ટ કરે !

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s