કોને કેવા પ્રશ્નો ન પૂછાય?


NGSગ્ન વિષયક વાત ચાલતી હોય એમાં છોકરાં કરતાં છોકરીનો પગાર વધારે હોય એવા લગ્નોમાં બેઉ તરફથી વાંધો પડે એવા દાખલા જોવા મળે છે. એટલે જ સ્ત્રીને ઉંમર તો નહિ જ, હવે પગાર પણ પૂછવો જોઈએ નહિ. એવી જ રીતે પુરુષો પણ ઉંમર-સભાન થઈ ગયા છે. અત્યાર સુધી શાકવાળી કોઈ બેનને માસી કે માજી કહે તેમાં એ માસી કે માજી તે શાકવાળીનો કાયમ માટે બહિષ્કાર કરે તેવી ઘટનાઓ બનતી હતી. હવે પુરુષો શાક લેવા જાય છે, અને એમાં કોઈ એમને કાકા કહે તો આવા જ રીએક્શન આવે છે. કોઈ મિડલ એજ કાકા જેવા લાગતાં કાકાને તમે કાકા કહો તો કાકાને સખ્ખત લાગી આવે છે. ઘણીવાર તો એ મૂળ વાત ભૂલી કાકા કહેવા માટે એ કાકા લડવા ઉતરી આવે છે. કેમ પુરુષોને પણ સ્વમાન હોય કે નહિ?

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

અમને તો લાગે છે કે આ પૂછવાનો રીવાજ જ ખોટો છે. અમેરિકા જેવું રાખવું. કશું ખરીદવું હોય તો ભાવ વેબસાઈટ બતાવે. ક્યાંય જવું હોય તો રસ્તો જીપીએસ બતાવે. ક્યાંય પૂછવા ઊભા જ નહીં રહેવાનું. આપણે ત્યાં તો એડ્રેસ પૂછવા પાનનાં ગલ્લે જવાનું અને જરૂર હોય કે ન હોય, માત્ર વિવેક ખાત્ર બે પડીકી કે સિગારેટ લેવાનાં. એમાં ગલ્લાવાળો ‘ખબર નથી’ કહી દે એટલે દસ રૂપિયા પડી જાય! પૂછતાં ભલે પંડિત થવાતું હશે, પણ તમે પંડિત થઈ ગયા હોવ તો કોઈ વિશેષ લાભ નથી મળતાં. હા, તમે કાશ્મીરના હોવ તો વાત અલગ છે.

‘તમે કિયા તે ગામના ગોરી રાજ …’ આ પ્રશ્ન ગુજરાતી ફિલ્મ જગતમાં પુછાયેલ સૌથી લોકપ્રિય અને કૌન બનેગા કરોડપતિનાં ગુજરાતી વર્ઝનનાં પહેલા રાઉન્ડમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. આમાં ગોરીને રાજ કેમ કહે છે એ સવાલનો કોઈ દેખીતો ઉત્તર નથી. પાછું એ જમાનામાં ફેસબુક નહોતું કે જેમાં ગોરી કયા ગામનાં મૂળ વતની છે અને હાલ ક્યાં સ્થાયી થયેલ છે તે જાણી શકાય. બાકી અત્યારે તો ફેસબુક ફાળિયાવાળા સુધી પહોંચી ગયું છે. બીજો આવો જ પ્રશ્ન શોલેમાં અમિતાભ હેમાજીને બહુ નિર્દોષ ભાવે પૂછે છે, કે ‘તુમ્હારા નામ ક્યા હૈ બસંતી?’ આમાં જયભાઈનો બસંતીની ખીલ્લી ઉડાડવાનો ઈરાદો સ્પષ્ટ જાહેર થાય છે. આ જ અમિતાભ ફિલ્મ ગ્રેટ ગેમ્બ્લરમાં નીતુ સાથે ઈશ્ક ફરમાવતાં ગાય છે કે ‘તેરા ક્યા નામ હૈ …’ આમ ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી, હિરોઈનમાં મીઠું ઓછું હોય એવું ધારી લેવામાં આવતું હતું, જે પુછાયેલા પ્રશ્નોની ક્વોલીટી પરથી જણાય છે.

આજકાલ કોઈને કમરનો ઘેરાવો અને વજન વિષે પૂછવું પણ અવિવેક ગણાય છે. સરકારી કર્મચારી અને પરિણીત ગુજ્જુભાઈ બંનેમાં ફાંદ તો ગુરૂત્તમ અસાધારણ અવયવ ગણાય. ગુજ્જેશની ફાંદના વિકાસ પાછળ નિરાંત પાક્કી સરકારી નોકરીની હોય કે પછી છોકરી મળ્યાની હોય, પણ ફાંદ હવે માત્ર આપણા શરીરનો જ નહિ પણ આપણા લોકજીવનનો ભાગ બની ગઈ છે. આજકાલ દાઢી રાખનારાં કરતાં ફાંદ રાખનારાની સંખ્યા વધી ગઈ છે. કમનસીબે દાઢીની જેમ ફાંદ આસાનીથી ટ્રીમ કરાવી શકાતી નથી આવા ફાંદેશો હાંસીપાત્ર પણ બનતા હોય છે. જેમની ફાંદ વધી ગઈ હોય એ પાર્ટી અને શુભ પ્રસંગોમાં આપોઆપ ચર્ચાનું કેન્દ્ર બની જતા હોય છે. આમાં પણ સ્ત્રી વર્ગ તરફ પક્ષપાત રાખવામાં આવે છે. કોઈ અકળ કારણસર સ્ત્રીના કમરના ઘેરાવાને ફાંદ નથી કહેવામાં આવતો. ફાંદાળા પુરુષને પાંચ માણસ વચ્ચે વજન પૂછી શકાય છે, પણ એંશી કિલોની ગજગામિનીને ‘અરે! ફીટ લાગે છે, જીમ જવાનું શરુ કર્યું કે શું?’ એવું પૂછવાનો રીવાજ છે!

અમુક સવાલો અમુક વ્યક્તિઓને પૂછતાં પહેલા હજારવાર વિચાર કરવો. જેમ કે સલ્લુ મિયાંને એસએમએસમાં વિવેક ઓબેરોયે શું લખ્યું હતું એ ન પૂછાય. અમારા પ્રિય જમરૂખ એટલે કે એસઆરકેને એક્ટિંગ એટલે શું એ ન પૂછવું. આલિયા ભટ્ટને ગાયને કેટલા પગ હોય છે એ પણ ન પૂછવું. એની ગાય બે પગવાળી પણ નીકળે. વિરાટ કોહલીને વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનનું કારણ ન પૂછાય. ચેતન ભગતને ડાન્સ કેટલાં પ્રકારનાં હોય એ ન પૂછાય. માધુરીને એ ફોટા પડાવવા તથા વોટર પ્યુરીફાયર અને વાસણ માંજવાનો પાવડર વેચવા સિવાય બીજું શું કામ કરે છે એ ન પૂછાય. છેલ્લે ડૉ. નેને ઇન્ડીયામાં શું કરે છે એ પણ ન પૂછાય.

બીજા કોને શું ન પુછાય? દરમાં આંગળી નાખી દીધા પછી ‘આ કોનું દર છે?’ એ ન પૂછાય. કામવાળાને કેટલા ઘેર કામ કરે છે એ ન પૂછાય. પાડોશીને વર્ષે કેટલા ઘઉં ભરો છો એ ન પૂછાય. કવિને ઘર કઈ રીતે ચલાવો છો એ ન પૂછાય. લેખકને તમે કયા લેખકને વાંચો છો, એ ન પૂછાય. ડોકટરોને વિદેશ પ્રવાસનો ખર્ચો કોણે સ્પોન્સર કર્યો તે ન પૂછાય. નેતાને પાંચ વરસ ક્યાં હતાં એ ન પૂછાય. ઉદ્યોગપતિને ગડબડવાળી ફાઈલ કઈ રીતે પાસ કરાવી એ ન પૂછાય. પોલીસવાળાને અનાજ-કરિયાણા અને શાકભાજીના ભાવ ન પૂછાય. મજનુંને હાડકા કેમ કરતાં ભાંગ્યા એ ન પૂછાય. વિદ્યાર્થીને કઈ રીતે પાસ થયો એ ન પૂછાય. પત્નીને બહારગામથી ફોન કરીને તારા માટે શું લાવું એમ ન પૂછાય. પતિને ‘તને ભૂખ લાગી છે?’ એવું ન પૂછાય. યુવાન છોકરીને કોનો ફોન હતો એ ન પૂછાય. છોકરાને કેટલી છોકરીઓએ રીજેક્ટ કર્યો છે એ ન પૂછાય. સૌથી છેલ્લે બેંગકોક રીટર્નને ત્યાં શું કરી આવ્યો એ ન પૂછાય.

મસ્કા ફન
નાતની વાડીમાં ડી.જે. નાઇટ ન કરાય.

14755

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s